મારો જેલનો અનુભવ/સત્યાગ્રહની છેલ્લી લડતનો અનુભવ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ ત્રીજો : અંત મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો : સત્યાગ્રહની છેલ્લી લડતનો અનુભવ
મોહનદાસ કરમચંદ ગાંધી


અનુભવ ચોથો.

સત્યાગ્રહની છેલ્લી લડતનો અનુભવ

( ઇંડીઅન ઓપીનીઅનના સુવર્ણ અંકમાંથી ઉતારો. )

છેલ્લી લડાઇમાં અવધિ થઇ છે. તે અનુભવ લખવાનો મને વખતજ મળ્યો નથી. તેમાં મળેલા અનુભવનો લાભ ઇ.ઓ.ના વાંચકવર્ગને આપવાનો હતો. છેલ્લી લડત તે સત્યાગ્રહનું ત્રીજું પ્રકરણ હતું એ વાંચનારે યાદ રાખવું ઘટે છે. પહેલું પ્રકરણ બંધ થયું ત્યારે આપણે-મેં તો જરૂર-છેલ્લું માન્યું હતું. પણ જ્યારે બીજું પ્રકરણ શરૂ થવાનો વખત આવ્યો, ત્યારે ઘણા ભાઇઓ મને કહેવા લાગ્યા કે હવે કોણ લડશે ? વખતો વખત કોમ એટલું જોર બતાવી શકશે નહીં. આ સાંભળ્યું ત્યારે હું હસેલો. સત્ય ઉપર મારી અચળ આસ્થા હતી. મેં જવાબ આપ્યો કે 'લોકોએ એક વખત રસ ચાખ્યો છે એટલે હવે વધારે લડશે.' થયું પણ તેમજ. પહેલી વેળા સો બસેં હિંદી જેલ ગયા. બીજી વેળા સેંકડો ગયા. એટલુંજ નહિ પણ નાતાલ જાગ્યું ને ત્યાંથી આગેવાનો ભાગ લેવા આવ્યા. લડત ખુબ લંબાઇ, છતાં જોર તુટ્યું નહીં ને આપણે આગળ વધ્યા. છેલ્લી વેળાએ તો હારનીજ વાતો મેં સાંભળી. " વખતો વખત તને સરકાર દગો દીયે, તું છેતરાય ને વખતો વખત લોકો ખાડામાં ઉતરે એ બનેજ નહીં. " આવું કડવું વચન મારે સાંભળવું પડતું હતું. હું ઘણુંયે સમજતો હતો કે સરકારના દગાની સામે મારો કે કોઇનો ઉપાય ચાલે તેમ નહતું. આપણે પ્રોમીસરી નોટ લઇએ પણ સહી કરનાર ઇનકાર કરે અથવા છૂટી પડે તેમાં લેનોરનો શો દોષ ? હું તો જાણતો હતો કે સરકાર વચનભંગ કરે તો જેમ આપણને વધારે મહેનત કરવી પડશે તેમ તેમ તેને વધારે આપવું પડશે. કરજી કરજ ભરતાં વખત લગાડે તેટલે દરજ્જે તેને વધારે બોજો ઉપાડવો પડે છે. મેં તો વળી જવાબ આપ્યો કે " સત્યાગ્રહની લડત એવી છે કે તેમાં હારવાનું કે પસ્તાવાનું છેજ નહિ. તે લડતમાં હંમેશાં માણસ વધારે બળવાન થાય છે. તેમાં થાક લાગતો નથી ને દરેક મજલે જોર વધે છે. જો આપણામાં સત્ય હશે તો હિંદી કોમ આ વેળા વધારે કામ કરશે ને પોતાનું નામ વધારે ઉજવળ કરશે." આ જવાબ મેં વાળ્યો ત્યારે મારા સ્વપ્નામાં પણ ન હતું કે વીસ હજાર ગરીબડા હિંદી જાગશે, તેઓ પોતાનું નામ ને પોતાના દેશનું નામ અમર કરશે. જનરલ બોથાએ પોતાના એક ભાષણમાં કહ્યું છે કે હિંદી કોમે જેવી હડતાલ પાડીને જાળવી તેવી ગોરાઓ પાડી કે જાળવી શક્યા નથી. છેલ્લી લડાઇમાં ઓરતો દાખલ થઇ, સોળ વર્ષના જુવાન બાળકો ઘણા જોડાયા ને લડતે બહુ વધારે ધાર્મિક સ્વરૂપ લીધું. દ. આ. ના હિંદીની વાત આખા જગતમાં ફેલાઇ. ને હિંદુસ્તાનમાં ગરીબને તવંગર, જુવાન ને ઘરડા, પુરૂષ તેમજ સ્ત્રી, રાજા ને રૈયત, હિંદુ-મુસલમાન, પારસી, ખ્રીસ્તી, મુંબઇવાળા, મદ્રાસવાળા, કલકત્તાવાળા ને લાહોરવાળા બધા જાગ્યા; બધા આપણી તવારીખથી વાકેફ થયા ને આપણને મદદ કરવા લાગ્યા. વડી સરકાર ચમકી, વાઇસરોયે પ્રજાનું વલણ જાણીને પ્રજાપક્ષ લીધો. આ બધી જગજાહેર વાત છે, લડતનું મહત્વ બતાવવા હું અનેક બીનાઓ લખી જાઉં છું, આ લેખ લખવામાં મારો મુખ્ય હેતુ તો એ છે કે જે બીનાઓથી હું વિશેષ વાકેફ છું, જેની હિંદીઓની ખબર નથી અને જેનું ભાન દ. આ. માં રહેનારા હિંદી ભાઇઓને પણ પુરૂં નથી, તે બીનાઓનું દર્શન કરાવવું.

