લખાણ પર જાઓ

મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલના ખોરાક માટેનો અસંતોષ દૂર કરવાની જરૂર

વિકિસ્રોતમાંથી
← અનુભવ બીજો : ખોરાક મારો જેલનો અનુભવ
મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલના ખોરાક માટેનો અસંતોષ દૂર કરવાની જરૂર
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : બે માસની સખત મજૂરીની સજા →


જેલના ખોરાક માટેનો અસંતોષ દૂર કરવાની જરૂર.

આ ખોરાક જોકે આપણી રૂઢી પ્રમાણે બરાબર ન ગણાય, તોપણ સાધારણ રીતે ખરાબ ન કહેવાય. હિન્દીને પૂપૂની ઉપર તિરસ્કાર છે ને તેથી જાણી જોઇને તે ખાતા નથી. પણ આ તો હું મોટી ભૂલ ગણું છું. પૂપૂએ મીઠો અને જોરાવર ખોરાક છે. આ દેશમાં તે ઘઉંની જગ્યા લઇ શકે છે. તેમાં જો સાકર મળે તો બહુ સ્વાદિષ્ટ લાગે છે. પણ સાકર ન હોય છતાં ભૂખ લાગી હોય ત્યારે મીઠું લાગે છે. એ ખાવાની ટેવ પડી જાય તો ઉપરના ખોરાકમાં માણસ ભૂખે ન મરે. એટલું જ નહિ, પણ તેથી શરીરને મજબૂતી મળે એવો તે ખોરાક થઇ પડે. તેમાં કેટલોક ફેરફાર કરાવાય તો તદ્દન સંપૂર્ણ ખોરાક થાય, પણ દુઃખની વાત એ છે કે આપણે એવા સ્વાદીઆ થઇ પડ્યા છીએ અને આપણી ટેવો એવી પંપાળેલી છે કે આપણને મહાવરા મુજબનો ખોરાક ન મળે તો આપણો મિજાજ જતો રહે છે. આવો અનુભવ મને વોક્સર્સ્ટમાં થયો અને તેથી હું દુઃખી થતો. ખોરાકનો કચવાટ હંમેશાં ચાલતો અને જાણે ખોરાક એજ જીવન હોયને, અથવા તો ખાવાનેજ સારૂ આપણે જીવતા હોઇએ નહિ તેમ કકળાટ ઘણી વેળા થતો. આ પ્રમાણે કરવું સત્યાગ્રહીને ન ઘટે. ખોરાકમાં ફેરફાર કરાવવાની તજવીજ કરવી એ આપણું કામ છે. પણ ફેરફાર ન થાય તો તો જે મળતો હોય તેથી સંતોષ માની સરકારને બતાવી આપવું કે આપણે તેથી હારવાના નથી; એ પણ આપણી ફરજ છે. કેટલાક હિંદી માત્ર ખોરાકની અગવડને લીધે જેલનો ડર રાખે છે. તેમણે વિચારપૂર્વક ખોરાકને વિષે જે લાલસા બંધાઇ હોય તે છોડવી ઘટે છે.