મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલમાં વર્ણભેદ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ બીજો : સત્યાગ્રહીઓની તબીયત મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : જેલમાં વર્ણભેદ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : જેલમાં કોણ જઇ શકે? →


જેલમાં વર્ણભેદ.

એમ જોવામાં આવ્યું કે બહારની ઇજાઓ કરતા અંદરની ઇજાઓ વધારે ભારે પડતી હતી. હિંદુ અને મુસલમાન તથા ઉંચ અને નીચ જાત એવો આભાસ કોઇ કોઇ વેળા જેલમાં જોવામાં આવતો હતો. જેલમાં બધા વર્ગના ને બધા વર્ણના હિંદી એકસાથે રહેતા હતા તેમાં જોઇ શકાયું કે આપણે સ્વરાજ્ય ન ચલાવીએ એવું કંઇ નથી, કેમકે છેવટે જે અડચણો આવી તે દૂર થતી હતી. કેટલાક હિંદુ એમ કહેતા હતા કે અમે મુસલમાનોનું રાંધેલું નહિ ખાઇએ. અમુક માણસના હાથનું રાંધેલું નહિ ખાઇએ. એમ કહેનાર માણસે હિંદુસ્થાનની બહાર પગજ ન મૂકવો જોઇએ. મેં એમ પણ જોયું કે કાફરાઓ કે ગોરાઓ આપણા અનાજને અડકે તેમાં અડચણ નહોતી. એક વખત એવું બન્યું કે પેલો તો ધેડો છે, તેની પાસે હું નથી સુવાનો, એવો સવાલ નીકળ્યો. આ પણ આપણને શરમાવા જેવું થયું. ઉંડા ઉતરતા એમ માલમ પડયું કે આવી અડચણ લેવાનું કારણ તે માણસને પોતાને બાધ હતો એમ નહિ પણ દેશમાં ખબર પડે તો તેના સગાં હરકત કરે. હું તો માનું છું કે આમ નીચ ઉંચના ડોળથી ને પછી નાતના જુલમના ડરથી આપણે સત્યને છોડી અસત્ય આદરી બેઠા છીએ. જો આપણે જાણીએ કે ધેડાને તિરસ્કાર કરવો એ અઠીક છે, તો પછી નાતથી કે બીજાથી ખોટી રીતે ડરી, ખરૂં છોડી આપણે સત્યાગ્રહી કેમ કહેવાઇએ ? આ લડતમાં ભાગ લેનારા હિંદી નાતની સામે, કુટુંબની સામે અને જ્યાં અધર્મ જુએ ત્યાં તેની સામે સત્યાગ્રહી થઇ બેસે એમ હું ઇચ્છું છું. તેમ નથી કરતા તેથીજ લડતમાં ઢીલ થાય છે, એવો મારો તો નિશ્ચય છે. આપણે બધા હિંદી છીએ, તો પછી ખોટા ભેદ રાખી વઢી મરીશું ને હક માગશું એ કેમ થશે ? એવી ધાસ્તીથી આપણે જે ખરૂં છે તે નહિ કરીએ તો પછી આપણી લડતમાં કેમ જીતીશું ? ડરીને અમુક કામ તજવું એ તો કાયરનું કામ ગણાય. અને કાયર હિંદી સરકારની સામે જે મહાયુધ્ધ ચાલી રહ્યું છે તેમાં છેવટ સુધી ઝૂંઝવાના નથી.