ટોલ્સટોય ફાર્મમાં જે તાલીમ લેવાઇ તે બધી આ છેલ્લી લડાઇમાં કામ આવી. સત્યાગ્રહીઓએ જે જીંદગી ત્યાં ભોગવી છે તે આ લડતમાં અમૂલ્ય થઇ પડી તેજ જીંદગીની નકલ વધારે સારી રીતે ફીનીક્સમાં કરવામાં આવી, જ્યારે ટોલ્સટોય ફાર્મ બંધ કર્યું ત્યારે તેમાં વસતા નિશાળીઆ તથા તેનાં માબાપની સામે એ શરત હતી કે જે નિશાળીઆ ફીનીક્સ રહે તે જે ઉમરલાયક હોય તો તેણે લડત ફરી જાગે ત્યારે તેમાં દાખલ થવું જોઇએ, ખરૂં જોતાં ફીનીક્સમાં મુખ્ય કેળવણી જ સત્યાગ્રહની થઇ પડી. ફીનીક્સમાં વસનારા કુટુંબને પણ એ નિયમ લાગુ પડતો થશે, તેમાં માત્ર એકજ કુટુંબ અળગું રહ્યું. એટલે પરિણામ એ આવ્યું કે ફીનીક્સ ચલાવવા સારૂ જેટલા માણસની જરૂર પડે તે તે સિવાય બધા જ્યારે લડત ઉઠી ત્યારે તૈયાર હતા, આથી ત્રીજી લડતની શરૂઆત ફીનીક્સવાળાઓથી થઇ. જ્યારે સ્ત્રીઓ પુરુષો ને બાળકો નીકળ્યાં ત્યારનો દેખાવ મારાથી ભુલાય તેવો નથી. દરેકને એકજ લાગણી હતી; તે એ કે આ લડત ધર્મયુધ્ધ છે, ને તેઓ જાત્રાએ નીકળતા હતા. જતી વેળા તેઓએ ભજન કીર્તન ગાયાં તેમાંનું એક પ્રખ્યાત કાવ્ય "સુખ દુ:ખ મનમાં ન આણીએ" એ છે, તે અવસરે જે અવાજ બાળકો, સ્ત્રીઓ, ને મરદોનાં મુખમાંથી નીકળતો હતો, તેનો ભણકારો હજુ મારા કાનમાં પડે છે, આ સંઘની સાથેજ મહાન પારસી રૂસ્તમજી હતા. ઘણાના મનમાં હતું, કે મિ. રૂસ્તમજીએ ગઇ વેળા એટલું દુ:ખ ભોગવ્યું છે કે તે હવે નહિ જોડાય, આમ બોલનારા મી. રૂસ્તમજીની મહત્તાને નહોતા જાણતા. બૈરાંઓ અને બાળકો જાય ને પોતે ઘેર બેસે એ તેમનાથી જોવાયજ નહિ, મને આ સમયના બીજા બે બનાવ યાદ આવે છે, મી. રૂસ્તમજી તથા તેના કેશરી સિંહ જેવા બાળક સોરાબજી વચ્ચે હરિફાઇ ચાલી. સોરાબજી કહે બાવાજી મારે આવવું છે, તમારી વતી મને જવા દો અથવા મને પણ સાથે લઇ જાઓ.

બીજો દેખાવ મરહુમ હુસેનમીંયાની સાથેનો મી. રૂસ્તમજીનો મેળાપ હતો. મી. રૂસ્તમજી તેને મળવા ગયા ત્યારે તેની આંખમાંથી આંસુની ધારા ચાલી ને તેણ કહ્યું 'કાકાજી, જો હું સાજો હોઉં તો તમારી સાથે જેલમાં આવું' ભાઇ હુસેનનો દેશ તરફનો પ્રેમ બહુ ભારે હતો. તેણે ખાટલાવશ છતાં લડતને ટેકો આપેલો ને જે કોઇ મળતું તેની પાસે તે લડતનીજ વાત કરતો.

ફીનીક્સમાં જેઓ પાછળ રહ્યા તેઓમાં ૧૬ વર્ષની અંદરના છોકરાઓ પણ હતા. તેઓએ ને કારભારીઓએ જેલની બહાર હોવા છતાં જેલમાં જનાર કરતાં વધારે કરી બતાવ્યું. તેઓએ રાત દિવસનો ભેદ કહાડી નાંખ્યો. પોતાના સાથી તથા મુરબીઓ ન છુટે ત્યાં લગી અઘરાં વ્રતો લીધાં, અલુણા આહાર ઉપર નિર્વાહ ચલાવ્યો, ને જોખમનાં કામો પણ બેધડક થઇ માથે લીધાં. જ્યારે વીક્ટોરીયા કાઉંટીમાં હડતાલ પડી ત્યારે સેંકડો ગીરમીટીઆઓએ ફીનીક્સમાં આશરો લીધો. તેઓની બરદાસ કરવી એ એક મહત્ કાર્ય હતું. ગીરમીટીઆના શેઠો તરફથી ધાડ આવવાની ધાસ્તી છતાં બેધડકપણે કાર્ય કર્યે જવું એ બીજું. પોલીસો ત્યાં ગયા, મી. વેસ્ટને પકડી ગયા, બીજાઓને પકડી જાય એવો સંભવ હતો, તે બધાની તૈયારી રાખી. પણ એક આદમી ફીનીક્સમાંથી ચળ્યો નહી. હું ઉપર કહી ગયો છું કે આમા માત્ર એકજ કુટુંબ અપવાદ રૂપે રહેલું. ફીનીક્સના કારભારીઓએ આ પ્રસંગે કોમની સેવા બજાવી છે તેનું માપ હિંદી કોમ કરી શકે તેમ નથી. આ છુપો ઇતિહાસ હજુ નથી લખાયો તેથી હું તેમાંનો કંઇક ભાગ આપી જાઉં છું. તે એવી આશાથી કે કોઇક દિવસ કોઇ જીજ્ઞાસુ વધારે હકીકત મેળવી ફીનીક્સના કારભારીઓના કાર્યની કીંમત કંઇક અંશે આંકી શકે. હું વિશેષ લખવા લલચાઉં છું. પણ ફીનીક્સને અહીં પડતું મેલું છું.

