મોત્સાર્ટ અને બીથોવન/મોત્સાર્ટ

વિકિસ્રોતમાંથી
← પ્રસ્તાવના મોત્સાર્ટ અને બીથોવન
અમિતાભ મડિયા
મોત્સાર્ટ વિશે →




પ્રકરણ – ૧

મોત્સાર્ટ

યુરોપની અથવા તો સમગ્ર માનવજાતની સૌથી વધુ અસાધારણ મહાન પ્રતિભા નિર્વિવાદ એક નાનકડો જર્મન છોકરો વુલ્ફગૅન્ગ મોત્સાર્ટ છે.

– ધ પબ્લિક ઍડ્‌વર્ટાઈઝર,
લંડન, જુલાઈ 1765
 

માત્ર આઠ વરસની ઉંમરે એણે પોતાની શક્તિના પ્રતાપે યુરોપભરમાં ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવી. એ ઉંમરે એ ઑસ્ટ્રિયન સામ્રાજ્ઞી મારિયા થેરેસા અને ફ્રેંચ રાજા લૂઈ પંદરમા સાથે બેસીને જમતો. એ ઉત્તમ વાદક તો હતો જ, સાથે ઉત્તમ કમ્પોઝર (સ્વરનિયોજક) હતો. હાયડન જેવા બુઝુર્ગ સંગીતકારોએ એની પાસેથી સંગીતનાં નવાં તત્ત્વો–લઢણો અપનાવી લેવામાં કોઈ ખમચાટ અનુભવેલો નહિ. સ્કૂલે જવાની એને કદી તક મળેલી નહિ, છતાં વાંચવાનો એ શોખીન હતો. એને ઇંગ્લિશ ભાષા આવડતી નહિ. પણ, જર્મન અનુવાદો મારફતે શેક્સપિયરનાં અને મોલિયેરનાં મોટા ભાગનાં નાટકો એણે વાંચેલાં. એણે લખેલા અઢળક પત્રો જર્મન ગદ્ય પરનો એનો અસાધારણ કાબૂ દર્શાવે છે.*[૧] પત્રોમાં એ આખાબોલો દેખાય છે. એક પત્રમાં તે પિતાને લખે છે : “મોટી પાર્ટી… કદરૂપી મહિલાઓથી ભરેલી. પોતાનામાં રહેલી સૌંદર્યની ખોટનું સાટું એમણે દયાથી વાળી દીધું…”

મોત્સાર્ટ પોતાની જ દુનિયામાં મસ્ત હતો. પોતાના મનોરાજ્યને એણે નામ આપેલું : ‘રૂકેન’. જર્મન ભાષાના આ શબ્દનો અર્થ છે — ઊંધી ગતિ અથવા પાછળ તરફની ગતિ. ઘણી વાર એ પોતાનું નામ ઊંધું બોલતો કે ઊંધી સહી કરતો – ‘Trazom’. બિલિયર્ડનો એ રસિયો હતો. ઘરમાં જ બિલિયર્ડનું ટેબલ રાખતો. સંગીતનો સ્કોર લખતાં લખતાં પણ બિલિયર્ડ રમવાની એને આદત હતી. જાતભાતનાં ફ્રૂટપંચ અને વાઈન્સનો શોખીન હતો. અત્યંત ધોળી ત્વચા ધરાવતો એ દૂબળોપાતળો અને નીચો આદમી હતો. નાની અમથી વાતમાં પણ મોટેથી હે-હે-હે-હે કરીને હસી પડવાની એને આદત હતી. ફૅશનેબલ કપડાં પહેરવાનો એને ભારે શોખ હતો. માત્ર છ વરસની ઉંમરે એણે સંગીતના જાહેર જલસા કરવા શરૂ કરેલા, અને આઠ વરસની ઉંમર પછી તો કદી રિયાઝ કરેલો નહિ. પિતાનો એ લાડકો હતો. એ જન્મ્યો ત્યારથી જ એક વફાદાર નોકરની જેમ પિતાએ એની સેવાચાકરી કરવી શરૂ કરી દીધેલી અને પુત્રને સાવ નાની ઉંમરે માનપાન અને પ્રતિષ્ઠા મળતાં પિતાએ અભિમાન લીધેલું. જર્મન સંસ્કાર અને સંસ્કૃતિ માટે પિતાપુત્ર બંનેને અપાર પ્રેમ અને ગર્વ હતો.

બુઝુર્ગ સંગીતકારોમાંથી જોહાન સેબાસ્ટિયન બાખ, તેના નવમા પુત્ર જોહાન ક્રિશ્ચિયન બાખ, કાર્લ ફિલિપ ઇમાન્યુઅલ બાખ, હૅન્ડલ અને જૉસેફ હાયડનના સંગીત માટે મોત્સાર્ટને ભરપૂર આકર્ષણ હતું. એમાંથી એ શીખ્યો પણ ખરો. પણ બુઝુર્ગ સંગીતકારો જેવી તગડા પગારવાળી અને આરામથી નિશ્ચિંત મને સંગીતસર્જન કરી શકાય તેવી કોઈ રાજાની પનાહ મોત્સાર્ટને મળી નહિ એ હકીકતને વિધાતાની બલિહારી જ ગણવી રહી. એક ફ્રી લાન્સ સંગીતકાર તરીકે તે ખાસ કમાણી કરી શક્યો નહિ !

અઢારમી સદીનું જર્મન સંગીત

અઢારમી અને ઓગણીસમી સદી જર્મન સંગીતનો સુવર્ણયુગ છે. પ્રુશિયાનો રાજા ફ્રેડેરિખ બીજો પોતે જ એક ઉત્તમ વાંસળીવાદક હતો. હૅમ્બર્ગ, બર્લિન, મૅન્હીમ, ડ્રૅસ્ડન, મ્યુનિખ, લિપ્ઝિક અને વિયેના  જર્મન સંગીતનાં મુખ્ય કેન્દ્રો હતાં. એમાંથી ઉત્તર જર્મનીનાં પ્રૉટેસ્ટન્ટ નગરો હૅમ્બર્ગ, બર્લિન અને ડ્રૅસ્ડન મહાન જર્મન સંગીતકાર જે. એસ. બાખ(1685-1750)ની શૈલીની પ્રગાઢ અસર નીચે હતાં. દક્ષિણનાં મ્યુનિખ અને વિયેના કૅથલિક સત્તાના કાબૂ હેઠળ હોવાથી તે ફ્રાંસ અને ઇટાલીની કાઉન્ટરપૉઈન્ટ શૈલી*[૨]ના પ્રભાવ નીચે હતાં. ઉત્તર જર્મનીની જે. એસ. બાખની શૈલીની હાર્મની અને ઈટાલિયન શૈલીના કાઉન્ટરપૉઈન્ટના સંયોગથી ગાલાં (Gallant) શૈલી જન્મી. જે. એસ. બાખના પ્રતિભાશાળી પુત્રો કાર્લ ફિલિપ ઇમાન્યુએલ તથા જોહાન ક્રિશ્ચિયને ગાલાં શૈલીને મજબૂત બનાવી. અને એ પછીના જર્મન સંગીતકારોએ ઈટાલિયન અસરોને તિલાંજલિ આપવા મથામણ આરંભી. એમાં ગ્લકનું નામ પહેલું છે. એણે જર્મન કૉમિક ઑપેરા લખવાની પહેલ કરી. એમાંથી જર્મન રાષ્ટ્રીય ઑપેરા જન્મ્યો, જે ‘સિન્ગ્સ્પીલ’ નામે ઓળખાયો. એમાં સંવાદો ગાવાને બદલે બોલવામાં આવતા અને બે સંવાદો વચ્ચે સંગીતકાર સંગીત ગોઠવતો. જર્મન મહાકવિ ગથેએ પણ સિન્ગ્સ્પીલના વિકાસમાં ફાળો આપ્યો. ‘વિકાર ઑફ વેઈટફીલ્ડ’ ઉપરથી એણે ‘એર્વિન એટ એલ્મીરે’ (1775) નામના ઑપેરાના સંવાદો લખ્યા જેમાં જોહાન આન્દ્રેએ સંગીત આપેલું.

અઢારમી સદીમાં જર્મન સંગીતના ઘાટઘૂટ સંપૂર્ણતાની એટલી હદે પહોંચ્યા કે એ સંગીત ‘ક્લાસિકલ’ કહેવાયું. એ જ વખતે જર્મન વિદ્વાન જે. જે. વીન્કલ્માને પ્રાચીન રોમન નગરો હર્ક્યુલેનિયમ અને પોમ્પેઈનાં તાજેતરમાં મળી આવેલાં ખંડેરોનો અભ્યાસ કરીને ચિત્ર અને શિલ્પમાં આકાર અને ઘાટની સાદગીભરી સંપૂર્ણતા પર ભાર મૂક્યો. જાક લૂઈ દાવીદે ક્લાસિકલ ચિત્રકલાની આરાધના આરંભી. પરંતુ સંગીતના ક્ષેત્રમાં આટલો બધો જૂનો સંદર્ભ મળતો નહોતો. પ્રાચીન ગ્રેકોરોમન યુગમાં સ્વરનોંધ – નોટેશન – ની કોઈ પ્રણાલિકા નહોતી. (અને નોટેશનસ્કોર વિના તો સંગીત તરત જ સમયમાં ઓગળી જાય છે.) ઇંગ્લૅન્ડ અને જર્મનીના સાહિત્યકારો તેમ જ ફિલસૂફો તેનાથી તદ્દન ઊંધા એવા રોમૅન્ટિસિઝમની તરફદારી કરી રહેલા, જેમાં કલાકૃતિની આકૃતિ કે ઘાટઘૂટની પરવા કર્યા વિના હૃદયના ઊંડાણમાં પડેલી અતૃપ્ત વાસનાઓ, દર્દો અને અભિલાષાઓ પ્રકટ કરવી ફરજિયાત બને છે. હાયડનની પાછલી કૃતિઓ, અને મોત્સાર્ટની તો બધી જ કૃતિઓમાં અંતરની ઊર્મિઓનો ઊભરો ઠલવાતો જોવા મળે છે. બીથોવનમાં તો એ એથી પણ વધુ મુખર બને છે.

પરસ્પર વિરોધી પ્રકૃતિની સૂરાવલિઓને સાથે મૂકીને, તીવ્ર અને મંદ ગતિઓમાં તાર અને મંદ્ર સપ્તકોના સ્વરોની સહોપસ્થિતિઓ ઊપજાવીને જી. સી. વાજેન્સીલ અને કાર્લ ડીટર્સ ફૉન ડીટર્સ્ડોર્ફે પ્રારંભિક સિમ્ફની, કન્ચર્ટો, ક્વીન્ટેટ અને ક્વાર્ટેટના ઘાટનો વિકાસ કર્યો. સ્કાર્લૅતી અને સી.પી.ઈ. બાખે પણ આ શૈલીના વિકાસમાં ફાળો આપ્યો. અને હાયડને આ શૈલીને પૂર્ણતાએ પહોંચાડી જે ‘ફર્સ્ટ મૂવમેન્ટ સોનાટા’ને નામે ઓળખાઈ. એમાં પહેલી ગત તીવ્ર ઝડપની અને ઉત્સાહસભર ‘એલેગ્રો’ કે ‘એલેગ્રેતો’ હોય છે. પછીની એકબે ગત ધીમી શિથિલ ગતિની ‘એડાજિયો’ કે ‘આન્દાન્તે’ હોય છે. અને ફરી પાછી તીવ્ર ઝડપની ગત યોજાતી. એક વાજિંત્ર માટેનો સોનાટા હોય કે બહુ વાજિંત્રો માટેની સિમ્ફની હોય, સંગીતનું મૂળભૂત માળખું આ જ હતું. ફ્રેંચ વિદ્વાન ઈ. બોરલે સિમ્ફનીની વ્યાખ્યા આપતાં કહેલું : “અલગ અલગ અવાજો ધરાવતાં વિવિધ વાજિંત્રોનો સામૂહિક સોનાટા એ જ સિમ્ફની છે.”

એ જમાનામાં પ્રિય વાજિંત્રો પિયાનો અને વાયોલિન હતાં. મોટા ભાગનાં કન્ચર્ટો તેમ જ ચૅમ્બર મ્યૂઝિક આ જ બે વાદ્યો માટે લખાયાં. બાસૂન, ઓબો, શોન, ક્લેરિનેટ, હાર્પ અને વાંસળી માટે પ્રમાણમાં ઓછું સંગીત લખાયું. વાજેન્સિલ, હાયડન, સ્ટૅમીટ્ઝ, સ્ટૅર્ઝર, લિયોપોલ્ડ હોફમેન અને મોન્સ્ટાર્ટના પિતા લિયોપોલ્ડ મોત્સાર્ટે શિસ્તબદ્ધ કૃતિઓ લખી. એકલવાજિંત્રોનું નાનકડું જૂથ મોટા ઑર્કેસ્ટ્રા સાથે સંવાદ રચે એ ‘કન્ચર્ટો–ગ્રોસો’ ઘાટમાંથી એ બધાએ એકલ–વાજિંત્ર અને મોટા ઑર્કેસ્ટ્રા સાથેનો સંવાદ ‘કન્ચર્ટો’ નિપજાવ્યો.

જૉસેફ હાયડન (1732-1809)

મોત્સર્ટ હજી તો સાવ છોકરડો હતો ત્યારે હાયડન બુઝુર્ગ સંગીતકાર હતો. હાયડન મોત્સાર્ટ કરતાં ચોવીસ વરસ મોટો હતો. બંનેને પરસ્પર આદર હતો, અને મોત્સાર્ટના મૃત્યુ પછી એ અઢાર વર્ષ જીવ્યો. તે છતાં હાયડન મોત્સાર્ટ પાસેથી નવી લઢણો અપનાવી લેતાં જરાય ખમચાયેલો નહિ. એની ‘લંડન’ સિમ્ફની પર મોત્સાર્ટનો ભારે પ્રભાવ છે. છ સ્ટ્રીન્ગક્વાર્ટેટનું એક જૂથ મોત્સાર્ટે હાયડનને અર્પણ કરેલું. હાયડન આજે પણ યુરોપના શ્રેષ્ઠ સંગીતકારોમાં સ્થાન પામે છે. ગાડાનાં પૈડાં બનાવનાર સુથારનો એ પુત્ર હતો. નાનો છોકરો હતો ત્યારથી વિયેનાના સેંટ સ્ટીફન કથીડ્રલમાં ઊંચા સપ્તકોમાં એ ગાતો, પણ તેરચૌદ વર્ષે અવાજ ફાટતાં એ કામ પડતું મૂકવું પડ્યું. એણે રચેલી અદ્‌ભુત સિમ્ફનીઓ હુલામણા નામે પ્રચલિત થઈ : ફૅરવેલ, ક્લોક, સર્પ્રાઈઝ, મિલિટરી, ડ્રમ રૉલ, બૅર, આદિ. ફળદ્રુપ સર્જકતા ધરાવતા આ સંગીતકારે 103 સિમ્ફનીઓ, 84 સ્ટ્રિન્ગક્વાર્ટેટ્સ, 14 માસ, ઉપરાંત ઘણાં ઓરેટોરિયો અને કેન્ટાટા લખ્યાં. એનાં ઓરેટોરિયો ‘ધ ક્રિએશન’(1798) અને ‘ધ સિઝન્સ’ (1801) એની સર્જકતાનાં શ્રેષ્ઠ શિખરો ગણાય છે. ‘ધ ક્રિએશન’માં એણે બાઇબલ અને મિલ્ટનના ‘પૅરેડાઇઝ લૉસ્ટ’માંથી લીધેલા અંશોને સંગીતબદ્ધ કર્યા છે. ‘ધ સિઝન્સ’માં એણે જેઈમ્સ થૉમ્સનની એ જ નામની કૃતિને સંગીતબદ્ધ કરી છે. બંને કૃતિઓ પર લંડનમાં સ્થાયી થયેલા જર્મન સંગીતકાર હૅન્ડલની ઘેરી અસર છે.

 મોત્સાર્ટનું નામ

જે સંગીતકારને દુનિયા આજે વુલ્ફગૅન્ગ એમેડિયસ મોત્સાર્ટ તરીકે ઓળખે છે તેનું મૂળમાં નામસંસ્કરણ થયેલું – જોએન્સ ક્રિસોસ્ટોમસ વુલ્ફગૅન્ગ થિયોફિલસ. ઘરના સભ્યો અને મિત્રો એને હુલામણા ‘વુફી’ નામથી બોલાવતા. ઈટાલીની એક યાત્રા વખતે એણે પોતાના નામમાં રહેલા ગ્રીક ‘થિયોફિલસ’ને પહેલાં જર્મન ‘ગૉટ્લીબ’ અને પછી લૅટિન ‘એમેડિયસ’માં ફેરવી નાંખ્યો. ‘વુલ્ફગૅન્ગ એમેડી’ એવી સહી એ પત્રોમાં કરતો. ગ્રીક શબ્દ થિયોફિલસ, જર્મન શબ્દ ગોટ્લીબ અને લૅટિન શબ્દ એમેડી, એમેડિયસ તથા એમેડિયોનો અર્થ છે : ઈશ્વરનો વહાલો.

મોત્સાર્ટ કુટુંબ

મોત્સાર્ટના દાદાના દાદા ડેવિડ ઑગ્સ્બર્ગમાં કડિયાનો વ્યવસાય કરતા અને નાનોમોટો વેપાર કરતા. પણ દાદા જ્યૉર્જ બુકબાઇન્ડર બન્યા. દાદા જ્યોર્જ મોત્સાર્ટે (1679-1736) બીજું લગ્ન આના મારિયા સુલ્ઝર (1696-1766) સાથે 1708ની પહેલી ઑક્ટોબરે કરેલું. આ યુગલનો સૌથી મોટો પુત્ર લિયોપોલ્ડ 1719ની ચૌદમી ઑક્ટોબરે જન્મેલો. એ જ પુત્ર મહાન સંગીતકારનો પિતા બનવાનો હતો. એને બીજા ચાર ભાઈઓ હતા, જેમાંથી એક તો પિતાના બુકબાઈડિંગના વ્યવસાયમાં જ પડ્યો; અને બીજા ત્રણ બાળપણમાં જ અવસાન પામેલા. મોત્સાર્ટ કુટુંબ ચુસ્ત રોમન કૅથલિક હતું.

શરૂઆતમાં લિયોપોલ્ડે ચર્ચમાં પાદરી બનવાનું નક્કી કર્યું. પણ એ માટેના ધાર્મિક ગ્રંથોના અભ્યાસમાં એનું મન કદી ચોંટ્યું નહિ. ચર્ચના કોયરમાં છોકરા તરીકે ઊંચા સપ્તકોમાં ગાવાની એને મજા પડતી. પછી એણે વકીલ બનવાનું નક્કી કર્યું. 1737માં અઢાર વરસની ઉંમરે સાલ્ઝબર્ગ યુનિવર્સિટીમાં કાયદાના અભ્યાસ માટે એ જોડાયો. પરીક્ષામાં લૉજિકના પેપરમાં એ ઝળકી ઊઠતાં ઑગ્સ્બર્ગના સાંતા ઉલ્રીખ ચર્ચના બેનેડિક્સાઈન્સે એને અભ્યાસ માટે આર્થિક સહાય આપી. પણ ભણવામાંથી તરત જ મન ઊઠી ગયું, એને સંગીત તરફ આકર્ષણ જાગ્યું. પછી તો ઑગ્સબર્ગનો એણે ત્યાગ કર્યો; પણ એ જમાનામાં સંગીતના અભ્યાસ માટે કોઈ કૉલેજ કે યુનિવર્સિટી હતી નહિ.

1740માં કાઉન્ટ જોહાન ફૉન થર્નના ઘરમાં સંગીતકાર અને ઘરનોકર તરીકેની સંયુક્ત સેવાઓ આપવા માટેની નોકરી લિયોપોલ્ડે સ્વીકારી. આ પ્રકારની નોકરી અઢારમી સદીના યુરોપમાં ઘણી પ્રચલિત હતી. લગભગ દરેક શ્રીમંત ઘરમાં એવા થોડા નોકરો હતા જે જરૂર પડ્યે ગાઈ-વગાડી શકે. એ જમાનામાં જાહેર જનતા માટે સંગીતના જલસા ભાગ્યે જ યોજાતા. એટલે એ રીતે ફ્રી લાન્સ ધોરણે કારકિર્દી ઘડવી અશક્ય હતી. તેથી ચર્ચના કે નગરના ઑર્ગનવાદક કે સંગીત-દિગ્દર્શક તરીકે કે રાજદરબારમાં સંગીતકાર કે સંગીતશિક્ષક તરીકે નોકરી ના મળે તો સંગીતકારને આ રીતે ગુજારો કરવા સિવાય બીજો કોઈ છૂટકો જ નહોતો. હાયડન નસીબદાર હતો. એણે ઍસ્ટર્હેઝી કુટુંબના સંગીતકાર તરીકે ચાળીસથી પણ વધુ વરસો સુધી નોકરી કરેલી. મોત્સાર્ટના સમકાલીન સંગીતકાર ડિટર્સ્ડોર્ફની આત્મકથામાંથી ઘરગથ્થુ સંગીતકારો કેવી પરિસ્થિતિમાં જીવતા હતા એનું ચિત્ર મળે છે. સંગીતકાર જો માલિકના ઘરમાં જ રહેતો હોય તો ઘરગથ્થુ નોકરી માટેનો ખાસ ગણવેશ એણે પહેરવો પડતો. એ પોતે પણ ઘરગથ્થુ નોકર જ ગણાતો અને બીજા નોકરો જોડે જ એણે ભોજન લેવાનું રહેતું. માલિકને સંગીતકાર પ્રત્યે જો પ્રેમ અને અહોભાવ હોય તો એની પરિસ્થિતિ થોડી વધુ સગવડદાયક બનતી. આજે ભલે આપણને આ પરિસ્થિતિ બેહૂદી જણાય પણ અઢારમી સદીમાં તો એ ઘણી જ સારી ગણાતી. એ જમાનામાં સંગીતકારને મળતી બીજી નોકરીઓ કરતાં તો એ સારી જ હતી. એમાં જવાબદારીઓ ભારે નહોતી, અને ઘરગથ્થુ ઑર્કેસ્ટ્રાનું કદ જો મોટું  હોય તો સંગીતના વિશાળ ફલક પર કામ કરવાની તક પણ સાંપડતી. હંગેરીના જમીનદાર પરિવાર ઍસ્ટર્હેઝીએ પોતાના વતનની હવેલીમાં એક સરસ અને મોટા ઑર્કેસ્ટ્રાની માવજત કરેલી. એના ડાયરેક્ટર જોસેફ હાયડનને એ ઑર્કેસ્ટ્રાને કારણે સંખ્યાબંધ સિમ્ફની, કન્વર્ટો, ક્વાર્ટેટ અને ક્વીન્ટેટ રચવાની તક મળેલી. એ જ રીતે વિયેનાની મહારાણી મારિયા થેરેસાના દરબારી સંગીતકાર વાજેન્સિલને પણ મૌલિક સંગીત સર્જવાની તક મળેલી.

