મારે જાવું હરિ મળવાને

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

માછીડા હોડી હંકાર, મારે જાવું હરિ મળવાને,
હરિ મળવાને, પ્રભુ મળવાને ... માછીડા હોડી હંકાર.

તારી હોડીને હીરલે જડાવું, ફરતી મુકાવું ઘૂઘરમાળ,
સોનૈયા આપું, રૂપૈયા આપું, આપું હૈયા કેરો હાર ... મારે જાવું.

આણી તીર ગંગા ને પેલી તીર જમના, વચમાં વસે નંદલાલ,
કાલંદીને રે તીરે ધેનુ ચરાવે, વ્હાલો બની ગોવાળ ... મારે જાવું.

વૃંદાવનની કુંજગલીનમાં, ગોપી સંગ રાસ રમનાર,
બાઈ મીરાં કહે ગિરિધર નાગર, કૃષ્ણ ઉતારો પેલે પાર ... મારે જાવું.