લખાણ પર જાઓ

મોત્સાર્ટ અને બીથોવન/પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
મોત્સાર્ટ અને બીથોવન
પ્રસ્તાવના
અમિતાભ મડિયા
મોત્સાર્ટ →




પ્રસ્તાવના

યુરોપિયન સંગીતની બે મહાન પ્રતિભાઓ મોત્સાર્ટ અને બીથોવનના સ્વરોનો રણકો આજે પણ બુલંદ છે. રોકડા પાંત્રીસ વર્ષે આ ફાની દુનિયા ત્યાગી જનારો મોત્સાર્ટ બાળપ્રતિભા હતો. એના સંગીતમાં જમાને જમાને ભાવકોને દૈવી માધુર્ય સંભળાયું છે. ફળદ્રુપ ભેજું ધરાવનાર એ સંગીકાર પ્રોલિફિક – અતિવિપુલસર્જક – હતો. માત્ર પાંત્રીસ વર્ષની જિંદગીમાં એણે સાતસોથી પણ વધુ સંગીતકૃતિઓ સર્જી ! વિયેના ઘરાણાના આ બંને સંગીતકારો – મોત્સાર્ટ અને બીથોવન – ના જીવનનો મોટો ભાગ વિયેના નગરીમાં જ પસાર થયો. એ નગરી જ એમની મુખ્ય કર્મભૂમિ બનેલી. આ બંને સમકાલીન સંગીતકારો મિત્રો નહોતા, છતાં ઉંમરમાં મોટો મોત્સાર્ટ નાનેરા બીથોવન પર આફરીન હતો.

મોત્સાર્ટના સંગીતમાં માત્ર હર્ષોલ્લાસ વ્યક્ત કરતી સૂરાવલિઓ નથી. ચિત્તને વ્યાકુળ કરી મૂકતી અને તીવ્ર દુઃખની અભિવ્યક્તિ કરતી સૂરાવલિઓ પણ તેના સંગીતમાં પ્રારંભથી જોવા મળે છે. મોત્સાર્ટના સંગીતની સરખામણીમાં બીથોવનના સંગીતમાં વીર અને રૌદ્ર રસ ઘણો વધુ છલકાયો છે, તેથી બીથોવનનું સંગીત મર્દાના ગણાયું છે. ભાવોદ્રેક અને ભાવાવેશ દ્વારા ચિત્તને અભિભૂત કરી મૂકવાની ક્ષમતા મોત્સાર્ટની છેલ્લી કૃતિઓમાં પ્રકટી, બીથોવનમાં પણ એ દેખાઈ. ‘રોમેન્ટિસિઝમ’ નામે જાણીતું બનેલું આ લક્ષણ પછીથી શુબર્ટ, વેબર, વાગ્નર, ચાઈકોવ્સ્કી, ગ્રીગ, શોપાં, બર્લિયોઝ, શુમન, મેન્ડલ્સોહ્‌ન, બ્રાહ્‌મ્સ, દ્વોર્જાક, સ્મેટાના અને વુલ્ફમાં વધુ સ્ફુટ થયું, આ કારણે ‘રોમૅન્ટિસિસ્ટ’ સંગીતનો પ્રારંભ કરનાર સંગીતકારો તરીકે મોત્સાર્ટ અને બીથોવન પંકાયા.

નાટ્યોચિત સૂરાવલિઓ દ્વારા પાત્રોના અંતરમનમાં રહેલા છૂપા ભાવોને પ્રકટ કરવાનું મોત્સાર્ટનું સામર્થ્ય અપૂર્વ અને અનન્ય ગણાયું છે. પાત્રોના મનમાં ચાલતાં મંથનોને સૂરાવલિઓ દ્વારા મંચ પર દર્શકો–શ્રોતાઓ સમક્ષ વ્યક્ત કરવાની એની કાબેલિયત પર આજે પણ લોકો એટલા મંત્રમુગ્ધ છે કે યુરોપ અને પૂર્વ એશિયામાં એના ઑપેરાનું વારંવાર મંચન થાય છે.

મોત્સાર્ટ અને બીથોવનની કૃતિઓમાં એકાદ સ્વરની અડધી શ્રુતિ આઘીપાછી કરવામાં આવે કે સમયાંતરાલમાં પા સેકંડ આઘીપાછી કરવામાં આવે તો કૃતિની સમતુલા ખોરવાઈ જતી જોવા મળે છે. તેથી જ એ કૃતિઓ પૂર્ણ તથા સર્વાંગસુંદર બંદિશ ગણાય છે. પૂર્ણતાને શિખરે બિરાજતી એ બધી કૃતિઓ આ જ કારણે ‘ક્લાસિકલ’ – પ્રશિષ્ટ ગણાય છે.

૨૦૦૫
અમદાવાદ
– અમિતાભ મડિયા
 


નોંધ

આ પુસ્તક પ્રગટ કરવા બદલ નવભારત સાહિત્ય મંદિર તથા શ્રી મહેન્દ્રભાઈ પી. શાહનો આભાર માનું છું. જહેમતપૂર્વક પ્રૂફવાચન બદલ શ્રી દીપકભાઈ ઠાકરનો આભારી છું.

૨૦૦
અમદાવાદ
– અમિતાભ મડિયા