મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : સહન કરવામાં સાર છે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ ત્રીજો : હાથબેડી મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો  : સહન કરવામાં સાર છે
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : વાંચન →


સહન કરવામાં સાર છે.

ઉપર જે હકીકત હું આપી ગયો છું, તેમાંની કેટલીક નજીવી ગણી શકાય પણ તે બધી વિસ્તારમાંથી આપવાનો હેતુ એ છે કે નાની મોટી બધી બાબતોમાં સત્યાગ્રહ લાગુ પડી શકે છે. છોટા દરોગાઓએ આપેલી શરીરની અડચણો મેં કબુલ રાખી તેનો અંત એ આવ્યો કે મારૂં મન શાંત રહ્યું. એટલુંજ નહિ, પણ તેજ અડચણો તે લોકોએ દૂર કરી. જો હું સામે થાત તો મારૂં મનોબળ વેરાઈ જાત ને મારે જે મોટાં કામો કરવાનાં હતાં તે ન થઈ શકત તથા તે દરોગા મારા શત્રુ જેવા થઈને રહેત.

ખોરાકની બાબતમાં ટેક રાખવાથી ને શરૂઆતમાં દુઃખ સહન કરવાથી તે અડચણ પણ દૂર થઈ. તેમજ ઝીણી બાબતોમાં સમજી શકાય તેવું છે.

પણ મોટામાં મોટો લાભ તો એ થયો કે શરીરનું દુઃખ સહન કરવાથી મારા મનનું બળ ઘણુંજ વધેલું હું ચોકખી રીતે જોઈ શકું છું. હું માનું છું કે ગયા ત્રણ માસનો લાભ મને ઘણોજ મળ્યો છે ને આજે હું વધારે દુઃખો સહેલથી ઉઠાવવા તૈયાર થઈ રહ્યો છું. એમ જોઉં છું કે સત્યાગ્રહને હંમેશાં ઈશ્વરની સહાય છે. અને સત્યાગ્રહીની કસોટી કરતાં પણ તે જગતનો કર્તા સહન થઈ શકે તેટલોજ બોજો મૂકતો જાય છે.