લખાણ પર જાઓ

મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : મિત્રોને લાગણી

વિકિસ્રોતમાંથી
← અનુભવ બીજો : જોહાન્સબર્ગમાં બદલી મારો જેલનો અનુભવ
અનુભવ બીજો: મિત્રોને લાગણી
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : દારોગાનું વર્તન →


મિત્રોને લાગણી.

લોકોનાં મન દુઃખાય એ સમજાય એવું છે. જ્યારે આમ જવાનું છે એમ મિ. આંગલીઆએ સાંભળ્યું ત્યારે તેમની આંખોમાં પાણી આવ્યાં. મિ. નાયડુ તથા મિ.પોલાક ને ખબર પડી ગયેલી તેથી તે મને સ્ટેશન પર મળેલાં તેઓ પણ મારી સ્થિતિ જોતાં રોવા જેવા થઈ ગયા. આમ થવાનું કારણ કંઇ નથી. આ દેશમાં રાજ્યપ્રકરણી અને બીજા જેલી વચ્ચે સરકાર તફાવત રાખે એવો સંભવ નથી. આપણને જેમ વધારે દુઃખ આપે અને આપણે તે ઉઠાવીએ તેમ વહેલો છૂટકારો થાય. વળી જેલીનો પોશાક પહેરવો, ચાલતા જવું ને સામાનનો ભાર ઉંચકવો એ વિચાર કરતાં કંઇ દુઃખરૂપ નથી, પણ દુનિયાને તો આવી વસ્તુને એમ માન્યાજ કરશે તેથી વિલાયતમાં શોરબકોર થયો.