મારો કર ધરની, હરિવર…

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

મારો કર ધરની!
ડગમગ પગ મુજ ડોલે, હરિવર!
બળ અંતર ભરની! મારો.

થયા પ્રકાશ પ્રગટ તુજ ત્યારે,
રહ્યું હ્રદય મુજ સૂતું;
ભમ્યો ભટકતો અંધારે હું,
થયું થવાનું હુંતું.

કાળ વીત્યો ને ઉઘડી આંખો
ગઈ સપનાંની માયા;
સૂકાં સરવર દેખી તીર પર
હંસ પછાડે કાયા.

ઝળતા સૂરજ લાગે ઝાંખા,
જોઈ જોઈ આંખો ચોળું;
ચંદ્રે અગન ઝરે ને તારા
લાગે ભૂતડાં ટોળું.

પાછળ ઉંચી આડ કરાડો,
આગળ ઉંડી ખીણો,
હરિવર! મારો કર ધર, હું તો
જુગજુગનો બળહીણો;

એકલડો થળથળ હું અથડું,
પળપળ અદ્દલ દુભાતી;
પકડું તારી પાંખડી હરિ! ત્યાં
ગજગજ ફૂલે છાતી.

ડગમગ પગ મુજ ડોલે, હરિવર!
બળ અંતર ભરની!
મારો કર ધરની!