વાદક અને કંપોઝર તરીકેની લિયોપોલ્ડની શક્તિઓ તરત વિકસી, પરિણામે તેને ત્રણ જ વરસમાં - 1743માં સાલ્ઝબર્ગના રાજા આર્ચબિશપ સિગિસ્મુન્ડ (કાઉન્ટ ફૉન થ્રેટન્બૅક)ના ઑર્કેસ્ટ્રામાં વાયોલિનિસ્ટ તરીકે નોકરી મળી. 1763માં એ ઓર્કેસ્ટ્રામાં એ વાઇસ કપેલમઈસ્ટર (કન્ડક્ટર) બન્યો. પણ હેડ કપેલમઇસ્ટર(હેડ કન્ડક્ટર)નો હોદો તેની તેંતાળીસ વરસની નોકરીમાં ચાર વાર ખાલી પડવા છતાં રાજાએ એ હોદ્દા પર લિયોપોલ્ડને કદી ગોઠવ્યો નહિ. એની જવાબદારીમાં વાયોલિન અને ક્લેવિયર*[૩] શીખવવાનું પણ સામેલ હતું. વળી, ખાનગી ટ્યૂશન આપવા માટે તેને પરવાનગી મળેલી.

નાનકડું સાલ્ઝબર્ગ સાવ ગામડા જેવું પછાત હતું. ત્યાંની પ્રજાને પણ સંગીતમાં ઝાઝી દિલચસ્પી નહોતી. 1756માં સાલ્ઝબર્ગમાં મોત્સાર્ટ જન્મ્યો એ જ વર્ષે લિયોપોલ્ડે વાયોલિન કેવી રીતે વગાડવું એ વિશે ‘વાયોલિન સ્કૂલ’ નામે ભાષ્ય લખેલું. વાયોલિનના અભ્યાસ માટે આજે પણ તે પ્રમાણભૂત ગ્રંથ છે. છેક ઓગણીસમી સદીના પ્રારંભ સુધી એનું પુનર્મુદ્રણ થતું રહ્યું એટલી એની લોકપ્રિયતા હતી. લિયોપોલ્ડે એક કંપોઝર તરીકે પણ થોડી નામના મેળવી. એના ક્વાર્ટેટ અને કન્ચર્ટો પ્રકાશિત થયા જે ખ્યાતિ પામ્યા.

1747ની એકવીસમી નવેમ્બરે મારિયા એના પેર્ટલ નામની હસમુખી અને પ્રેમાળ સ્વભાવ ધરાવતી સત્તાવીસ વરસની એક યુવતી સાથે લિયોપોલ્ડે લગ્ન કર્યાં. કોઈ સરકારી અફસરની એ પુત્રી હતી. એનો પોર્ટ્રેટ જોતાં તરત જ લાગે છે કે મોત્સાર્ટને લાંબુંલચક નાક એની માતા પાસેથી જ વારસામાં મળ્યું હોવું જોઈએ. મારિયાએ લિયોપોલ્ડનાં સાત બાળકોને જન્મ આપેલો. પણ પાંચ તો બાળપણમાં જ મૃત્યુ પામેલાં. નૅનર્લ નામે ઓળખાતી માત્ર એક પુત્રી મારિયા (એ 1751ની ત્રીસમી જુલાઈએ જન્મેલી) તથા એક પુત્ર મોત્સાર્ટ (એ 1756ની સત્તાવીસમી જાન્યુઆરીએ સંત જૉન ક્રિસોસ્ટોનના દિવસે જન્મેલો) એમ બે જ સંતાન ઊછરીને મોટાં થઈ શક્યાં. (એક વેપારી એમેડિયસ પગ્મેર અને તેની પત્ની મારિયા કોર્ડુલા મોત્સાર્ટ અને નૅનર્લના ગૉડ્પૅરન્ટ્સ બનેલા.)

ત્રણ વરસનો પુત્ર મોત્સાર્ટ અનન્ય અને વિચક્ષણ સાંગીતિક પ્રતિભા ધરાવે છે એ હકીકતનો અંદાજ પિતા લિયોપોલ્ડને તરત જ આવી ગયેલો. નૅનર્લ*[૪] ક્લેવિયરવાદનમાં નિપુણ બની. મોત્સાર્ટની જોડે એણે પણ બાળપણમાં સંગીત પ્રતિભાથી લોકોનું ધ્યાન ખેંચેલું. મોટી ઉંમરે ઘર ચલાવવામાં ટેકો કરવા ક્લેવિયરના ટ્યૂશન પણ કરતી. બે વાર પ્રેમમાં પડીને બંને વાર નિષ્ફળ ગઈ. એ પછી તેંત્રીસ વરસની ઉંમરે એ બે વાર વિધુર બની ચૂકેલા બૅરોન ફોન બૅર્ક્ટોલ્ડ નામના અડતાળીસ વરસના આદમીને પરણી ગઈ. અને તરત જ પાંચ સંતાનોની એ અપરમા બની. સત્તર વરસના લગ્નજીવન બાદ પચાર વરસની ઉંમરે એ વિધવા બની. વિધવા બન્યા બાદ એ પિયરમાં આવીને વસી અને મૃત પતિએ એને માટે ગોઠવેલી નાનકડી આવકમાં વૃદ્ધિ કરવા માટે ફરીથી એણે સંગીતનાં ટ્યૂશન શરૂ કર્યા. 1829ની ઓગણત્રીસમી ઑક્ટોબરે ભાઈ મોત્સાર્ટના મૃત્યુ પછી લગભગ આડત્રીસ વરસે એ મૃત્યુ પામી. જીવનનાં છેલ્લાં ત્રણ વરસ તે લગભગ અંધ હતી. પિતા લિયોપોલ્ડની ચિંતાગ્રસ્ત અને વિષાદગ્રસ્ત પ્રકૃતિ તેને કદાચ વારસામાં મળેલી.

મોત્સાર્ટના મોટા ભાગના જીવનકથાકારોએ લિયોપોલ્ડની ખૂબ કડક આલોચના કરી છે. સ્વાર્થી ધંધાદારી હેતુઓ માટે થઈને એણે કુમળી વયનાં પોતાનાં બે બાળકોનું બેહદ શોષણ કર્યું એવો આક્ષેપ તેની પર મૂકવામાં આવે છે. મોત્સાર્ટની વિલક્ષણ શિશુપ્રતિભાનું પ્રદર્શન કરવા માટે લિયોપોલ્ડે એને યુરોપભરમાં વરસો સુધી ઢસરડીને એના શારીરિક બંધારણ અને તબિયતનો દાટ વાળ્યો, જેને કારણે પાંત્રીસ વરસની કાચી ઉંમરે જ એની જિંદગીનો અંત આવ્યો. ખેલકૂદની તક ધરાવતું એક સામાન્ય બાળપણ બિચારા મોત્સાર્ટને મળેલું જ નહિ. હમઉમ્ર બાળકો સાથે એણે કોઈ ધિંગામસ્તી, શેતાની, તોફાન, ધાંધલધમાલ કે બારકસવેડા કરેલાં નહિ. યુરોપના રાજાઓ સમક્ષ પોતાના બાળકની પ્રતિભાનું પ્રદર્શન કરીને એ બાળકની કારકિર્દી વહેલામાં વહેલી તકે સુરક્ષિત બનાવવા સિવાય લિયોપોલ્ડને બીજો કોઈ જ ખ્યાલ આવતો નહિ. પોતાની નોકરીમાં એ દારૂડિયા અને જડ રોચા જેવા સહકાર્યકરોથી ઘેરાયેલો રહેતો. થોડી સંકુચિત પ્રકૃતિનો એ માણસ દૃઢનિશ્ચયી હતો, અને મોત્સાર્ટની કદર કરે એવી વ્યક્તિની શોધમાં એ પહેલેથી જ માત્ર જાગ્રત જ નહિ પણ ચિંતાતુર પણ બની ગયેલો. પોતાના જીવનનાં અંતિમ વરસોમાં તો એ પોતાની કારકિર્દીથી એટલો બધો હતાશ થઈ ગયેલો કે તણાવ, વિષાદ અને ઉદ્વેગની સ્થિતિમાં આવી ગયેલો. ચિત્રોમાં પણ એ બિચારો ચિંતાગ્રસ્ત જ દેખાય છે. દરેક માણસ ઉપર કુશંકા કરવાની આદત એણે કેળવેલી. દીકરા મોત્સાર્ટને એણે 1777માં લખેલું :

બધા જ માણસો ખરાબ હોય છે. જેમ જેમ તું મોટો થતો જશે અને દુનિયાનો અનુભવ મેળવતો જશે તેમ તેમ આ સાદા સત્યનો પરચો તને થતો જશે. યાદ કર, તને આપેલાં વચનોમાંથી લોકોએ કેટલાંનું પાલન કર્યું ? કોઈની પણ ઉપર ભરોસો મૂકી શકાય નહિ.

બાળપણ

બાળ મોત્સાર્ટમાં સંગીતની અભૂતપૂર્વ પ્રતિભા પડેલી છે એનો ખ્યાલ આવતાં લિયોપોલ્ડને વાર લાગી નહિ. ચાર વરસની ઉંમરે મોત્સાર્ટ ક્લેવિયર અને વાયોલિન વગાડતાં શીખી ગયેલો એટલું જ માત્ર નહિ, પણ છ વરસની ઉંમરે એણે મૌલિક કૃતિઓનું સર્જન શરૂ કરી દીધેલું ! પ્રારંભથી જ એની કૃતિઓમાં અપૂર્વ લાવણ્ય અને નજાકત પ્રગટ્યાં. એનો કાન પણ અતિ સંવેદનશીલ હતો. એક સ્વરના આઠમા ભાગનો શ્રુતિફેર પણ એ પકડી પાડતો. વળી, વાયોલિનના સૂરમાં આગલા દિવસ કરતાં આજે આટલો બારીક ફેર છે એમ એ સ્મૃતિથી કહી શકતો. મોટી બહેન નૅનર્લ પણ પ્રતિભાશાળી હતી. એ બંનેને છેક બાળપણથી જ લિયોપોલ્ડે કાળજીપૂર્વક સંગીતનું શિક્ષણ આપ્યું હતું. મોત્સાર્ટને તો ગણિત તરફ પણ આકર્ષણ હતું. મોત્સાર્ટ મોટો થયો એ પછી લિયોપોલ્ડે મોત્સાર્ટને એક પત્રમાં લખેલું :

“બાળપણમાં તું સહેજેય બાલિશ નહોતો, ઊલટાનો ધીરગંભીર રહેતો હતો. તારી સાથે હસીમજાક કરવાની કોઈની હિંમત નહોતી. ક્લેવિયર કે બીજાં વાજિંંત્રો ઉપર તું જ્યારે સંગીત વગાડતો તે વખતે તારા મોંના ભાવ એટલા બધા તો વિચારમગ્ન અને ગમગીન રહેતા કે તું લાંબુ જીવી શકીશ નહિ એવી શંકા દેશવિદેશની ઘણી વ્યક્તિઓ વ્યક્ત કરતી રહેતી.”

બદનસીબે આ શંકા સાચી જ પડવાની હતી !

શરૂઆતના પ્રવાસો

લિયોપોલ્ડને પોતાની નોકરી માટે ભલે ગમે તેટલાં રોદણાં રડવાની આદત હોય પણ એને ચાલુ પગારે વર્ષો સુધી લંબાતી  રજાઓની પરવાનગી મોટે ભાગે સહેલાઈથી મળી જતી. એ રજાઓ વગર મોત્સાર્ટની બાળપ્રતિભાનું યુરોપભરમાં પ્રદર્શન કરવાનો અવસર એને ક્યાંથી મળત? રેલવે અને મોટરગાડી પહેલાંના એ દિવસોમાં ઘોડાગાડીની યાત્રાઓ સાવ ધીમી અને એટલે જ લાંબી અને થકવી નાખનારી હતી. હજી તો મોત્સાર્ટ છ જ વરસનો હતો ને લિયોપોલ્ડ એને અને નૅનર્લને લઈને યુરોપની પહેલી યાત્રાએ નીકળી પડ્યો (જાન્યુઆરી 1762). એમાં પહેલો મુકામ બેવેરિયાની રાજધાની મ્યુનિખ હતો. પણ આ યાત્રા અંગે કોઈ જ માહિતી નથી.

બીજી યાત્રા 1762ના સપ્ટેમ્બરમાં શરૂ કરી. પડાવ નાખ્યો હૅબ્સ્બર્ગ સામ્રાજ્યની રાજધાની વિયેનામાં. પત્નીને પણ લિયોપોલ્ડે આ યાત્રામાં સાથે લીધી હતી. વિયેનાના રાજકુંવર આર્ચબિશપ જૉસેફ અને મહારાણી મારિયા થેરેસાએ શોનબ્રુન મહેલમાં મોત્સાર્ટ પરિવારનું ભવ્ય સ્વાગત કર્યું અને સંગીત સાંભળ્યું. કપડાથી ઢાંકી દીધેલા કીબોર્ડ પર મોત્સાર્ટે ક્લેવિયર વગાડ્યો. પછી બેઠક પરથી ઊઠતાં એ ગબડી પડ્યો. એની જ ઉંમરની એક છોકરીએ એને ઊઠવામાં મદદ કરી એટલે આભાર માનતાં મોત્સાર્ટ બોલ્યો : “મોટો થઈને હું તને પરણીશ.” એ છોકરી મોટી થઈને ફ્રાંસની રાણી મૅરી એન્તોનીતે*[૫] બની. થેરેસાએ મોત્સર્ટને ઊંચકી લઈને ખોળામાં બેસાડીને વહાલ કર્યું. મોત્સાર્ટ એને મોટી બચી ભરી લીધી. થેરેસાએ મોત્સાર્ટ અને નૅનર્લને મોંઘાંદાટ વસ્ત્રોની ભેટ આપી. પણ આ મહેમાનગતિમાં ઔપચારિકતા વધુ હતી. દસેક વરસ પછી થેરેસાના પાટવી રાજકુંવરે મોત્સાર્ટની એક દરબારી સંગીતકાર તરીકે નિમણૂક કરવાનું નક્કી કર્યું ત્યારે થેરેસાએ કડક શબ્દોમાં નન્નો પરખાવેલો : “સંગીતકારો જેવા ફાલતુ માણસો કેટલા ભેગા કરીશ?”

સંગીત જલસાઓથી ચિક્કાર આ બીજી યાત્રાએ મોત્સાર્ટને સાવ થકવી નાખ્યો. વિયેના પછી પ્રૅસ્બર્ગ અને લિન્ઝમાં પણ શ્રોતાઓને સંગીત વડે પ્રસન્ન કરીને પરિવાર સાલ્ઝબર્ગ પાછો આવ્યો. ફાયદો એ થયો કે ચોમેર મોત્સાર્ટની કીર્તિ ફેલાઈ. પણ ઘેર આવીને એ તરત જ માંદગીમાં પટકાયો. તાવના હુમલા એને વારંવાર આવતા એવું મોત્સાર્ટ અને લિયોપોલ્ડના પત્રોમાં માંદગીના ઉલ્લેખો પરથી જણાય છે. આજનું તબીબી વિજ્ઞાન એવું માને છે કે બાળપણથી જ મોત્સાર્ટને ર્‌હ્યુમેટિક તાવની બીમારી હતી.

પરિવારની ત્રીજી યાત્રા ખાસ્સી લાંબી રહી – 1763ના જૂનથી 1766ના નવેમ્બર સુધી સાડા ત્રણ વરસની. એમાં યુરોપનાં ઘણાંબધાં નગરો આવરી લેવાયાં. સૌથી પહેલાં ફ્રેંચ રાજધાની પૅરિસમાં પરિવારે પાંચ મહિના સુધી ધામા નાંખ્યા. એ પછી ત્રણ મહિના લંડનમાં વિતાવી લીલે, ઘેન્ટ, હૅગ, ઍમ્સ્ટર્ડેમ અને મેક્લિન થઈને એ પૅરિસ ગયો અને ત્યાંથી ડાયોન, લિયોન્સ, જિનિવા, લુઝાન, બર્ન, ઝ્યુરિખ, ડોનાશિન્જેન, બિબ્રાખ, ઉલ્મ અને મ્યુનિખથી સાલ્ઝબર્ગ પાછો આવ્યો.

સમ્રાટની પરીક્ષા

બંને બાળકો પોતાની શક્તિઓને કારણે પ્રવાસમાં બધે જ આકર્ષણનું કેન્દ્ર બન્યાં. મોટે ભાગે રાજદરબારો અને શ્રીમંતો સમક્ષ જ એમણે સંગીત પીરસ્યું; પણ સાથે થોડાક જાહેર જલસા પણ કર્યા. જે નગરમાં જવાનું ગોઠવ્યું હોય ત્યાંના નગરશ્રેષ્ઠી અને વગદાર, નાગરિકો પરના ભલામણપત્રો મેળવી લેવાની તજવીજ લિયોપોલ્ડ આગોતરી જ કરી લેતો. મોત્સાર્ટના સહજ નિર્દોષ વર્તનને કારણે તેને જોતાં જ લોકોના હૃદયમાં વહાલ ઊભરાતું. એવી બાળસહજ બેફિકરાઈથી જ એણે ઑસ્ટ્રિયાના સમ્રાટનું દિલ જીતી લીધેલું; કારણ કે મોત્સાર્ટે એ સમ્રાટ તરફ કોઈ વિશેષ ધ્યાન આપેલું નહિ! અગાઉથી  નક્કી કરેલી કૃતિઓ વગાડવા ઉપરાંત શ્રોતાજનોની માગણીને માન આપીને મોત્સાર્ટ શીઘ્રસ્ફુરિત (ઇમ્પ્રોમ્પ્ટુ ઇમ્પ્રુવાઇઝ્ડ) કૃતિઓ વગાડીને શ્રોતાઓને આંજી દેતો. સમ્રાટે હસતાં હસતાં મજાક કરી કે આંખે પાટા બાંધીને મોત્સાર્ટ હાર્પિસ્કોર્ડ વગાડશે ? મોત્સાર્ટ એ તરત કરી બતાવ્યું અને તે પણ એક પણ ભૂલ વિના જ !

આ વર્ષોમાં મોત્સાર્ટનું ઘડતર થયું. જે કોઈ નગરમાં એ જતો ત્યાં સ્થાનિક કંપોઝરોને સાંભળવાની એક પણ તક ચૂકતો નહિ. યુરોપની બધી જ સમકાલીન પ્રાદેશિક શૈલીઓ ઉપરાંત વ્યક્તિગત કંપોઝરોની અંગત શૈલીઓમાં નવસર્જન કરવાની હથોટી ધીમે ધીમે મોત્સાર્ટે કેળવી લીધી. એ દરેક શૈલી મોત્સાર્ટના સંગીત પર પોતાની આગવી છાપ પણ છોડી ગઈ. જીવનના છેલ્લા વર્ષ સુધી બાહ્ય પ્રભાવો પ્રત્યે મોત્સાર્ટ અત્યંત સંવેદનશીલ અને ગ્રહણશીલ રહ્યો. કોઈની પણ પાસેથી કંઈક નવું શીખવા મળતું હોય તો એ માટે મોત્સાર્ટે કદી પણ શરમ, નાનમ કે ખમચાટ અનુભવ્યો નહિ, કે એ માટે તુચ્છકાર કેળવ્યો નહિ.

પણ આ બધા લાંબા પ્રવાસોથી ઊગીને ઊભો થઈ રહેલો એ છોકરો ખરેખર ત્રાસી ચૂક્યો હતો. પોતાની ઉંમરનાં બીજાં બાળકો સાથે રમતગમતનો એમાં કોઈ જ અવકાશ નહોતો. છતાં ઘોડાગાડીના ઠીચુક ઠીચુક પ્રવાસોમાં મોત્સાર્ટ ગાડીવાનો સાથે દોસ્તી કેળવતો, એમની જીભે રમતાં લોકગીતોમાંથી સૂરાવલિઓ પકડતો અને બહાર પ્રકૃતિમાં રસ લેતો. ગમે તે કારણ હોય, પણ મોત્સાર્ટ વારંવાર માંદો પડતો. બીજા પ્રવાસ દરમિયાન તો વિયેનામાં મોત્સાર્ટ સ્કાર્લેટ ફીવરથી બે અઠવાડિયાં સુધી ખાટલામાં રહ્યો. ખાટલામાંથી ઊભા થયા પછી પણ ડૉક્ટરે તો જલસા કરવા દેવા પર મોત્સાર્ટને મનાઈ જ ફરમાવેલી. પણ અવિરત પ્રવાસના ખર્ચા તથા હોટેલોનાં રહેઠાણભોજનના ભારે ખર્ચાને પહોંચી વળવા માટે એ બે નાનકડાં બાળકોને કમાયા વગર છૂટકો જ નહોતો. પણ સંગીતજલસાનું વળતર યજમાન રોકડમાં આપવાને બદલે મોટે ભાગે તો ઝવેરાત કે ઘડિયાળ જેવી કિમતી જણસમાં ચૂકવતો. ભલે ગમે તેટલી કીમતી એ જણસ હોય, પણ માથે ચઢેલાં બિલ ચૂકવવામાં એ જણસ તત્કાળ સહેજે મદદરૂપ થતી નહિ. વળી, એવું પણ નહોતું કે મોત્સાર્ટને હંમેશાં આદર્શ શ્રોતા મળી જ રહેતા. 1778ના મેની પહેલીએ મોત્સાર્ટે એક કાગળમાં લખ્યું છે : “ખુરશીઓ, ટેબલો અને દીવાલો માટે મેં સંગીત વગાડ્યું.” રાજવી શ્રોતાઓ ઘણી વાર ચાલુ સંગીતે ખાણીપીણી અને ટોળટપ્પાં કરી સંગીત અને સંગીતકારનું અપમાન કરતા.

ફ્રાંક્ફૂર્ટના એક છાપામાં 1763ની ત્રીસમી ઑગસ્ટે લિયોપોલ્ડે એક જાહેરાત છપાવેલી :

સાલ્ઝબર્ગ રાજદરબારનાં કપેલમઈસ્ટરનાં બે નાનકડાં બાળકોએ પોતાની આવડતથી બધા જ શ્રોતાઓને અચંબામાં નાંખી દીધા છે. એથી એમના જલસા વારંવાર યોજવા પડે છે. શ્રોતાઓના ઉમળકાને કારણે જ એક છેલ્લો જલસો આજે ત્રીસમી ઑગસ્ટની સાંજે છ વાગ્યે શૅર્ફ હૉલમાં યોજ્યો છે. માત્ર બાર વરસની નાનકડી બાળા જ નહિ, પણ છ વરસનો બાળક*[૬] આંખે પાટા બાંધીને મહાન કંપોઝરોના સૌથી વધુ અઘરા ટુકડા વગાડી બતાવશે. પછી શ્રોતાઓ જે કોઈ અવાજ કરશે તે અવાજને દૂરથી તરત જ પારખી જઈ તેનો ચોક્કસ સ્વર કહી દેશે. અને છેલ્લે કોઈ જાણીતી કૃતિને ઑર્ગન પર શીઘ્રસ્ફુરણાથી ઈમ્પ્રુવાઈઝ કરશે. પ્રવેશમૂલ્ય : એક જણનો એક નાનો થેલર.

