મિથ્યાભિમાન/અંક ૭ મો/ફોજદારી ઈન્સાફ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← "चौर्यप्रसंग"- જીવરામભટ્ટને ચોર લઈ જાય છે મિથ્યાભિમાન
ફોજદારી ઈન્સાફ
દલપતરામ
જીવરામભટ્ટનો મંદવાડ →


अंक ७ मो


પાત્ર—૧ ફોજદાર. ૨ શિરસ્તેદાર. ૩—૪ પોલિસના સિપાઇઓ. ૫.રઘનાથભટ્ટ. ૬ સોમનાથ. ૭ જીવરામભટ્ટ. ૮ રંગલો.
સ્થળ—ફોજદારની કચેરી.
(પડદો ઉપડ્યો—ત્યાં ગાદી તકિયા ઉપર ફોજદાર અને શિરસ્તેદાર બેઠા છે, આગળ દફ્તરો પડ્યાં છે અને પોલિસનો એક સિપાઇ ઉભો છે.)


ફોજદાર—(શિરસ્તેદારને) પેલો સાગો [૧]લુંટાયો હતો તેના ચોર કાચી કેદમાં છે, તેનું નામ કાઢો.

શિરસ્તેદાર—સિપાઇ જમાદારને બોલાવો.

સિપાઇ—અચ્છા સાહેબ. (જાય છે.)

જમાદાર—(આવીને) સલામ સાહેબ.

ફોજદાર—કેમ જમાદાર,પેલો સાગો લુંટનારા ચોર કાંઇ કબૂલ કરે છે કે નહિ?

જમાદાર—અરે ખાવિંદ એ તો બડા લુચ્ચા હે.

ફોજદાર—બધા ચોર લોકો હવે અંગ્રેજી કાયદાથી વાકેફ થયા છે, માટે એમ તો કબૂલ કરવાના જ નહિ. જ્યારે તેમના ઉપર ગાયકવાડી ખૂબ ચલાવીએ ત્યારે જ ચોરી કબૂલ કરે.

જમાદાર—મેરી ઉમરમેં તો કોઇ એસા દેખા નહિ હે, ગાયકવાડી ચલાયે બિના ચોરી કબુલ કરી હોયગી.

ફોજદાર—આ ચોર ઉપર તેમ કર્યું કે નહિ.

જમાદાર—હા, સાહેબ. જબ મર જાયે એસા માર મારા તબ સબ બાત કબૂલ કીની,ઓર ચોરીકા મુદ્દાબી બતાતા હે. (રઘનાથભટ્ટ અને સોમનાથ આવે છે.)

રઘના0—આશીર્વાદ, રાજાધિરાજ.

ફોજદાર—આવો મહારાજ,પગે લાગું.

સોમના૦—અન્નદાતા, અમે ઘણી વાર થઇ બહાર આવીને બેશી રહ્યા છીએ. હવે અમારી ચોરીના મુદ્દાનો તપાસ કરવો જોઇએ.

ફોજદાર—કેટલા રૂપૈયાનો તમારો માલ ચોરાયો છે?

રઘના૦—રાજાઘિરાજ બે હજાર રૂપૈયા ખરચતાં મળે નહિ, એવી ચોરી થઇ છે.

ફોજદાર—અરે ! રામ ! રામ ! બિચારા બ્રાહ્મણને ભીખ માગતા કર્યા તો—અરે જમાદાર!

જમાદાર—હાજર સાહેબ!

ફોજદાર—ગઇ રાતે આ બ્રાહ્મણને ઘેરથી ચોર પકડાયો,તેને તમે કાંઇ સમજુતી આપી કે નહિ?

જમાદા૦—અરે! ખાવિંદ, સારી રાત સમજાયા;ઓર અબી તક સમજાયા, લેકિન ઓ તો કુછ કબૂલ કરતાઇ નહિ.

ફોજદાર—(રઘનાથ ભટ્ટને)કેટલા ચોર તમે દીઠા હતા?

સોમના૦—અન્નદાતા, ચાર કે પાંચ હતા, એવું મને લાગે છે.

ફોજદા૦—(જમાદારને) બીજા ચોરોનાં નામ તે ચોર બતાવે છે કે નહિ?

