લખાણ પર જાઓ

મામેરૂં/કડવું ૧૨

વિકિસ્રોતમાંથી
← કડવું ૧૧ મામેરૂં
કડવું ૧૨
પ્રેમાનંદ
૧૬૮૩
કડવું ૧૩ →


'કડવું ૧૨ મું. - રાગ સારંગ.

ઠાલિ છાબમાં કાગળ ધરિ, નરસિંહ મહેતે સમર્યાં હરિ
વેરાગી સર્વ પુઠે ગાય, નાગરને મન કૌતક થાય.
વાંકા વચન બોલે વેદિયા, મેહેતો માધવમાં ભેદિયા;
જુઓ છાબમાં મૂક્યું સાર, ઓ દિસે કમખાની હાર.
તે બોલ અંતર નવ ધરે, મહેતો સ્તુરિ માધવની કરે;
જય દામોદર બાલમુકુન્દ, નરકનિવારણ નંદાનંદ.
વિશ્વેશર વૃન્દાવનચંદ, દેવકિનંદન આનંદકંદ;
ગોપિનાથ ગોવિંદ ગોપાળ, અનાથબંધુ દીનદયાળ.
હું સેવકની લેજો સંભાળ, મોસાળાંની કરજો ચાલ;
મુખે કીર્તન હાથે તાળ, નાત્ય નાગરી બોલે આળ.
છે દોહેલો લોકાચાર, લજ્જા રાખજો આણીવાર;
મારો શેઠ તું નંદકુમાર, શું કરશે પાપી સંસાર.

<poem>
તમો પ્રતિપાળો પોતાના દાસ, માટે મુજને છે વિશ્વાસ;

અંબરીષનો નિવાર્યો ત્રાસ, તમે ભોગવ્યા છે ગર્ભવાસ. લીધો મચ્છતણો અવતાર, શંખાસુરનો કીધો સંહાર; કચ્છપરૂપ ધર્યું મોરાર, ચૌદ રત્ન મથી કાઢ્યાં બહાર. માર્યો હિરણ્યાક્ષ મહા પાપી, ધરણી સ્થિર કરીને સ્થાપી; અજામેલ સરખો મહા પાપી, પુત્રને નામે પદવી આપી. પ્રહ્લાદની દોહલી જાણી વેળા પરમેશ્વર પ્રગટ થયા વહેલા; ધ્રુવનો જન્મમરણ ભય હર્યો, અવિચળ પોતા સરખો કર્યો. પોપટ પઢાવતી પુંશ્ચલી, વૈમાને બેશી વૈકુંઠ પળી; તમો ઉચ્છિષ્ટ આરોગ્યા બદરી, તો પરમ ગતિ પામી શબરી. લગાર ચરણ નમાવ્યું શીશ, વિભીષણ કીધો લંકાધીશ; તાર્યો કુટુંબ સહિત તે માછી, નવ પામ્યો જન્મ પીડા પાછી. છો દોહેલી વેળાના સાથી, તમે ગ્રાહથી મૂકાવ્યો હાથી; બટુક વેષ થયા વામન, જાતું રાખ્યું ઈંદ્રાસન. પ્રભુ પાંચાલિનું દુઃખ જાણ્યું, પૂર્યાં ચીર નવસેં નવાણું; કૌરવથી જિતાડ્યો પારથ, કુરૂક્ષેત્રમાં હાંક્યો રથ. રુક્‌માંગદ તાર્યો સંસાર, હરિશ્ચંદ્રની કીધી વાર; શંખ પૂજતો રાજકુમાર, ચંદ્રહાસ રાખ્યો ત્રણ વાર. તમે સુધન્વા બળતો રાખ્યો, જો પિતાએ કઢામાં નાંખ્યો; વહેરાતાં નવ રોયો રજ, મુક્તિ પામ્યો મુરધ્વજ. ખાંડવ વન ખગ લીધાં રાખી, ગજઘંટા તે ઉપર નાંખ્ખી; વિદુરની આરોગ્યા ભાજી, તેની પ્રીતે થયા તમો રાજી. સુદામાના લેઈ તાંદૂલ, નવનિધ, આપી તે અમૂલ્ય; મદ માધવાના મનનો હર્યો લીલાએ ગોવર્ધન ધર્યો. દાવાનળ પીધો જદુરાય, બળતાં રાખ્યાં ગોપી ગાય; કુબ્જાની તમે લીધી અર્ચા, તમે લોકતણી સહિ ચર્ચા. અનાથબંધુ દીનદયાળ, હું સેવકની લેજો સંભાળ; તમો છો દામોદર દક્ષ, હું સરખા સેવક છે લક્ષ. મારે એક તમારી પક્ષ, પરમેશ્વર થાજો પ્રત્યક્ષ;