એ સાંજે આ જલસામાં ચૌદ વરસના નાનકડા છોકરડા ગથેએ સાત વરસના બાળ મોત્સાર્ટનું સંગીત સાંભળેલું. સાડત્રીસ વરસ પછી પણ ગથેને સુંદર પોશાકમાં માથે ભવ્ય વિગ સાથે શોભતો રૂપાળો ને સ્માર્ટ દેખાતો બાળ મોત્સાર્ટ યાદ હતો.  1764ની પૅરિસયાત્રામાં મોત્સાર્ટ ત્રણ જર્મન સંગીતકારો જોહાન ગ્રૉટ્ફ્રીડ એકાર્ડ, જોહાન શોબુર્ટ અને હર્માન ફીડરિખ તથા બે ફ્રેંચ સંગીતકારો પિયેરે દુપો અને ફ્રાંસ્વા જૉસેફ ગોસેકને મળેલો. પૅરિસમાં રહેતા જર્મન પત્રકાર બૅરોન ફૉન ગ્રીમે પોતાના મૅગેઝિનમાં બેહદ તારીફથી ભરપૂર મોત્સાર્ટની જાહેરાતો કરીને ફેંચ લોકોને મોત્સાર્ટ પાછળ ઘેલા કરી મૂક્યા. બંને બાળકોને લઈને લિયોપોલ્ડ પૅરિસથી લંડન પહોંચ્યો. આ દિવસોમાં મોત્સાર્ટના હોઠ ઉપર એક વાક્ય રમતું રહેલું : “ઈશ્વર પછી મને સૌથી વધુ વહાલા છે મારા પપ્પા.” પહેલેથી જ મોત્સાર્ટ પિતા સાથે ગાઢ લાગણીના બંધનમાં બંધાયેલો. માતા સાથેનું મોત્સાર્ટનું બંધન આવું ગાઢ જણાતું નથી. લિયોપોલ્ડ મોત્સાર્ટનો માત્ર પિતા અને ગુરુ જ નહોતો, એ મોત્સાર્ટની સંગીતની કારકિર્દીનો ઘડવૈયો અને આયોજક પણ હતો. એક જ વાક્યમાં એમ કહી શકાય કે મોત્સાર્ટ જેવી અફલાતૂન પ્રતિભા લિયોપોલ્ડે જ ઘડેલી.

લંડનમાં રાજા જ્યૉર્જ ત્રીજા અને રાણી શાર્લેતીએ મોત્સાર્ટને આમંત્રણ આપ્યું. બકિન્ગહામ પૅલેસમાં રાણીના ગાયન સાથે એણે પહેલાં વાયોલિન પર અને પછી ઑર્ગન પર જુગલબંધી કરી. પ્રસિદ્ધ કાસ્ટ્રાટી*[૭] ફર્ડિનાન્ડો તેન્ડૂચીને મળ્યો. એ મુલાકાતથી એના મનમાં ઑપેરા સર્જવાની મહત્ત્વાકાંક્ષા જાગી.

લંડનની યાત્રામાં હૅન્ડલ તથા સેબાસ્ટિયન બાખના પુત્ર જોહાન ક્રિશ્ચિયન બાખના પ્રગાઢ પ્રભાવ હેઠળ મોત્સાર્ટ આવ્યો. બંને સાથે એટલી જ ગાઢ મિત્રતા પણ થઈ. બાળ મોત્સાર્ટને પોતાના બે ઘૂંટણ વચ્ચે સંતાડીને જોહાન ક્રિશ્ચિયન બાખ પિયાનો વગાડતો. તે ક્યારે  પિયાનો વગાડવાનું બંધ કરતો અને મોત્સાર્ટ શરૂ કરતો તેની ખબર શ્રોતાઓને પડતાં વાર લાગતી. પણ જ્યારે એ ખબર પડતી ત્યારે ખૂબ આશ્ચર્ય થતું. આ મિત્ર વિશે મોત્સાર્ટે લખેલું : “હું એને દિલથી ચાહું છું.” ‘ધ ફિલોસૉફિકલ ટ્રાન્ઝેક્શન્સ ઑફ ધ રૉયલ સોસાયટી'માં મોત્સાર્ટ અંગે ડેઈન્સ બૅટિન્ગ્ટન 1770માં લખે છે :

આઠ વરસનો છોકરો છ ફૂટ ઊંચો હોય એમ માની શકાય ખરું? આ પણ એક એવો જ કિસ્સો છે.... બે ગાયકો અને ત્રણ વાદકો એમ પાંચ ભાગીદારો માટેની એક ક્વીન્ટેટ રચનાની મૅન્યુસ્ક્રિપ્ટ મેં એને આપી. ત્રણ વાદકો પાસે બે વાયોલિન અને એક બાસ વાયોલિન હતાં તથા બે ગાયકોમાં એક પુરુષ અને એક સ્ત્રીની જરૂર હતી. જે બ્રિટિશ સંગીતકારે એ રચના તૈયાર કરેલી એ સહેજ પણ જાણીતો નહોતો, બ્રિટનની બહાર તો ચોક્કસ નહિ જ. એટલે જર્મન મોત્સાર્ટે એ રચના જોઈ કે સાંભળી હોય તે સંભવ નહોતો. સ્ત્રી અને પુરુષનું ગાન કાઉન્ટર ટેનર ક્લૅફમાં હતું; સ્ત્રીના અવાજે સતત ઊંચાં તાર સપ્તકોમાં ગાવાનું હતું. સ્કોરને ડેસ્ક પર મૂકી બાળસહજ પાતળા સ્ત્રૈણ અવાજમાં મોત્સાર્ટે ઊંચાં સપ્તકોમાં વિહરવું શરૂ કર્યું. પિતા લિયોપોલ્ડે ઘોઘરા મર્દાના અવાજમાં મંદ્ર સપ્તકોમાં જુગલબંધી કરવી શરૂ કરી. લિયોપોલ્ડે ગાતાં ગાતાં બે વાર ભૂલ કરી, તેથી મોત્સાર્ટે ગાતાં ગાતાં જ આંખો કાઢીને પિતા સામે જોઈ પ્રકોપ ઠાલવ્યો. વળી, ગાતાં ગાતાં જ એ બંનેએ બે વાયોલિન વગાડવાં શરૂ કર્યા. બંને ગાતા જાય અને સાથે વગાડતા જાય. માત્ર ખેરખાં જ આ રીતે બે કામ એકસાથે કરી શકે. એ પૂરું થયું એટલે એવી કોઈ બીજી રચના મારી પાસે હોય તો મોત્સાર્ટે માંગી. મેં ના પાડી. એની સર્જનપ્રક્રિયા વિશે જણાવતાં એણે કહ્યું કે મધરાતે જો કોઈ સ્ફ્રુરણા થાય તો તત્કાળ હાર્પિસ્કોર્ડ પર બેસી જઈ એને વગાડતાં મઠારી લેતો અને પછી મૈન્યુસ્ક્રિપ્ટમાં સ્કોર લખી લેતો. કોઈ શીઘ્રસ્ફુરિત પ્રેમગીત
સંભળાવવાની મેં મોત્સાર્ટને વિનંતી કરી. હાર્પિસ્કોર્ડની સામે જ એણે ચીલાચાલુ પ્રેમગીતોની કડીઓ ગણગણવી શરૂ કરી; ને થોડી જ વારમાં ‘ઍફેટો’ શબ્દના પુનરાવર્તનથી ભરેલી નવી શીઘ્રસ્ફુરિત સૂરાવલિ ગાવી શરૂ કરી અને સાથે પિયાનો પણ વગાડવા માંડ્યો. એને મસ્ત મૂડમાં જોઈને કોઈ શીઘ્રધ્રસ્ફુરિત ક્રોધગીત ગાવાની મેં એને વિનંતી કરી. આ માટે એણે એવી સૂરાવલિ ઊપજાવી કે વચમાં અચાનક ઊંચા સ્વરોમાં એ ‘પર્ફિડો’ શબ્દ ગાવા માંડતો, અને એ જ વખતે એ હાર્પિસ્કોર્ડની કીઝ (ચાવીઓ) જોરથી ઠમકારતો. એનામાં જાણે કોઈ અલૌકિક આત્મા પ્રવેશ્યો હોય એવું મને લાગ્યું.
એના નાનકડા હાથ હાર્પિસ્કોર્ડના છઠ્ઠા સપ્તકની કીઝ (ચાવીઓ) સુધી પહોંચતા જ નહિ, એ જોતાં એના સ્કૂર્તિલા વાદનમાં મને અદ્દભુત કૌશલ્ય દેખાયું. મેં એવું પણ સાંભળ્યું છે કે જોહાન ક્રિશ્ચિયન બાખે અધૂરું પડતું મૂકેલું એક ફ્યુગ મોત્સાર્ટે પ્રગલ્ભ સુંદરતાથી પૂરું કરેલું.
પિતા લિયોપોલ્ડ ભલે એને પુખ્ત ઉમરનો પુરુષ ગણતો હોય, પણ હકીકતમાં તો એ આખરે એક બાળક જ હતો. એક વાર એ મને કાંઈક વગાડી સંભળાવતો હતો ત્યારે એની પ્રિય બિલાડી ઓરડામાં ઘૂસી આવતાં વગાડવાનું પડતું મૂકીને એ બિલાડી જોડે રમવા માંડ્યો. લિયોપોલ્ડ અને હું બંને એને સમજાવીને થાક્યા છતાં એ કેમ કરીને માન્યો જ નહિ, અને ફરી સંગીત શરૂ કર્યું જ નહિ. એને રમકડાં પણ ખૂબ વહાલાં હતાં.

લંડનથી મોત્સાર્ટ પરિવાર નેધર્લૅન્ડ્સ ગયો. ત્યાં કાલાઈ, લીલે, ગૅન્ટ અને હેગ નગરોની મુલાકાત લીધી. હેગમાં પ્રિન્સ ઑફ ઑરેન્જના દરબારમાં રાજકુંવરી કેરોલાઈન નાસોવીલ્બર્ગ આગળ મોત્સાર્ટે જલસો આપ્યો. મળતાવડા સ્વભાવ વડે આ પ્રવાસમાં મોત્સાર્ટે સરહદ પર એક કસ્ટમ્સ ઑફિસરનું દિલ જીતી લીધેલું. લિયોપોલ્ડ લખે છે : “વાયોલિન ઉપર મોત્સાર્ટે વગાડવા માંડેલા  માઈન્યુએટની અસર એ ઑફિસર ઉપર એવી થઈ કે અમારી પાસેથી કસ્ટમ્સ ડ્યૂટી લીધા વગર જ એણે અમને જવા દીધા !” હેગથી જર્મનીના વૉર્મ્સ, આખેન, કોલોન અને બૉન નગરોની મુલાકાતો લઈ મોત્સાર્ટ પરિવાર ઘરે સાલ્ઝબર્ગ પાછો ફર્યો. બાળપણમાં હાથીની ગર્જના જેવા ટ્રમ્પેટના અવાજથી મોન્સ્ટાર્ટ હબકી જતો. આ હબક એના મનમાં ઊંડી પેસી ગયેલી. એને દૂર કરવા લિયોપોલ્ડે એક વાર બાળ મોત્સાર્ટના કાનની નજીક જઈ જોરથી ટ્રમ્પેટ વગાડેલું અને મોત્સાર્ટ મૂર્છિત થઈ ઢળી પડેલો. આ હબક દૂર થતાં બેત્રણ વરસ લાગેલાં.

પ્રથમ ત્રણ પ્રવાસોથી લિયોપોલ્ડને 7,000 ગલ્ડનનો ચોખ્ખો નફો થયો. ઉપરાંત અસંખ્ય ઘડિયાળો, વીંટીઓ, છીંકણીની ડબ્બીઓ અને એવી બીજી વસ્તુઓ મળી તે તો અલગ. એ બધી વસ્તુઓમાંથી મોટા ભાગની તો પછીનાં વરસોમાં એનું કુટુંબ નાણાકીય ભીડમાં આવી જતાં વેચી દેવી પડેલી. પણ એમાંથી કેટલીક સાચવી રાખેલી વસ્તુઓ આજે સાલ્ઝબર્ગના મોત્સાર્ટ મ્યુઝિયમમાં છે. એમાં સામ્રાજ્ઞી મારિયા થેરેસા અને પ્રિન્સ આર્ચબિશપે આપેલી વીંટીઓ જોવા મળે છે.

નવા પ્રવાસો

ફરી નવા પ્રવાસે નીકળી પડવા લિયોપોલ્ડ વ્યાકુળ બન્યો. 1767ના અંતમાં વિયેનામાં રાજકુમારી આર્ચડચેસ મારિયા જૉસેફાનું લગ્ન નેપલ્સના રાજા ફર્ડિનાન્ડ જોડે ગોઠવાયું છે એમ જાણમાં આવતાં લિયોપોલ્ડને તક ઝડપી લેવાનું મન થયું. અગિયારમી સપ્ટેમ્બરે સાલ્ઝબર્ગથી કુટુંબ સહિત નીકળી પડીને પંદરમીએ એ વિયેના આવી પહોંચ્યો. પણ એ જ દિવસે ત્યાં રાજકુમારી મારિયા જૉસેફાનું શીતળામાં અવસાન થતાં એ બિચારાની તો યોજના ચોપટ થઈ ગઈ. પોતાના કુટુંબને શીતળાના ચેપથી બચાવવા એ તરત જ સહકુટુંબ ભાગીને  ઑલ્મુટ્ઝ પહોંચ્યો, પણ છતાં નૅનર્લ અને મોત્સાર્ટ બંને શીતળાનો ભોગ બન્યાં જ. મોત્સાર્ટને તો નવ દિવસ સુધી આંખે અંધાપો રહ્યો ! રોગચાળો દૂર થતાં 1768ના જાન્યુઆરીની દસમીએ એ ફરીથી સહકુટુંબ વિયેના આવી પહોંચ્યો, પણ કોઈએ એને ભાવ આપ્યો નહિ. હરીફ સંગીતકારો મોત્સાર્ટનો પગપેસારો રોકવામાં ખાસ્સા સફળ થયા. છતાં, સમ્રાટની ઇચ્છાને માન આપીને મોત્સાર્ટે ‘લા ફિન્તા સેમ્પ્લાઈસ’ (The Sly Maiden – ખંધી છોકરી)*[૮] નામનો એક કૉમિક ઑપેરા (ઑપેરા બુફા) લખ્યો. પણ રાજવી થિયેટરના મૅનેજર (ઇમ્પ્રેસારિયો) ઐફિલિજિયો એની ભજવણી જુદાં જુદાં બહાના બતાવી એટલી બધી મુલતવી રાખતો ગયો કે એ માકૂફ જ રહ્યો ! મોત્સાર્ટનું નસીબ થોડું જોર કરતું હતું ખરું. એણે બીજો એક જર્મન કૉમિક એકાંકી ઑપેરા લખ્યો : 'બેસ્ટીન બેસ્ટીની'[૯]. આ ઑપેરા ડૉ. મેસ્મરના અંગત થિયેટરમાં ભજવાયો ખરો. શ્રોતાઓએ એને વધાવી લીધો. વિયેનાનિવાસ દરમ્યાન મોત્સાર્ટ ઘણા સંગીતકારોને મળ્યો અને ઘણુંબધું નવું સંગીત સાંભળ્યું. ગ્લક અને પિચિનીના સંગીતથી એ ખાસ પ્રભાવિત થયો. એ જ વર્ષે ડિસેમ્બરમાં લિયોપોલ્ડ કુટુંબને લઈને સાલ્ઝબર્ગ પાછો આવી ગયો. અહીં રાજા આર્ચબિશપના મહેલમાં 1769ની પહેલી મેના રોજ પેલા નહિ ભજવાયેલા કૉમિક ઑપેરા ‘લા ફિન્તા સેમ્પ્લાઇસ’(The Sly Maiden -ખંધી છોકરી)નો પ્રીમિયર શો થયો. રાજાએ ખુશ થઈને ‘કૉન્ઝર્ટમઈસ્ટર'ની પદવી મોત્સાર્ટને આપી ખરી, પણ તે પગાર વિના જ. ‘લા ફિન્તા સિમ્લાઇસ’નો લિબ્રેતો ગોલ્દોનીએ લખેલો. એના પ્રીમિયર શો અંગે શોક વ્યક્ત કરતો એક પત્ર લિયોપાલ્ડે એક મિત્રને લખેલો : “વુફીના ઑપેરા ‘લા ફિન્તા સિમ્પાઈસ’ વિશે હું શું કહું? સંગીતકારોની એક આખી જમાતે એક બાળકની ક્ષમતા તોડી નાંખવા તત્પર બનીને કાવતરું કર્યું છે. ગાયકો અને વાદકોએ વેઠ ઉતારીને આ ઑપેરાની ભજવણીનો ફિયાસ્કો કર્યો છે. એક બાળકના આત્મવિશ્વાસનો ખુડદો બોલાવી દીધો છે.” (14 સપ્ટેમ્બર, 1768) સંગીતનો અભ્યાસ અને નવી રચનાઓ કરવામાં મોત્સાર્ટનું એ આખું વરસ વીતી ગયું.

ઇટાલિયન પ્રવાસો

લિયોપોલ્ડની નજર હવે ઇટાલી પર ચોંટી. સમગ્ર યુરોપમાં એ વખતે ઇટાલી શ્રેષ્ઠ સંગીતનું સ્વર્ગ ગણાતું. મોત્સાર્ટને લઈને લિયોપોલ્ડ 1769ના ડિસેમ્બરમાં ઇટાલીના પહેલા પ્રવાસે નીકળી પડ્યો; પત્ની અને નૅનર્લને ઘેર જ રહેવા દીધેલાં. પ્રવાસમાં ઈટાલીનાં વેરોના, માન્તુઆ, મિલાન, લોદી, પાર્મા, બોલોન્યા, ફ્‌લોરેન્સ, રોમ, તુરીન, વેનિસ અને પાદુઆ નગરો આવરી લીધાં. 1771ના માર્ચની અઠ્ઠાવીસમીએ બાપદીકરો ઘેર પાછા સાલ્ઝબર્ગ આવી પહોંચ્યા. પોતાની પ્રતિભાના પ્રદર્શનથી મોત્સાર્ટે અગાઉ પૅરિસ અને લંડનની પ્રજાને ઘેલી કરી મૂકેલી એવી જ અસર ઇટાલિયન પ્રજા પર પણ થઈ, એ પણ મોત્સાર્ટના મોહપાશમાં બંધાઈ ચૂકી હતી. મોત્સાર્ટે સંગીતના અનેક જલસા કર્યા – જાહેર તેમ જ ખાનગી. એણે નવી રચનાઓ પણ લખી. ઈટાલિયન ચિત્રકારોએ એનાં પોર્ટ્રેટ ચીતર્યાં. મોત્સાર્ટની કાઉન્ટરપૉઇન્ટ કૃતિ ‘કાઈરીતે પ્રિમુમ રેન્યમ દેઈ’ – (k 86)ને ધ્યાનમાં લઈને 1770ના ઓક્ટોબરમાં બોલોન્યાની એકાદેમિયા ફિલાર્મોનિકાએ એને પોતાનો સભ્ય બનાવ્યો, અને રોમના પોપ ક્લેમેન્ટ ચૌદમાએ સર્વોચ્ચ ઇટાલિયન ખિતાબ ‘ગોલ્ડન સ્પર’થી એને નવાજ્યો. લિયોપોલ્ડ તેમ જ મોત્સાર્ટના જીવનની આ સુવર્ણ ક્ષણ હતી. મોત્સાર્ટ તો હજી પંદર જ વરસનો હતો ! લિયોપોલ્ડના આનંદનો પાર રહ્યો નહિ ! એક મિત્રને તેણે કાગળ લખીને જણાવ્યું : “દરબારીઓ અને પોપના અંગરક્ષકો – સ્વિસ ગાર્ડ્સ એવી રીતે મને તાકી રહ્યા કે જાણે હું મોત્સાર્ટનો અંગત નોકર ના હોઉં ! મને આ વાતનો ગર્વ છે !"

એ હકીકત હતી કે લિયોપોલ્ડને મોત્સાર્ટ માટે ગદ્ધાવૈતરાં કરવામાં આનંદ આવતો. એ ખરેખર મોત્સાર્ટનો નોકર અને સેક્રેટરી બની રહેલો. બોલોન્યાની એકાદમિયા ફિલાર્મોનિયામાં નિયમ મુજબ સભ્ય સંગીતકારની ઉંમર ઓછામાં ઓછી વીસ વરસની હોવી જોઈએ. માત્ર પંદર વરસની વયના મોત્સાર્ટને સભ્ય બનાવવામાં આવતાં આ નિયમ પહેલી વાર ખંડિત થયેલો.

મિલાનનો ઑસ્ટ્રિયન ગવર્નર-જનરલ મોત્સાર્ટ પર આફરીન પોકારી ગયેલો. (એ વખતે મિલાન ઑસ્ટ્રિયન તાબા હેઠળ હતું.) મોત્સાર્ટને હવે આવનારી સિઝન માટે ઑપેરા લખવાનું કામ એણે આપ્યું. મેતાસ્તાસિયોનો લિબ્રેતો (પટકથા અને સંવાદો) મોત્સાર્ટે પસંદ કર્યો. ઑપેરાનું નામ રાખ્યું: ‘મિત્રીદાતે રે દિ પોન્તો’ (Mithridates, The King of Pontus)*[૧૦]. 1771ની છવ્વીસમી ડિસેમ્બરે એનો પ્રીમિયર શો થયો અને ખાસ્સી સફળતા મળતાં એ આશરે બીજી વીસ વાર ભજવાયો. આ સફળતાને પગલે 1773ના મિલાન કાર્નિવલ માટે બીજો ઑપેરા લખવાનું કામ એને મળ્યું. સામ્રાજ્ઞી મારિયા થેરેસાના પુત્ર આર્ચડ્યૂકનાં વેનિસની રાજકુમારી બિયાત્રીસ સાથે લગ્ન નજીક આવી રહેલાં. એની ઉજવણી માટે સામ્રાજ્ઞીએ લગ્નવિધિનો સેરેનેટા મોત્સાર્ટ પાસે માંગ્યો. પણ એ માટેનો લિબ્રેતો મોત્સાર્ટના હાથમાં એટલો મોડો મૂકવામાં આવેલો કે માત્ર પંદર જ દિવસનો સમય એને મળ્યો. બોંતેર વરસના કંપોઝર હેસેએ મિત્રતાનો ઉમળકાભર્યો હાથ મોત્સાર્ટ તરફ લંબાવ્યો. “આ છોકરડાને કારણે આપણે બધા જ ભૂંસાઈ જઈશું” એવી એણે કરેલી ભવિષ્યવાણી સાચી પડવાની હતી. હેસેએ મોત્સાર્ટને જમવા ઘરે બોલાવ્યો. હસે, ગ્લક, પિચિની, લુઇગી બાકેરિની અને સામાર્તિનીનું સંગીત મોત્સાર્ટે સાંભળ્યું. સોળમી ડિસેમ્બરે પિતાપુત્ર સાલ્ઝબર્ગ પાછા ફર્યા. દરમિયાન નૅનર્લે ઘરમાં સંગીતનાં ટ્યૂશનો આપી કમાણી કરવી શરૂ કરેલી.