જમાદા૦—નહિ સાહેબ, કુછ નહિ બતાતા. ઓ બમનકું ગાલિઆં દેતા હે ,સો સુનકે હમકું બોત ગુસ્સા લાગતા હે.

ફોજદા૦—તે શું કહે છે?

જમાદા૦—એ તો સાલા કહેતા હે કે મેં તો બમનકા જમાઇ લગતા હું.

ફોજદા૦—ત્યારે એના ઉપર ગાયકાવાડી ખૂબ ચલાવોને? તે વિના કાંઇ કબૂલ કરશે?

રંગલો—(જમાદારને) હં ! એ તો તમે તમારે આંખો મીંચીને ખૂબ માર મારોને ! પછી બધાં સારાં વાનાં થશે.

જમાદા૦—ખાવિંદ,બોત ગાયકવાડી ચલાઇ. એવી તો હમને અબી તલક કોઇ ચોર પર ચલાઇ નહિ હે.

ફોજદા૦— જાઓ, જાઓ ! તેને બેક વધુ સમજુતી આપોઃ અને ગમે તેમ કરીને ચોરીનો માલ પાછો આપે એવું કરો, તો તમને ઇનામ અપાવીશું; અને વળી તમારી તારીફનો રિપોર્ટ કરીશું, તેથી તમને મોટા પગારની જગો મળશે; અથવા ખાનબહાદુરનો ખેતાબ મળશે.

જમાદા૦—અચ્છા સાહેબ, આપકી મહેરબાની.( તે જાય છે.)

રઘના૦—ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ! જ્યારે તે ચોરને ખૂબ દમ ભીડાવશો, ત્યારે તે ચોરીનો મુદ્દો કબૂલ કરશે, નહિ તો નહિ કરે.

ફોજદાર—જમાદારને કાંઇ કહેવું પડે એમ નથી. ચોરને મરણતોલ માર મારશે, પછી તો તમારૂં નશીબ.

રંગલો—ખરીવાત છે,કાંતો નશીબ ઉઘડે છે, ને કાંતો ફૂટે છે.

સોમના૦—અન્નદાતા,જગતમાં રહી શકાય નહિ,એવી અમારે માથે થઇ છે.

ફોજદા૦—હા મહારાજ, હા. બે હજાર રૂપૈયાની ચોરી, તે શું ન્હાનીસૂની વાત છે? એ તો તમ જેવા ગરીબ માણસને મનખાના ગયા જેવું.

જમાદા૦—(આવીને) ખાવિંદ એ તો મૂઆ જેસા હો ગયા, લેકીન કુચ્છ મુદ્દા કબૂલ કરતા નહિ.

રંગલો—હજી કાચું હશે. છેક મરી ગયો નહિ હોય.

ફોજદાર—ત્યારે આપણે શું કરીએ? ભોગ બિચારા ગરીબ બ્રાહ્મણોના. એનાં નશીબ.

રઘના૦—અન્નદાતા, અમે માર્યા જઇએ છીએ.

ફોજદા૦—ભોગ તમારા ! હવે અમે શું કરીએ?

સોમના૦—હજી બેક વધારે ધમકી દેવરાવો તો?

ફોજદાર—હવે વધારે તે કેટલી ધમકી દેવરાવીએ? કહે છે કે આ ચોર મૂઆ જેવો થઇ ગયો. કદાપિ કાચી કેદમાં મરી જાય, તો અમે ગુન્હેગાર ઠરીએ; અને તમારા સારૂ નોકરી ખોઇ બેશીએ. પછી ત્રણ ખૂણાની ટોપી કોઇની નહિ, તે તમને ખબર છે?

રઘના૦—ત્યારે શું કચેરીમાં આવીને તે ચોરીનો મુદ્દો કબૂલ કરશે?

ફોજદા૦—કચેરીમાં તો કોઇ કબૂલ કરે નહિ.એવો કોણ ગાંડો હોય કે જાણી જોઇને ચોર થાય? તમારી તરફનો પૂરાવો મજબૂત હશે તો તે ચોરને કેદની શિક્ષા થશે;પણ ચોરીનો માલ હાથ આવવાનો નહિ.

સોમના૦—ચોરને કેદની શિક્ષા થાય, એમાં અમારા ઘરમાં શું રંધાયું?