ફીનીક્સની ટુકડી જેલ ગઇ એટલે જોહાન્સબર્ગથી ન રહી શકાયું. ત્યાંની સ્ત્રીઓ અધીરી થઇ. તેઓને જેલ જવાનો ઘણોજ ઉત્સાહ થયો. મી. થંબી નાયડુનું કુટુંબ આખું તૈયાર થયું. તેમની ઓરત, સાળી, સાસુ, મી. મુરગનનાં સગાંઓ, મીસીસ પી. કે. નાયડુ, અમર નામ કરી ગએલી બહેન વાલીઆમા અને બીજી સ્ત્રીઓ તૈયાર થઇ. તેઓ કાખમાં બાળકો લઇ ચાલી નીકળી. મી. કેલનબેક તેઓને લઇ ફીનીખન ગયા. ત્યાં જવામાં એવી ઉમેદ હતી કે તેઓ ફ્રી સ્ટેટની સરહદ પર જઇ પાછા વળતાં પકડાશે. તેઓની ઉમેદ બર ન આવી. તેઓએ કેટલાક દિવસ દુ:ખે સુખે ફીનીખનમાં ગાળ્યા. ત્યાં ટોપલીઓ લઇ ફેરી કરી પકડાવાનો પ્રયત્ન કર્યો પણ કોઇએ તેઓને પકડી નહિ.

આ નિરાશામાં અમર આશા છુપાઇ રહેલી હતી. જો ઓરતોને સરકારે ફીનીખનમાંજ પકડી હત તો વખતે હડતાલ ન પડત. એટલું તો ચોકસ છે કે જે પાયા ઉપર હડતાલ જામી તે પાયા ઉપર તો નજ જામત. પણ કોમ ઉપર ઇશ્વરનો હાથ હતો. તે સદા સત્યનો બેલી છે. ઓરતો ન પકડાઇ તેથી એમ ઠર્યું કે તેઓએ નાતાલની હદ ઓળંગવી. જો તેઓને ન પકડે તો તેઓએ મી. થંબી નાયડુની સાથે ન્યુકાસલ મથક કરવું. તેઓ નાતાલ તરફ રવાના થઇ. સરહદપર પોલીસે ન પકડી. ન્યુકાસલ ઘર કર્યું. ત્યાં મી. ડી. લેઝર્સે પોતાનું ઘર ઓરતોને સોંપ્યું. ને તેમની ઓરતે તથા સાળી મીસ થોમસે આ સત્યાગ્રહી ઓરતોની સારવાર કરવાનું માથે લીધું.

ઠરાવ એવો હતો કે ઓરતોએ ન્યુકાસલમાં ગીરમીટીયાની ઓરતોને તથા ગીરમીટીયાને મળવું. તેઓને તેઓની દશાનો ચિતાર આપવો ને ત્રણ પાઉંડના કર બાબત હડતાલ પાડવા સમજાવવું. પછી જ્યારે હું ન્યુકાસલ પહોચું ત્યારે હડતાલ પાડવી. પણ ઓરતોની હાજરી તો સુકાં લાકડાં ઉપર દિવાસળી રૂપ થઇ પડી. આ સેજ તળાઇ વિના નહિ સુનારી, ભાગ્યેજ મોં ખોલનારી ઓરતોએ ગીરમીટીયા પાસે જાહેરમાં ભાષણ કર્યાં, તેઓ જાગ્યા ને હું પહોંચું તે પહેલાં તો તેઓએ હડતાલ પાડવાનો આગ્રહ કર્યો. કામ ઘણું જોખમ ભરેલું હતું. મી. નાયડુનો તાર મને મળ્યો. મી. કેલનબેક ન્યુકાસલ ગયા ને હડતાલ શરૂ થઇ. હું ન્યુકાસલ પહોંચ્યો તે દરમિયાન બે કોલસાની ખાણોના હિંદીઓએ કામ બંધ કર્યું હતું.

મી. હોસ્કેનના પ્રમુખપણા નીચેની યૂરોપીઅન સહાયક કમીટીએ મને બોલાવ્યો. હું તેઓને મળ્યો. તેઓએ આપણી હિલચાલ પસંદ કરી ઉત્તેજન આપવાનો ઠરાવ પસાર કર્યો. એક દિવસ જોહાન્સબર્ગમાં રહી હું ન્યુકાસલ પહોંચ્યો ને ત્યાં રહ્યો. મેં જોયું કે લોકોનો ઉત્સાહ અત્યંત હતો. ઓરતોની હાજરીની બરદાસ સરકાર ન કરી શકી; ને છેવટે તેમને 'રખડુ'ના તહોમત નીચે જેલ આપી. મી. લેઝર્સનું ઘર હવે સત્યાગ્રહની ધર્મશાળા બન્યું. ત્યાં તો સેંકડો ગીરમીટીયાને સારૂ ખાણું પકાવવાનું કરવું પડ્યું તેથી મી. લેઝર્સ નાસીપાસ નહિ થએલા. ન્યુકાસલના હિંદીઓએ કમીટી નીમી. મી. સીદાત પ્રમુખ નીમાયા. કામ ધમધોકાર ચાલ્યું. બીજી ખાણોના હિંદીએ કામ બંધ કર્યું.

આમ ખાણોના હિંદી મજુરો કામ બંધ કરતા ચાલ્યા તેથી કોલસાની ખાણના ધણીઓના મંડળની મીટીંગ થઇ. મને ત્યાં બોલાવવામાં આવ્યો. વાતચીત ખુબ થઇ પણ નીવેડો ન આવ્યો. તેઓની માંગણી એવી હતી કે જો આપણે હડતાલ બંધ રાખીએ તો તેઓ સરકારને ત્રણ પાઉંડના કર બાબત લખાણ કરે; આ કંઇ સત્યાગ્રહીથી કબુલ ન થાય. આપણને ધણીઓની સાથે વેર ન હતું. હડતાલનો હેતુ ધણીઓને દુ:ખ દેવાનો ન હતો. માત્ર આપણે દુ:ખ ઉઠાવવાનો હતો. એટલે કોલસાની ખાણના ધણીની સલાહ માન્ય ન થાય તેવી હતી. હું પાછો ન્યુકાસલ આવ્યો. મજકુર મીટીંગના પરિણામે મેં જણાવ્યું તેમ ઉત્સાહ વધ્યો. વધારે ખાણોમાં કામ બંધ થયું.

