મારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : કેટલાક નિયમો

વિકિસ્રોતમાંથી
← અનુભવ પહેલો : રહેઠણ મારો જેલનો અનુભવ
અનુભવ પહેલો : કેટલાક નિયમો
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ પહેલો : તપાસ →


કેટલાક નિયમો.

જેલના કેટલાક નિયમો સૌને જાણવા જેવા છે. સાંજના પાંચ વાગે કેદીઓને પૂરી દેવામાં આવતા હતા. રાતના આઠ વાગ્યા બાદ સૌને ઉંઘી જવાની ફરજ છે, એટલે જો ઉંઘ ન આવે તો પણ પડ્યા રહેવું જોઈએ. આઠ વાગ્યા પછી માંહોમાંહે વાત કરવી એ કેદના ધારાનો ભંગ ગણવામાં આવે છે. કાફર કેદીઓ આ ધારો બરાબર સાચવતા નથી, તેથી રાતના પહેરેગીરો તેઓને ચૂપ રાખવાને સારૂ "ઠુલા ઠુલા" કહી દિવાલો ઉપર લાકડીઓ ઠોક્યા કરે છે. કોઇપણ કેદીને બીડી પીવાની સખત મનાઇ હોય છે, આ નિયમ ઘણી સાવચેતીથી જાળવવામાં આવે છે. પણ હું જોતો હતો કે બીડીના બંધાણી કેદી તે નિયમનો ભંગ છૂપી રીતે કરતા હતા. સવારના સાડા પાંચ વાગે ઉઠવાનો ઘંટ વાગે છે. તે વખતે દરેક કેદીએ ઉઠી હાથ મ્હોં ધોઇ નાખવાં જોઈએ, તથા પોતાની પથારી સંકેલવી જોઇએ. સવારના છ વાગે કોટડીનો દરવાજો ખોલવામાં આવે છે, જે વેળા દરેક કેદી પોતાની સંકેલેલી પથારી પાસે અદબસર ઉભેલો હોવો જોઈએ. રખેવાળ આવીને દરેક કેદીને ગણી જાય છે, તેજ પ્રમાણે કોટડી બંધ કરતી વખતે દરેક કેદીને પોતાની પથારી પાસે ઉભા રહેવાનો ધારો છે. કેદખાના સિવાયની કોઇ વસ્તુ કેદીની પાસે નહિ હોવી જોઈએ. કપડાં સિવાયની જે કાંઈ વસ્તુ હોય તે ગવર્નરની પરવાનગી વિના રાખવાની મનાઇ છે. દરેક કેદીના પહેરણ ઉપર એક બટન ઉપર ટાંકેલી કોથળી હોય છે, તેમાં કેદીની ટિકીટની ઉપર તેનો નંબર તેની સજા, તેનું નામ વિગેરે નોંધેલાં હોય છે. દિવસના સાધારણ નિયમ પ્રમાણે કોટડીમાં રહેવાની બંધી હોય છે. મજૂરીવાળા કેદી તો કામ પર હોય એટલે રહી જ ન શકે, પણ વગર મજૂરીના કેદી પણ કોટડીમાં રહી શકતા નથી, તેઓને ફળિયામાં જ રહેવું જોઇએ છીએ. અમારી સગવડ સારૂં ગવર્નરે એક ટેબલ તથા બે બાંકડા કોટડીમાં મૂકવાની પરવાનગી આપી હતી અને તે બહુ ઉપયોગી થઇ પડ્યાં હતાં.