આર્ચબિશપ હિરોનિમસ કોલોરાડો

ઘેર પાછા ફર્યા એ જ દિવસે લિયોપોલ્ડનો માલિક સિગિસ્મુન્ડ અવસાન પામ્યો. એને સ્થાને 1772ની ચોવીસમી માર્ચે ચાળીસેક વરસનો આર્ચબિશપ હિરોનિમસ કોલોરાડો આવ્યો. મોત્સાર્ટના ઓગણીસમી સદીના જીવનકથાકારોએ એને ખૂબ દુષ્ટ, ક્રૂર ખલનાયક ચીતર્યો છે. એણે મોત્સાર્ટ માટે પારાવાર મુશ્કેલીઓ ઊભી કરેલી એ વાત સાચી પણ મોત્સાર્ટના ચુંબકીય સંગીતની માયામાં ફસાયા વિના આધુનિક જર્મન ઇતિહાસકારો સાચી હકીકત શોધી શક્યા છે. હિરોનિમસ એક ઉમદા માણસ હતો. એની પ્રજા એને ધિક્કારતી એ વાત સાચી, પણ એનું કારણ તો એ હતું કે ઉત્સાહપૂર્વક ઝડપી સુધારા એ અમલમાં મૂકતો. સંગીત અને કલાની એને સૂઝ નહોતી એવા લિયોપોલ્ડના અભિપ્રાય પર મદાર બાંધવા જેવો નથી. પોતાનાં સ્વપ્નો સિદ્ધ કરવા આડે જે કોઈ અડચણરૂપ બને એને દુષ્ટાત્મા તરીકે પત્રોમાં ચીતરવાની લિયોપોલ્ડને બૂરી આદત પડી ગયેલી. ચીફ કપેલમઇસ્ટરના પદ પર પોતાને નહિ પણ પહેલાં ફિશિયેતી તથા પછી લોલીની નિમણૂક થતાં લિયોપોલ્ડ નારાજ થઈ ગયેલો. પોતાની ઉંમર તથા લાંબા સમયની નોકરીને ધ્યાનમાં લેતાં એ પદ માટે એ પોતાને જ સૌથી વધુ લાયક માનતો. પણ નવો આર્ચબિશપ હિરોનિમસ શા માટે એને બઢતી આપીને એ પદ પર મૂકે ? દીકરાની કારકિર્દીના ઘડતર માટે થઈને લિયોપોલ્ડ તો સતત વર્ષો સુધી ચાલુ પગારે રજા પર રહેતો, અને છતાં રજાની નવી અરજીઓ મૂકતો જ રહેતો ! સાલ્ઝબર્ગમાં નહોતું એનું દિલ ચોંટતું કે નહોતો એનો પગ ટકતો.

હિરોનિમસે મોત્સાર્ટની કદર કરી. એણે મોત્સાર્ટ પાસે નવો ઈટાલિયન ઑપેરા માંગ્યો. ‘ઇલ સોન્યો દિ સ્કિપિયોન’ (સ્કેિપિયોનું સ્વપ્ન)*[૧૧] નામનો એ ઑપેરા 1772ના એપ્રિલમાં ભજવાયો. પ્રસન્ન હિરોનિમસે ‘કૉન્ઝર્ટમઇસ્ટર’ મોત્સાર્ટને વર્ષે 150 ગલ્ડનનો પગાર આપવો ચાલુ કર્યો.

વળી પાછા ઇટાલી

1772ના ઑક્ટોબરની ચોવીસમીએ પિતાપુત્ર ઇટાલીની ત્રીજી યાત્રાએ નીકળી પડ્યા. ચોથી નવેમ્બરે એ બંને મિલાન પહોંચ્યા. છવ્વીસમી ડિસેમ્બરે મોત્સાર્ટનો નવો ઇટાલિયન ઑપેરા ‘લુચિયો સિલા’ ભજવાયો. તરત જ લિયોપોલ્ડે સાલ્ઝબર્ગ કાગળો લખીને તેની ભવ્ય સફળતાની ડંફાસો મારી. પણ હકીકત સાવ ઊંધી જ હતી. સાલ્ઝબર્ગના દરબારીઓ અને સંગીતકારો આગળ મોત્સાર્ટની સફળતાનાં બગણાં ફૂંકવાની એને આદત હતી.

પાદરી માર્તિની (1706-1784)

બોલોન્યામાં ચોસઠ વરસના ખ્યાતનામ પાદરી જિયોવાની બાતીસ્તા માર્તિનીને મોત્સાર્ટ મળ્યો. એ પ્રખર ગણિતજ્ઞ તેમ જ સંગીતજ્ઞ હતો. એ મોત્સાર્ટ પર વારી ગયેલો. એણે મોત્સાર્ટનું પોર્ટ્રેટ ચિતરાવડાવી પોતાની પાસે રાખ્યું. એણે મોત્સાર્ટનો પરિચય જૂના ઇટાલિયન સંગીતકારોની હસ્તપ્રતો(મૅન્યુસ્ક્રિપ્ટ્સ)થી કરાવ્યો. મોત્સાર્ટ પાસે કાઉન્ટરપૉઈન્ટની અનેક કસરતો કરાવી. મોત્સાર્ટના ફ્‌યુગ્સ+[૧૨]થી એ રાજી થયેલો. મોત્સાર્ટને ‘ગોલ્ડન સ્પર’ મળે માટે એણે જ પોપને ભારપૂર્વક ભલામણ કરેલી. મહાન ઇટાલિયન સંગીતકાર ઑલેન્દો દિ લાસો અને જર્મન સંગીતકાર ગ્લકને ‘ગોલ્ડન સ્પર’ ખિતાબ મળ્યા એ પછી એ ખિતાબ મેળવનાર પહેલો સંગીતકાર મોત્સાર્ટ હતો.

 સમગ્ર જીવન દરમિયાન આ ખિતાબનો દેખાડો મોત્સાર્ટે કરેલો નહિ. પોતાની સહીની ઉપર કે નીચે અથવા નામની આગળ કે પાછળ તેણે એની કદી જાહેરાતો કરેલી નહિ. હા, એક અપવાદ છે જેની વાત આપણે આગળ જોઈશું. ગ્લક અને તેની પત્ની તો આ ખિતાબની શક્ય તેટલી જાહેરાતો કરતાં થાકતાં જ નહોતાં ! ઇટાલિયન યાત્રા દરમિયાન મોત્સાર્ટે બોલોન્યા નજીક મોટી જાગીર ધરાવતા યુવાન કાઉન્ટ પાલાવિચિની સાથે તથા હમઉમ્ર પ્રખર નિપુણ વાયોલિનિસ્ટ થોમસ લીન્લે સાથે દોસ્તી કરેલી. રોમમાં મોત્સાર્ટે સોળમી સદીના ઇટાલિયન સંગીતકાર ગ્રેગારિયો એલેગ્રીની કૃતિ ‘મિસેરેરે’ સાંભળી. વેટિકનના સિસ્ટાઈન ચૅપલની માલિકીની આ કૃતિની નકલ કરવા પર કડક મનાઈ હતી. એ સાંભળતી વખતે કાગળ પર ઉતારી લેવામાં ઘણા સંગીતકારો અત્યાર સુધી નિષ્ફળ ગયેલા. મોત્સાર્ટે માત્ર બે જ શ્રવણમાં કોટની બાંયના કફમાં સંતાડેલા કાગળ પર આ આખી કૃતિ ઉતારી લીધી. ઈટાલીની યાત્રા દરમિયાન જ મોત્સાર્ટે તેનો એક ઉત્તમ મોટેટ ‘એક્સુલ્તાતે જુબિલાતે’ લખ્યો. કાસ્ત્રાતી વેનાન્ઝિયો રોઝિની માટે લખેલા આ મોટેટમાં અંગારાની માફક ઝગારા મારતા સ્વરોની રમઝટ સાંભળવા મળે છે. મોત્સાર્ટના સંગીતનો પ્રસાર થાય, એની નામના વધુ વ્યાપક બને અને ખાસ તો રૉયલ્ટીની આવક ઊભી થઈ શકે તે હેતુથી 1771માં લિયોપોલ્ડ લિપ્ઝિકના પ્રકાશક બ્રીટકૉફનો દાણો ચાંપી જોયેલો. મોત્સાર્ટના સંગીતનું પ્રકાશન કરવાની દરખાસ્ત મૂકતાં લિયોપોલ્ડે તેને કાગળમાં લખેલું : “તમને ઠીક લાગે તેવું કોઈ પણ પ્રકારનું અને ઘાટઘૂટનું સંગીત મોત્સાર્ટે કંપોઝ કર્યું છે. તમારે માત્ર કહેવાનું જ રહેશે કે તમારે શું જોઈએ છે.” બ્રીટકૉફે કોઈ જ જવાબ આપેલો નહિ. તેથી થયું એવું કે મોત્સાર્ટના જીવતે જીવ મોત્સાર્ટનું મોટા ભાગનું વાદ્યસંગીત માત્ર ત્યારે જ વગાડવામાં આવતું કે જ્યારે ખુદ મોત્સાર્ટ તેને વગાડતો હોય કે કન્ડક્ટ કરતો હોય; એ સિવાય નહિ જ. 1772માં તત્કાલીન જર્મન સંગીતની ચર્ચા કરતા એક લેખમાં ડૉ. બર્નીએ લખેલું : “ઉત્તમ કરતાં પણ બહેતર હોય એવા સમય કરતાં વહેલા તૈયાર થઈ ગયેલા ફળનું એક ઉદાહરણ એ મોત્સાર્ટ છે.” મોત્સાર્ટ વાયોલિન અને પિયાનો બંને વગાડવામાં નિપુણ હોવા છતાં તેને પોતાના પિયાનોવાદનમાં વધુ મજા પડતી હતી, વળી વિયેનાનિવાસના જીવનના છેલ્લા દસકામાં તેણે કદી વાયોલિન વગાડેલું નહિ. લિયોપોલ્ડને આ હકીકતનો રંજ હતો. સાલ્ઝબર્ગથી એક કાગળમાં લિયોપોલ્ડે મોત્સાર્ટને લખેલું : “ભીંત પર લટકતું તારું વાયોલિન મૂરઝાઈ રહ્યું છે.” વાયોલિન માટેની જે કૃતિઓમાં માધુર્ય અને લાવણ્યનો અભાવ હોય તે મોત્સાર્ટને પસંદ નહોતી. 1777માં વિખ્યાત વાયોલિનિસ્ટ ફ્રાન્ઝલને વાયોલિન માટેની ખૂબ અઘરી કૃતિઓ વગાડતો સાંભળ્યા પછી મોત્સાર્ટે તેને કહેલું : “મુશ્કેલીઓ માટે મને કોઈ જ પ્રેમ નથી.”

પિતાપુત્ર 1773ના માર્ચની તેરમીએ સાલ્ઝબર્ગ પાછા ફર્યા. એ પછી એક વાર અઢી મહિનાના પ્રવાસને અને બીજી વાર ત્રણ મહિનાના પ્રવાસને બાદ કરતાં મોત્સાર્ટ 1777 સુધીનાં ચાર વરસ સુધી સાલ્ઝબર્ગમાં જ રહ્યો, અને સર્વ પ્રકારના ઘાટઘૂટમાં એણે વિપુલ માત્રામાં સંગીતસર્જન કર્યું. ત્રણ સુંદર સિમ્ફનીઓ No. 25 (k 183), No. 28 (k 200) તથા No. 29 (k 201) અને પિયાનો કન્ચર્ટો No. 5 (k 175) એમાં શ્રેષ્ઠ છે.

1773માં લિયોપોલ્ડને કાને વાત આવી કે વિયેના રાજદરબારનો કપેલમઈસ્ટર ગૅસ્માન માંદગીને બિછાને છે, એટલે એ પદ ઉપર પોતાની નજર ચોંટી. એ દીકરાને લઈને જુલાઈમાં વિયેના પહોંચ્યો અને ત્રીસમી સપ્ટેમ્બર સુધી ત્યાં જ રહ્યો. પણ ગૅસ્માન તો છેક જાન્યુઆરીમાં અવસાન પામ્યો અને એની જગ્યા જૉસેફ બોનો નામના એક વિયેનીઝ સંગીતકારને મળી. લાગે છે કે દીકરા માટે થઈને  લિયોપોલ્ડ ફરી એક વાર લાલચનાં ઝાંઝવાંમાં ફસાયેલો. પણ મોત્સાર્ટને તો વિયેનાયાત્રાથી ફાયદો જ થયો. એ શહેર એ વખતે ઇટાલિયન અને જર્મન ગાયકો, વાદકો, ઑર્કેસ્ટ્રા કન્ડક્ટર્સ, કોયર કન્ડક્ટર્સ, કવિઓ, નાટ્યકારો, સંવાદલેખકો અને અભિનેતાઓથી ઊભરાતું હતું. મોત્સાર્ટને ઘણી મોટી માત્રામાં નવું સંગીત સાંભળવા મળ્યું.

1774ના શિયાળામાં બેવેરિયાના ઈલેક્ટરે મોત્સાર્ટને એક ઇટાલિયન કૉમિક ઓપેરા લખી આપવાનું કામ આપ્યું. 1775માં યોજાનારા મ્યુનિખ કાર્નિવલમાં આ ઑપેરા ભજવાય એવી એની ખ્વાહિશ હતી. આ માટે બાપદીકરો 1774ના ડિસેમ્બરની છઠ્ઠીએ સાલ્ઝબર્ગ છોડી નીકળી પડ્યા અને બીજે જ દિવસે મ્યુનિખ પહોંચી ગયા. તેરમી જાન્યુઆરીએ મોત્સાર્ટનો ઓપેરા ‘લા ફિન્તા જિયાર્દિનિયેરા’ ભજવાયો અને શ્રોતાઓને એ ગમ્યો. ખુશ થઈને મોત્સાર્ટે ઘેર મંમીને કાગળ લખ્યો : “ગઈ કાલે એ પહેલી જ વાર ભજવાયો અને એને એટલી જબરજસ્ત ચાહના મળી કે તાળીઓના ગડગડાટનું વર્ણન હું કરી શકું એમ નથી. મંમી, અમે જલદી સાલ્ઝબર્ગ પાછા નહિ જ આવીએ. મંમી, તારે એવી આશા રાખવી પણ નહિ જોઈએ. ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું મારે માટે કેટલું અગત્યનું છે તે તો તું જાણે જ છે ને !” (જાન્યુઆરી 14, 1775). પ્રવાસે નીકળેલો હિરોનિમસ કોલોરાડો જાન્યુઆરીમાં મ્યુનિખમાં આવેલો. તેને કાને મોત્સાર્ટનાં વખાણ પડેલાં. ‘ડચ રિવ્યૂ’ નામના સામયિકમાં સી.એફ.ડી. શુબાર્ટ નામના વિવેચકે ‘લા ફિન્તા જિયાર્દિનિયેરા’નો રિવ્યુ કરેલો : “પ્રતિભાશાળી મોત્સાર્ટનો ઑપેરા બુફા મેં સાંભળ્યો. આટલી નાની ઉંમરે સ્વાભાવિક રીતે જ એનું સંગીત ઉન્નત શિખરે નથી પહોચ્યું. પણ, એક દિવસ સર્વકાળના શ્રેષ્ઠ સંગીતકારોમાં મોત્સાર્ટ અચૂક સ્થાન મેળવશે જ.” આ ઑપેરાનો લિબ્રેતો ગ્વીસેપે પેત્રોસેલિનીએ લખેલો. ઈલેક્ટરે મોત્સાર્ટ પાસે એક મોટેટ માંગ્યો;  પણ મોત્સાર્ટે ઓફર્તોરી ‘મિસેરિકોર્દિયાસ દૌમિની’ (K 222) લખ્યો. ઈલેક્ટરે મોત્સાર્ટના બે માસ ચર્ચમાં ગવડાવ્યા. પણ નિરાશ થઈને બાપદીકરો માર્ચ મહિનામાં સાલ્ઝબર્ગ પાછા ફર્યા કારણ કે મોત્સાર્ટને ત્યાં કોઈ સારી નોકરીની દરખાસ્ત મળી નહિ. 1775ના એપ્રિલમાં ઑસ્ટ્રિયન આર્ચડ્યૂક મૅક્સિમિલિયન સાલ્ઝબર્ગમાં હતો. એના માનમાં યોજાયેલા જલસામાં મોત્સાર્ટનો કેન્ટાટા ‘ઇલ રે પેસ્તોરે’*[૧૩] ભજવાયો. 1775ના સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના ચાર મહિનામાં મોત્સાર્ટે માત્ર ત્રણ જ માસ લખ્યા. એના જેવા ફળદ્રુપ સર્જક માટે આ ખૂબ નાની સંખ્યા કહેવાય. શક્ય છે કે એ સમયે એને મૅન્ટલ-બ્લૉક થયો હોય. નૅનર્લ આ સમયે ડાયરીમાં નોંધે છે : “મારો ભાઈ સાવ પીળો પડી ગયો છે.” એ વખતના એક પોર્ટ્રેટમાં પણ મોત્સાર્ટ ફિક્કો ને માંદલો દેખાય છે. 1776માં મોત્સાર્ટે પોતાના પ્રખર ચાહક પાદરી માર્તિનીને લખ્યું: “હું એ દેશમાં જીવું છું જ્યાં સંગીતના વિકાસની તક નથી. થિયેટરની હાલત કંગાળ છે. તેથી ચર્ચ, ઑર્કેસ્ટ્રા અને ચૅમ્બર ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે સંગીત લખીને હું મસ્ત રહું છું. પ્રિય સિન્યોર ફાધર માર્તિની ! આપણે એકબીજાથી કેટલા દૂર છીએ !”

ધ ગ્રાન્ડ ટૂર

દીકરાને સારી આવક આપતી કોઈ સુરક્ષિત પદવી પર સ્થિર થયેલો જોવાની લિયોપોલ્ડની વ્યાકુળતા વધતી જ ગઈ; કારણ કે મોત્સાર્ટ હવે એકવીસ વરસનો થયો હતો. ચાલુ નોકરીમાં ફરી એક વાર લાંબી રજા માટે લિયોપોલ્ડે આર્ચબિશપને અરજી કરી, પણ તે તરત જ નામંજૂર થઈ; એટલે એણે મોત્સાર્ટની સાથે યાત્રામાં પોતાની પત્નીને મોકલવાનું નક્કી કર્યું.

બનેલું એવું કે પિતા લિયોપોલ્ડે લખેલી એ અરજી ઉપર મોત્સર્ટ સહી કરેલી; અને એમાં લિયોપોલ્ડ અને મોત્સાર્ટ બંને માટે રજાની પરવાનગી માંગવામાં આવેલી. આ અરજી ઉપર નામંજૂરીની મહોર મારતાં આર્યબિશપે પેન્સિલથી નોંધેલું: “પિતા અને પુત્ર બંનેને બીજે નસીબ અજમાવવા માટે મુક્તિ આપું છું.” આ રીતે આર્ચબિશપે લિયોપોલ્ડ અને મોત્સાર્ટ બંનેને નોકરીમાંથી છૂટા કરી દીધા ! લિયોપોલ્ડને આ નોકરી વગર પાલવે તેમ નહોતું કારણ કે ભલે ને નાની પણ સુનિશ્ચિત આવક છોડીને એ આધેડ ઉંમરે બીજે નોકરી શોધવા માટે રાજી નહોતો. તેથી એણે તો આર્ચબિશપ હિરોનિમસ કોલોરાડોને કરગરીને પોતાની નોકરી પાછી મેળવી લીધી; પણ મોત્સાર્ટ માટે કરગર્યો નહિ. મોત્સાર્ટે એ નોકરીમાંથી છૂટા થતી વેળા કોલોરાડોને આભારપત્ર લખ્યો :

1 ઑગસ્ટ, 1777
 
યોર ગ્રેસ, મોસ્ટ વર્ધી ઑફ ધ હોલી રોમન એમ્પાયર,
અમારી દુઃખી પરિસ્થિતિનું વિગતવાર વર્ણન કરી હું તમને મુશ્કેલીમાં મૂકવા નથી માંગતો. 14 માર્ચ, 1777 ના રોજ મારા પિતાએ કરેલી નમ્ર અરજીમાં એ વર્ણન છે જ. બહાર જો કોઈ સારી તક મળતી હોય તો તે ઝડપી લેવા માટે રજાની પરવાનગી માંગતી એક અરજી મારા પિતાએ અગાઉ પણ કરેલી. પણ વિયેનાથી હિઝ મેજેસ્ટી ધ એમ્પરર આવવાના હોવાથી એ વખતે ઑર્કેસ્ટ્રા તૈયાર રાખવો પડે એવું હતું. તેથી આપે તે અરજી નામંજૂર કરેલી. મારા પિતાએ ત્યારે સમજદારીથી સંજોગો સંભાળી લઈ છેલ્લે અત્યારની અરજી કરી, જેને આપે ફરીથી નામંજૂર કરી. હવે મારા પિતાએ મને એકલો જ પ્રવાસે મોકલવાનું નક્કી કર્યું છે. તે છતાં પણ આપે મારી સામે વાંધા ઉઠાવ્યા છે ! હે માલિક ! સંતાનો પોતાનો રોટલો જાતે જ રળી ખાતાં શીખે તે માટે માબાપ તેમને ત્યજી દેવા માટે બનતા પ્રયત્નો કરે છે. કુટુંબોનું અને રાજ્યનું હિત આમાં જ રહેલું છે. ઈશ્વર પાસેથી જેટલી શક્તિ કે પ્રતિભા સંતાનને મળેલી હોય તેટલા પ્રમાણમાં સંતાન પ્રગતિ કરીને ભવિષ્યને ઉજ્જ્વળ અને સુરક્ષિત

બનાવવા મથશે. આથી માબાપ માટે પણ વધુ આરામદાયક સંજોગો ઊભા થશે. આપણે આપણી શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ એવો ઉપદેશ ગૉસ્પેલ આપે છે. મારો અંતરાત્મા એવું કહે છે કે મારા પિતાએ થાક્યા વિના આખી જિંદગી મને શિક્ષણ આપ્યું તે બદલ હું મારા પિતાનો ઋણી છું. ઈશ્વરના પ્રતાપે અને ઈશ્વરની દયાથી જ મને આ તક સાંપડી છે. તેથી મારા પગ ઉપર ઊભા રહેતાં શીખીને મારે મારી બહેનનો અને મારા પિતાનો ભાર હળવો કરવો જ પડશે. હાર્પિસ્કોર્ડ ઉપર ઘણા કલાકો વિતાવીને મારી બહેને પણ તાલીમ મેળવી હતી. પણ તે આ તાલીમનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકી નહોતી.

તેથી પાનખરમાં હું અહીંથી પ્રયાણ કરવા ધારું છું, જેથી મારે ઠંડા શિયાળાનો સામનો પ્રવાસ દરમિયાન કરવો પડે નહિ. મારા આ બયાનને આપ નજરઅંદાજ કરશો નહિ એવી મારી આશા છે. આપ મહેરબાને આજ સુધીમાં મારી ઉપર અમીભરી દૃષ્ટિ વડે જે કૃપા વરસાવી છે તે બદલ હું આપનો હૃદયપૂર્વક ઋણી છું. મારા ભવિષ્યનાં પુખ્ત વરસોમાં વધુ સફળતાપૂર્વક હું આપની સેવા કરી શકું તેવી તમન્ના હું સેવું છું.

– આપનો અત્યંત નમ્ર સેવક
 
વુલ્ફગૅન્ગ ઍમેડી મોત્સાર્ટ
 

અને લિયોપોલ્ડ તો આર્યબિશપની નોકરીમાં ચાલુ રહ્યો.