મારે માથે દુઃખના વૃક્ષ, તેથી લાજે તમારો પક્ષ.

ધનવત છે નાગરી ન્યાત, તેમાં દુર્બળ મારી જાત્ય;
દુઃખે દુભાષે તેત્રીસ ક્રોડ, કલ્પવૃક્ષને લાગે ખોડ.
શોભા વૈષ્ણવની જો ગઇ, કળા તમારી ઝાંખી થઈ;
મુને સગાં થઇ લાગ્યાં જમ, તમને નિદ્રા આવે ક્યમ.
સગાં સૌ બેસાડ્યાં આણી, પુત્રીના કરમાંહિ પિગાણી;
છે કંકુવોણી કંકાવટી, પુત્રીને થાએ ચટપટી.
મધ્યાહ્ન ઉપર થઇ બે ઘટી, વહેલા આવો વેળા વટી;
કુંવરબાઇ તારે આશરે, હું દુર્બળથી અર્થ ન સરે.
શું સૂતો વૃંદાવન માંય, ત્યાં શું રાધાજી ચાંપે પાય;
લલિતા વિશાખા ચંદ્રાવળી, તને ઉત્તમ નારી કો મળી.
રંગમાં જો રે જાદવપતિ, સાંભળ સેવકની વીનતિ.
કબીરને જેમ કરુણા કરી, સમયે દર્શન દીધું હરિ;
ભક્ત એક દામોદરજી, તેનું પય પીધું તમે હરજી.
ત્રિલોચનનું મહા દુઃખ હર્યું, સેવક થઇને પાણી ભર્યું.
અભયદાન કોળીને દીધું, મીરાંબાઇ તણું વિષ પીધું.
શેના માટે નાપિક થયા, વપન કરવાને પ્રભુજી ગયા;
હું તમને કદી નવ સંભારતો, લાવતો ઘાસ મહિષી ચારતો.
નવ જાણતો ધોળાપર કાળો, ભાભીએ મને કીધો ગોવાળો;
સદાશિવે મને કીધો દાસ, દેખાડ્યો મને અખંડ રાસ.
મેં જોયો તમારો વિલાસ, તેવો મેં કીધો અભ્યાસ,
લોક બોલે મને ઉપહાસ, મારે મન તારો વિશ્વાસ.
બોલાવિએ પોતાનો કહી, તેને ત્રિકમ તજિએ નહીં;
ખીચડો જમવા આવ્યા નાથ, હું માટે કીધા પંચ હાથ.
હું મધ્ય રાતે તરશ્યો જાણી, ઝારી લઇને પાયું પાણી;
મને સાચો કીધો કોટી વાર, હુંડી શિકારી શ્રીમોરાર.
તમો તે રીતે મોસાળું કરો, ઠાલી છાબ સોનૈએ ભરો;
જો નહિ આવો સુંદરશ્યામ, તો નગર સાથે છે કામ.

વલણ
નાગર સાથે કામ છે, સમજી લેજો વાત રે;
સુણી નરસૈંની વિનતી, ઉઠી ધાયા વૈકુંઠનાથરે.