લખાણ પર જાઓ

મેદાનમાં જેણે મોરચો માંડ્યો

વિકિસ્રોતમાંથી
મેદાનમાં જેણે મોરચો માંડ્યો
ગંગાસતી



ગંગાસતી

મેદાનમાં જેણે મોરચો માંડ્યો

મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને
પકડ્યો વચનનો વિશ્વાસ રે,
ચૌદ લોકમાં કોઈથી બીએ નહીં
થઈ બેઠાં સદગુરુના દાસ રે ... મેદાનમાં

સાન સદગુરુની જે નર સમજ્યો,
તે અટકે નહીં માયા માંહ્ય રે,
રંગરૂપમાં લપટાય નહીં
જેને મળી ગઈ વચનની છાંય રે ... મેદાનમાં

રહેણીકરણી એની અચળ કહીએ
એ તો ડગે નહીંય જરાય રે,
વચન સમજવામાં સદાય પરિપુર્ણ
તેને કાળ કદી નવ ખાય રે ... મેદાનમાં

સોઈ વચન સદગુરુજીના ઘરના,
ગમ વિના ગોથાં ખાય રે,
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ,
વચન ન સમજ્યા નરકે જાય રે ... મેદાનમાં