1777ની ત્રેવીસમી સપ્ટેમ્બરે માતાપુત્રે સાલ્ઝબર્ગથી પ્રસ્થાન કર્યું. બીજે દિવસે લિયોપોલ્ડે મોત્સાર્ટને કાગળ લખ્યો: “તમને બંનેને આવજો કહ્યું ત્યારે મારી આંખોમાં આવતાં આંસુને હું માંડ માંડ ખાળી શક્યો. પછી મેં તો ઉપર જઈને આરામ-ખુરશીમાં લંબાવ્યું પણ નૅનર્લ તો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. એને શાંત પાડતાં મારે નાકે દમ આવ્યો. પછી એની સાથે હું પત્તાં રમ્યો અને અમે મારા રૂમમાં જમ્યાં. ઈશ્વરના આશીર્વાદથી અમે બંને પથારીમાં ઊંઘી ગયાં. પ્રિય વુલ્ફગૅન્ગ, હાથ જોડીને હું તારે પગે પડું છું કે આર્ચબિશપ અંગે તું કોઈ મજાકમશ્કરી કાગળમાં મને લખીશ નહિ, કારણ કે તારા કાગળ જો ભૂલેચૂકે ખોટા હાથમાં ચડી જશે તો આપણા માથે આસમાન તૂટી પડશે.” પણ મોત્સાર્ટ તો એકદમ મોજિલા મિજાજમાં હતો. એણે 1777ની 26 સપ્ટેમ્બરે પિતાને લખ્યું : “હું હંમેશની માફક એકદમ ખુશમિજાજ છું. સાલ્ઝબર્ગના કાવતરાખોરોથી મુક્ત થઈ મારું હૃદય તો જાણે પવનવેગે ઊડે છે !” લિયોપોલ્ડે સામો બીજો પત્ર લખ્યો : “તું માત્ર સંગીતમાં જ ગળાડૂબ રહે એ નહિ ચાલે. દુનિયાદારીનું ભાન તને હોવું જોઈએ.” મોત્સાર્ટની આ નવમી યાત્રા દોઢ વર્ષે પૂરી થઈ અને તે ‘ધ ગ્રાન્ડ ટૂર’ નામે જાણીતી બની. મ્યુનિખ, ઑગ્સ્બર્ગ અને મેન્હીમમાં થોડો થોડો સમય ગાળ્યો. ઑગ્સ્બર્ગમાં મોત્સાર્ટ બેઝલ નામની છોકરી તરફ આકર્ષાયો. બેઝલ તો એનું લાડકું નામ હતું. એ મોત્સાર્ટના બુકબાઇન્ડર કાકાની છોકરી હતી; અને મહાફ્‌લર્ટ હતી. એનું આખું નામ હતું : મારિયા આના ઠેકલા મોત્સાર્ટ. મોત્સાર્ટે એને અત્યંત કઢંગા, ગંદા અને અશ્લીલ પત્રો લખ્યા. દાખલા તરીકે : ‘Oh you cock, lick my arse.’ મોત્સાર્ટે પિતાને કાગળમાં લખ્યું: “બેઝલ રૂપાળી અને હસમુખી છે; ચાલાક, ચબરાક ને હોશિયાર છે. અમે બંને ભેગાં મળીને બધાંની ઠઠ્ઠામશ્કરી કરીએ છીએ.” (17 એપ્રિલ, 1777) એ કારણે મોત્સાર્ટના ચાહકો અને અભ્યાસીઓ આજે પણ ભોંઠપ અનુભવે છે અને સ્તબ્ધ થઈ જાય છે.

ઑગ્સ્બર્ગમાં 1777ની બાવીસમી ઑક્ટોબરે મોત્સાર્ટનો જલસો ગોઠવાયો. લિયોપોલ્ડે સાલ્ઝબર્ગથી પત્ર લખીને આપેલી સૂચના માથે ચડાવીને મોત્સાર્ટે આ પ્રસંગે ગોલ્ડન સ્પર ખિતાબનો સોનાનો ચંદ્રક છાતી પર લટકાવ્યો. પણ ઑગ્સ્બર્ગના મેયરના દીકરાએ એ ચંદ્રકની ઠેકડી ઉડાવતાં મોત્સાર્ટને ખૂબ લાગી આવ્યું. પછી માતાને લઈને મોત્સાર્ટ મ્યુનિખ પહોંચ્યો. પણ મ્યુનિખના રાજા ઈલેક્ટર મેક્સિમિલિયન ત્રીજાએ રૂબરૂ મળવા છતાં કોઈ દાદ આપી નહિ. પોતાના જૂના માલિક હિરોનિમસ કોલોરાડોને મોત્સાર્ટે નાખુશ કરેલા એ વાત ઊડતી ઊડતી અહીં આવેલી. જે નોકરને જૂના માલિક સાથે વાંકું પડ્યું હોય તેને બીજો કોઈ માલિક દાદ આપે નહિ તેવી રાજવી ઘરાણાની મર્યાદા મોત્સાર્ટને નડી. મેક્સિમિલિયન ત્રીજાએ ઈટાલી જઈ ત્યાં નસીબ અજમાવવાની સલાહ આપી. મ્યુનિખમાં લિયોપોલ્ડના મિત્ર ફ્રાન્ઝ જૉસેફ આલ્બર્ટે મોત્સાર્ટને યોગ્ય નોકરી મળે ત્યાં સુધી ભરણપોષણનાં ભથ્થાં આપવાની દરખાસ્ત કરી પણ તેથી તો ખુદ્દાર લિયોપોલ્ડનો અહમ્ ઘવાયો !

મેન્હીમમાં સત્તાધીશ કાર્લ થિયોડોર સંગીત, કલા અને વિજ્ઞાનનો આશ્રયદાતા હતો. પણ મોત્સાર્ટને એ પનાહ આપી શક્યો નહિ. પણ મેન્હીમના સંગીતકારોએ મોત્સાર્ટની પ્રતિભા પિછાણી. કંપોઝરો જોહાન ક્રિશ્ચિયન કેનેબીખ અને ઈગ્નેઝ હોલ્ઝ્‌પોર, વાંસળીવાદક જોહાન બૅપ્ટિસ્ટ વૅન્ડલિન્ગ, ઓબોવાદક ફ્રીડરિખ રૅમ, વાયોલિનિસ્ટ ક્રિશ્ચિયન ડેનર તથા ટેનર એન્ટોન રાફ — એ બધા જ મોત્સાર્ટના પાકા દોસ્ત બની ગયા. પણ દરબારી કપેલમઈસ્ટર એબી વૉગ્લર સાથે દુશ્મની વહોરી લીધી. પેલા દોસ્તો માટે મોત્સાર્ટે દરેકને અનુરૂપ સુંદર કૃતિઓ લખી આપી.

પ્રથમ પ્રેમ અને માતાનું અવસાન

પણ મેન્હીમમાં મોત્સાર્ટ પહેલી વાર પ્રેમમાં પડ્યો. એનું નામ હતું આલોઈસિયા વેબર. મેન્હીમ થિયેટરમાં બાસ ગાયક અને પ્રોમ્પ્ટરની નોકરી કરતો ફ્રિડોલીન વેબર નામનો બેતાળીસ વરસનો એક ગરીબ માણસ હતો. એને ચાર દીકરીઓ હતી : જૉસેફા, આલોઇસિયા, કૉન્સ્ટાન્ઝે અને સોફી. આલોઇસિયા એ વખતે સત્તર વરસની હતી; અને સોપ્રોનો ઑપેરા ગાયિકા – પ્રિમ ડોના – તરીકેની કારકિર્દીનો આરંભ કરી રહી હતી. એને માટે મોત્સાર્ટે કૉન્સર્ટ એરિયા લખ્યો – ‘પોપોલી દિ થેસાલિયા’. (આલોઇસાનો કાકાનો છોકરો કાર્લ મારિયા ફોન વેબર (1786-1826) આગળ જતાં મહાન સંગીતકાર બનેલો.) મોત્સાર્ટ પ્રવાસ દરમ્યાન પિતાને સતત કાગળો લખતો રહેલો. પણ આ પરિસ્થિતિથી તો લિયોપોલ્ડ ખાસ્સી ચિંતામાં પડી ગયો. પુત્ર ધ્યેય ભૂલીને ભટકી ગયો હોય એવું એને લાગ્યું. સમય વેડફવો બંધ કરીને તરત જ પૅરિસ ચાલ્યા જવાનું ફરમાન કાઢ્યું. લિયોપોલ્ડે કાગળમાં મોત્સાર્ટને લખ્યું: “હું ઘરડો થઈ રહ્યો છું, અને ઘર ચલાવવા માટે મદદ કરવા માટે નૅનર્લ ટ્યૂશનો કરે છે. તું જેટલા દિવસ બહાર રહે તેટલો ખર્ચ વધતો જાય છે. તું તારી મમ્મીને લઈને સીધો ઘરે પાછો આવી જા.” આજ્ઞાંકિત પુત્રને પિતાના ફરમાનનું પાલન કરવા સિવાય છૂટકો નહોતો, એટલે એ મમ્મી સાથે ૧૭૭૮ના માર્ચની ત્રેવીસમીએ પૅરિસ આવી પહોંચ્યો.

પૅરિસમાં કોઈ ઑપેરા લખવાની વરદી મળે તેવી મોત્સાર્ટની તમન્ના ફળી નહિ. તેણે નછૂટકે સંગીતનાં ટ્યૂશનો આપવાં શરૂ કર્યા જેથી રોજિંદા ખર્ચાને પહોંચી વળી શકાય. તેણે પિતાને લખ્યું :

જો શિષ્ય શીખવા માટે રસ અને રુચિ ધરાવતો હોય અને સાથે ટેલેન્ટ પણ ધરાવતો હોય તો જ મને શીખવતાં આનંદ થશે. પણ સંગીતની સાધારણ શક્તિ ધરાવતા શિષ્યને ઘરે ચોક્કસ સમયે જવાનું અથવા તેની રાહ જોતા બેસી રહેવાનું મને પાલવતું નથી; પછી ભલે ને ગમે તેટલા પૈસા મળતા હોય ! પ્રસન્ન થઈને ઈશ્વરે મને સંગીત-નિયોજનની વિપુલ અને અદ્‌ભુત શક્તિ બક્ષી છે તેને મારે શા માટે આ રીતે દફનાવી દેવી જોઈએ ? કોઈ પણ હિસાબે નહિ, જ.

પૅરિસમાં એક કડવો પ્રસંગ બન્યો. ડચેસ દ ચાબોએ મોત્સાર્ટને પિયાનો વગાડવા આમંત્રણ આપ્યું; પણ અત્યંત ઠંડુંગાર તેનું સ્વાગત કર્યું. એક અત્યંત ઠંડા બર્ફીલા ઓરડામાં ક્યાંય સુધી મોત્સાર્ટને બેસાડી રાખીને મોત્સાર્ટને એક પિયાનો આપ્યો. પણ તે પિયાનો બગડેલો. સાવ ખરાબ હતો ! વળી, ઓરડામાં બેઠેલા શ્રોતાઓ ચાલું સંગીત એકચિત્તે સાંભળવાને બદલે સ્કેચિન્ગ કરતા રહ્યા !

 અહીં માતા બીમાર પડી અને ત્રીજી જુલાઈએ મૃત્યુ પામી ! તેને પૅરિસના હોલી ઇનોસન્ટ્સ કબ્રસ્તાનમાં દફનાવી. માતાના મૃત્યુથી મોત્સાર્ટ ખળભળી ઊઠ્યો; એને ઊંડો આઘાત લાગ્યો. પણ સાથે સાથે માતાની ચોકીદારીમાંથી મોત્સાર્ટ છૂટો થયો. મોત્સાર્ટ અને લિયોપોલ્ડના પત્રોમાંથી માતાની કોઈ જ છબી ઊપસતી નથી, કોઈ જ વ્યક્તિત્વ ઊપસતું નથી. લિયોપોલ્ડને માતાના મૃત્યુની જાણ કરતા કાગળમાં મોત્સાર્ટે લખ્યું :

શાંતિ અને સ્વસ્થતાથી મેં બધું સહન કરી લીધું છે. મંમીની માંદગી ગંભીર બની ત્યારે મેં ઈશ્વરને પ્રાર્થના કરીને માત્ર બે જ ચીજ માંગી : તેના માટે આનંદપૂર્ણ મૃત્યુ તથા મારે માટે શક્તિ અને હિંમત. (3 જુલાઈ, 1778)

લિયોપોલ્ડે પોતાનો રોષ કાગળમાં પુત્ર પર કાઢ્યો :

મારું કહેવું માનીને મેન્હીમથી મમ્મીને લઈને સીધો ઘેર પાછો આવ્યો હોત તો તારી મમ્મી અવસાન પામત નહિ.… તું પૅરિસ વધુ સારા સમયે જઈ શક્યો હોત અને મારી પત્ની બચી જાત.

મેન્હીમમાં છૂટા પડતી વખતે આલોઈસિયા વેબરે મોત્સાર્ટને જાતે ભરેલાગૂંથેલા બે રૂમાલ આપ્યા અને ફ્રીડોલીને મોલિયેરના સમગ્ર સાહિત્યનો સંપુટ મોત્સાર્ટને આપ્યો. મોત્સાર્ટે આ સંપુટ આજીવન સાચવી રાખેલો.

પૅરિસમાં નવું સંગીત સાંભળવાથી મોત્સાર્ટને ફાયદો થયો. ગ્લક અને પિચિનીના ઑપેરા સાંભળવા મળ્યા, પણ તરત નવું કામ મળ્યું નહિ. ઇટાલી અને મ્યુનિખમાં એને મળેલી પ્રતિષ્ઠાથી પૅરિસ સાવ અજાણ હતું ! દૂર વર્સાઈમાં ઑર્ગનવાદકની નોકરી મળી પણ દુનિયાથી વિખૂટા થઈને એટલે દૂર જવાની એની ઇચ્છા નહોતી એટલે એ નોકરી ઠુકરાવી. ગ્લકનો ઑપેરા ‘ઍલ્ચીસ્ટ’ મોત્સાર્ટને ખૂબ પસંદ પડ્યો. ઉપરાંત નિકોલા પિચીનીના ઑપેરા ‘લા બૂના ફિલીઊલા’ તથા ‘સિઝર ઇન ઇજિપ્ત’ અને હેસેનો ઑપેરા ‘પાર્તેનોપે’ પણ મોત્સર્ટને ગમ્યા. પૅરિસમાં મોત્સાર્ટે બેરોન ફૉન ગ્રીમને નારાજ કર્યો ! પરસ્પર દુશ્મન હરીફ સંગીતકારો પિચીની અને ગ્લક વચ્ચે ચાલતા ઝઘડામાં મોત્સાર્ટે પિચીનીને ટેકો આપ્યો નહિ કારણ કે મોત્સાર્ટને ગ્લકનું સંગીત ખૂબ ગમતું. ગ્રીમ પિચીનીનો તરફદાર હતો. ગ્રીમે મોત્સાર્ટ માટે સંગીતની કોઈ વરદી લાવી આપવાની તસ્દી લીધી નહિ. ગ્રીમે લિયોપોલ્ડને કાગળ લખ્યો :

તારા છોકરામાં ધગશનો અભાવ છે, એ ભોટ છે, નાદાન છે. પૈસા કેવી રીતે કમાઈ શકાય એ તેને આવડતું જ નથી ! દુનિયાદારીની સમજ વિના તે કેવી રીતે સફળ થશે ? એનામાં સંગીતની ટેલેન્ટ ઓછી હોત અને દુનિયાદારીની સમજ તથા આવડત થોડી પણ હોત તો એ ઝળકી ઉઠ્યો હોત ! અને મને તેની ચિંતા કરવાની કોઈ જરૂર જ રહેત નહિ !

મોત્સાર્ટે પણ લિયોપોલ્ડને પત્ર લખ્યો :

મોન્સિયે ગ્રીમે પછી મને પૂછ્યું, “મારે તારા પિતાને શું કહેવું ? તારે કરવું છે શું ? તારે અહીં રહેવું છે કે મેન્હીમ જવું છે ?” મારાથી હસી પડ્યા વિના રહેવાયું નહિ. મેં જવાબ આપ્યો, “હવે મેન્હીમ જઈને હું શું કરીશ ? હું પૅરિસ આવ્યો જ હોત નહિ તો વધુ સારું રહેત એવું મને લાગે છે. પણ હવે જ્યારે આવી જ ગયો છું તો અહીં આવવાનો કોઈ ફાયદો મેળવવા હું જરૂર પ્રયત્ન કરીશ.” મોન્સિયે ગ્રીમે જવાબ આપ્યો, “મને એવું નથી લાગતું કે અહીં પૅરિસમાં તું કંઈ સિદ્ધ કરી શકે !” મેં પૂછ્યું : “કેમ નહિ ? સાવ નિમ્ન કક્ષાના અધકચરા સંગીતકારો પણ અહીં પૅરિસમાં પગદંડો જમાવીને બેઠા છે તો મારા જેવા ટેલેન્ટેડ સંગીતકારોને અહીં શા માટે કોઈ પણ તક મળે નહિ ?” મોન્સિયે ગ્રીને જવાબ આપ્યો, “તું અહીં પૂરતો પ્રવૃત્ત રહેતો નથી, બેસી રહે છે....” અક્કલ વગરના ફ્રેંચ લોકો
એવું વિચારતા લાગે છે કે હું હજી માત્ર સાત વરસનો છોકરો છું; કારણ કે એ જ ઉંમરે એમણે મને પહેલી વાર જોયેલો. આ વાતનો મને સૌથી વધુ ગુસ્સો ચઢે છે. જૂજ સાચા સંગીતકારો સિવાય સૌ કોઈ મને શિખાઉ માને છે. પણ, આખરે તો બહુમતી જ ગણનામાં લેવાય છે ને !
મારી મહેચ્છા તો અહીં ફ્રેચ ઑપેરા લખવાની છે. ફ્રેંચ ભાષા સાવ જ બેહૂદી છે, કોઈ પાગલ દિમાગની પેદાશ જેવી ! આ મુશ્કેલી હોવા છતાં હું લખી શકીશ એવો મને ભરોસો છે. પણ આ માટે મને વરદી મળે ત્યાં સુધી સંગીતનાં ટ્યૂશનો કરી ગુજારો ચલાવીશ. અત્યારે પણ હું એ પ્રમાણે કરી જ રહ્યો છું, અને આશા રાખું છું કે પરિસ્થિતિ મારી તરફેણમાં સુધરશે. મને ફ્રેંચ ઑપેરા લખવાનું કામ મળે એવી કલ્પના માત્રથી પગથી માથા સુધીનાં મારાં બધાં જ ગાત્રો ઝણઝણી ઊઠે છે; મારું શરીર સળગી ઊઠતું જણાય છે. ફ્રેંચ લોકોને જર્મન કાબેલિયત બતાવી આપવાની તત્પરતાથી હું ખૂબ ઉત્તેજિત થઈ જાઉં છું. પણ ફ્રેંચ ગાયકો મને સહકાર આપશે ખરા ? હું ઝઘડા ટાળવા ઈચ્છું છું, પણ જો કોઈ પડકાર ફેંકશે તો મારું રક્ષણ કેવી રીતે કરવું તે માટે હું તૈયાર છું. મારું રક્ષણ કરતાં મને આવડે છે. પણ હું ઝઘડા ટાળવા માંગું છું, કારણ કે ઠિંગુજી જોડે કુસ્તી કરવાની મને જરાય દરકાર નથી.

બિસ્તરાપોટલાં બાંધી પાછા સાલ્ઝબર્ગ ભેગા થવા માટે ગ્રીમે જ મોત્સાર્ટને ઉત્તેજિત કર્યો.

પૅરિસના પત્રકાર બેરોન ફોન ગ્રીમે પોતાના પ્રસિદ્ધ સામયિક ‘લિટરરી, ફિલોસૉફિકલ એન્ડ ક્રિટિકલ કૉરસ્પોન્ડન્સ’માં મોત્સાર્ટની જાહેરાતો કરી. એટલે એક નાનો બેલે લખવાનું કામ મળ્યું : ‘લા પેતિ રી’. વેસ્ત્રીસ અને લા ગુઈમાર્દે એમાં નૃત્ય કર્યું. પછી મોત્સાર્ટે ‘પૅરિસ સિમ્ફની’ લખી. પૅરિસવાસીઓને એ પસંદ પડી. ખર્ચાને પહોંચી વળવા કમાણી વધારવા શિષ્યોને ટ્યૂશનો આપ્યાં. કારણ પૅરિસમાં જીવવું મોંઘું હતું.

મ્યુનિખમાં એક નવો ઑર્કેસ્ટ્રા ગોઠવાયેલો. ત્યાં મેળ પડે એવી મુરાદ મોત્સાર્ટે સેવેલી; પણ એ પણ ફળી નહિ. કદાચ અતિશય જુવાન માણસ પર જવાબદારી મૂકતાં લોકો ખચકાતા હોવા જોઈએ. મોત્સાર્ટ ઘેર પાછો ફર્યો.

આર્ચબિશપની નોકરી

પણ એટલામાં જ સાલ્ઝબર્ગના આર્ચબિશપના ઑર્કેસ્ટ્રામાં એડ્લાસર નામનો એક સંગીતકાર મૃત્યુ પામતાં લિયોપોલ્ડની આંખમાં ચમક આવી. એ ખાલી પડેલી જગ્યા પર મોત્સાર્ટની નિમણૂક કરવા માટે એ આર્ચબિશપને રાજી કરી શક્યો. પણ સાલ્ઝબર્ગમાં નોકરી કરવા નહિ ઈચ્છતા મોત્સાર્ટને લિયોપોલ્ડે મહાપરાણે સમજાવ્યો. પશ્ચિમ યુરોપમાં સાલ્ઝબર્ગ મોકાને સ્થાને છે. અહીંથી વિયેના, જર્મની, ઇટાલી અને ફ્રાંસ નજીક છે. પણ ત્યાં તો એ જ વખતે આલોઇસિયાએ તડ ને ફડ કહેવડાવી દીધું કે એ મોત્સાર્ટને ચાહતી નથી ! એ ઑપેરાસ્ટાર – પ્રિમા ડોના – બની ચૂકી હતી, એને એક સામાન્ય સંગીતકારમાં કોઈ દિલચસ્પી નહોતી. મોત્સાર્ટે લિયોપોલ્ડને કાગળમાં લખ્યું : “આજે તો હું, બસ, માત્ર રડું જ છું.” (ડિસેમ્બર 29, 1778) મોત્સાર્ટના મૃત્યુ પછી આડત્રીસ વરસે 1829માં મૅરી નૉવેલાએ આલોઇસિયાને પૂછેલું કે તેણે મોત્સાર્ટને શા માટે ઠુકરાવેલો. આલોઇસિયા કોઈ જવાબ આપી શકેલી નહિ. મોત્સાર્ટે આર્ચબિશપની નોકરી તરત જ સ્વીકારી લીધી. એમાં એણે લાલ કોટનો યુનિફૉર્મ પહેરવો પડતો. આ નોકરી દરમ્યાન મોત્સાર્ટે ઘણીબધી સંગીતકૃતિઓ રચી. મ્યુનિખના કાર્નિવલ ઉત્સવ માટે તેણે લખેલા ઑપેરા ‘ઇડોમેનિયા’નો પ્રીમિયર શો 1781ના જાન્યુઆરીની ઓગણત્રીસમીએ થયો. એ સાંભળવા લિયોપોલ્ડ અને નૅનર્લ પણ ગયેલાં. એને મળેલી આરંભિક સફળતા ઝાઝી ટકી નહિ. મોત્સાર્ટના અવસાન પછી 1854માં ડ્રેસ્ડનમાં એ ફરી ભજવાયો ત્યારે પણ એને લોકપ્રિયતા મળી નહિ. કેટલાકનું માનવું છે કે સળંગ ગંભીર-કરુણ ઑપેરામાં મોત્સાર્ટ સદંતર નિષ્ફળ ગયો છે. એનું મહાન સંગીત ટ્રેજેડી અને કૉમેડીના મિશ્રણથી સર્જાતી જીવનની બલિહારીને સ્ફુટ કરવામાં મદદરૂપ થયું છે.

1781 ના જાન્યુઆરીમાં સામ્રાજ્ઞી મારિયા થેરેસાનું અવસાન થતાં આર્ચબિશપને વિયેના જવું પડ્યું અને પછી ત્યાં જ લાંબું રોકાણ કરવાના સંજોગો પેદા થતાં એણે પોતાના ઑર્કેસ્ટ્રાને પણ ત્યાં જ બોલાવી લીધો. એટલે મોત્સાર્ટ પણ સહકાર્યકરો સાથે સાલ્ઝબર્ગ છોડી વિયેના ગયો. અહીં માલિક આર્ચબિશપ સાથે એ સંઘર્ષમાં મુકાતો ગયો. જૂના જીવનકથાકારોએ આ આર્ચબિશપને એક દુષ્ટ અને નપાવટ રાક્ષસ ચીતરવામાં કોઈ કસર છોડી નથી. એ વાત ખરી છે કે આર્ચબિશપની સંગીતવિષયક રૂચિ પૂરેપૂરી ઇટાલિયન હતી, છતાં એ હકીકતને સમર્થન આપતા પૂરતા પુરાવા પણ છે કે એણે મોત્સાર્ટની એક કંપોઝર તરીકે પૂરી કદર કરેલી.