રઘના૦—(સોમનાથના કાનમાં) જરૂર! જમાદારને તે ચોરે લાંચ આપી. નહિ તો બીજા લોકોની ચોરીનો મુદ્દો કબૂલ કરાવે છે, અને આપણો કેમ કબૂલ ના કરાવે?

રંગલો—(સભા સામે જોઇને) આ ગામના ફોજદાર કે તેમના કારકુન કોઇ આટલામાં છે કે? કેમ સાહેબ તમને એમાંથી કંઇ મળવાનું ખરૂં કે? જો મળવાનુ હોય તો તેમાંથી આ નાટક મંડળી ઉપર પણ કાંઇક મહેરબાની કરજો.

રઘના૦—તેથીજ ફોજદાર ઢીલું મૂકે છે તો.

ફોજદા૦—(જમાદારને) હશે, તે ચોરને કચેરીમાં લાવો.

જમાદા૦—ખાવિંદ, ઓ ચલ સકે એસા નહિ હે. બોત આજારી હે.

ફોજદા૦—વારૂ, ખાટલામાં ઘાલીને લાવો.

(જમાદાર તથા સિપાઇ બંને જઇને ખાટલામાં ઘાલીને ઉપર ચાદર ઓઢાડીને લાવે છે)

ફોજદા૦—પણે એક ખુણે ખાટલો મૂકો. (તેમ મૂકે છે.)

રંગલો૦—અરે! લઇ જાઓને પરભાર્યા મસાણમાં; નહિ તો આ કચેરીના લોકોને અભડાવશે.

જીવરા૦—(ઝીણા સ્વરે) અરે! મને મારી નાખ્યો રે બાપ !

રંગલો૦— આ મિથ્યાભિમાનનું ફળ.

જમાદા૦—(ધમકી દઇને) છાનામાના પડ રહે.

ફોજદા૦—તે શું કહે છે?

જમાદા૦—ઓ તો સાલા કહેતા હે કે મેરેકું માર ડાલા.

રંગલો૦—અરે ! સારાં નશીબ જાણને, કે આટલો જીવતો રહ્યો છે. નહિ તો કાચી કેદમાંથી તો કંઇક પરભાર્યા મસાણમાં ગયેલા છે, તેનો પત્તોજ લાગ્યો નથી.

ફોજદા૦—(શિરસ્તેદારને) કાંઇ ફીકર નહિ. જુબાની લેતાં પણ કદાપિ એમ બોલે, તો તે વાત લખવાની જરૂર નથી. કેમકે એ તો બધા ચોર લોકો એવું બોલવા શીખ્યા છે. કે, મુદ્દો કબુલ કરવા સારૂ મને માર માર્યો.

શિરસ્તે૦—રઘનાથભટ્ટ, પહેલી તમારી જુબાની લખાવો.

રઘના૦—અમારા કર્મ ફૂટ્યાં, હવે અમારી શી જુબાની લખાવવી છે?

રંગલો૦—હજી તો કર્મ ફુટવાનાં આગળ છે.

રઘના૦—આ હાથોહાથે ચોર પકડાયો છે, તો પણ અમારા ગરીબ માણસની ચોરીનો ક્યાં પત્તો લાગવાનો છે ! !

ફોજદા૦—મહારાજ, સમાલી જુબાની લખાવો, જો બેઅદબી બોલશો તો શિક્ષા થશે.

સોમના૦—સમય તો એવોજ છે, કે ઉલટો ચોર કોટવાળને દંડે.

શિરસ્તે૦—તમારૂં નામ રઘનાથભટ્ટ ?

રઘના૦—હા, મારૂં નામ રઘનાથભટ્ટ ? (તે લખે છે.)

શિરસ્તે૦—તમારા બાપુનું નામ ?

રઘના૦—મારા બાપુનું નામ અમથારામ.

શિરસ્તે૦—જાતે ખેડાવાળ, ગોમતીવાળ કે રોઢવાળ, કે પલેવાળ છો?

રઘના૦—અમે લાડુવાળ બ્રાહ્મણ છીએ. (હાથે લાડવો વાળી દેખાડે છે.)

શિરસ્તે૦—તમારી ઉમર કેટલા વરસની છે?