આજલગી મજુરો પોતપોતાની ખાણમાં રહેતા હતા. ન્યુકાસલની કારભાર મંડળીયે વિચાર્યું કે જ્યાં લગી ગીરમીટીયા પોતાના શેઠની જમીનમાં રહે ત્યાં લગી હડતાલની પુરી અસર પડે નહિ. તેઓ લલચાઇને અથવા ડરીને કામ શરૂ કરે એ ભય હતો. અને શેઠનું કામ ન કરવું છતાં તેના ઘરમાં વસવું અથવા તેનું નીમક ખાવું એ અનીતિ ગણાય. આમ ગીરમીટીયાઓનું ખાણો પર રહેવું દોષિત હતું. છેલ્લો દોષ તે સત્યાગ્રહના શુધ્ધ પ્રયાસને મલીન કરનાર જણાયો. બીજી તરફથી હજારો હિંદીને ક્યાં રાખવા, તેઓને કેમ જમાડવા એ ભારે કામ હતું. મી. લેઝર્સનું મકાન હવે નાનું જણાયું. બીચારી બે ઓરતો રાત દિવસ મહેનત કરતાં પણ પહોંચી શકે એમ ન લાગ્યું. તેમ છતાં પણ ગમે તે જોખમ ઉઠાવી ખરૂંજ કરવું એ નિશ્ચય થયો. ગીરમીટીયાઓને પોતાની ખાણ છોડી ન્યુકાસલ આવવાના સમાચાર મોકલવામાં આવ્યા. આ ખબર મળતાંજ ખાણોમાંથી કુચ શરૂ થઇ. બેલંગની ખાણના હિંદીઓ પહેલા આવી પહોંચ્યા. ન્યુકાસલમાં તો કેમ જાણ હમેશાં જાત્રાળુનો સંઘ આવતો ન હોય ! એવો દેખાવ થઇ રહ્યો. જુવાન, બુઢ્ઢાઓ, ઓરતો કોઇ છડીને કોઇ કાખમાં બચ્ચાંવાળી-બધી પોતાના માથા પર ગાંસડી સાથે હતી. મરદોના માથા પર પેટીઓ જોવામાં આવતી હતી. કોઇ દિવસના આવી પહોંચતાં તો કોઇ રાતના. તેઓને ખાવાનું પુરૂં પાડવું પડતું. આ ગરીબ માણસના સંતોષનું હું-શું વર્ણન કરૂં ? જે મળ્યું તેથી તેઓ સુખ માનતા. ભાગ્યે જ કોઇ રડતો જોવામાં આવતો. બધાના ચહેરા ઉપર હાસ્ય ખીલી રહેલું હતું. મારે મન તો તેઓ તેત્રીસ કોટી દેવતાઓમાંના હતા. સ્ત્રીઓ દેવીરૂપ હતી. તેઓ બધાને છાપરૂ ક્યાંથી અપાય ? સુવાને તૃણ સાથરો હતો. છાપરૂં આકાશ હતું. તેઓનો રક્ષક ઇશ્વર હતો. કોઇએ બીડીની માગણી કરી. મેં સમજાવ્યા કે તેઓ ગીરમીટીયા તરીકે નહોતા નીકળી પડ્યા, તેઓ હિંદના સેવક તરીકે નીકળ્યા હતા. તેઓ ધાર્મિક લડતમાં જોડાયા હતા, ને આવે વખતે તેઓએ દારૂ, તમાકુ વગેરે વ્યસન છોડવાં જોઇએ. જેઓ ન છોડે તેમણે જાહેર પૈસામાંથી પોતાની હાજતો પુરી પાડવાની આશા ન રાખવી જોઇએ. આ સાધુ પુરૂષોએ ઉપરની સલાહ માન્ય રાખી ને ત્યાર પછી કોઇએ બીડીને માટે પૈસા ખરચવાની મારી પાસે માંગણી કરી નહિં. આમ ખાણોમાંથી હાર ચાલુ થઇ તેમાં એક ઓરત જે ગર્ભવતી હતી તેને રસ્તામાં ચાલતાં ગર્ભપાત થયો. આવાં અનેક દુ:ખો ઉઠાવતાં છતાં કોઇ થાક્યા નહિ, પાછા હઠ્યા નહિ.

ન્યુકાસલમા હિંદીની વસ્તી બહુ વધી પડી. હિંદીની જગ્યાઓ ભરાઇ ગઇ. તેઓની પાસેથી જેટલાં મકાનો મળી શક્યાં તેટલામાં સ્ત્રીઓ અને ઘરડાઓનો સમાસ થઇ શક્યો. આ જગ્યાએ કહેવું જોઇએ કે ન્યુકાસલના ગોરાની વસતીએ ઘણો વિનય વાપર્યો હતો. તેઓએ લાગણી પણ દર્શાવેલી. કોઇ પણ હિંદીને કનડગત નહિ કરેલી. એક ભલી બાઇએ પોતાનું મકાન મફત વાપરવાને આપ્યું. બીજી પણ ઝીણી મદદો ઘણા ગોરા પાસેથી મળ્યા કરતી હતી.

