મામેરૂં/કડવું ૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મામેરૂં
કડવું ૨
પ્રેમાનંદ
૧૬૮૩
કડવું ૩ →કડવું ૨ જું.-રાગ ધન્યાશ્રી.

અદ્‌ભુત લીલા રાસ વિરાજેજી, દર્શન કીધે ભવદુઃખ ભાજેજી;
ગોપિકા ગાય વાજિંત્ર વાજેજી, મહા સુખ દીધું શિવ મહારાજેજી.

ઢાળ.

મહારાજ શિવ મહારાજજીએ, ગ્રહ્યો મહેતાનો હાથ;
તે સદાશિવને દેખીને, સામા આવ્યા વૈકુંઠનાથ.
હરિ હર હરખીને મળ્યા, નમી ગોપી શિવને પાય;
નરસૈંયો જ‌ઇ નમ્યો નાથને, તવ પૂછે ગોકુળરાય.
કહો સદાશિવ આ કોણ છે, તમે દેખાડ્યો આ ઠામ;
મહાદેવ કહે એ દાસ તમારો, વિપ્ર નરસિંહ નામ.
ભક્તિ ઇચ્છે તમારી, કીર્તન કરે ગુણ ગાય;
કરુણા કરો શ્રીકૃષ્ણજી, તવ બોલ્યા વૈકુંઠરાય.
હાથ ગ્રહી તમે તેડી લાવ્યા, સદાશિવ ભગવાન;
એ નરસૈંયો મેં ભક્ત કીધો, ઉદ્ધવ વિદુર સમાન.
મસ્તક ઉપર હાથ મૂકી, કહે શ્રીગોપાળરે;
દુઃખ વેળા મને સંભારજે, હું ધાઇ આવીશ તત્કાળ.
કરજે તું કીર્તન ભક્તિ મારી, તરીશ ભવસંસાર;
આ દીઠી તેવી લીલા ગાજે, કેવળ રસ શણગાર.
પછી રાસમંડળતણી રચના, દેખાડી તેણીવાર.
નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા, સ્વામી શ્રીત્રિપુરારીરે.
રખે લોકાચાર મનમાંહિ ગણતો, મસ્તક સાટે ભક્તિ;
રાધાકૃષ્ણનો વિહાર ગાજે, જુએ તેવી જુક્તિ.
અંતર્ધ્યાન થયા એમ કહિને, ભોળા શંકર દેવ;
પળ માત્રમાં નરસૈંને મૂક્યો, જુનેગઢ તતખેવ.
થઇ નરસૈંયાની નિર્મળ વાણિ, કવિ શક્તિ ભક્તિ અપાર
રાધાકૃષ્ણશું રંગ લાગ્યો, ગણે તૃણવત સંસાર.
પછી તાલ વાતા ગીત ગાતા, પધાર્યા પુરમાંય;
નરસિંહ મહેતો જ‌ઇને નમિયા, ભાભીકેરે પાય.
તમને ગોરાણી મેં પ્રમાણી, હુંને કહ્યું કઠણ વચન;
હરિ હર બંને મુજને મળ્યા, તે ભાભી તમારું પુણ્ય.


વલણ.
પુણ્ય તમારું માત મારી, મને મળ્યા શ્રીપરિબ્રહ્મરે;
છે સાધવી સ્ત્રી મહેતાતણી, પછી માંડ્યો ગૃહસ્થાશ્રમરે.