રઘના૦—આશરે પચાશ વર્ષ થયાં હશે. પછી દશવીશ આમ કે પછી દશવીશ આમ.

શિરસ્તે૦—તમારો ધર્મ ?

રઘના૦—મિષ્ટાનપંથીનો ધર્મ.

શિરસ્તે૦—શો ધંધો કરો છો?

રઘના૦—પત્રાળી ભરવાનો.

શિરસ્તે૦—કિયા મહોલ્લામાં રહો છો ?

રઘના૦—ઢેડપરીમાં

શિરસ્તે૦—કહો કે પરમેશ્વર માથે રાખીને સાચેસાચું લખાવીશ.

રઘના૦—પરમેશ્વર માથે રાખીને આ રાજ્યના દસ્તુર પ્રમાણે સાચેસાચું લખાવીશ

શિરસ્તે૦—કહો કે જુઠું લખાવું તો મને પરમેશ્વર પૂછે !

રઘના૦—જેવા તમને પરમેશ્વર પૂછે, એવો અમને પણ પરમેશ્વર પૂછે.

શિરસ્તે૦—કહો શી રીતે થયું ?

રઘના૦—ગઇ રાતે અમારા ઘરમાં ચોર પેઠા હતા.

શિરસ્તે૦—કેટલા ચોર હતા ?

રઘના૦—આશરે ચારપાંચ ચોર હતા, પણ ખરેખરો તો એકજ અમારા જોવામાં આવ્યો.

શિરસ્તે૦—પછી શું થયું ?

રંગલો૦—પછી શું થયું તે શું ? ખુબ હાથરસ લીધો.

સોમના૦—(રઘનાથભટ્ટના કાનમાં)(બાઇડીઓનું નામ દેશો નહિ, નહિ તો બાઇડીઓને કરીમાં બોલાવશે.)

રઘના૦—પછી અમે બુમો પાડી, એટલે બીજા ચોર નાશી ગયા અને એક પકડાયો.

શિરસ્તે૦—કોણે પકડ્યો ?

રઘના૦—ચોકીના સિપાઇઓ આવી પહોંચ્યા તેઓએ પકડ્યો.

શિરસ્તે૦—ઘરમાં દીવો હતો કે અંધારું હતું ?

રઘના૦—અંધારૂં હતું. દીવો ઓલવાઇ ગયો હતો.

રંગલો૦—એ તો અંધારે બહેરૂં કૂટાઇ ગયું.

શિરસ્તે૦—ક્યાંઇ ખાતર પાડ્યું છે કે ? ક્યાં થઇને પેઠા ?

રઘના૦—ખાતર તો ક્યાંઇ પડેલું જણાતું નથી.

શિરસ્તે૦—સિપાઇ આવ્યા ત્યારે ખડકીનું બારણું બંધ હતું કે ઉઘાડું હતું કે ઉઘાડું હતું ?

રઘના૦—બારણું બંધ હતું, તે સિપાઇઓએ બારણું ઠોક્યું, એટલે અમારી ઘરવાળીએ—ના, ના, મેં જ ઉઘાડ્યું હતું.

રંગલો૦—જો જો, પરમેશ્વર માથે રાખીને સાચેસાચું બોલજો.

શિરસ્તે૦—ત્યારે ચોર કિયે રસ્તે થઇને નાશી ગયા ?

રઘના૦—તે તો અમને કાંઇ ખબર પડી નહિ.

રંગલો૦—નશીબમાંથી ઉતર્યા હતા, અને નશીબને રસ્તે ગયા.

શિરસ્તે૦—તમે ચોરને ઓળખી શકશો કે ?

રઘના૦—એમાં શું ઓળખવું છે ? સિપાઇઓ અમારા પકડી ગયા એજ તો. આ ખાટલામાં સૂતો છે તે.

રંગલો૦—હા, એને ફાંસી દેવાનો અત્યારે હુકમ કરો, તો રઘનાથભટ્ટ બહુ રાજી થાય.

શિરસ્તે૦—ત્યાં ખાટલા પાસે જઇને, એનું મોં જુઓ.

રઘના૦—રાતે અંધારામાં અમે ચોરનું મોં દીઠું નથી.

