મૂરખરાજ અને તેના બે ભાઈઓ /પ્રકરણ પાંચમું
← પ્રકરણ ચોથું | મૂરખરાજ અને તેના બે ભાઈઓ પ્રકરણ પાંચમું મોહનદાસ કરમચંદ ગાંધી |
પ્રકરણ છઠ્ઠું → |
ધન્વંતરિવાળો ગુલામ પણ છૂટો થવાથી કરાર પ્રમાણે પોતાના ભાઈ બંધને મદદ કરવા આવી પહોંચ્યો. ખેતર પર આવતાં ને શોધ કરતાં ને શોધ કરતાં તેણે તો કોઈને નહીં જોયા. માત્ર એક ખાડો જ જોયો. તેથી તે વીડીમાં ગયો. ત્યાં જોયું તો ભેજવાળી જગ્યામાં પૂંછડી જોઈ ! અને જ્યાં બાજરીના ડૂંડા હતાં ત્યાં બીજો ખાડો દીઠો, તેને મનમાં વિચાર્યું, " મારા ભાઈબંધોને કંઈ પણ નુકશાની પહોંચી છે એમાં તો શક નથી. મારે હવે તેઓની જગ્યા લેવી જોઈએ. જોઉં કે હું મૂરખરાજને ભમાવી શકું છું કે નહીં?" હવે આ ગુલામ મૂરખરાજને શોધવા ગયો. મૂરખરાજે ઘણાં ઠેકાણાં સર કર્યાં હતાં, અને હવે તે ઝાડ કાપતો હતો. બે ભાઈઓ તેની સાથે રહેતા હતા, તેને ઘરમાં સંકડાશ લાગતી હતી, તેથી ખાદો કાપીને બીજાં ઘર બનાવવાનું તેઓએ મૂર્ખાને કહ્યું હતું. ગુલામ ઝાડો તરફ આવ્યો અને ડાળીઓમાં ભરાઈ બેઠો, અને મૂર્ખાના કામમાં વિધ્ન નાખવું શરૂ કર્યું. મૂર્ખાએ એક ઝાડનું થડ તળેથી એવી રીતે કાપ્યું કે તે ક્યાંય ગૂંચવાયા સિવાય ખાલી જમીન પર પડે. પન ગુલામની કરામતથી તેમ નહીં પડતાં એ તો બીજાં ઝાડોની ડાંખળીમાં ભરાયું. મૂર્ખે એક વાંસ કાપ્યો કે જે વતી તે થડને જમીન ઉપર લાવી શકે. અને કેટલીક મુશ્કેલી વેઠ્યા પછી પોતાની મહેનત સફળ થઈ. હવે તે બીજા ઝાડ તરફ ગયો, અને પછી ત્રીજા ઉપર. બધામાં પુષ્કળ મહેનત પડી.
મૂર્ખાની ઉમેદ તો એવી હતી કે સાંજ પડતાં પચાસેક નાનાં ઝાડ કાપી લઈશ.પણ તેટલાં વખતમાં તેણે તો ભાગ્યે જ છ કાપ્યાં. તે ખૂબ થાક્યો હતો અને તેના પસીનાની વરાળ એટલામાં ફેલાઈ રહેલી હતી છતાં તેણે તો કામ છોડ્યું નહીં. તે બીજું ઝાડ કાપવા ગયો પણ તેને પીઠ એઅલી બધી દુખવા લાગી કે તે ઊભો ન રહી શક્યો. કુહાડી થડમાં ભરાવી રાખી જરા આરામ લેવા બેઠો. મૂર્ખાને થાકેલો જોઈ ગુલામ મનમાં ફુલાયો અને વિચારવા લાગ્યો : " આખરે મૂર્ખો થાક્યો તો ખરો. હવે તે મૂકી દેશે એટલે હું પણ જરા થાક ખાઉં."
આમ વિચારી તે એક ડાળ ઉપર બેઠો. પણ મૂર્ખો તો તેટલામાં ઊભો થયો, કુહાડી ખેંચી કાઢી અને જોરથી ઉગામીને એવા તો ઝપાટાથી મારી કે થડ તુરત જ તૂટી ગયું અને જમીન પર પડ્યું. ગુલામને તો આવી આશા જરાયે નહોતી. તેના પગ ખેંચી લેવા જેટલો વખત રહ્યો નહોતો. તેની એક ડાળીમાં તેનો પંજો ભરાયો. મૂર્ખો ડાળીઓ કાપવા જતો તેટલામાં તેણે ગુલામને જોયો અને તે આશ્ચર્ય પામીને બોલ્યો : " ઓ ! સેતાન, તું વળી પાછો આવ્યો કે?" ગુલામે જવાબ દીધો, " હું તો બીજો છું, હું તમારા ભાઈ ધન્વંતરિ સાથે હતો."
મૂર્ખો બોલ્યો : " તું ગમે તે હો, પરંતુ તારાયે એ જ હાલ થયા?" એમ કહી મૂર્ખે કુહાડીએ ઉગામી અને મારવા જતો હતો તેટલામાં ગુલામ કરગરવા લાગ્યો : "મને ન મારો, અને તમે કહેશો તે હું કરીશ."
મૂર્ખો બોલ્યો , " તું શું કરી શકે છે?"
ગુલામ બોલ્યો : "તમે કહો તેટલા પૈસા બનાવી શકું છું." મૂર્ખો બોલ્યો : " ઠીક છે. જોઈએ બનાવ."
એટલે ગુલામે પૈસા કેમ બનાવવા તે બતાવ્યું. તેને કહ્યું : " પેલા ઝાડનાં પાતરાં લઈને તમારા હાથમાં ચોળો એટલે તમારા હાથમાંથી સોનાનાં ફૂલ ખરશે."
મૂર્ખે પતરાં લીધાં, હાથમાં ચોલ્યાં અને સોનાનાં ફૂલ પડવા લાગ્યાં. મૂર્ખો બોલી ઈઠ્યો : " આ તો મજેનું કામ થયું. હવે મારા માણસો પોતાના બચેલા વખતમાં એનાથી રમશે."
ગુલામ બોલ્યો : "હવે મન રજા આપો."
મૂર્ખે રજા આપી અને કહ્યું : " ઈશ્વર તારી સાથે વસજો." એટલું મૂર્ખો બોલ્યો કે તરત ગુલામ જમીન તળે પેસી ગયો અને માત્ર એક ખાડો જ રહ્યો.