દરબારી દૃષ્ટિકોણથી તો લિયોપોલ્ડ અને મોત્સાર્ટ બને તદ્દન નાલાયક નોકરો હતા કારણ કે એ બંનેની નજર દરબારની બહારની તક ઝડપી લેવા પર જ હંમેશાં ચોંટી રહેતી. સંગીત વડે દરબારનું મનોરંજન કરવાની એમને ઝાઝી દરકાર નહોતી. ગમે ત્યારે લાંબી રજા મૂકી ગાયબ થઈ જવામાં એ બંને પાવરધા થઈ ગયેલા. લિયોપોલ્ડને રજા મળતી બંધ થઈ ગઈ એ પછી એ યાત્રા પર ગયેલા પુત્ર સાથે પત્રવ્યવહારથી સંપર્કમાં રહેતો. મોત્સાર્ટ અને લિયોપોલ્ડના પત્રો રમૂજી છે, એમાં ગંદી બીભત્સ ગાળોનો હાસ્યપ્રેરક ઉપયોગ થયેલો પણ જોવા મળે છે. એ પત્રવ્યવહારમાં આર્ચબિશપ અને એના દરબારીઓ અંગેની કુથલીઓને એ બંને એવી પ્રતિકાત્મક મિતાક્ષરી ભાષામાં મૂકતા કે રખે ને કાગળ કોઈ ત્રાહિતના હાથમાં આવે તો એ તો કાંઈ સમજી શકે જ નહિ! દાખલા તરીકે આર્ચબિશપનું ગુપ્ત  સાંકેતિક નામ એ બંનેએ ‘મુફ્‌તી’ પાડેલું ! આટલી તકેદારી લેવામાં આવે નહિ તો ઉલ્કાપાત મચી જાય એમ હતું; કારણ કે બાપ અને દીકરો બંને આર્ચબિશપ અને એના દરબારીઓ માટે અત્યંત હીન અને નીચ અભિપ્રાય ધરાવતા. જોકે આર્ચબિશપ અને દરબારીઓ તો પોતાના અંગેના એ અભિપ્રાયને પણ જાણી ગયેલા અને વધારામાં એ પણ સમજી ગયેલા કે વધુ સારી નોકરીની શોધમાં વારે ઘડીએ યુરોપ ખૂંદી વળતા બાપદીકરા માટે સાલ્ઝબર્ગની નોકરીઓ માત્ર કામચલાઉ વ્યવસ્થા પૂરતી જ મહત્ત્વની હતી !

આર્ચબિશપની લાત

‘ઈડોમેનિયો’ ઑપેરા મ્યુનિખમાં પણ ભજવાયો એટલે મોત્સાર્ટ રજા લઈને મ્યુનિખ ગયેલો. જુવાનીમાં પ્રવેશી રહેલા મોત્સાર્ટના રંગીન જીવનનાં બયાનો આર્ચબિશપને કાને પડ્યાં. વળી મ્યુનિખ અને વિયેનામાં મોત્સાર્ટને મળી રહેલી નામનાથી આર્ચબિશપના મનમાં ઈર્ષા જન્મી. એણે મોત્સાર્ટને બહારનું ફ્રી લાન્સ કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો. એણે મોત્સાર્ટને કડક સૂચના આપી કે નોકરી કરવી હોય તો એ નખરાં છોડી દેવા પડશે. આ સૂચના મોત્સાર્ટને અસહ્ય અપમાન સમી લાગી. તરત જ મોત્સાર્ટ વિયેના પાછો આવ્યો અને આર્ચબિશપના ઘરમાં રહેવું શરૂ કર્યું. ત્યાં આર્ચબિશપની સાથે એનો એક સેક્રેટરી, એક ઑફિસર, એક કૉમ્પ્ટ્રોલર, બાર નોકર, એક સંદેશવાહક, થોડા રસોઈયા અને થોડા સંગીતકારો રહેતા હતા. આ નોકરિયાત સંગીતકારો પણ અન્ય નોકરિયાતો સાથે સામાન્ય નોકરી માટેના ટેબલ પર સાથે જમતા. એટલે મોત્સાર્ટે પણ ત્યાં જ જમવું પડતું. પણ સામાન્ય નોકરો સાથે બેસીને જમતાં મોત્સાર્ટનો અહમ્ ઘવાયો. એને તો મોટા મહેલોમાં સમ્રાટો, સામ્રાજ્ઞીઓ, રાજકુંવરો અને શ્રીમંતો સાથે બેસીને જમવાની આદત હતી ! બીજા નોકરો અને સંગીતકારો સાથે હસીમજાકમાં ભાગ લેવાની વાત તો દૂર રહી, એણે તો બીજા સાથે ‘કેમ છો ? સારું છે ?’ એવા ઔપચારિક વાર્તાલાપ કરવાની દરકાર પણ કરેલી નહિ. એને કાંઈ પૂછવામાં આવે ત્યારે માત્ર જરૂર પૂરતો મિતાક્ષરી જવાબ પણ એ મહાપરાણે આપતો. જમવાનું પતે કે તરત જ એ ટેબલ પરથી દફા થઈને પોતાના રૂમમાં પુરાઈ જતો. વિયેનાના શ્રીમંતોને ઘેર સંગીતના જલસા કરી તગડી કમાણી કરવાની ઘણી તક હતી, પણ આર્ચબિશપે મ્યુનિખમાં પોતાને આપેલી પેલી કડક ચેતવણી પછી એ બીજું કોઈ ફ્રી લાન્સ કામ કરી શકે એમ નહોતો. ગુસ્સાથી ધૂંધવાયેલા મોત્સાર્ટે આર્ચબિશપને પોતાની વર્તણૂક વડે એ સ્પષ્ટ કરી દીધું કે પોતે નાછૂટકે જ એની નોકરી કરે છે અને એના પ્રત્યે પોતાને તીવ્ર અણગમો પણ છે. પોતાની વર્તણૂક બદલ મોત્સાર્ટે ગુમાન અનુભવ્યું.

એપ્રિલમાં આર્ચબિશપે સંગીતકારોને કહ્યું કે તેમણે સાલ્ઝબર્ગ પાછા જવું અને પાછા જવાનો પ્રવાસખર્ચ આપવામાં આવશે; પણ જેમને પાછા જવું ના હોય એ પોતાની મરજીથી અને પોતાને ખર્ચે વિયેનામાં નવી સૂચના મળે ત્યાં સુધી રોકાઈ શકે છે. પોતાના સાથી સંગીતકાર બ્રુનેતીની માફક મોત્સાર્ટે પણ વિયેનામાં રહીને ફ્રી લાન્સ ધોરણે તગડી કમાણી કરવાની તક ઝડપી લીધી. મહિના પછી નવમી મેના રોજ આર્ચબિશપે મોત્સાર્ટને બોલાવીને એક અગત્યનું સંપેતરું સાલ્સબર્ગ લઈ જવા કહ્યું. એ બે વચ્ચે આ સંવાદ થયો :

આર્ચબિશપ : હવે આ માણસ મારું સંપેતરું લઈને સાલ્ઝબર્ગ જવા માટે ક્યારે રવાના થાય છે ?

મોત્સાર્ટ : આ તાકીદનું છે ?

આર્ચબિશપ : હા.

મોત્સાર્ટ : દિલગીર છું. અત્યારે સાલ્ઝબર્ગ જઈને સંપેતરું પહોંચાડવાની સેવા આપી નહિ શકું. મારાં કેટલાંક ખાસ રોકાણોને લઈને હજી બે દિવસ સુધી હું વિયેના છોડી શકું એમ નથી.

આર્ચબિશપ : (પ્રખર ક્રોધમાં) સાલો રખડેલ, ઠગ, નાલાયક ધુતારો ! આજે જો તું આ સંપેતરું લઈ સાલ્ઝબર્ગ નથી ગયો તો તને નોકરીમાંથી પાણીચું આપીશ.

મોત્સાર્ટ : તમને મારાથી સંતોષ હોય એમ લાગતું નથી !

આર્ચબિશપ : સામો જવાબ આપે છે ! આ રહ્યો દરવાજો, અત્યારે જ ચાલતી પકડ ! તારું ડાચું કદી મને બતાવીશ નહિ ! તને જે પગાર મળે છે એને માટે તું તદ્દન નાલાયક છે. ચાલ, નીકળ અહીંથી !

થોડા દિવસો સુધી મોત્સાર્ટે વિયેનામાં અહીંતહીં ભટક્યા કર્યું. એટલામાં આર્ચબિશપનો ગુસ્સો શાંત થઈ જતાં એ ભલો આત્મા તો ગઈ ગુજરી ભૂલી જઈને સમાધાનના મૂડમાં આવી ગયેલો. હજી સુધી એણે મોત્સાર્ટની વિધિવત્ છટણી કરેલી નહિ. પણ અકડુ મોત્સાર્ટને તો નોકરી કરવી પાલવે એમ જ નહોતું. એ ધીરે ધીરે વિયેનામાં પોપ્યુલર બની રહેલો. એને શ્રીમંત વિદ્યાર્થીઓ પણ મળ્યા. વિયેનામાં ફ્રી લાન્સ ધોરણે ઉજ્જવળ કારકિર્દીની તક દેખાઈ. એક ઊગતા યુવાનને પોતાની શક્તિઓ પર વિશ્વાસ પાકો થવા માંડ્યો. પણ એ હજી એટલો અણઘડ હતો કે માલિકથી સલૂકાઈપૂર્વક છૂટા પડતાં એને આવડ્યું નહિ. નોકરીને લાત મારવાના અવિચારી પગલા પર ફરીથી વિચાર કરવા માટે બિચારો લિયોપોલ્ડ પત્રો લખીને આજીજી કરતો રહ્યો. પણ મોત્સાર્ટ પોતાની શક્તિ પર મુસ્તાક હતો. એણે તો એવી આત્મશ્રદ્ધા કેળવેલી કે પોતાને કરેલી સજાના ભાગ રૂપે આર્ચબિશપ પિતાને પણ નોકરીમાંથી પાણીચું આપે તોપણ એને ચિંતાનું કારણ નહોતું – પોતે કુટુંબનો ભાર ઉપાડી લઈ શકશે.

આર્ચબિશપના ઘરમાં પાછા પ્રવેશી મોત્સાર્ટે પોતાનો સામાન બાંધ્યો અને રાજીનામાનો પત્ર તૈયાર કર્યો. આર્ચબિશપનો સેક્રેટરી કાઉન્ટ આર્કો પણ સમાધાન કરાવી આપવા માટે ખૂબ ઉત્સુક હતો. એક સજ્જનને છાજે તેવી વર્તણૂક કરવી જોઈએ તે વિષય પર કાઉન્ટ આર્કોએ ઉપદેશ આપવો શરૂ કર્યો. વિયેનામાં સંગીતના ક્ષેત્રમાં ફ્રી લાન્સ કારકિર્દી કેટલી જોખમકારક રીતે અનિશ્ચિત છે તે અંગે તેણે ભાષણ આપવું શરૂ કર્યું. પણ એણે વાત શરૂ કરી ત્યાં જ મોત્સાર્ટે એનું પણ અપમાન કર્યું. પરિણામે ગુસ્સાથી સળગી ઊઠેલા સેક્રેટરીએ પગ વડે મોત્સાર્ટને લાત મારીને ઘરમાંથી બહાર ફેંકી દીધો અને પછી એનો સામાન પણ ફેંકી દીધો. મોત્સાર્ટનો અહમ્ ઑર ઘવાયો. પોતે વ્યાજ સાથે એ લાત પાછી વાળશે એમ ક્યાંય સુધી એ બબડતો રહ્યો. આ સમાચાર લિયોપોલ્ડને મળતાં તેણે મોત્સાર્ટને કડક ભાષામાં ઠપકો આપતો પત્ર લખ્યો અને આર્ચબિશપની માફી માંગી લઈ નોકરી પાછી મેળવવા આજીજી કરવા માટે આદેશ આપ્યો. મોત્સાર્ટ આ આદેશને ઘોળીને પી ગયો.

મોત્સાર્ટે લિયોપોલ્ડને કાગળ લખ્યો :

વિયેનામાં મને ચોમેર સન્માનની નજરે જોવામાં આવે છે. મારી પાસે સારા સંપર્કો છે. મુફ્‌તીને જો મારો ખપ નથી તો શા માટે મારે મુફ્‌તીના 400 ગલ્ડન માટે સડવું જોઈએ ? પૂરતા પ્રોત્સાહન કે પૈસા વિના શા માટે મારે સાલ્ઝબર્ગમાં બેસી રહેવું ? આખરે મને શું મળશે તેની તમને ખબર છે ? ખરાબમાં ખરાબ અપમાનો મારે ઠંડા કલેજે ગળી જતાં શીખવું પડશે. તમે થોડી ધીરજ રાખો તો વિયેના જવાથી આપણને શા ફાયદા થશે તે હું તમને સમજાવી શકીશ. હવે ચિંતા ખંખેરી નાંખો. આપણા સુખની આ જ તો શરૂઆત છે ! મારું સુખ એ જ તમારું સુખ પણ છે એમ હું માનું છું. સાલ્ઝબર્ગમાં હું કોઈ પણ હિસાબે રહેવા માંગતો નથી. (મે, 1781)

એવામાં મોત્સાર્ટે ‘ઝૈદે’ નામનો ઑપેરા લખવો શરૂ કરેલો, પણ તે અધૂરો જ રહ્યો.

કૉન્સ્ટાન્ઝે વેબર

1779ના ઑક્ટોબરમાં ફ્રિડોલીન વેબર અવસાન પામ્યો પછી એનું કુટુંબ મ્યુનિખ છોડી વિયેના આવી વસેલું. આલોઈસિયા વેબર તો વિયેનામાં પ્રસિદ્ધ સોપ્રાનો ઑપેરાસ્ટાર પ્રિમ ડોના બની ગયેલી તથા 1780માં અદાકાર જૉસેફ લેન્જને પરણી ગયેલી. લેન્જે 1789માં મોત્સાર્ટનો સુંદર પોર્ટ્રેટ ચીતરેલો. (એ પોર્ટ્રેટ આજે વિશ્વવિખ્યાત બની ચૂક્યો છે.) ફ્રિડોલીનની પત્ની ફ્રોઉ વેબરે પોતાના વિયેનાના મોટા મકાનમાંથી થોડા ઓરડા ભાડે આપેલા. ભાડાની એ આવક ગુજરાન ચલાવવા માટે જરૂરી હતી. આર્ચબિશપની નોકરી છોડ્યા પછી મોત્સાર્ટને પણ પોતાને રહેવા રૂમની જરૂર હતી. 1781ના મેની બીજીથી એ વરસના સપ્ટેમ્બર સુધી મોત્સાર્ટ ફ્રોઉ વેબરના ઘરમાં એક રૂમ ભાડે રાખીને રહ્યો. અને આલોઈસિયાની મોટી બહેન કૉન્સ્ટાન્ઝેના પ્રેમમાં પડ્યો. આ હકીકતની કૂથલીઓ મારફતે જાણ થતાં જ લિયોપોલ્ડે અકળાઈને સાલ્સબર્ગથી પત્ર લખીને બીજે ક્યાંય રહેવાની સગવડ શોધી લેવાનો પુત્રને આદેશ આપ્યો. વેબર પરિવાર માટે લિયોપોલ્ડે કદી પણ સારો અભિપ્રાય બાંધેલો નહિ. પણ અહીં તો ફ્રોઉ વેબરની પહેલી પુત્રી અને આલોઈસિયાની મોટી બહેન કૉન્સ્ટાન્ઝેના પ્રેમમાં મોત્સાર્ટ પડેલો ! ફ્રૉઉ વેબરને મોત્સાર્ટ જમાઈ તરીકે પસંદ હતો, પણ, વેબર પરિવારની પુત્રી લિયોપોલ્ડને પસંદ નહોતી ! આજ્ઞાપાલક દીકરાએ પિતાનો હુકમ માથે ચડાવીને વેબર પરિવારનું ઘર ભાડવાત તરીકે ભલે છોડ્યું પણ જમાઈ તરીકે નહિ, કારણ કે કૉન્સ્ટાન્ઝે તો એના દિલમાંથી ખસતી જ નહોતી.

લિયોપોલ્ડ પાસે પોતાનાં કારણો હતાં : મોત્સાર્ટ હજી ઘડાયો નથી, એ નાદાન અને નાસમજ છે, દુનિયાદારીનો પૂરતો અનુભવ એને નથી. બાળપણથી જ સંગીત કારકિર્દીમાં એટલો રચ્યોપચ્યો રહ્યો કે એને બીજા છોકરાઓની જેમ છોકરીઓના સહવાસનો અનુભવ નથી, કોઈ છોકરી સાથે લફરું તો કર્યું જ નથી.

આખરે 1781ના ડિસેમ્બરમાં મોત્સાર્ટે પિતાને કાગળ લખીને પેટછૂટી વાત કરી જ દીધી :

હું પ્રેમમાં પડ્યો છું અને પરણવા માંગું છું. લગ્ન વિના આદમીનું જીવન અધૂરું જ છે. હું બહુ પહેલાં આ અંગે મારું હૃદય તમારી આગળ ખોલી શક્યો હોત પણ કસમયે હું ઉતાવળો થાઉં છું એમ કહી તમે મને દબડાવશો એ ડરથી તમને આ વાત કરી શક્યો નહિ. જોકે અત્યારે તો હું કસમયે ઉતાવળો નથી જ થયો. અત્યારે હું એક નિયમિત અને સ્થિર આવક મેળવવા મથી રહ્યો છું. જેના વડે ઘણી સારી રીતે શાંતિપૂર્વક જીવનનિર્વાહ ચલાવી શકાય; અને પછી પરણી શકાય ! તમે ગુસ્સે નથી થયા ને, પપ્પા ? પણ આગળ વાંચો. દરેક માણસમાં કુદરત તો તેનું કામ કરે જ છે. મારામાં પણ તે તેનું કામ કરે છે, કદાચ વધુ જોરદાર રીતે. મોટા ભાગના જુવાનો આજે જીવે છે તેવી રીતે જીવવું મારે માટે અશક્ય છે. એક તો હું ખૂબ જ ધાર્મિક છું અને બીજું કે કોઈ નિર્દોષ છોકરીને તરછોડવી મારે માટે શક્ય નથી, કારણ કે હું સહાનુકંપા ધરાવું છું. મને એનો એટલો બધો વિચાર છે કે હું તેને રઝળતી મૂકી શકું નહિ. રંડીઓની સોબતે તો હું કદી ચડ્યો જ નથી કારણ કે તેમને જોતાં જ મને ત્રાસ, અરેરાટી અને ભયની લાગણી થાય છે, તથા મારી તબિયતને ધ્યાનમાં લઈને રોગના વિચારથી ગભરાટ થાય છે. હું સાચું કહું છું કે હું તેમની સંગતમાં કદી ગયો જ નથી. હું જાણું છું કે આ કારણ ઘણું મજબૂત હોવા છતાં પૂરતું નથી. શાંતિપૂર્વક ગૃહસ્થ જીવન જીવવા ટેવાયેલા મારા સ્વભાવ માટે લગ્નની જરૂર છે જ. ધમાલિયું જીવન મને પસંદ નથી. બાળપણથી જ મને મારી વસ્તુઓ, કપડાં ઠેકાણે રાખવાની આદત નથી. તેથી મારે એક પત્નીની જરૂર છે. હું તમને ખાતરી આપું છું કે હું અત્યારે જેટલો ખર્ચ કરું છું તેનાથી ઓછા ખર્ચમાં અમારા
બંનેનો ગુજારો થશે. અત્યારે એકલો છું એટલે વગર વિચાર્યે જે બિનજરૂરી ખર્ચા કરું છું તે લગ્ન પછી સદંતર બંધ થઈ જશે. જોજો, ચોંકી ના ઊઠતા, પણ એ વેબર કુટુંબની જ દીકરી છે. એ આલોઈસિયા નથી, એ તો જુઠ્ઠી છે. એ જૉસેફા પણ નથી, એ આળસુ છે. મને ગમી છે કૉન્સ્ટાન્ઝે. એ હોશિયાર, ચબરાક, ઉદાર ને દયાળુ છે. એને ઠઠારા નહિ, પણ સાદગી પસંદ છે. કરકસરથી ઘર ચલાવતાં એને આવડે છે. એની મમ્મી એની બહેનોને નવાં કપડાં અપાવે છે, પૈસા વાપરવા આપે છે પણ કૉન્સ્ટાન્ઝેને નહિ. કૉન્સ્ટાન્ઝે સાથે હું ખરેખર પ્રેમમાં છું. એની સાથેનો મારો સંબંધ માત્ર હસીમજાક નથી. જે બધી છોકરીઓ સાથે મેં હસીમજાક કરી છે એ બધી જોડે મારે જો પરણવું પડે તો તો મને સહેલાઈથી બસો પત્નીઓ મળી જાય ! કૉન્સ્ટાન્ઝેના વાલી જોહાન થોવાર્ટે એક દસ્તાવેજ તૈયાર કર્યો હતો. લગ્નના કોલ આપી દીધા પછી હવે જો હું લગ્નના વચનમાંથી ફરી જાઉં તો મારે અમુક રકમ કૉન્સ્ટાન્ઝેને વળતર રૂપે ચૂકવવી પડશે એવું લખાણ તેમાં હતું. મેં તેની ઉપર મારી સહી કરી. આ દસ્તાવેજની જાણ જ્યારે કૉન્સ્ટાન્ઝને થઈ ત્યારે ક્રોધાવેશમાં તેણે તે ફાડી નાંખ્યો. કૉન્સ્ટાન્ઝે એક સારી છોકરી છે. એ કદરૂપી નથી, પણ તો રૂપાળી પણ નથી. એની બે ઘેરી આંખો અને એના શરીરની આકૃતિમાં એનું સૌંદર્ય સમાયેલું છે. એ એક પત્ની અને એક માતાની જવાબદારી ખૂબ જ સારી રીતે અદા કરશે. હવે તમે બોલો, મને આથી વધુ સારી પત્ની કેવી રીતે મળી શકે ?
તમારા આ આજ્ઞાંકિત પુત્રના તમારા બંને હાથને હજારો ચુંબન.

આ કાગળ વાંચીને લિયોપોલ્ડ તો ડઘાઈ ગયો અને નૅનર્લ પણ રાજી નહોતી. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. વેબર પરિવાર કેટલો નપાવટ અને હીન છે એ સમજાવતા સંખ્યાબંધ પત્રો લિયોપોલ્ડે દીકરાને લખ્યા. (પણ એ પત્રોમાંથી 1781ના જાન્યુઆરીની બાવીસમી પછીનો એક પણ પત્ર બચ્યો નથી. લગ્ન પછી કૉન્સ્ટન્ઝાએ પોતાના પિયરને વગોવતા એ બધા જ પત્રો ફાડી નાખેલા.)

