લખાણ પર જાઓ

મિથ્યાભિમાન/અંક ૬ ઠ્ઠો/"चौर्यप्रसंग"- જીવરામભટ્ટને ચોર લઈ જાય છે

વિકિસ્રોતમાંથી
←  સંખ્યાદિ પૃચ્છા મિથ્યાભિમાન
"चौर्यप्रसंग"- જીવરામભટ્ટને ચોર લઈ જાય છે બનાવે છે
દલપતરામ
ફોજદારી ઈન્સાફ →


चौर्य प्रसंग

જીવ૦—( જાગીને ) અરે પ્રભુ ! લઘુશંકા કરવા ખાળે જવાની જરૂર છે. હવે ખાળ શી રીતે જડશે? કદાપિ ખાળે જઈ પહોંચીએ, પણ પાછા આવતાં આ ખાટલો નહિ જડે, અને કોઈક બીજાની પથારીએ જઈ ચડીએ, તો મોટી ફજેતી થાય. હવે શું કરવું? હે ઇષ્ઠ દેવ, હવે તું મારી લાજ રાખજે. વારૂં, આ પાઘડીનો છેડો ખાટલાના પાયા સાથે બાંધીએ, અને બીજો છેડો હાથમાં રાખીને ખાળે જઈએ. ( તેમ [] કરે છે.) ( વચમાં પાડી આવીને પાઘડી ચાવીને બે કટકા કરે છે. )

જીવ૦—અરે પ્રભુ ! હવે શું કરીશું ? ખાટલો શી રીતે જડશે ? હવે પૂરી ફજેતી થવાની ! ( ફાંફાં મારતો સાસુના ઉપર જઈને પડે છે. મશાલ બુઝાઇ જાય છે. )

દેવબા૦—( બુમ પાડીને ) અરે ! ચોર છે ! જાગો ! જાગો ! ( એમ કહીને નાસે છે. )

સોમના૦—મારો ! મારો ! મારો ! માજી દીવો કરો, દીવો કરો ! ( ઝાપટે મારે છે. )

રઘના૦—પોલીસના સિપાઇઓ આવી પહોંચ્યા પહેલાં ખૂબ હાથરસ લઈ લો. એના શરીરનું એકે હાડકું સાજું રાખશો નહિ. ( ઝાપટે તથા લાકડીએ મારે છે. )

રંગલો૦—મારો ! મારો ! મારો ! ( તે પણ મારે છે. )

જીવ૦—અરે હું છું ! એ તો હું છું ! મેં સાસુજીને લાત મારી હતી, માટે માફી માગવા આવ્યો છું. ( તે કોઈ સાંભળતું નથી. )

રઘના૦—ચોરીની માફી હોય નહિ, મારો ! મારો ! મારો !

દેવબા૦—દોડજો ! દોડજો ! ચોર છે ! ચોર છે !

પોલિસના બે સિપાઈઓ૦—( બારણાં ઠોકે છે[] ) બારણાં ખોલો, બારણાં ખોલો.

દેવબા૦—( બારણાં ઉઘાડે છે. )

સિપાઈ૦—( આવીને ) કીધર હે ચોર ? કીધર હે ચોર ?

સોમના૦—આ રહ્યો સાહેબ ! આ રહ્યો સાહેબ !

રઘના૦—પકડી જાઓ, પકડી જાઓ.

સિપાઈ૦—( પકડીને હાથ બાંધે છે, અને બીજાં સઉ કલબકાટ કરે છે. )

દેવબા૦—અરે મારા પગમાંથી કલ્લાં કાઢતો હતો.

સોમના૦—હું ઊઠ્યો તેવો મેં તરત નજરે દીઠો.

એક સિપાઇ૦—( બાંધીને લઈ જાય છે. બીજા ઉભા રહે છે. )

રઘના૦—અરે દીવો કરીને ઘરમાં તપાસ કરો. શું શું ગયું ?