દરેક કેદીના વાળ તથા મૂછ જો બે મહિનાનો સજાદાર હોય તો કાપવાનો ધારો છે. આ ધારો હિન્દીની સામે જોરથી લાગૂ પાડવામાં આવતો નથી. જો કોઈ આનાકાની કરે તો તેની મૂછ રહેવા દે છે. આ વિષે મને હસવા લાયક અનુભવ થયો. હું પોતે જાણતો હતો કે કેદીઓના વાળ કાપવામાં આવે છે. વળી એમ પણ ખબર હતી કે વાળ કાપવાનો તથા મૂછ કાપવાનો નિયમ તે કેદીઓના સુખને સારૂં છે, નહિ કે તેઓને હલકા પાડવાને ખાતર. હું પોતે માનું છું કે આ નિયમ બહુ જરૂરનો છે. કેદની અંદર વાળ સાફ કરવાનો દાંતીઓ વિગેરે સાધન હોતાં નથી. વાળ જો સાફ ન રખાય તો ગુમડાં વિગેરે થવાનો સંભવ છે. વળી ગરમી હોય તો વાળ અસહ્ય થઈ પડે છે. કેદીઓને અરીસો વાપરવા મળતો નથી, તેથી મૂછ ગંદી રહેવાનો સંભવ છે. ખાતી વખતે રૂમાલ તો હોય નહિ. લાકડાનો ચમચો ખાવામાં અગવડ ઉપજાવે છે. લાંબી મૂછ હોય તો ખોરાક મૂછને વળગે છે. વળી કેદીઓનો બધો અનુભવ લેવાનો મારો વિચાર હતો, તેથી મુખી દારોગા પાસે મારા વાળ તથા મૂછ કાપવાની મેં માંગણી કીધી. તેણે કહ્યું : "ગવર્નરની સખત મનાઈ છે" મેં કહ્યું, "હું જાણું છું, કે ગવર્નર મને ફરજ પાડવા નથી માંગતા, પણ હું મારા વાળ અને મૂછ મરજીયાત કપાવવા ઇચ્છું છું." તેણે ગવર્નરની પાસે અરજી કરવા સૂચના કીધી. બીજે દહાડે ગવર્નરની પરવાનગી મળી. પણ તેણે કહ્યું, હવે તો બે મહિનામાંથી બે દિવસ તમારા ગયા એટલે તમારા વાળ ને મૂછ કાપવાનો મને હક નથી. મેં કહ્યું, તે વાત હું જાણું છું, પણ મારી સુખાકારી ખાતર અને મારી મરજીથી હું કાપવા માંગુ છું, છતાં તેણે હસીને આનાકાની કરી. પાછળથી માલુમ પડ્યું, કે ગવર્નરે કંઇક શક અને ભય હતા. મારી આ માંગણીમાં કંઈ ભેદ તો ના હોય? પાછળથી ગવર્નરની ઉપર ઢોળીને જેલની બહાર નીકળી પરાણે વાળ મૂછ કપાવાનું તોફાન તો ન કરૂં? એમ તેને લાગ્યું. મેં તો મારી માંગણી હમ્મેશાં ચાલૂ રાખી, મરજીથી કાપવા માંગુ છું એવું લખિતવાર આપવાનું પણ કહ્યું, ગવર્નરનો શક દૂર થયો, અને છેવટે મને ઘોડાકાતર આપવાનો હુકમ મુખી દારોગાને કર્યો. મારી સાથેના કેદી મિ. પી. કે. નાયડુને હજામના કામની પૂરી વાકેફગારી હતી. મને પોતાને પણ થોડું ઘણું આવડે છે. મેં વાળ મૂછ કાપ્યા તે જોઇ તથા તેનું કારણ સમજીને બીજાઓએ પણ તેમ કર્યું. કેટલાકે માત્ર વાળ જ કપાવ્યા. મિ. નાયડુ તથા હું મળીને હમ્મેશાં બે કલાક હિન્દી કેદીઓના વાળ કાપવામાં ગાળતા હતા. હું માનું છું કે આથી સુખાકારી અને સગવડ વધ્યાં હતાં. તેથી કેદીઓનો દેખાવ સુઘડ લાગતો હતો. જેલમાં અસ્તરો વાપરવાની સખત મનાઈ છે, માત્ર ઘોડાકાતર વાપરવામાં આવે છે.