શિરસ્તે૦—ત્યાં જઇને જુઓ, કાંઈ પણ નિશાની બતાવી શકો છો ?

રઘના૦—(ચોરનું મોં જોવા જાય છે.)

રંગલો૦—મશાલ પાસે રાખીને ખૂબ નિહાળીને જો જો ! લાવો બીજી બે ચાર મશાલો કરાવીશું?

રઘના૦—(ચાદર ઉંચી કરી, મોં જોઇને) અરે! જીવરામભટ્ટ તમે ક્યાંથી?

રંગલો૦—ક્યાંથી તે ક્યાંથી ? ચિત્રલેખા હરણ કરી લાવી.

જીવ૦— અરે મારા મિથ્યાભિમાને મને આ દશાએ પહોંચાડ્યો. હું હવે બેજા કોઇનો વાંક કાઢતો નથી.

રંઅલો૦— હવે સમજ્યો. આટલા દહાડા તો ખબર પડતી નહોતી.

રઘના૦—(ફોજદારને) મહારાજ, આ તો અમારો જમાઇ છે તેનેજ ચોર લઈ ગયા હતા, બીજી કાંઇ જણસ અમારી ચોરાઇ નથી.

ફોજદા૦—(શિરસ્તેદારને) હવે કેમ કરવું?

રંગલો૦—કેમ કરવું તે શું ? હવે શિરસ્તા પ્રમાણેજ તો.

શિરસ્તે૦—આ કામ અધરથી કહાડી નાંખવું પડશે. નહિ તો વળી એમાંથી સો લફરાં જાગે.

ફોજદા૦—એને ઘેર લઇ જવા દેશું કે?

રંગલો૦—અરે ! અહીં કચેરીમાં ખોરી ઘાલોને !

શિરસ્તે૦—ન લઇ દઇએ તો થોડી વારમાં મરી જાય એવો છે અને જો કામના કાગળો રાખીએ તો સાહેબ કહેશે કે જાહેર કર્યા વિના ઘેર કેમ જવા દીધો ?

ફોજદા૦—ખરી વાત છે, એમજ કરવું પડશે. વારૂ દફતદાર [૨] સાહેબની સલાહ લેશું.

રંગલો૦—એમાં ગફલતદાર સાહેબની સલાહ શી લેવીજ છે ?મારી સલાહ લ્યોને!

શિરસ્તે૦—એમાં દફતરદારની સલાહ લેવાની જરૂર નથી.

રંગલો૦—કાંઇ આવું કામ પહેલવહેલું નથી. દર મહિનામાં ચાર પાંચ કામ અધરથી ઉદાવવાં પડતાં હશે.

જમાદા૦—રાતે વો ક્યા કહેતાથા કે મેં રઘનાથભટ્ટકા જમાઇ હું લેકીન હમે જાના કે એ તો મિજાજમેં બોલતા હે.

ફોજદા૦—(રઘનાથભટ્ટને)જાઓ. હવે એનો ખાટલો તમારે ઘેર લઇ જાઓ.

રંગલો૦—કરજે વળી મિથ્યાભિમાન. રામ બોલો ભાઇ રામ! આવજો આ ગામના બ્રાહ્મણો, મારા જીવરામભટ્ટને મસાણ સુધી પહોંચાડવા. તમે રોતા રોઆ આવશો તો તમારા ઘરના માણાસ મરશે ત્યારે હું પણ રોતો રોતો મસાણ સુધી પહોંચાડવા આવીશ. (મશાલીને ) કેમ અલ્યા! તું આવીશ કે નહિ ? નહિ આવે તો પછી તરી ડોશી મરશે ત્યારે કોણ આવશે?

શિરસ્તે૦—બચારાને જીવતાં મસાણમાં લઇ જવાની વાત શા વાસ્તે કરે છે ? હજી તો જીવે છે.

( પડદો પડ્યો. )

<——૦——>

ગાનારા ગાય છે.

નોંધ

  1. કોઇ સાહુકારનું નાણું પરગામ લઇ જતાં રસ્તામાં લુંટાય તે
  2. જ્યાં નાટક થતું હોય, ત્યાંના દફતરદારનું કે દિવાનજીનું નામ લેવું.

(પૂર્ણ)

મિથ્યાભિમાન