સોમના૦—મને ધબકારા જણાતા હતા તેથી હું જાણું છું કે સાત કે આઠ ચોર ઘરમાં પેઠા હતા. પણ બીજા નાસી ગયા, અને એ એકજ પકડાયો.

રઘના૦—પગીને બોલાવો, પગેરૂં કહાડવું પડશે.

સોમના૦—અરે! એક હજામને બોલાવો, મશાલ કરવી પડશે.

રઘના૦—રસોઇ કરવાના વાસણ તપાસો, છે કે ચોર લઈ ગયા.

દેવબા૦—( પડદામાં જઈ આવીને ) વાસણ તો બધાં રહ્યાં છે. મેં ગણી વાળ્યાં.

સોમના૦—અરે! મારી ભણવાની પોથી પણે હતી તે છે કે નહિ ?

દેવબા૦—પોથી તો આ રહી.

રઘના૦—પેલા હાંલ્લામાં જનોઈના જોટા ૩ હતા તે છે કે ગયા ? તપાસ કરો.

દેવબા૦—જનોઈના જોટા તો રહ્યા છે.

સોમના૦—અરે! વિભૂતિના ગોળા દેવપૂજાની ઓરડીમાં હતા તે તપાસો છે કે ચોર લઈ ગયા!

રઘના૦—વિભૂતિના ગોળા તો રહ્યા છે રહ્યા પણ સાથે ગોમુખી ને આસનિયું પણ રહ્યું છે!

દેવબા૦—અરે! આ ખાટલામાં જીવરામભટ્ટ સૂતા હતા, તે ક્યાં ગયા ?

રઘના૦—ચોરની બીકથી નાશીને ખાટલા હેઠે કે બીજે ક્યાંઇ સંતાઇ રહ્યા હશે.

સોમના૦—ઓ જીવરામભટ્ટ ! ઓ જીવરામભટ્ટ ! આટલામાં તો ક્યાંઈ જણાતા નથી.

રંગલો૦—જીવરામભટ્ટ ગયા જમરાજાને ઘેર. હવે એને ત્યાં એને મિથ્યાભિમાનનું ફળ સારી પેઠે મળશે.

રઘના૦—આ ખાટલાને પાયે પાઘડીનો અડધો કડકો બાંધેલો છે, આનું કારણ શું હશે ?

સોમના૦—જરૂર પેલા કોળી લોકો જીવરામભટ્ટને ચોરીને લઈ ગયા. આ ખાટલાને પાયે પાઘડીના કડકા બાંધીને ખાટલો ઊંચકી જવાનો વિચાર કર્યો હશે પણ તેમ બની શક્યું નહિ હોય તેથી તેમને ઉંચકીને ગયા.

દેવબા૦—અરે! હાય! હાય! બે હજાર રૂપૈયા ખરચતાં પણ હવે એ જમાઈ હવે આપણને ક્યાંથી મળે.

રંગલો૦—ખરી વાત છે. એના જેવો મિથ્યાભિમાની જગતમાં મળવાનો નહિ.

રઘના૦—હવે એને વેગળા દેશમાં લઈ જઈને વેચશે એટલે તે ચોર લોકોને બે હજાર રૂપૈયા મળશે.

દેવબા૦—( છેડો વાળીને ) પરૂણારે તારું મોઢું હવે હું ક્યાં દેખીશ ! ઉં હું હું હું !

રઘના૦—છાની રહે છાની રહે; મુઆ પહેલી મોંકણ શી ?

રંગલો૦—અરે કરવા દોને આગળથી કરી મુકી એટલે પછીથી કરવી મટી.

સિપાઈ૦—તુમેરી કુછ માલમતા ગઇ હોયસો અબી કહો કીતને રૂપૈએકી મતા ચોરાઇ ?

દેવબા૦—અરે ભાઈ, અમારી એવી ચીજ લઈ ગયા કે બે હજાર રૂપૈઆ ખરચતાં પણ મળે નહિ.

