મારાં ભાગ્ય ફળ્યાં રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

આજ મારે સાધુજનોનો સંગ રે રાણા,
મારાં ભાગ્ય ફળ્યાં રે આજ ... (ટેક)

સાધુજનોનો સંગ જો કરીએ પિયાજી,
ચડે તે ચોગણો રંગ રે ... મારાં ભાગ્ય ફળ્યાં.

સાકુટ જનનો સંગ ન કરીએ પિયાજી
એ તો પાડે ભજનમાં ભંગ રે ... મારાં ભાગ્ય ફળ્યાં.

અડસઠ તીરથ સંતોને ચરણે પિયાજી,
કોટિ કાશી ને કોટિ ગંગ રે ... મારાં ભાગ્ય ફળ્યાં.

નિંદા કરશે તે તો નર્કમાં જાશે પિયાજી,
થાશે આંધળાં અપંગ રે ... મારાં ભાગ્ય ફળ્યાં.

મીરાં કહે ગિરિધરના ગુણ ગાયો પિયાજી,
સંતોની રજમાં શિર સંગ રે ... મારાં ભાગ્ય ફળ્યાં.