લગ્ન

વિયેનાના સેંટ સ્ટીફન કથીડ્રલમાં બંને પરણ્યાં. મોત્સાર્ટ સત્તાવીસનો હતો અને કૉન્સ્ટાન્ઝે ઓગણીસની હતી. આગલે જ દિવસે મોત્સાર્ટૅ સિમ્ફની નં. 35 (હાફનર, k 385) લખવી પૂરી કરેલી. લગ્ન પછી ત્રણ પિયાનો કન્ચર્ટો નં. 11, નં. 12 અને નં. 13 (k 413, k 414 અને k 415) તથા સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ (k 384) લખ્યાં. લગ્નને બીજે દિવસે સાલ્ઝબર્ગથી લિયોપોલ્ડે આશીર્વાદ અને નૅનર્લે અભિનંદન મોકલી આપ્યાં. પોતાના લગ્ન પછી મોત્સાર્ટનો નૅનર્લ સાથેનો પત્રવ્યવહાર સાવ અટકી ગયો. તો નવા સંબંધો પણ સ્થાપી શકાયા. કૉન્સ્ટાન્ઝાની બહેન જૉસેફા અને બનેવી હોફર બંને મોત્સાર્ટના અંતરંગ મિત્રો બન્યાં; તથા આલોઈસા અને બનેવી જૉસેફ લેન્જ પણ મોત્સાર્ટના મિત્રો બન્યાં. જૉસેફા અને હોફર તો મોત્સાર્ટના મૃત્યુ સુધી તેના દિલોજાન શુભેચ્છકો બની રહ્યાં.

કૉન્સ્ટાન્ઝે 1763ના જાન્યુઆરીની છઠ્ઠીએ જન્મેલી. પતિના મૃત્યુ પશ્ચાત્ એ અડધી સદીથી પણ વધુ સમય સુધી જીવેલી. છેક 1842ના માર્ચની છઠ્ઠીએ તે અવસાન પામી. મોટા ભાગના ઇતિહાસકારોએ એની પણ ખાસ્સી એવી ઉપેક્ષા કરી છે. પણ સાચી વાત એ છે કે એ એક પ્રેમાળ પત્ની અને એક સીધીસાદી ગૃહિણી હતી. એનામાં સંગીતની સૂઝ ઝાઝી નહોતી. પણ પતિપત્ની બંને પરસ્પર ગાઢ પ્રેમમાં હતાં એ બાબતમાં કોઈ જ શંકાને સ્થાન નથી. ઢગલાબંધ કૃતિઓ મોત્સાર્ટે એને અર્પણ કરી છે પણ એ બધી જ અધૂરી રહી છે ! રોમૅન્ટિક લેખકોએ કૉન્સ્ટાન્ઝેને બેફિકર અને ઉડાઉ ચીતરી છે. પણ ખરું જોતાં મોત્સાર્ટના સંગીતના ગૌરવની સ્થાપના માટે એ થાક્યા વગર પ્રયત્નો કરતી. એ નાણાકીય બાબતો પણ સારી રીતે પાર પાડતી. ઉપરાંત, અતિરેકમાં સરી પડવામાંથી મોત્સાર્ટને ઉગારી લેતી તથા તેને ગેરવાજબી નિર્ણયો લેતો અટકાવતી. મોત્સાર્ટનાં બે બાળકોની એ ઉમદા માતા પણ બની. લગ્ન પછી મોત્સાર્ટ પિતાને માત્ર બે જ વાર મળ્યો. લગ્ન પછી મોત્સાર્ટે પાંજરામાં સ્ટર્લિન્ગ પંખી પાળ્યું.

વિયેનામાં કારકિર્દી

જીવનનાં અંતિમ નવ વરસોમાં વિયેના જ મોત્સાર્ટનું ઘર બની રહ્યું. પણ એ નવ વરસોમાં એણે બાર વાર ઘર બદલ્યું ! ફ્રી લાન્સ કારકિર્દી સહેલી નહોતી. અહીંનો દરબારી ઈટાલિયન સંગીતકાર એન્તોનિયો સાલિયેરી (1750-1825) મોત્સાર્ટના વિકાસમાં એક પછી એક અડચણો ઊભી કરતો ગયો, એ મહાકાવતરાબાજ ચાલાક ગઠિયો હતો. મોત્સાર્ટે કહેલું : “હું વિયેનાનો શ્રેષ્ઠ કંપોઝર છું.” સાલિયેરીએ ફટકો મારેલો : “થોડી નમ્રતા તને વધુ શોભશે !” પ્રસિદ્ધ પિયાનિસ્ટ ક્લૅમેન્તી સાથે પિયાનોવાદનની હરીફાઈમાં મોત્સાર્ટ ઊતર્યો. મોત્સાર્ટ વિજયી બન્યો.

સેરાલિયો

ગૉટ્લીબ સ્ટેફોનેએ તૈયાર કરેલા સંવાદો ઉપર મોત્સાર્ટે જર્મન ઑપેરા લખ્યો ‘સેરાલિયો’. 1782ના જુલાઈની સોળમીએ એનો પ્રીમિયર શો થયો. એને મોત્સાર્ટનો પ્રથમ સફળ ઑપેરા ગણવામાં આવે છે, કારણ કે મહિનાઓ સુધી એ સતત ભજવાતો રહ્યો. છતાં સમ્રાટ જૉસેફ બીજો પ્રસન્ન નહોતો. એણે મોત્સાર્ટને કહ્યું, “પ્રિય મોત્સાર્ટ, સ્વરો વધુ પડતા છે !”

કૉપીરાઈટ ક્ષેત્રે એ જમાનામાં સુવર્ણયુગ ચાલી રહેલો કારણ કે કૉપીરાઈટ્સ કે રૉયલ્ટીના હક્ક હજી સુધી અસ્તિત્વમાં આવેલા જ નહિ ! આ ઑપેરાની કથા સ્ટેફાનેએ ક્રિસ્ટૉફ ફ્રિડરિખ બેટ્ઝનર નામના લેખકના ‘બૅલ્મોન્ટ ઍન્ડ કૉન્સ્ટાન્ઝે – ઑર ધ સેરાલિયો સિડક્શન’ નામના નાટકમાંથી ચોરેલી ! વળી બૅટ્ઝનરે એ કથા કોઈ અગાઉના લેખકમાંથી તફડાવેલી ! પણ બેટ્ઝનર તો ગિન્નાયો. લિપ્ઝિકનગરના એક છાપામાં એણે 1782માં એક નોટિસ છપાવી :

વિયેનામાં રહેતા મોત્સાર્ટ નામના એક માણસે એના ઑપેરા માટે મારા નાટક ‘બલ્મોન્ટ ઍન્ડ કૉન્સ્ટાન્ઝે’ના કથાસંવાદોનો ગેરઉપયોગ કર્યો છે. અહીં હું એનો કાયદેસર વિરોધ કરું છું.

પણ મોત્સાર્ટનો એ ઑપેરા તો 1783 સુધી વિયેનામાં ધૂમ મચાવતો રહ્યો. યુરોપનાં બીજાં નગરોમાં પણ એ લોકપ્રિય બન્યો. પ્રાહામાં તો એ સાંભળવા લોકો ઘેલા બનતા. (પ્રાહા નગર મોત્સાર્ટની કદર કરવામાં પહેલેથી જ મોખરે રહ્યું છે.) એનાથી મોત્સાર્ટ થોડાં નાણાં પણ ઊભાં કરી શક્યો. સંગીતકાર ગ્લકે પ્રસન્ન થઈને આ ઑપેરાનાં વખાણ કર્યાં.

‘સેરાલિયો’નો સ્કોર પબ્લિશ કરવા માટે લિયોપોલ્ડ મોત્સાર્ટને સતત સમજાવતો રહ્યો. પણ ધંધાદારી બાબતોમાં મોત્સાર્ટના હંમેશના લાસરિયા ખાતાને કારણે સફળતાની એક તક હાથતાળી આપીને ચાલી ગઈ. 1985માં ઑગ્સ્બર્ગનો એક પ્રકાશક એની અનધિકૃત આવૃત્તિ છાપીને ધૂમ કમાયો. કૉપીરાઈટના સર્વ હક્ક સર્વને સ્વાધીન હોવાથી મોત્સાર્ટ લાચાર બનીને જોઈ રહેવા સિવાય બીજું કશું કરી શકે એમ નહોતો ! પણ એ વખતે આ પ્રકારની તફડંચીઓ સર્વવ્યાપક હતી. સામાન્ય ચાલ એવો હતો કે પ્રીમિયર શો માટે લેખકને અને કંપોઝરને સામટી થોડી રકમ મળી જતી. એ પછી ફરી જે થિયેટર એ નાટક કે ઑપેરાને સૌ પહેલાં ભજવે એ થિયેટરની માલિકીનું એ નાટક કે ઑપેરા ગણાતાં. જર્મન સામયિક ‘ડ્રામાટિકે ફ્રૅગ્મેન્ટે’માં ફ્રીડરિક શિન્કે 1782માં ‘સેરાલિયો’નો રિવ્યૂ કર્યો. સંગીત વડે શ્રોતાઓની લાગણીઓનું ઉદ્દીપન કરવા બદલ તેણે મોત્સાર્ટનાં અઢળક વખાણ કરેલાં. માત્ર સારું ગાઈ–વગાડી જાણનાર સંગીતકાર તરીકે નહિ, પણ એક સર્જનાત્મક કંપોઝર તરીકે મોત્સાર્ટને આપવામાં આવેલી આ પ્રથમ અંજલિ છે. પણ બદનસીબે મોત્સાર્ટના જીવનકાળ દરમિયાન મોત્સાર્ટને આપવામાં આવેલી આ છેલ્લી અને એકમાત્ર અંજલિ બની રહે છે. શિન્ક માટે આ ઉપરાંત વધુ માન એટલા માટે ઊપજે કે એણે ‘ફિગારો’, ‘ડૉન જિયોવાની’, ‘કોસી ફાન તુત્તી’ અને ‘ઝુબેરફ્‌લોટ’ જેવા મોત્સાર્ટના હવે પછી લખાનારા ઑપેરા જોયા વગર ‘સેરાલિયો’ની ખરેખર કદર કરી.

હાયડનની હૂંફ

હાયડન અને મોત્સાર્ટની પહેલી મુલાકાત 1781માં થઈ. મોત્સાર્ટને જીવનના છેલ્લા દસકામાં પોતાનાથી ચોવીસ વરસ મોટા અને નિઃસંતાન હાયડન પાસેથી પિતા સમાન સ્નેહ, વહાલ અને હૂંફ સાંપડ્યાં. જેવા મળ્યા એવા જ એ બંને પરસ્પર નજીક આવી ગયા. આર્ચબિશપની નોકરી છોડી ફ્રી લાન્સ ધોરણે પગભર થઈ રહેલા અને કૉન્સ્ટાન્ઝેના મામલે બાપ જોડે બાખડી પડેલા મોત્સાર્ટને હાયડનનો ટેકો મળેલો. એ નિયમિતપણે મોત્સાર્ટને ઘેર મળવા આવતો અને એની કૃતિઓમાં રસ લેતો. મોત્સાર્ટે છ સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ્સ લખી હાયડનને અર્પણ કર્યા; જે ‘વિયેના ક્વાર્ટેટ્સ’ નામે જણીતાં< બન્યાં. મોત્સાર્ટથી ચોવીસ વરસ મોટો હાયડન મોત્સાર્ટના મૃત્યુ પછી અઢાર વરસ જીવ્યો. મોત્સાર્ટના મૃત્યુ પછી મોત્સાર્ટના સંગીતના જલસા કરી એણે કૉન્સ્ટાન્ઝેને માટે રૉયલ્ટીની આવક ઊભી કરી તથા કૉન્સ્ટાન્ઝે અને મોત્સાર્ટનાં બે બાળકોને એણે સંગીતશિક્ષણ આપ્યું.

પ્રથમ પુત્રનો જન્મ અને પિતા સાથે સમાધાન

1783ની સત્તરમી જૂને કૉન્સ્ટાન્ઝે અને મોત્સાર્ટના પ્રથમ પુત્ર રેઇમુન્ડ લિયોપોલ્ડનો જન્મ થયો. પોતાના પિતાની યાદમાં મોત્સાર્ટે પિતાનું જ નામ આ પુત્રને આપેલું. અને આ પુત્રનો ગૉડફાધર પણ મોત્સાર્ટ પોતાના પિતાને બનાવવા માંગતો હતો. એ રીતે તે પિતા સાથે સમાધાન કરી લેવા માંગતો હતો. પણ પુત્રજન્મની ખુશાલીમાં ભાગીદાર બનવા માગતા મોત્સાર્ટના મિત્ર બૅરોન ફૉન વૅટ્ઝ્લરે ગૉડફાધર બનવાની તાલાવેલી દર્શાવેલી. મોત્સાર્ટ તેને ના પાડી શક્યો નહિ. આ બાજુ સમાધાન કરવા માટે વ્યાકુળ બનેલા લિયોપોલ્ડે મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝેને સાલ્ઝબર્ગ આમંત્ર્યાં. નવજાત પુત્રને વિયેનામાં ધાવ પાસે મૂકીને મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝે સાલ્ઝબર્ગ પહોંચ્યાં. અહીં લિયોપોલ્ડને ત્યાં રોજેરોજ સંગીતના જલસા યોજાતા. લિયોપોલ્ડ તરુણોને વાયોલિન વગાડતાં શીખવતો. મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝેનો સમય અહીં આનંદમાં વ્યતીત થયો. સાલ્ઝબર્ગમાં જ મોત્સાર્ટનો C માઈનોર માસ (k 427) પહેલી વાર ગાવામાં આવ્યો. કૉન્સ્ટાન્ઝેને અર્પણ થયેલા આ માસમાં ખુદ કૉન્સ્ટાન્ઝેએ એક સોપ્રાનો સોલોઈસ્ટ તરીકે ગાયું. મોત્સાર્ટની કોઈ કૃતિમાં કૉન્સ્ટાન્ઝેએ ગાયું હોય તેવો આ પહેલો અને છેલ્લો કિસ્સો છે. સારી વર્તણૂક ઉપરાંત પોતાની ગાયકી વડે કૉન્સ્ટાન્ઝેએ લિયોપોલ્ડનું દિલ જીતી લીધું.

સાલ્ઝબર્ગથી મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝે લિન્ઝ ગયાં. લિન્ઝમાં ધનાઢ્ય થુન-હોહેન્સ્ટીન પરિવારના કાઉન્ટ જોહાન જૉસેફ એન્ટોને નગરના દ્વારે જ આ યુગલનું સ્વાગત કર્યું અને આગ્રહપૂર્વક પોતાની હવેલીમાં લઈ જઈ ઉતારો આપ્યો. મોત્સાર્ટ ખૂબ ખુશમિજાજ હતો. એણે ખૂબ ઉતાવળે ‘લિન્ઝ’ સિમ્ફની લખી. એકવીસ વરસ પહેલાં લિયોપોલ્ડ પોતાનાં બે નાનાં બાળકોને લઈને યુરોપયાત્રાએ નીકળી પડેલો ત્યારે 1762માં આ જ પરિવારની આ જ હવેલીમાં મહેમાન બનેલો. એ વખતે બંને નાનાં બાળકો મોત્સાર્ટ અને નૅનર્લે અહીં સંગીતનો જલસો આપેલો. અત્યારે મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝે અહીં લિન્ઝમાં હતાં ત્યારે જ એમનો પહેલો પુત્ર માંડ ત્રણેક મહિનાની ઉંમરે વિયેનામાં અવસાન પામ્યો.

વિયેના આવી અઠવાડિયે બે વાર પોતાના સંગીતના જાહેર જલસા આપી મોત્સાર્ટે થોડી આવક ઊભી કરી. મોટા ભાગના જીવનકથાકારોનું માનવું છે કે એક વાદક અને ઑર્કેસ્ટ્રા કન્ડક્ટરની આ કામગીરીથી મોત્સાર્ટ નિચોવાઈ ગયો. 1784ના સપ્ટેમ્બરની એકવીસમીએ કૉન્સ્ટાન્ઝેએ મોત્સાર્ટના બીજા સંતાન પુત્ર કાર્લ થોમસને જન્મ આપ્યો. પણ એ એક જ મહિનામાં અવસાન પામ્યો. મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝેએ ભાડાનું ઘર બદલ્યું. પછી મોત્સાર્ટ સખત તાવમાં પટકાયો. મિત્ર ડૉક્ટર સિગ્મુન્ડ બારિસાનીએ એની સારવાર કરી એને બચાવ્યો.

પછી નૅનર્લનાં લગ્ન લેવાયાં. એનો પતિ હતો અડતાળીસ વરસનો વિધુર જમીનદાર જોહાન બૅપ્ટિસ્ટ ફૉન બૅર્ખ્ટોલ્ડ ફૉન સોનેન્બર્ગ. મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝે નૅનર્લના લગ્નમાં હાજરી આપી શક્યાં નહિ. એમણે અભિનંદન પત્ર લખી સંતોષ માનવો પડ્યો.

1785માં મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝે ઘર બદલીને એક મોટા એપાર્ટમેન્ટ ‘શુલેર્સ્ટ્રાસ’માં રહેવા ગયાં. અહીં હાયડન અને લૉરેન્ઝો દિ પોન્તી વારંવાર આવતા. મોત્સાર્ટે પોતાની કૃતિઓની યાદી અને પૈસાનો હિસાબ લખવાનું શરૂ કર્યું. પરંતુ પૈસાનો હિસાબ ટૂંક સમયમાં જ બંધ પડી ગયો. આ નવા એપાર્ટમેન્ટમાં મોત્સાર્ટે લિયોપોલ્ડને આમંત્રણ આપ્યું. લિયોપોલ્ડ મહેમાન બન્યો. મોત્સાર્ટના સુખી લગ્નજીવનથી તે ખુશ થયો. અત્યંત કરકસરથી ઘર ચલાવવાની કૉન્સ્ટાન્ઝેની આવડતથી પણ એ રાજી થયો. 1785ના ઑક્ટોબરની સોળમીએ કૉન્સ્ટાન્ઝેએ ત્રીજા પુત્ર કાર્લ થોમસને જન્મ આપ્યો, પણ તે તો તેરમા દિવસે જ મૃત્યુ પામ્યો.

વેવાણ ફ્રાઉ વેબરે લિયોપોલ્ડને ભોજન માટે આમંત્રણ આપી ઉમળકાથી સ્વાગત કર્યું. વેબર પરિવારની બધી જ પુત્રીઓ અને આલોઈસિયાનો પતિ લૅન્જ પણ હાજર હતાં. ફ્રાઉ વેબરે મોટું સ્વાદિષ્ટ રોસ્ટેડ ફિઝન્ટ રાંધીને બધાંને ખવડાવેલું.

લિયોપોલ્ડની મુલાકાત હાયડન સાથે પણ થઈ. હાયડને તેને કહેલું : “ઈશ્વરની સાક્ષીએ હું કહું છું કે હું જાણું છું એ બધા જ સંગીતકારોમાં મોત્સાર્ટ શ્રેષ્ઠ અને સૌથી મહાન છે.” પોતાની મહેનત અને પુત્રની પ્રતિભાની કદર થતી જોઈને લિયોપોલ્ડને શાંતિ થઈ હશે. જોસેફ હાયડન અને ડિટસ્ર્ડૉર્ફ મોત્સાર્ટના વાદ્યસંગીતના જલસામાં ઘણી વાર વાયોલિન વગાડતા. મોત્સાર્ટે વિયેનામાં શિષ્યો મેળવ્યા: કાઉન્ટેસ રુમ્બેકી, એક ધનાઢ્ય પ્રકાશકની પત્ની ફ્રૉઉ ફૉન ટ્રૅટનર, ઝીલ્યી, કાઉન્ટેસ પૅલ્ફી અને બેબીટે પ્લોયર. મોત્સાર્ટને પોતાની સાસુ સાથે ઘણું ફાવતું. એ બે વચ્ચે સારી દોસ્તી થઈ ગયેલી. જ્યારે પણ મોત્સાર્ટ સાસરે જતો ત્યારે તે ચૉકલેટ કે કેક જેવી નાની ભેટ સાસુ માટે લઈ જતો. મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝે બંને પરોઢે સાડા પાંચે ઊઠી જતાં અને રાતે બાર વાગ્યા પછી જ પથારી ભેગા થતાં. જીવનના અંતિમ દાયકાની અત્યંત કામગરી જિંદગી વિશે મોત્સાર્ટે એક મિત્રને લખેલું : “મને શ્વાસ લેવાની પણ ફુરસદ નથી.”

ઈર્ષ્યાળુ સાલિયેરી (1750-1825)

‘સેરાલિયો’ને સફળતા મળી હોવા છતાં એ પછી સતત ત્રણ વરસ સુધી મોત્સાર્ટને બીજો ઑપેરા લખવાની વરદી મળી નહિ. એ માટે લુચ્ચા દરબારી સંગીતકાર સાલિયેરીનો દોરીસંચાર કારણભૂત હતો. એ તો ઈશ્વરને ફરિયાદ કરતો : “મારા જેવા વિદ્વાન અને કુળવાનને મૂકીને, હે ઈશ્વર ! તું એક રખડેલ મામૂલી છોકરાને શા માટે તારી દૈવી પ્રતિભાનું દાન કરે છે ?” જર્મન ઑપેરા પર પ્રતિબંધો લાદવા માટે એણે જ સમ્રાટોને ચડાવેલા. એમાં એ સફળ પણ થયો. પછી તો વિયેના પર ઇટાલિયન સંગીતકારો ચડી બેઠા.

વાદ્યસંગીત

ઉજાણીઓમાં સતત રચ્યાપચ્યા રહેતા નગર વિયેનામાં વાદ્યસંગીતના ઘણા જલસા લગાતાર ચાલુ જ રહેતા. મોત્સાર્ટ એમાં વ્યસ્ત બન્યો. એમાંથી એની કમાણી ચાલુ થઈ. એનું મોટા ભાગનું ચૅમ્બર મ્યૂઝિક (ડ્યુએટ્સ, ટ્રાયોઝ, ક્વાર્ટેટ્સ, ક્વીન્ટેટ્સ, વગેરે) તથા મોટા ઑર્કેસ્ટ્રા માટેની સિમ્ફનીઓ અને કન્ચર્ટો જાહેર જનતા માટેના એ જલસા માટે જ સર્જાયેલા. 1785માં એણે છ સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ્સ લખ્યા અને હાયડનને અર્પણ કર્યા. 1786માં સ્ટેફાનીએ લખેલું એક નાટક ‘ધ ઈમ્પ્રસારિયો’ વિયેનામાં ભજવાયું. એમાં સામેલ ગથેના એક ગીત ‘ધ વાયોલેટ’ને મોત્સાર્ટે સંગીતમાં ઢાળ્યું. એ મોત્સાર્ટનું સૌથી વધુ પોપ્યુલર ગીત છે. એ જ વખતે મોત્સાર્ટે એક ખૂબ જ સુંદર કૃતિ ચૅમ્બર ઓર્કેસ્ટ્રા માટે લખેલી : ‘એઈને ક્લેઈને નેખ્મુઝિક’ (A little night music) સેરેનેડ (k 525).