સિપાઇ૦—અચ્છા મેં જમાદારકું કઉંગા.

દેવબા૦—તે ચોરને પકડીને ક્યાં લઇ ગયા ?

સિપાઇ૦—ઉસકું અબ કાચી કેદમેં રખેગા ઓર ખુબ માર મારેગા, તબ ચોરીકા માલ કબુલ કરેગા, નહિ તો ઓ સાલા કબી માનનેવાલા નહિ.

રઘના૦—સરકારનો એવો હુકમ હશે કે ?

સિપાઇ૦—સરકારકા કાયદા તો બડા ખરાબ હે, ચોરકું મારનેકા હુકમ નહિ. ગાયકવાડી રાજમેં એસા હે કે ચોર લોકકું પકડકે પાંઉમેં મેખાં મારતે હે. ઓર ગરમ તેલ છીટતા હે, તબ ચોરલોક તુરત ચોરીકા માલ નીકાલ દેતા હે.

રંગલો૦—ઠીક છે. આ ચોરને પણ એમ કરજો. તે એજ લાગનો છે.

સિપાઇ૦—સામલાજીકા થાણદારને ચોર પકડાથા. ઓ ચોરીકી બાત બીલકુલ ઇનકાર કરતા થા. પીછે થાણદારને જબ ખુબ માર મરાયા તબ દો હજાર રૂપૈએકા માલ નીકાલ દીયા. દુસરા રાજા હોવે તો એસા થાણદારકું બડા ઇનામ દેવે. લેકીન સાદરાકા સાહેબ કે આગે ચોરલોકને જાહેર કીઆ, હમકું માર મારકે ચોરી કબુલ કરવાઇ.

રઘના૦—પછી સાહેબે શો હુકમ કર્યો.

સિપાઇ૦—સાહેબ ઓ થાણદારકું છે મહિનેકી સખ્ત મજુરી સાથ કેદકી સજા કીની, ઓર નોકરીસે બરતરફ કીયા.

રઘના૦—એ તો બહુ ખોટું કર્યું.

સિપાઇ૦—જોધપુરકા મહારાજકા એસા કાયદા હે કે-એસા કોઇ ચોર પકડાયા કે તુરત વો ચોરકું લીલે કાંટેમેં જલાઇ દેના; બસ, દુસરા કુચ પૂછનાઇ નહિ. જબ ઓ મુલકમેં કોઇ ચોરી કરતા નહિ. અંગ્રેજ સરકારકા રાજમેં બડા અંધેર હે. કહેતા હે કે ચોરને ચોરી કીયા ઇસકા સાહેદી લાઓ, સો ચોરકા સાહેદી કહાંસે મીલે ? કુછ ચોર લોક સાહેદી પુરનેવાલેકું ભેલી લેતા આતા હે ક્યા ?

સોમના૦—હવે આ ચોરીનો મુકદમો ક્યારે ચાલશે ?

સિપાઇ૦—કલ દસ બજે ફોજદાર સાહેબકી કચેરીમેં હાજર હોના.

સોમના૦—ઠીક છે, આવીશું. ( સિપાઇ જાય છે. )

રંગલો૦—સોમનાથભટ્ટ તમે બડી બહાદુરીથી ચોરને પકડ્યો છે હો ! અને આ ઠેકાણે તેનો વાંસો પણ ઠીક હળવો થયો છે.

રગના૦—તેના નસીબથી મારા હાથમાં તે સમે લાકડી સારી આવી ગઈ.

સોમના૦—અરે મેં તો એવો એને માર્યો છે કે સો વસા તો તે જીવશે નહિ પણ કદાપિ જીવતો રહેશે તો આપણા ઘર સામું ફરીથી કોઇ દહાડે જોશે નહિ.

( પડદો પડ્યો )

——————

ગાનારા ગાય છે.


  1. માથે ચાદર ઓઢીને જાય.
  2. પડદા પાછળ રહીને બોલે