મામેરૂં/કડવું ૧૪

વિકિસ્રોતમાંથી
← કડવું ૧૩ મામેરૂં
કડવું ૧૪
પ્રેમાનંદ
૧૬૮૩
કડવું ૧૫ →


કડવું ૧૪મું - રાગ મારુ.

મહેતે તેડાવી દીકરી, આ છાબ જુઓ સોનૈએ ભરી;
પહેરાવો સહુ નાત નાગરી, આવો અવસર નહિ આવે ફરી.
કંકાવટી કરમાં ધરી, સાસુ પાસે વહુ સંચરી;
હાંકીને ગર્વે ઓચરી, જુઓ છાબ સોનૈએ ભરી.
વૈષ્ણવ કહીને દેતાં ગાળ, એ શું મોસાળું કરશે કપાળ;
તમો નિંદતાં તુળસી ને તાળ, તેણે વશ કીધા ગોપાળ.
જુઓ કમાઇ દુર્બળતણી, જીવે છે હરિના ગુણ ભણી;
જો લખ્યાથી આશા હોય ઘણી, તો માગી લેજો પહેરામણી.
સાંભળી કુંવર વહુની વાણી, સાસુએ તેડ્યાં ગોર ગોરાણી;
પૂજ્યા પાગ કરમાં પિંગાણી, આઠ વસ્ત્ર આપ્યાં તેને આણી.
પછે નાગરની ભીડ ઘણી ભાળી, પછેડીની પલવટ વાળી;
આવ્યા છાબ પાસે વનમાળી, છોડે ગાંઠ આપે વસ્ત્ર ટાળી.
મહેતાજી કહે લ્યો દીકરી, સસરાને આપો પામરી;
ગડી જરકશી વાઘાની કરી, હેમ સાંકળી ઉપર ધરી.
એ વરના મુખ આગળ ધરો, નીચું જોઇને પાછાં ફરો.
પહેરામણી મનગમતી કરો, રખે પગલું પાછું ભરો.
સજોડે તેડ્યાં જેઠજેઠાણી, આઠે વસ્ત્ર ત્યાં આપ્યાં આણી;
પ્રીતે પૂજ્યાં દીયર દેરાણી, બુસટિયો તવ બોલ્યાં વાણી.
જ્યાં નરસૈયો ત્યાં નવ નીધ, દીયરિયો બેઠો હર કીધ;
પંચ મોર સોનાની લીધી, પછી પહેરામણી ચાલતી કીધી.

પહેરામણી નણદીએ અટકાવી, કુંવર બાઈ પિતા કને આવી;
બે તોલાની રાખડી લાવી, દશ તોલા આપી સમજાવી.
આપ્યા સાસુને સોળ શણગાર, પહેરાવી કીધો નમસ્કાર;
તવ કોપ્યાં વડ સાસુ અપાર, સર્વ કુટુંબનો કીધો તીરસ્કાર.

વલણ.
તિરસ્કાર કીધો ડોસીએ, હવે પહેરામણી પહેરું નહીંરે;
વડી વહુઅર આગળ થઈ, ને હું ઘરડી બેશી રહીરે.