પણ ન્યુકાસલમાં હજારો હિંદીને સદાયને સારૂ રાખી શકાય એવી સ્થિતિ નહતી. મેયર ગભરાયેલા. ન્યુકાસલની વસતી સાધારણ રીતે ત્રણ હજારની ગણાય. તેવા ગામડામાં બીજા દશ હજાર માણસ સમાઇ નજ શકે. બીજી ખાણોના મજુરો કામ બંધ કરવા લાગ્યા. એટલે હવે શું કરવું એ સવાલ ઉઠ્યો. હડતાલ પાડવામાં હેતુ એ હતો કે જેલ જવું. મજુરોને પકડવા ધારે તો સરકાર પકડી શકતી હતી. પણ હજારોને સારૂ તેની પાસે જેલજ ન હતી. તેથી મજુરો ઉપર હજુ હાથ ન નાખ્યો. ત્યારે હવે ટ્રાંસવાલની હદ ઓળંગી પકડાવું એજ સહેલો ઉપાય રહ્યો. વળી તેમ કરતાં ન્યુકાસલમાં ભીડ ઓછી થાય એમ પણ લાગ્યું, ને હડતાલીયાની વધારે કસોટી થાય. ન્યુકાસલમાં ખાણોના જાસુસો હડતાલીયાઓને લલચાવી રહ્યાં હતા. એક પણ મજુર પડ્યો નહિ તો પણ તે લાલચથી તેમને દુર રાખવા એ કારભાર મંડળની ફરજ હતી. આવાં કારણે ન્યુકાસલથી ચાલર્સટાઉન કુચ કરવી એ ઠીક જણાયું. પંથ લગભગ ૩૫ માઇલનો હતો. હજારો માણસોના સારૂ રેલ ભાડું નજ ખરચી શકાય. એટલે બધા મજબુત મરદ ને સ્ત્રીઓએ પગપાળા જવું એમ ઠરાવ થયો. જે ઓરતો ન ચાલી શકે તેને રેલમાં લઇ જવાનું ઠર્યું. રસ્તામાં પકડાપકડી થવાનો સંભવ હતો તેમજ આવો આ પહેલો અનુભવ હતો, તેથી પહેલી ટુકડી મારે લઇ જવી એ નિશ્ચય થયો. પહેલી ટુકડીમાં લગભગ ૫૦૦ હતા તેમાં લગભગ ૬૦ સ્ત્રીઓ પોતાના બચ્ચાં સહિત હતી. આ ટુકડીનો દેખાવ હું કદી ભુલી શકું તેમ નથી. 'દ્વારકાંનાથીકી જે' 'રામચંદ્રકી જે' 'વંદે માતરમ્' આવા પોકારો કરતી ટુકડી ચાલતી. બે દિવસ ચાલે તેટલા પકાવેલા દાલ ચાવલ બંધાવ્યા હતા. સઉ પોતાના પોટલાં બાંધી ચાલી નીકળેલા. તેઓને નીચે પ્રમાણે શરતો સંભળાવવામાં આવી હતી.

૧ હું પકડાઇ જાઉં એવો સંભવ હતો. જો તેમ બને તો પણ ટુકડીએ કુચ જારી રાખવી. અને જ્યાં સુધી તેઓ પોતે ન પકડાય ત્યાં લગી તેઓએ ચાલ્યા કરવું. રસ્તામાં ખોરાક વિગેરેનો બંદોબસ્ત કરવા સર્વ પ્રયત્ન થશે, છતાં કદાચ કોઇ દિવસ ખાવાનું ન મળે તો પણ સંતોષ રાખવો.

૨ લડતમાં રહેતાં સુધી દારૂ વિગેરેનું વ્યસન છોડવું.

3 મરણ પર્યંત પાછા ન હઠવું.

૪ રસ્તામાં રાત પડે ત્યાં ઘરની આશા ન રાખવી, પણ ઘાસમાં પડી રહેવું.

૫ રસ્તામાં આવતાં ઝાડપાનને જરા પણ ઇજા ન કરવી. અને પારકી ચીજને બીલકુલ ન અડકવું.

૬ સરકારી પોલીસ પકડવા આવે તો પકડાઇ જવું.

૭ પોલીસની કે કોઇની સામે ન થવું પણ માર પડે તો તે સહન કરવો, ને સામે માર મારીને બચાવ ન કરવો.

૮ જેલમાં જે દુ:ખો પડે તો ઉઠાવવાં, ને જેલને મહેલ સમજી તેમાં દિવસ ગુજારવા.

આ સંઘમાં બધા વર્ણ હતા. હિંદુ, મુસલમાન, બ્રાહ્મણ ક્ષત્રિ, વૈશ્ય અને શુદ્ર હતા. કલકત્તીઆ હતા ને તામીલ હતા. કેટલાક પઠાણોને તેમજ ઉત્તર તરફના સીંધીને માર ખાઇ લેતાં પણ બચાવ ન કરવાની શરત આકરી લાગી હતી. પણ તેઓએ તે શરત ખુશીની સાથે સ્વીકારી; એટલુંજ નહીં પણ તેઓની કસોટીનો વખત આવતાં તેઓએ બચાવ પણ નહિ કરેલો.

આવી સ્થિતિમાં પહેલી ટુકડીની કુચ શરૂ થઇ. પહેલીજ રાતે વગડામાં ઘાસ પર સુવાનો અનુભવ થયો. રસ્તામાં લગભગ ૧૫૦ માણસોને વારંટો મળ્યાં. તેઓ ખુશીથી પકડાયા. પકડવાને એકજ પોલીસ અમલદાર આવ્યો હતો. તેની સાથે બીજી કંઇ મદદ ન હતી. પકડાયા તેમને કેમ લઇ જવા એ સવાલ થઇ પડ્યો. અમે ચાર્લ્સટાઉનથી માત્ર ૬ માઇલ દુર હતા. એટલે મેં અમલદારને કહ્યું, કે પકડાએલા માણસો ભલે મારી સાથે કુચ કરે ને તેઓનો કબજો તે ચાર્લ્સટાઉનમાં લે, અથવા તેના ઉપરીને પુછીને જેમ તેને હુકમ મળે તે પ્રમાણે કરે. અમલદાર આ સુચના કબુલ રાખીને ચાલી ગયો. અમે ચાર્લ્સટાઉન પહોંચ્યા. ચાર્લ્સટાઉન બહુ નાનું ગામડું છે. તેમાં વસ્તી ભાગ્યે ૧,૦૦૦ માણસની હશે. તેમાં એકજ શરીઆમ રસ્તો છે. હિંદી વસ્તી જુજ છે. એટલે અમારો સંઘ જોઇને ગોરાઓ આશ્ચર્ય પામ્યા. ચાર્લ્સટાઉનમાં આટલા હિંદી કોઇ વેળા દાખલ થયા ન હતા. પકડાએલાને ન્યુકાસલ લઇ જવાને સારૂ રેલ ગાડી તૈયાર ન હતી. તેમને પોલીસ ક્યાં રાખે ? ચાર્લ્સટાઉનના થાણામાં એટલા કેદીની રાખવાની જગો ન હતી. તેથી પોલીસે પકડાએલાઓને મને સોંપ્યા, ને તેઓના ખોરાકનું બીલ ચુકવી આપવા કબુલ કર્યું. આ કાંઇ સત્યાગ્રહને થોડું માન ન કહેવાય. સાધારણ રીતે અમારી પાસેથી પકડેલા કેદીને અમને સોંપાયજ કેમ ? તેમાંના કોઇ ચાલ્યા જાય તો કંઇ જવાબદારી અમારી ન હતી. પણ સત્યાગ્રહીનું કામ તો પકડાવાનુંજ હોય, એમ બધા સમજતા થયા હતા તેથી વિશ્વાસ બેસી ગએલો. આમ ચાર દિવસ સુધી પકડાએલા જણ અમારી સાથે રહેલા. જ્યારે તેઓને લઇ જવાને પોલીસ તૈયાર થયા ત્યારે તેઓ ખુશીથી તાબે થયા.

