મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : ડિરેક્ટરની મુલાકાત

વિકિસ્રોતમાંથી
← અનુભવ ત્રીજો : દરોગા સાથેનો સંબંધ મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો  : ડિરેક્ટરની મુલાકાત
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : હાથબેડી →


ડિરેક્ટરની મુલાકાત.

પ્રિટોરિયા મને પહોંચાડ્યો તેની શરૂઆતમાંજ ખસૂસ પરવાનગી મેળવી મિ. લિચિનસ્ટાઇન મને મળ્યા હતા. તે આવેલા માત્ર ઑફિસના કામને સારૂ પણ મને કેમ છે વિગેરે સવાલો તેણે પૂછ્યા. આનો જવાબ દેવા હું નારાજ હતો. પણ તેણે દાબીને પૂછ્યું તેથી મેં કહ્યું "હું બધું તો નથી કહેતો પણ આટલું કહું છું કે મારા ઉપર ઘાતકી વર્તણૂંક ચાલે છે. આમ ફરી જનરલ સ્મટ્ર્સ મને પાછો હઠાવવા માંગે છે પણ તેતો થવા કાળ નથી. જે દુઃખ પડશે તે સહન કરવા તૈયાર છું. મારૂં મન શાંત છે. આ તમે જાહેરમાં ન મૂકશો. બહાર નીકળ્યા બાદ હું પોતે બધું દુનિયાને જાહેર કરીશ." મિ. લિચિનસ્ટાઇને આ હકીકત મિ. પોલાકને જણાવી. મિ. પોલાકથી ન જીરવાયું અને તેણે બીજાઓને વાત કરી. તેમાંથી ડૅવિડ પોલોકે લૉર્ડ સેલ્બોર્નને લખ્યું, ને તપાસ ચાલી. આ ઉપરથી ડિરેક્ટર મને મળવા આવ્યા, તેને મેં ઉપરનાજ શ્બ્દો જણાવ્યા. વિશેષમાં જણાવી ગયો છું તે ખામીઓ બતાવી. તે ઉપરથી દશેક દહાડા બદ મને સૂવાનું પાટિયું ઓશિકું, તથા રાતના પહેરવાનું ખમીશ તથા નાક લૂછવાનો રૂમાલ મોકલ્યાં. તે મેં લીધાં. આ વિષે મેં લખાણ રજુ કર્યું છે તેમાં જણાવ્યું છે કે ઉપર પ્રમાણે બધા હિન્દીને હાજત રહે છે. ખરૂં જોતાં સૂવા બેસવા બાબત ગોરાઓ કરતાં હિન્દી વધારે કોમળ છે. તેને ઓશિકા વિના ચલાવવું મુશ્કેલ છે.

એટલે ખાવાની તથા ખુલી હવામાં કામ કરવાની સગવડ ઉપર પ્રમાણે વધી પણ નસીબ બે ડગલાં આગળજ. પાટિયું માંકડોથી ભરપૂર હતું. તેથી તે તો મેં દસેક દિવસ ન વાપર્યું. છેવટે વડા દરોગાએ તે દુરસ્ત કરાવ્યું એટલે વાપરવું શરૂ કર્યું. દરમિયાન મને તો ભોંય ઉપર કામળી નાખી સૂવાની ટેવ પડી ગઈ હતી. એટલે પાટિયાથી કંઇ ફેરફાર જણાયો નહિ. ઓશિકાની ગેરહાજરીમાં મારી ચોપડીઓનો ઉપયોગ કરતો એટલે તે મળવાથી પણ કંઇ વિશેષ તફાવત ન પડ્યો.