મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : વાંચન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ ત્રીજો : સહન કરવામાં સાર છે મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો  : વાંચન
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : ફ્રેંચ વિપ્લવ →


વાંચન.

મારા દુઃખની અથવા તો સુખની અથવા બન્ને કહાણી તો હવે પૂરી થઈ ગણાય. પણ ત્રણ માસમાં મને ઘણા લાભો મળ્યા તેમાં મોટા લાભોમાંનો એક લાભ, વાંચવાની તક મળી તે પણ ખરો; મારે કબૂલ કરવું જોઈએ, કે પ્રથમ ભાગમાં હું કંઈક વિચારમાં ઉતરી જતો, દુઃખથી કંટાળતો. વળી મન વાળું ને વળી વાંદરાની માફક મન તરફડીઆ મારે. આવે સમયે ઘણીવાર માણસો ઘેલા જેવા થઈ જાય છે. મારા પુસ્તકોએ મારો બચાવ ભારે કર્યો. હિંદી ભાઈઓના સમાગમની ખોટ બહુ ભાગે પુસ્તકોએ પૂરી પાડી. મને હંમેશા લગભગ ત્રણ કલાક વાંચવાના મળતા. સવારનો એક કલાક મળતો ત્યારે હું ખાતો નહિ એટલે તે બચે. સાંજના તો વળી થાક્યો ન હોઉં ત્યારે બત્તી થયા પછી પણ વાંચતો. શનિવારે તથા રવિવારે તો પુષ્કળ વખત રહે. આ દરમ્યાન લગભગ ત્રીસ ઉપરાંત પુસ્તકો વાંચ્યાં ને કેટલાંક વિચાર્યાં. તેમાં અંગ્રેજી પુસ્તકો, હિંદી, ગૂજરાતી, સંસ્કૃત અને તામીલ એમ હતાં. અંગ્રેજી પુસ્તકોમાં જાણવા જેવાં ટોલ્સટોયનાં, એમર્સનના તથા કાર્લાઈલના ગણું છું. પહેલાં બે ધર્મ સંબંધી હતાં. આની સાથે બાઈબલ પણ મેં જેલમાંથીજ લીધું હતું. ટોલ્સટોયનાં લખાણ ગમે તે ધર્મ માનનારો માણસ વાંચીને લાભ લઈ શકે એવાં સરસ અને સરળ છે. વળી તે માણસ જેમ કહે તેમ કરનાર છે, એટલે તેના લખાણ ઉપર સાધારણ રીતે વધારે ભરોસો રહી શકે છે.