મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ બીજો : જેલ ન જવું કે જવું? મારો જેલનો અનુભવ
અનુભવ પહેલો : પ્રસ્તાવના
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : ત્રણ માસની સજા →


અનુભવ ત્રીજો.

પ્રસ્તાવના.

જ્યારે ફેબ્રુઆરીની પચીસમી તારીખે મને ત્રણ માસની સખત મજૂરીની જેલ મળી અને મારા જેલી ભાઈઓને તથા મારા દિકરાને હું વોકસર્સ્ટની જેલમાં ભેટ્યો ત્યારે હું ધારતો ન હતો કે આ ત્રીજી જેલની જાત્રા વિષે મારે બહુ કહેવા કે લખવા જેવું રહેશે. પણ તે મારી ધારણા માણસની ઘણી ધારણાઓની જેમ ખોટી નીવડી છે. આ વખતે મને જે અનુભવ મળ્યો છે તે ઓર જ છે. તેમાંથી જે હું શીખ્યો છું તેટલું વરસોના અભ્યાસથી શીખાત નહિ. એ ત્રણ માસ હું અમૂલ્ય ગણું છું. તે ટૂંક મુદ્દતમાં સત્યાગ્રહના આબેહૂબ ચિતારો મને ઘણા મળ્યા છે, અને ત્રણ માસ પહેલાં હું હતો તેના કરતા આજે વધારે ભળવાન સત્યાગ્રહી છું એમ માનું છું. આ બધાને સારૂ મારે અહિંની (ટ્રાંસવાલની) સરકારનો ઉપકાર માનવો ઘટે છે.