મારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મારો જેલનો અનુભવ
અનુભવ પહેલો : પ્રસ્તાવના
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ પહેલો : કેદખાનું →


મારો જેલનો અનુભવ.


અનુભવ પહેલો.

જો કે માત્ર થોડા દિવસજ મેં તથા બીજા હિન્દીઓએ સત્યને સારૂં જેલ ભોગવી છે, તોપણ તેમાં મળેલો અનુભવ એ બીજાઓને ઉપયોગી થઈ પડે એમ સમજીને, તથા ઘણાઓ તરફથી માગણી થઈ છે તેથી અહિં આપવા ધારૂં છું. જેલની મારફતે હિન્દી કોમને હજુ ઘણા હક્કો મેળવવાના રહેશે એમ પણ માન્યતા છે. તેથી જેલનાં સુખ, દુઃખ હોતું નથી ત્યાં આપણે મનથી દુઃખ ધારી લઈએ છીએ, એટલે દરેક વસ્તુ વિષે ખરી હકીકત જાણવી તેથી લાભ જ છે એમ ચોખ્ખું દેખાઈ આવે છે.

તા૦. ૧૦મી જાનેવારીએ બપોરના બે વખત જેલમાં નાખવાના હુમલા થયા બાદ જેલમાં જવાનો વખત આવ્યો. મારા સાથીઓને અને મને સજા મળતાં પહેલાં પ્રિટોરિયાથી તાર આવી ગયો હતો, તેમાં ખબર હતા કે ત્યાંના પકડાયેલ હિન્દીઓને નવા કાયદાને શરણ નહિ થવાને સારૂં ત્રણ મહિનાની સખત મજૂરીની જેલ મળી હતી; ને તે ઉપરાંત દંડ પણ થયો હતો અને જો દંડ ન આપે તો બીજા ત્રણ મહિનાની સજા હતી. આ વાત સાંભળીને હું પોતે ધખી રહ્યો હતો. માજીસ્ટ્રેટની પાસે તેટલા સારૂં મેં વધારેમાં વધારે સજા માંગી, પણ મળી નહિ.

અને અમને બધાને બે મહિનાની વગર મજૂરીની કેદ મળી. મારા સાથી મિ. પિ. કે. નાયડુ, મિ. સિ. એમ. પિલે, મિ. કડવા, મિ. ઇસ્ટન તથા મિ. ફોરટૂન હતા. છેલ્લા બે ગુહસ્થો ચીના છે. મને સજા થયા પછી બે ચાર મિનિટ કોરટ પાછળ કેદખાનામાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ મને ચૂપકીથી એક ગાડીમાં લઇ ગયા, તે વખતે મનમાં ઘણાં તરંગો આવ્યા કે મને નોખે જગ્યા આપી રાજ્દ્વારી કેદી તરીકે ગણશે? કે બીજાઓથી મને નોખો પાડશે? અથવા તો મને જોહાન્સબર્ગ છોડી બીજી જગ્યાએ લઇ જશે ? આવા વિચારો આવ્યા કરતા હતા. મારી સાથે ડીટેક્ટિવ હતો તે માફી માંગતો હતો. મેં તેને જણાવ્યું, કે તારે માફી માંગવાની જરૂર નથી. કેમકે મને કેદમાં લઈ જવો એ તારી ફરજ છે.