ટુકડીઓની ભરતી થતી ચાલી. કોઇ રોજ ચારસો તો કોઇ રોજ તેથી પણ વધારે. ઘણાઓ પગે ચાલતા તથા બૈરાંઓ મુખ્યત્વે કરીને ગાડીથી આવવા લાગ્યાં. ચાર્લ્સટાઉનના હિંદી વેપારીના મકાનોમાં જ્યાં જગ્યા હતી, ત્યાં સમાસ કર્યો. ત્યાંની કોરપોરેશને પણ મકાન આપ્યાં. ગોરાઓ બીલકુલ કનડગત નહોતા કરતા, એટલુંજ નહીં પણ મદદ કરતા હતા. ત્યાંના ડાક્ટર બ્રીસ્કોએ મફત સારવાર કરવાનું માથે લીધું ને અમે જ્યારે ચાર્લ્સટાઉનથી આગળ વધ્યા ત્યારે તેણે કીમતી દવાઓ અને કેટલાંક ઉપયોગી શસ્ત્રો મફત આપ્યાં. રસોઇ મસ્જીદના મકાનમાં થતી હતી. અને ચુલો ચોવીસે કલાક સળગાવવો પડતો હતો. રસોઇ કરવાવાળા હડતાલીઆમાંથીજ તૈયાર થયા હતા. છેલ્લા દહાડામાંથી ચારથી પાંચ હજાર માણસોને જમાડવાનું રહેતું. છતાં આ કામદારો કાયર નહિ થયેલા. સવારમાં મકાઇના આટાની રાબ તેમાં શકર મેળવીને આપવામાં આવતી હતી તથા તેની સાથે રોટી. સાંજના ચાવલને દાળ તથા શાક આપવામાં આવતાં હતાં. બધા દક્ષિણ આફ્રીકામાં ઘણે ભાગે ત્રણ વખત ખાનારા હોય છે. ગીરમીટીઆ હમેશાં ત્રણ વખત ખાનારા હોય છે પણ તેઓએ લડતમાં બે વેળાથી સંતોષ માન્યો. તેઓ ઝીણો ઝીણો સ્વાદ કરનારા હોય છે. તે સ્વાદ પણ અહીં છોડ્યા.

આ જથાબંધ જમા થએલા માણસોનું શું કરવું એ વિચાર કરવા જેવું થઇ પડ્યું. ચાર્લ્સટાઉનમાં અગવડે સગવડે આટલા બધા માણસોને લાંબી મુદત સુધી રાખવામાં આવે તો રોગ ફાટી નીકળવાનો સંભવ રહ્યો. એટલા હજાર માણસ જે હમેશાં કામ કરનારા હોય છે, તે નવરા બેસી રહે એ પણ ઠીક ન ગણાય. આ સમયે એટલું કહી જવાની જરૂર છે કે આટલા ગરીબ માણસો એકઠા થએલા છતાં ચાર્લ્સટાઉનમાં તેઓમાંના એકે પણ ચોરી નહિ કરેલી. પોલીસની જરૂર કોઇ પણ વેળા નહિ પડેલી. તેમ પોલીસને કોઇ પણ વેળા વધારે કામ નહોતું કરવું પડ્યું. છતાં હવે ચાર્લ્સટાઉનમાં નજ બેસી રહેવું એજ ઉત્તમ રસ્તો જણાયો. તેથી ટ્રાંસવાલમાં દાખલ થવાનો ને છેવટે જો ન પકડાઇએ તો ટોલ્સટોપ ફાર્મ પહોંચવાનો ઠરાવ કર્યો. કુચ કરતાં પહેલાં સરકારને ખબર આપી કે પકડાવાને ખાતર અમે ટ્રાંસવાલમાં દાખલ થવાના છીએ. અમારે ત્યાં રહેવું નથી, ત્યાંના હકની ઇચ્છા નથી, પણ જ્યાં સુધી સરકાર નહિ પકડે ત્યાં સુધી અમે અમારી કુચ જારી રાખશું અને છેવટે ટોલ્સટોય ફાર્મ પર મુકામ કરશું. સરકાર જો પા. ૩ નો કર કહાડી નાંખવાનું વચન આપે તો અમે પાછા જવા તૈયાર રહેશું. આ નોટીસની ઉપર સરકાર ધ્યાન આપે એવી તેના મનની સ્થિતિ નહતી. તેના જાસુસો તેને ભમાવતા હતા. લોકો થાકશે એમ સમજાવતા હતા. સરકારે બધી ભાષાઓમાં નોટીસ છપાવીને હડતાલીઆઓને વહેંચી હતી. છેવટે ચાર્લ્સટાઉનથી પણ આગળ વધવાનો વખત આવી લાગ્યો. તા. ૬ ઠી નવેમ્બરે ત્રણ હજારનો સંઘ પરોઢીયે રવાના થયો. આખી હરોળ એક માઇલ કરતાં વધારે લાંબી હતી. મી. કેલનબેક તથા હું પાછળના ભાગમાં હતા. સંઘ સરહદ ઉપર પહોંચ્યો, ત્યાં પોલીસની ટુકડી હાજર હતી. અમે બે ત્યાં જઈ પહોંચ્યા એટલે પોલીસ સાથે વાતચિત થઇ. તેણે અમને પ્રવેશવાની તો ના પાડી, એટલે સરઘસ નિયમમાં અને શાન્તિથી ફોક્‌સસ્ટે વચ્ચેથી પસાર થયું. શહેર બહાર સ્તાડિટેન રોડ પર પડાવ નાંખ્યો, સહુ એ ખોરાક લીધો. સ્ત્રીઓ કુચમાં સામેલ ન થાય એવી ગોઠવણ કરવામાં આવી હતી. છતાં જુસ્સાનું પુર અટકાવવું મુશ્કેલ થઈ પડ્યું અને કેટલીક સ્ત્રીઓ શામેલ થઈ. ફો પણ કેટલીસ્ત્રીઓ તથાં છોકરાં હજુ ચાર્લ્સ ટાઉનમાં રહેતાં હતાં. તેમની બરદાસ કરવાની મી. કેલનબૅકને ફોકસ્ટેની હદ ઓળંગ્યા પછી પાછા મોકલ્યા.

