મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : ખોરાક

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ બીજો : કોટડી મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : ખોરાક
મોહનદાસ કરમચંદ ગાંધી
જેલના ખોરાક માટેનો અસંતોષ દૂર કરવાની જરૂર →


ખોરાક.

હું જ્યારે વોક્સર્સ્ટની જેલમાં ગયો, ત્યારે ત્યાં હિંદી જેલીઓને સવારન પૂપૂ અને બપોરના તથા સાંજે ચાવલ અને કાંઇક તરકારી મળતાં હતા. તરકારીમાં મોટે ભાગે પટેટા જ હતા. ઘી બિલકુલ નહોતું મળતું. જેઓ કાચી જેલમાં હતા તેઓને ઉપરના ખોરાક ઉપરાંત સવારના પૂપૂની સાથે એક ઔંસ ચીની અને બપોરના અર્ધો રતલ રોટી મળતાં હતાં. રોટી તથા ચીનીમાંથી કેટલાક કાચી જેલવાળા, પાકી જેલવાળાંને થોડાં આપતા. કેદીઓને બે દહાડા માંસ મળવાનો હક હતો પણ હિંદુ અથવા મુસલમાનને માંસ ન મળતું હોવાથી તેની અવેજીમાં બીજું કંઇ મળવું જોઇતું હતું; તેથી અમે બધાએ અરજી કરી અને તેને પરિણામે એક ઔંસ ઘી અને માંસને દહાડે તેની અવેજીમાં અર્ધો રતલ વાલ મળવાનો હુકમ થયો. વળી જેલની વાડીમાં તાંદલજાની ભાજી આપે ઉગતી હતી, તે તોડવા દેતા હતા, અને વખતોવખત પ્યાજ પણ વાડીમાંથી લેવાની પરવાનગી હતી. એટલે ઘી અને વાલનો હુકમ મળવા બાદ ખોરાકમાં બહુ કહેવા જેવું ન કહેવાય. જોહાન્સબર્ગની જેલમાં ખોરાક કંઇક જૂદો મળે છે. તરકારી નથી મળતી, સાંજના બે દિવસ લીલોતરી અને પૂપૂ, ત્રણ દિવસ વાલ અને એક દિવસ પટેટા અને પૂપૂ મળે છે.