મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : દાનત ખરી હોવી જોઇએ

વિકિસ્રોતમાંથી
← અનુભવ બીજો : સહેલું કામ મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : દાનત ખરી હોવી જોઇએ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : વાવેતરનું કામ →


દાનત ખરી હોવી જોઇએ.

મારો ખાસ મત એ છે કે આવી કામની ચોરીએ આપણને એબ લગાડનારી વાત છે; અને આપણી લડતમાં જે ઢીલ થઇ છે તેનું પણ આ કારણ છે. સત્યાગ્રહનો રસ્તો સહેલો છે તેમ અઘરો પણ છે. આપણી દાનત ખરી હોવી જોઇએ. આપણને સરકાર જોડે વેર નથી. તેને આપણે વેરી સમજતા નથી. સરકારની સામે લડીએ છીએ તે તેની ભૂલ સુધારવા ને ખોડ ભૂલાવવા. આપણે તેના બુરામાં રાજી નથી. તેના સામે થવામાં આપણું ભલું માનીએ છીએ. આ વિચાર પ્રમાણે આપણે તો જેલમાં તાકાત મુજબ કામ કરવું જોઇએ. કદાચ આપણે નીતિને રસ્તે કામ કરવાની જરૂર નથી, તો આપણે દરોગો હોય ત્યારે પુરું કામ કરીએ છીએ તેમ નહિ થવું જોઇએ. કામ કરવું એ વાજબી ન હોય યો આપણે દરોગાની પરવા નહિ કરતાં સામે થવું જોઇએ, અને તેને પરિણામે વધારે જેલ મળે તો ભોગવવી જોઇએ. પણ આવું કોઇ હિંદી માનતો નથી, જે કામ નથી કરતા તે માત્ર આળસથી અને કામ કરવાની ચોરીને લીધે. આવું આળસ તથા આવી ચોરી આપણને ન શોભે. સત્યાગ્રહી તરીકે આપણે જે કામ આવડે તે કરવું જોઇએ; અને દરોગાની બીક રાખ્યા વિના કામ કરીએ તો આપણને તકલીફ પડેજ નહિ. ગજા ઉપરાંત તો કામ કરવાનું સહેજ નહિ. કામ કરવાની ચોરીને લીધે જેલમાં લોકોને કેટલુંક દુઃખ ભોગવું પડ્યું હતું.

આટલી વાત કર્યા પછી પાછા આપણે કામની વાત ઉપર આવીએ. દિવસે દિવસે અમારૂં કામ હળવું થવા લાગ્યું.