બીજે દિવસે પામફર્ડ આગળ પોલીસે મને પકડ્યો. મારા ઉપર તહોમત બીન- હકદાર માણસોને ટ્રાંસવાલમાં દાખલ કરવાનું હતું. બીજાઓને પકડવાને તેને હુકમ ન હતો. એટલે ફોક્‌સસ્ટે પહોંચ્યા પછી સરકારને મેં નીચે મુકજબ તાર કર્યો : " સત્યાગ્રહની લડતના મુખ્ય પ્રચારકને સરકારે પકડેલ છે તેથી હું ખુશી થાઉં છું. પણ તેની સાથે કહ્યા વિના રહી શકતો નથી કે તે માટે જે તક આપવામાં આવી તે દયાની નજરે જોતાં અત્યંત કફોડી છે. સરકાર કદાચ જાણતી હશે કે આ કુચમાં ૧૨૨ સ્ત્રીઓ અને ૫૦ બાળકો છે. તથાં બધાં પોતાને ઠેકાણે પહોંચે ત્યાં સુધી જીંદગી ટકી રહે એટલા ખોરાક ઉપર નભે છે. અને ટાઢ તડકાંની સામે રક્ષણ રહિત છે. આવી સ્થિતિમાં મને તેથી વિખૂટો કર્યો એ ન્યાયનું ભારે ખંડન-કર્તા કહેવાય. જ્યારે ગઈ રાત્રે મને પકડવામાં આવ્યો ત્યારે મારી સાથેના માણસોને જણાવ્યા વિના હું તેઓને મુકી આવ્યો છું. તેઓ કદાચ ક્રોધથી ગાંડાતુર બની જાય. એટલે હું માંગું છું કે કાં તો તેઓની સાથે કૂચ કરવાની રજા મને આપવામાં આવશે અથવા તો સરકાર તેઓને રેલગાડીથી ટૉલસ્ટૉય ફાર્મ પહોંચાડશે અને ખોરાકી પણ પુરી પાડશે. જેના ઉપર તે માણસોને વિશ્વાસ છે તે વિનાના તેઓને કરી મુકવા અને તેની સાથે તેને માટે ખોરાકી વેગેરેનો કાંઈ બંદોબસ્ત ન કરવો એ અયોગ્ય ગણાય. હું ઉમેદ રાખું છું કે ફરી વિચાર કર્યાં પછી સરકાર પોતાનો ઠરાવ ફેરવશે. જો કુચ દરમીયાન અણધાર્યો બનાવ બનશે અને ખાસ કરી ધાવણાં બાળકોવાળી બાઈઓમાંથી કોઈનાં મરણ થશે તો જવાબદારી સરકારની છે."

સરઘસ આગળ ચાલ્યું. મને ફોક્‌સસ્ટેના ન્યાયાધીશ સન્મુખ ઊભો કરવામાં આવ્યો. મારે બચાવ તો કાંઈ કરવાનો ન હતો પણ જે માણસો પામફર્ડથી આગળા ગયા હતા તથા હજુ જે ચાર્લ્સ ટાઉનમાં પડેલા હતા, તેની કેટલીએક વ્યવસ્થા સંભાળવાની હતી એટલે મેં મુદ્દત માંગી. સરકારી વકીલે તેની સામે વાંધો લીધો. પણ ન્યાયાધીશે જણાવ્યું કે બેલ ફક્ટ ખુનના આરોપમાંજ નામંજુર કરી શકાય. તેથી તેણે પા. ૫૦ ની જામીનગીરી માગી, એક અઠવાડિયાની મુદત આપી. જામીનગીરી તુરતજ વોલ્કર્સ્ટના એક વેપારીએ આપી દીધી. હું છુટો થઇ પરબારો કુચ કરનારાઓને મળ્યો. તેઓનો ઉત્સાહ બમણો વધ્યો. દરમીયાન પ્રિટોરીઆથી તાર આવી ગયો કે મારી સાથેના હિંદીઓને પકડવાનો સરકારનો ઇરાદો નથી. આગેવાનોજ પકડવામાં આવશે. આનો એમ અર્થ એમ નહોતો થતો કે બીજા બધાને છુટ આપવામાં આવશે પણ બધાને પકડી આપણા કામને સહેલું કરવા અથવા તો હિંદમાં ખળભળાટ કરવા સરકાર ઇચ્છતી ન હતી.

