લખાણ પર જાઓ

મારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : સફાઈ

વિકિસ્રોતમાંથી
← અનુભવ પહેલો : રહેઠણ મારો જેલનો અનુભવ
અનુભવ પહેલો : સફાઈ બનાવી
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ પહેલો : કેટલાક નિયમો →


સફાઈ.

જેલખાનાની સફાઈ ઘણીજ સરસ ગણી શકાય. હંમેશા કોટડીની ભોંય જંતુનાશક પાણી વડે સાફ કરવામાં આવતી હતી. તેની કોરને દરરોજ ચૂનો લગાડવામાં આવતો હતો, તેથી કોટડી હંમેશા નવી જેવી રહેતી. ગુસ્લખાનું તથા પાયખાનું તે પણ સાબુથી અને જંતુનાશક પાણીથી હંમેશા સાફ રાખવામાં આવતાં હતાં. સફાઈ બાબત મને પોતાને શોખ છે એમ માનું છું. તેથી જ્યારે છેવટના ભાગમાં આપણા ઘણાં માણસો આવ્યા ત્યારે જંતુનાશક પાણીથી પાયખાના હું પોતે જ સાફ રાખતો. પાયખાના ઉપાડી જવાનું કામ કરવા હમ્મેશાં નવ વાગે કેટલાક ચીના કેદીઓ આવતા. ત્યારબાદ દિવસના સફાઈ રાખવી હોય તો હાથોહાથ કામ કરી લેવું પડે છે. પથારીનાં પાટિયાં હમ્મેશાં રેતી અને પાણી વતી ધોવામાં આવતાં હતાં. અગવડ ભરેલું માત્ર એ જ જોવામાં આવતું કે તકિયા અને કામળી સેંકડો કેદીઓમાં વખતો વખત બદલાઈ જવાનો સંભવ હતો; જોકે કામળીઓ હમ્મેશ તડકે મૂકવી જોઇએ, છતાં તે નિયમ ભાગ્યે જ જાળવવામાં આવતો હતો. જેલનું ફળિયું હમ્મેશાં બે વખત સાફ કરવામાં આવતું હતું.