મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : દરોગા સાથેનો સંબંધ

વિકિસ્રોતમાંથી
← અનુભવ ત્રીજો : કામની બદલી મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો  : દરોગા સાથેનો સંબંધ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : ડિરેક્ટરની મુલાકાત →


દરોગા સાથેનો સંબંધ.

ઉપર જણાવી ગયો કે મારો ઉપરી દારોગો કંઇક કડક વર્તણૂંક ચલાવતો. આમ લાંબું નહિ ચાલ્યું જ્યારે તેણે જોયું કે હું સરકારની સામે તો ખોરાક વિગેરે બાબત લડ્યા કરૂં છું, પણ તેના બધા હુકમ ઉઠાવું છું ત્યારે તેણે ઢબ ફેરવી અને મને જેમ ફાવે તેમ કરવા દે. એટલે કે જાજરૂ, નહાવા વિગેરેની અડચણ દૂર થઇ. વળી પોતાનો હુકમ મારી ઉપર ચાલી શકે છે એમ ભાગ્યે જ જણાવા દે. તે દારોગાની બદલીમાં બીજો આવ્યો તે તો બાદશાહ હતો. મને ઘટતી સગવડ આપવા તેની કાળજી રહેતી. તે કહેતો કે " જે માણસ પોતાની કોમને સારૂ લડે છે તેને હું ચાહું છું. હું પોતે લડવાવાળો છું તને હું કેદી ગણતો નથી." આમ ઘણી આસાયેશની વાતો કરતો.

વળી થોડા દહાડા બાદ મને અરધો કલાક સવારે ને તેટલોજ વખત સાંજે આંટા મારવાને જેલની ફળીમાં કાઢતા. તે કસરત જ્યારે બહાર બેસીને કામ કરવાનું થયું ત્યારે પણ જારી હતી. આ ધારો જે કેદીને બેસીને કામ કરવાનું હોય છે તે બધાને લાગુ પડે છે.

વળી જે બાંકડીની મને ના પાડેલી તે બાંકડી તેની મેળે વડા દરોગાએ થોડા દહાડા બાદ મોકલી હતી. દરમિયાન જનરલ સ્મટ્રસ તરફથી બે ધર્મનાં પુસ્તક મને વાંચવા મળ્યાં હતાં તે ઉપરથી મેં અનુમાન કર્યું કે મારી ઉપર જે દુ:ખ પડ્યું તે કંઇ તેના ફરમાનથી નહિ; પણ તેની તેમજ બીજાઓની બેદરકારીને લીધે તથા આપણને કાફરાઓમાં ગણે છે તેને લીધે. એટલું તો ચોકસ જણાયું, કે મારાથી કોઇની સાથે વાતચિત ન થઇ શકે એજ મને એકલો મૂકવાનો હેતુ હતો. કેટલીક મહેનતે મને સીસાપેન તથા નોટબુકની પણ પરવાનગી મળેલી.