પાછળ બીજી એક મોટી ટુકડી લઇ મી. કેલનબેક આવતા હતા. અમારી બે હજાર ઉપરની ટુકડી સ્ટાંડર્ટન આગળ પહોંચી. ત્યાં ફરીને મને પકડવામાં આવ્યો. અને કેસની તા. ૨૧મીની મુદત પડી. અમે તો આગળ ચાલ્યા. પણ હવે સરકારથી આ બધું જીરવાય તેમ ન હતું એટલે તેણે પ્રથમ મને આ બધાથી એકદમ વિખુટો પાડવાનું પગલું લીધું. આ સમયે મિ. પોલાકને હિંદુસ્તાનમાં ડેપ્યુટેશન લઇ મોકલવાની તૈયારી થઇ રહી હતી. તે માટે ઉપડતા પહેલાં તે મને મળવા આવ્યા. પણ 'આદર્યાં અધવચ રહે અને હરિ કરે સો હોય' એમ બન્યું. મને રવિવારે ફરી ત્રીજી વખત ગ્રેલીંગસ્ટાડ આગળ પકડ્યો. આ વખતનું વોરંટ ડંડીથી નીકળેલું હતું, અને તહોમત ગીરમીટીયાઓને કામ છોડાવ્યાનું હતું. અહીંથી મને ઘણીજ ચુપકીથી ડંડી લઇ ગયા. ઉપર જણાવી ગયો છું કે મિ. પોલાક અમારી સાથે કુચમાં હતા. તેણે આ કામ સંભાળી લીધું. ડંડીમાં મંગળવારે કેસ ચાલ્યો. મારા ઉપરના ત્રણે આરોપ મને વાંચી સંભળાવવામાં આવ્યાં. તે મેં કબુલ રાખ્યા અને રજા મેળવી જણાવ્યું કે " મારા પોતાના તરફ અને બધી પ્રજા તરફ ન્યાયની ખાતર મારે કહેવું જોઇએ કે જે તહોમત મારા ઉપર મૂકવામાં આવ્યાં છે તેની બધી જવાબદારી એક વકીલ તરીકે તથા નાતાલના જુના રહીશ તરીકે હું મારે માથે લઉં છું, હું માનું છું કે આ લોકોને કોલોનીની બહાર લઇ જવાથી લોકોના મન ઉપર જે છાપ પડી છે તેનો હેતુ ઉમદા હતો. ખાણોવાળા સામે કાંઇ તકરાર નથી. આ લડતથી તેમને ગંભીર નુકશાન થાય છે તે માટે હું દીલગીર છું. હું હિંદી મજુરો રાખવાવાળાને પણ વિનંતિ કરૂં છું કે આ કર મારા દેશી ભાઇઓ પર ભારે બોજા રૂપ છે અને તેથી તે રદ થવો જોઇએ. મને લાગે છે કે ઓન. મિ. ગોખલે અને જનરલ સ્મટસ વચ્ચે જે સ્થિતિ ઉભી થઇ છે તે જોતાં અત્યંત ધ્યાન ખેંચાય તેવી લડત ઉઠાવવાની મારી ફરજ હતી. સ્ત્રીઓને અને ધાવણાં બચ્ચાંને સંકટ સહન કરવાં પડ્યાં છે તે હું સમજું છું. અને તે છતાં મને લાગે છે કે લોકોને સલાહ આપવાની મારી ફરજ હતી. અને તે મેં બજાવી છે. અને જ્યાં સુધી તે કર રદ થયો નથી ત્યાં સુધી કામ નહીં કરવાની ને ભીખ માગીને પેટ ભરવાની સલાહ મારા દેશી ભાઇઓને ફરી ફરી આપવામાં હું મારી ફરજ સમજીશ. મને ખાત્રી છે કે દુ:ખ ભોગવ્યા વિના તેઓના પરના જુલમનો અંત આવવાનો નથી. "

હું તો જેલમાં ઠરી ઠામ બેઠો. પાછળથી વોલક્‌ર્સ્ટમાં મારા ઉપર કામ ચાલ્યું અને ડંડીમાં થએલી નવ માસ ઉપરાંત ત્યાં બીજી ત્રણ માસની જેલ થઇ.

આ અરસામાં મને ખબર થયા કે મિ. પોલોક પકડાયા છે. અને હિંદુસ્તાન જવાને બદલે જેલમાં જઇને બેઠા છે. હું તો રાજીજ થયો કેમકે મારે મને પહેલા ડેપ્યુટેશન કરતાં આ ડેપ્યુટેશન મોટું થયું. તે પછી તુરતજ મી. કેલનબેક પકડાયા અને તે પણ મી. પોલાકની પેઠે ત્રણ માસની જેલમાં જઇને બેઠા. આગેવાનોને પકડ્યા પછી લોકો નમી જશે એમ માનવામાં સરકારે તો ભૂલજ કરી. બધા હડતાલીઓઓને ચારેક ખાસ ટ્રેનો ભરી ડંડી તથા ન્યુકાસલમાં પાછા ખાણો ઉપર લઇ જવામાં આવ્યા. ત્યાં તેઓના ઉપર ભારે જુલમ થયો. તેમને બહુ સહન કરવું પડ્યું. પણ સહન કરવાને તો બધા બહાર પડેલાજ હતા. સૌને આગેવાનો વગર પોતાનું બળ બતાવવાનું હતું, અને તે તેમણે બતાવી આપ્યું. કેવી રીતે બતાવ્યું તે જગત જાણે છે.

કવિ દયારામે ખરૂં ગાયું છે કે -

મહા કષ્ટ પામ્યા વિના કૃષ્ણ કોહોને મળ્યા,
ચારે યુગના જુઓ સાધુ શોધી;
વહાલ વૈષ્ણવ વિષે વીરલાને હોય બહુ;
પીડનારા જ ભક્તિ વિરોધી. મહા૦

ધ્રુવજી પ્રલ્હાદજી ભીષ્મ બળિ વિભિષણ,
વિદુર કુંતિ કુંવર સહિત દુખિયાં;
વસુમતિ દેવકી નંદજી યશોમતી,
સકલ વ્રજ ભદ્ર દુખિ ભક્ત સુખિયાં. મહા૦

નળ દમયંતી હરિશ્ચંદ તારાનયની,
રૂકમાંગદ અંબરિષાદિ કષ્ટિ;
નરસિંહ મેહેતો ને જયદેવ મીરાંજની
પ્રથમ પીડા પછી સુખની વૃષ્ટિ. મહા૦


વ્યાસ આધિ વ્યાધિ તુલસી માધવાદિક,
શિવ કપાલી વિદ્યા વિશ્વ નિંદે;
જગ જનની જાનકી દુ:ખ દુસ્તર સહ્યું,
પાપ વણ તાપ જેને જગ્ત વંદે. મહા૦

સંચિત ક્રિયમાણ પ્રારબ્ધ જેને નથી,
તેને ત્રય તાપ આવી નડે છે;
અકલ ગતિ ઇશ હેતુ ન સમજ્યું પડે,
પ્રબલ ઇચ્છા સરવ તે પડે છે. મહા૦

છે કથન માત્ર એ પાપ ને પુણ્ય બે,
નચવ્યું નંદકુંવરનું જગ્ત નાચે;
દયા પ્રિતમ રૂચિ વિના પત્ર હાલે નહિં,
પણ ન ભાગે ભ્રમણ મન્ન કાચે. મહા૦

(આ લખાણનો વિશેષ ભાગ મ. ગાંધીજ તરફથી લખાવાનો હતો. પણ યુરોપી વિગ્રહને લીધે તેમને જરૂરી અવકાશ મળ્યો નથી - અ. ઇ. ઓ. )


સમાપ્ત