લખાણ પર જાઓ

મારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : રહેઠણ

વિકિસ્રોતમાંથી
← અનુભવ પહેલો : બીજા હિન્દી કેદી મારો જેલનો અનુભવ
અનુભવ પહેલો : રહેઠણ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ પહેલો : સફાઈ →


રહેઠણ.

અમને એક કોટડી સોંપવામાં આવી, તેમાં તેર માણસો રાખવા જેટલો માર્ગ હતો. તે કોટડીની ઉપર "કાળા કરજદાર કેદીઓ" એમ લખ્યું હતું, એટલે ઘણે ભાગે તે કોટાડીમાં દિવાની જેલ ભોગવનારા કાળા માણસોને રાખવામાં આવતા એમ થયું. તે કોટડીમાં હવા અને અજવાળાને સારૂં નાની સરખી બે બારીઓ હતી, તેને મજબૂત સળીયા જડ્યા હતા. એ વાટે જેટલી હવા આવતી હતી તે મારા હિસાબ પ્રમાણે બસ નહિ ગણાય, તે કોટડીની દિવાલો ટીનનાં પતરાંની હતી, તેમાં અરધા ઇંચ જેટલાં ત્રણ જગ્યાએ કાચ જડેલાં બાકોરાં હતાં, જેમાંથી જેલરો અન્દર કેદીઓ શું કરે છે તે છૂપી રીતે જોઈ શકે. અમારી કોટડીની પાસેજ જે કોટડી હતી તેમાં કાફર કેદીઓ હતા, તેની નજીક કાફર, ચીના કેપબોય સાક્ષીઓ હતા, જેઓને ભાગી ન જાય તેટલા સારૂ રાખવામાં આવ્યા હતા.

અમારે બધાને સારૂં દિવસના હરવા ફરવા સારૂં નાનું ફળિયું હતું, જેની આસપાસ દિવાલ હતી, ફળિયું એટલું બધું નાનું હતું કે તેમાં દિવસના હરવું ફરવું એ બહુ મુશ્કેલી જેવું થઈ પડ્યું હતું. તે લત્તાના કેદીઓથી તે ફળિયાની બહાર રજા વિના નીકળી શકાય જ નહિ એવો નિયમ હતો. ગુસ્લ કરવાનું તથા પાયખાના વિગેરેની સગવડ એ પણ તે ફળિયામાં આવી જતી હતી. ગુસ્લ કરવાને સારૂં પત્થરની બે મોટી કુંડીઓ હતી; અને વરસાદની જેમ નહાવાની બે ઝારી વાળી નળીઓ હતી. જાજરૂને સારૂ પણ બકીટ હતી. એબ ઢાંકીને છૂપી રીતે નાહી ધોઇ શકાય અથવા તો જાજરૂ જઇ શકાય એવી સગવડ ન હતી. જેલના ધારામાં પણ એવું હતું કે કેદીઓ અળગા રહી શકે તેવી રીતે જાજરૂની ગોઠવણ ન હોવી જોઈએ. તેથી ઘણી વેળા બે ત્રણ ક્દીઓને એક હારમાં બેસીને જાજરૂ જવું પડતું હતું. ગુસ્લ કરવાની સ્થિતિ તેવી જ હતી. પેશાબની બાકીટ પણ ખુલ્લી જગ્યામાં હતી, આ બધું પ્રથમ આપણને અણગમો ઉપજાવનારૂં લાગે. કેટલાકને તો તેથી ઘણું જ દરદ થાય તોપણ ઉંડો વિચાર કરતાં એમ જોઇ શકાય છે કે જેલખાનામાં આવી વસ્તુઓ ખાનગી રીતે ન બની શકે, અને જહેર રીતે કરતાં ખસૂસ એબ નથી તેથી ધીરજ રાખી એ ટેવ પાડવાની જરૂર છે, અને તેવી જાહેરાતથી ગભરાવવાનું કે કંટાળવાનું નથી.

કોટડીની અન્દર સૂવાને સારૂં લાકડાના ત્રણ ઈંચના પાયાવાળાં પાટિયાંની પથારી હતી. જણદીઠ બે કામળી અને નાનો સરખો તકિયો, તથા પાથરવા માટે વિંટી શકાય એવડી કાથાની સાદડી એટલાં હતાં. કોઇ વખત ત્રણ કામળી મળી શકતી હતી, પણ તે માત્ર મહેરબાની દાખલ. આવી કઠણ પથારી જોઈ કેટલાક ગભરાતા જોવામાં આવતા હતા. સાધારણ રીતે જેઓને પોચી પથારીમાં સૂવાની ટેવ હોય છે, તેને આવી કઠણ પથારી મુશ્કેલ લાગે. વૈદક શાસ્ત્રના નિયમ પ્રમાણે કઠણ પથારી એ વધારે સારી ગણાય છે. એટલે જો આપણે ઘેર પણ કઠણ પથારી વાપરવાનો રિવાજ રાખ્યો હોય તો જેલની પથારીનું દુઃખ જણાય નહિ. કોટડીમાં હંમેશા એક બાકીટ પાણી, તથા રાતના પેશાબ કરવા સારૂં એક બીજી બાકીટ થાળમાં મૂકવામાં આવતી હતી. કેમકે રાતના કોઇપણ કેદીથી કોટડીની બહાર નીકળી શકાય નહિ. દરેક જણને જેમ જોઇએ તેમ થોડોક સાબુ, એક ખાદીનો ટુવાલ તથા લાકડાનો ચમચો પણ આપવામાં આવ્યાં હતાં.