ફ્રીમેસનરી સંપ્રદાયનો અંગીકાર

1784માં મોત્સાર્ટે ફ્રીમેસનરી સંપ્રદાય અંગીકાર કર્યો. હવે એ ખ્રિસ્તી રહ્યો નહિ. એ વર્ષોમાં એના મનમાં મૃત્યુ જ ઘોળાતું રહેલું. પણ એનો સ્વભાવ તો હંમેશની માફક બહુ મશ્કરો, આનંદી અને ખુશમિજાજ જ રહ્યો. કદાચ અત્યંત નજીક આવી ગયેલું પોતાનું મૃત્યુ એ આગોતરું કળી ગયો હોવો જોઈએ. એટલું જ નહિ, એથી પણ નજીક આવી ગયેલું પોતાના પિતાનું મૃત્યુ પણ એ કદાચ કળી ગયેલો. પિતાના મૃત્યુના ચોવીસ દિવસ પહેલાં જ 1787ના એપ્રિલની ચોથીએ એણે લિયોપોલ્ડને લખેલું :

ખરું જોતાં માનવીના જીવનનો સાચો અંત તેમ જ સાચું ધ્યેય મૃત્યુ જ છે. એ સાચા અને શ્રેષ્ઠ મિત્ર સાથે છેલ્લાં થોડાં વરસોમાં મેં એટલી બધી આત્મીયતા કેળવી છે કે એના વિચારથી મને ત્રાસ થવાને બદલે શાંતિ અને આનંદ મળે છે. મૃત્યુમાં સાચો મિત્ર શોધવાનો અને ઓળખવાનો ઈશ્વરે મને આનંદ આપ્યો એ બદલ હું એનો આભાર માનું છું. રાતે પથારીમાં લંબાવતી વખતે રોજ મને વિચાર આવે છે કે બીજે દિવસે હું કદાચ પથારીમાંથી જીવતો ના પણ ઊઠું ! છતાં મને ઓળખનાર કોઈ પણ મારા મૃત્યુ પછી એમ નહિ કહી શકે કે એણે મને ઉદાસ કે રોતલ જોયેલો.
છતાં જીવનના અંતિમ દિવસોમાં મોત્સાર્ટને ભાગે હતાશા, નિરાશા અને વેદના આવ્યાં ખરાં જ ! ખરેખર, મોત્સાર્ટનું મન એક રહસ્યમય કોયડો જ છે.

મોત્સાર્ટ અને હાયડનના પ્રભાવ હેઠળ લિયોપોલ્ડ પણ ફ્રીમેસનરી સંપ્રદાયનો સભ્ય બન્યો. વિયેનામાં જાહેર સંગીતના જલસાઓમાં લિયોપોલ્ડે મનભરીને મોત્સાર્ટના ક્વાર્ટેટ, ક્વીન્ટેટ, સોનાટા, કન્ચર્ટો અને સિમ્ફની સાંભળ્યાં. મોત્સાર્ટ સાથે આ એનું છેલ્લું મિલન હતું. પછી લિયોપોલ્ડ સાલ્ઝબર્ગ ગયો અને મૃત્યુ પામ્યો.

પિયેત્રો મેતાસ્તાસિયો

મેતાસ્તાસિયો વિયેનાના રાજદરબારનો પ્રિય લિબ્રેતીસ્ત હતો. 1698ની ત્રીજી જાન્યુઆરીએ તે જન્મેલો. તેનું મૂળ નામ આર્માન્દો ત્રાપાસી હતું. સમગ્ર યુરોપમાં તે શ્રેષ્ઠ લિબ્રેતીસ્ત ગણાતો હતો. તેણે ઇમ્પ્રુવાઇઝ કરેલ એક કાવ્યને વાંચીને 1708માં લિબ્રેતીસ્ત જિયાન વિન્ચેન્ઝો ગ્રાવિનાએ તેને ઑપેરાના સંવાદો લખવાની તાલીમ આપેલી. ગ્રાવિનાએ જ તેને મેતાસ્તાસિયો એવું તખલ્લુસ આપેલું. પર્ગોલેસીથી માંડીને મોત્સાર્ટ સુધીના સંગીતકારોએ તેના સંવાદોને સંગીતમાં ઢાળી ઑપેરા અને મોટેટ લખ્યા. 1771 સુધી તે સર્જનાત્મક રહેલો. નાટ્યસિદ્ધાંતો ઉપર તેણે એક ભાષ્ય પણ લખેલું. 1782ની બારમી એપ્રિલે તે ચોર્યાસી વરસની ઉંમરે વિયેનામાં અવસાન પામ્યો. એ પછી લોરેન્ઝો દિ પોન્તી લિબ્રેતીસ્ત તરીકે આગળ આવ્યો.

લોરેન્ઝો દિ પોન્તી (1749-1838)

1783ના માર્ચમાં ‘ઈડોમેનિયો’ના લિબ્રેતિસ્ત વારેસ્કોએ મોત્સાર્ટની ઓળખાણ લોરેન્ઝો દિ પોન્તી જોડે કરાવી. વારેસ્કોએ જ પોન્તીને લેખન વ્યવસાયમાં ધકેલેલો. લોરેન્ઝો મૂળમાં તો એક પાદરી હતો, પણ અનૈતિક દુરાચારને કારણે ચર્ચે તેને તગેડી મૂકેલો. સાલિયેરીના આમંત્રણથી સાલિયેરીના ઑપેરાઓના લિબ્રેતો લખવા માટે તે ડ્રૅસ્ડનથી વિયેના આવી વસેલો. આમ તે સાલિયેરી સાથે સંકળાયેલો હોવાથી મોત્સાર્ટ શરૂ શરૂમાં તેના અંગે શંકાશીલ રહેતો. પણ દિ પોન્તી તો આખરે મોત્સાર્ટનો વફાદાર મિત્ર બની રહ્યો, એટલું જ નહિ, મોત્સાર્ટની પ્રતિભાને નિખારવામાં તે સહાયક બન્યો. 1838માં તે ન્યૂ યૉર્કમાં કંગાળ હાલતમાં મૃત્યુ પામેલો.

પિયારે ઑગુસ્તીન કારોં દ બ્યુમાર્કાઈ

એક ફ્રેંચ ઘડિયાળીને ત્યાં તે પેરિસમાં 1732માં જન્મેલો. તે પોતે એક મૌલિક મિકૅનિક હતો અને પોતે કરેલી શોધખોળોના માલિકીહક્ક માટે એણે કાયદાકીય પગલાં ભરવા પડેલાં. 1773માં તે ફ્રાંસના રાજા લૂઈ પંદરમાં અને સોળમા માટે શસ્ત્રો ખરીદવા બ્રિટન અને અમેરિકાની ગુપ્ત મુલાકાતે ગયેલો. એક નાટ્યકાર તરીકેની તેની ખ્યાતિ વધતી જતી હોવા છતાં તે સટ્ટામાં વારંવાર ઝંપલાવતો. અમેરિકન ક્રાંતિકારીઓ માટે તેણે શસ્ત્રો ખરીદેલાં. વૉલ્તેરના સમગ્ર સાહિત્યની પહેલી આવૃત્તિ પણ તેણે જ પ્રકાશિત કરેલી. તેણે ભેગી કરેલી સંપત્તિને કારણે 1792માં ફેંચ ક્રાંતિ દરમ્યાન તેની ધરપકડ થયેલી, પણ તેની એક ભૂતપૂર્વ રખાતે વગ વાપરીને તેને છોડાવેલો. 1799માં પૅરિસમાં તે મૃત્યુ પામેલો.

ફિગારો

તત્કાલીન ઑસ્ટ્રિયન સમ્રાટ જૉસેફ બીજો અત્યંત જાગ્રત, સંસ્કારપ્રેમી, વિદ્યાપ્રેમી અને કલાપ્રેમી હતો. પણ અન્ય વિયેનાવાસીઓની જેમ જ સંગીતમાં એની રૂચિ પૂર્ણતયા ઇટાલિયન હતી. દુર્ભાગ્યે જર્મન રાષ્ટ્રીય ઑપેરાની સ્થાપના કરવાની ચળવળને એણે કદી હૃદયપૂર્વક ટેકો આપ્યો નહિ. જો એવો ટેકો એ આપી શક્યો હોત તો મોત્સાર્ટનો ‘સેરાલિયો’ જર્મન ઑપેરાનો પાયાનો પથ્થર બની રહેત. ઇટાલિયન ઑપેરાના ચલણના એ દિવસોમાં સેંકડો લિબ્રેતો મોત્સર્ટે હાથમાં લીધા પણ એ બધા નાપસંદ પડતાં એમને પડતા મૂકી ઇટાલિયન લેખક લોરેન્ઝો દિ પોન્તી સાથે મળીને મોત્સાર્ટે ‘મૅરેજ ઑફ ફિગારો’ (લ નોત્ઝે દિ ફિગારો) ઑપેરા તૈયાર કર્યો. મૂળ ફ્રેંચ લેખક બ્યુમાર્કાઈ(1732-1799)ની કૉમેડી પરથી તફડંચી કરીને પોન્તીએ ‘મૅરેજ ઑફ ફિગારો’ના સંવાદો લખેલા. પિયેરે ઑગુસ્તીન કારોં દ બુમાર્કાઈએ ત્રણ કૉમેડી નાટકોની ત્રિપુટી લખેલી :

લા બાર્બેઈ દ સેવિલે (1775), મૅરેજ ઑફ ફિગારો (1778), લૌત્રે તાર્તુફે (1792).

1784માં મૅરેજ ઑફ ફિગારો કૉમેડી પહેલી વાર નાટક રૂપે પેરિસમાં ભજવાઈ. પણ ફ્રેંચ રાજા લૂઈએ ફેંચ ક્રાંતિના વૈતાલિક જેવાં આ ત્રણે નાટકો તરત જ પ્રતિબંધિત કર્યા કારણ કે એને એ અશ્લીલ લાગ્યાં. છતાં લોકોને તો એ એટલું ગમેલું કે તરત જ બાકીની યુરોપિયન ભાષાઓમાં ફટાફટ એના અનુવાદો પ્રગટ થયા. એકલી જર્મનમાં જ એના સોળ અનુવાદો થયેલા. ફ્રેંચ રાજાને એ ત્રણે કૉમેડીમાંનું મુખ્ય પાત્ર – એટલે કે નાયક – ફિગારો ભારે બેશરમ અને ગુસ્તાખીખોર લાગ્યો. ઉપરાંત એ ત્રણેમાં ફ્રેંચ શ્રીમંતોમાં પેઠેલી વિલાસિતા અને સડા પર તીખા કટાક્ષ હતા અને ફ્રેંચ રાજસત્તા પર કડવી ટીકા હતી. પણ બ્યુમાર્કાઈની કૉમેડી ‘મેરેજ ઑફ ફિગારો’ પરથી ઑપેરા માટેનો લિબ્રેતો (પટકથા અને સંવાદ) તૈયાર કરવામાં પોન્તીએ મૂળ સોળ પાત્રોમાંથી અગિયાર જ રાખ્યાં, પાંચ અંકનું ચાર જ અંકમાં ગઠન કર્યું અને કેટલાંક દૃશ્યોનો ક્રમ ઊલટસૂલટ કર્યો તથા શ્રીમંતો પરના કટાક્ષો અને રાજકીય પ્રહારોને પડતા મૂક્યા. વળી વાક્યરચનાઓ સાવ સાદી અને ટૂંકી કરી નાંખી જેથી  સ્વરનિયોજન કરવામાં કંપોઝરને સરળતા રહે. એના પર મોત્સાર્ટે સર્જલા ઑપેરાનો પ્રીમિયર શો વિયેનામાં 1786ના મેની પહેલીએ થયો. શ્રોતાઓએ તો ઉમળકાભર્યો આવકાર આપ્યો પણ ઑસ્ટ્રિયન સમ્રાટને આ ઑપેરા અશ્લીલ જણાયો એટલે તરત જ એના પર પ્રતિબંધ આવી પડ્યો ! મોત્સાર્ટ હતાશામાં સરી પડ્યો અને એણે લંડન જઈ સ્થિર થવાનું વિચાર્યું. હમણાંના તો વિયેનાવાસીઓ પણ મોત્સાર્ટની ઑર્કેસ્ટ્રલ કૃતિઓ – સિમ્ફની અને કન્ચર્ટો – ને દાદ આપતા નહોતા.

પણ ‘મૅરેજ ઑફ ફિગારો’ની સુવાસ પ્રાહા પહોંચી. પ્રાહાના કાઉન્ટ થુને એ ઑપેરા પ્રાહામાં ભજવવા માટે માત્સાર્ટને આમંત્રણ આપ્યું. એ જ વર્ષ આ ઑપેરા એ નગરમાં ભજવાયો. ‘મૅરેજ ઑફ ફિગારો’ના પ્રીમિયર શો આ મુજબ છે :

વિયેના – 1786 (કન્ડક્ટર મોત્સાર્ટ), પ્રાહા – 1786 (કન્ડક્ટર મોત્સાર્ટ), જર્મની – 1787, મોન્ઝા (ઇટાલી) – 1787, પેરિસ – 1793, લંડન – 1812, ન્યૂ યૉર્ક – 1824, સેંટ પીટર્સબર્ગ (રશિયા) – 1836, રિયો દ જાનેરો (બ્રાઝિલ) – 1848.

લોરેન્ઝે દિ પોન્તીની સ્મૃતિ

લોરેન્ઝો દિ પોન્તીએ (1749-1838) 1828માં આત્મકથા ‘મેમ્વાયર્સ’ લખેલી. તેમાં ‘મૅરેજ ઑફ ફિગારો’ના સર્જન વિશે એ લખે છે :

…હું મોત્સાર્ટ પાસે ગયો અને મેં પૂછ્યું : “હું નાટક લખું એ પરથી તું ઑપેરા લખીશ ખરો ?” એ તરત બોલ્યો, “હા. મારી પણ એ જ ઈચ્છા છે, પણ મને ખાતરી નથી કે એને ભજવવા માટે સમ્રાટ પરવાનગી આપે.” મેં જવાબ આપ્યો, “એની વ્યવસ્થા હું કરી લઈશ.”

મોત્સાર્ટની મહાન પ્રતિભાને અનુરૂપ વિષય પણ મહાન જ જોઈશે અને એમાં પ્રસંગો અને પાત્રોની પણ વિવિધતા જોઈશે એમ હું વિચારતો હતો. થોડા દિવસો પછી અમે ફરી મળ્યા ત્યારે એણે મને પૂછ્યું, “બ્યુમાર્કાઈની કૉમેડી ‘ધ મૅરેજ ઑફ ફિગારો’ પરથી સહેલા સંવાદો લખવા ફાવશે ?” મને આ દરખાસ્ત ખૂબ ગમી ગઈ એટલે મેં એ મુજબ લખી આપવાનું વચન આપ્યું. પણ એટલામાં જ એક મુશ્કેલી ઊભી થઈ. જર્મન થિયેટરમાં બ્યુમાર્કાઈની આ કૉમેડીની ભજવણી ઉપર સમ્રાટે પ્રતિબંધ લાદ્યો, કારણ કે એમને આ કૉમેડી અશ્લીલ જણાઈ તો એના પરથી સર્જાયેલા ઑપેરાને પણ એ મંજૂરી આપે ખરા ? બૅરોન વેલ્ઝરે મને એવી સલાહ આપી કે આ ઑપેરા લંડનમાં ભજવવો. ગુપ્ત રીતે ચુપચાપ ઑપેરા લખ્યા પછી મોકો મળતાં સમ્રાટ સમક્ષ એ પેશ કરવાનું મેં સૂચન કર્યું અને મોત્સાર્ટે એ વધાવી લીધું. અમે બંનેએ ભેગા મળીને છ જ અઠવાડિયામાં એ ઑપેરા લખી નાંખ્યો. એના વિશે અમે કોઈને પણ ગંધ માત્ર આવવા દીધી નહિ. માત્ર એક જ માણસને અમે આ પ્રોજેક્ટ વિશે જણાવેલું. એ હતો ઇટાલીનો પ્રખર મોત્સાર્ટભક્ત પાદરી માર્તિની.
એવામાં જ જર્મન થિયેટરને નવી કૃતિની જરૂર ઊભી થઈ. હું તરત જ સમ્રાટ પાસે પહોંચી ગયો અને ‘ફિગારો’ ભજવવાની દરખાસ્ત મૂકી. સમ્રાટે ચમકી જઈને કહ્યું, “શું !? ખબર નથી કે મોત્સાર્ટ ભલે વાદ્યસંગીતમાં નિષ્ણાત હોય, પણ ઑપેરા તો એણે એક જ લખ્યો છે ? અને એ ઑપેરામાં પણ કંઈ દમ નહોતો !”
મેં જવાબ આપ્યો, “માલિક ! આપની કૃપા વગર તો હું પણ માત્ર એક જ નાટક લખી શક્યો હોત !”
સમ્રાટ બોલ્યા, “એ વાત સાચી, પણ ‘મૅરેજ ઑફ ફિગારો’ પર મેં પ્રતિબંધ મૂક્યો છે.”



મેં જવાબ આપ્યો, “એમાંથી અશ્લીલ સંવાદો અને ક્ષોભજનક કટાક્ષ દૂર કરીને મેં ઑપેરાને અનુકૂળ સીધાસાદા સંવાદો લખ્યા છે. મોત્સાર્ટે સંગીત તો એટલું સુંદર અને મીઠું લખ્યું છે કે તમે સાંભળતા જ રહી જશો. તમે જાતે જ સાંભળીને નક્કી કરો તો કેવું ?”
સંમતિ આપતાં સમ્રાટ બોલ્યા, “સારું. તારી નીતિવિષયક રૂચિ અને મોત્સાર્ટના સંગીત ઉપર હું ભરોસો મૂકું છું.”
હું તરત જ મોત્સાર્ટ પાસે દોડી ગયો અને આ શુભ સમાચાર પૂરા સંભળાવું એ પહેલાં તો સમ્રાટનો સંદેશાવાહક મારાં પગલાં ભૂંસતો આવ્યો અને મોત્સાર્ટને સમ્રાટનો આદેશ સંભળાવ્યો, “સમ્રાટ આપને ‘ફિગારો’ના સંગીતના સ્કોર સાથે તરત મળવા બોલાવે છે.” રાજવી આદેશનું પાલન કરીને મોત્સાર્ટ તરત જ સમ્રાટના મહેલમાં ગયો. ‘ફિગારો’માંથી થોડા ટુકડાનાં સમ્રાટ સમક્ષ રિહર્સલ્સ થયાં. સહેજ પણ અતિશયોક્તિ વિના કહું છું કે સમ્રાટને ‘ફિગારો’ ખૂબ જ ગમ્યો. એમની સંગીતની રુચિ ખરેખર બહુ જ ઊંચી હતી.
સ્ટેજ મૅનેજર અને કૉસ્ચ્યુમ્સના ખજાનચી બુસાનીમાં સજ્જનના ગુણો સિવાય બધા જ ગુણો હતા. એને જ્યારે સાંભળવા મળ્યું કે ‘ફિગારો’માં મેં એક બૅલે સામેલ કર્યો છે કે તરત જ એણે ચીફ ઑફ પોલીસને એને વિશે ફરિયાદ કરી. પોલીસે તરત જ મને બોલાવ્યો અને ક્રોધપૂર્વક નીચેનો સંવાદ શરૂ કર્યો :
પોલીસ : આપ શ્રીમાને ‘ફિગારો’માં બૅલે સામેલ કર્યો છે ?
હું : જી, સાહેબ.

પોલીસ : શ્રીમાન કવિ ! શું આપ નથી જાણતા કે સમ્રાટે ઑપેરા અને નાટકોમાં બૅલે ઉમેરવા પર મનાઈ ફરમાવી છે ?
હું : જી, ના સાહેબ.
પોલીસ : સારું, શ્રીમાન કવિ. તો હવે હું તમને એ મનાઈ ફરમાવું છું.
હું : જી, હા સાહેબ.
પોલીસ : અને સાંભળો ! તમારે એમાંથી બૅલે દૂર કરવો પડશે. આ હુકમ છે, શ્રીમાન કવિ !
(આ ‘શ્રીમાન કવિ’ શબ્દનું એણે એવું તો ભારપૂર્વક પુનરાવર્તન કર્યું કે એ ‘શ્રીમાન ગધેડો’ કહેવા માંગતો હોય એવું મને જણાયું. તે છતાં, મારા સંબોધન ‘જી સાહેબ’માંથી તો નમ્રતાનો જ રણકો સંભળાતો હતો.)
હું : બૅલે દૂર કરવો શક્ય નથી સાહેબ.
પોલીસ : સંવાદોનો લિબ્રેતો તમારી પાસે અત્યારે છે ?
હું : જી, હા સાહેબ.
પોલીસ : આપો.
(મેં ધરેલી મૅન્યુસ્ક્રિપ્ટ એણે ઊથલાવી.)
પોલીસ : આમાં બૅલેનો સીન ક્યાં છે ?
હું : (મેં બે પાનાં આંગળી ચીંધીને બતાવ્યાં.) આ રહ્યો.
પોલીસ : અમે એના આ હાલ કરીએ છીએ.
(આટલું બોલી રહેતા પહેલાં જ પોલીસે લિબ્રેતોમાંથી મેં બતાવેલાં બે પાનાં ફાડીને શાંતિપૂર્વક ફાયરપ્લેસના અગ્નિમાં હોમ્યાં અને બાકીનાં બધાં પાનાં મને પાછાં આપ્યાં.)
પોલીસ : સમજ્યા, શ્રીમાન કવિ ! હું કંઈ પણ કરી શકું છું. હવે જાઓ, નીકળો અહીંથી !

તરત જ હું મોત્સાર્ટ પાસે દોડી ગયો. એણે તો પોલીસને જઈને સમજાવવાની જીદ કરી, પેલા બુસાનીને પકડીને પીટવાની જીદ કરી અને સમ્રાટને મળીને ફરિયાદ કરવાની જીદ કરી. એને શાંત પાડતાં પાડતાં મારે નાકે તો દમ આવી ગયો.

1787ના જાન્યુઆરીમાં કાઉન્ટ થુને મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝેનું પ્રાહામાં દબદબાભેર સ્વાગત કર્યું. કાઉન્ટ થુને એ બંનેને પોતાના ઘરમાં જ મહેમાન બનાવ્યા. એની મોત્સાર્ટ સાથે ગાઢ દોસ્તી થઈ. મોત્સાર્ટે ‘મૅરેજ ઑફ ફિગારો’ કન્ડક્ટ કર્યો. પ્રાહાનગરના લોકો એ ઑપેરા અને મોત્સાર્ટની પાછળ ઘેલા થઈ ગયા. વિયેનામાં રહેતા એક શિષ્યને મોત્સાર્ટે પ્રાહાથી કાગળમાં લખ્યું : “અહીં બધા જ લોકો ઉપર ફિગારો છવાઈ ગયો છે. દરેક માણસના હોઠ ઉપર ફિગારો જ રમે છે. લોકો સિસોટી પણ ફિગારોની કોઈ સૂરાવલિમાં જ વગાડે છે.” મહાન ઈટાલિયન સંગીતકાર મોન્તેવર્દીના ઑપેરાઓ પછી એ કક્ષાનો ઑપેરા જો કોઈ સર્જાયો તો તે છે ફિગારો. મોત્સાર્ટ સાલિયેરીનો ઑપેરા ‘પ્રિમા લા મુસિકા એ પોઇ લે પેરોલ’ (પહેલાં સંગીત, પછી શબ્દો) સાંભળ્યો. મોત્સાર્ટે નવી સિમ્ફની લખી, નં. 38 (k 504) અને પ્રાહાનગરને અર્પણ કરી.

ડૉન જિયોવાની

‘મૅરેજ ઑફ ફિગારો’ની સફળતાથી ઉશ્કેરાઈને કાઉન્ટ થુને મોત્સાર્ટ પાસે એક બીજો ઇટાલિયન ઑપેરા માંગ્યો. આ નવા ઑપેરા ‘ડૉન જિયોવાની’નો લિબ્રેતો પણ લોરેન્ઝો દિ પોન્તીએ જ લખી આપ્યો. અનંત કામવાસના ધરાવતા અને નજરે પડતી દરેક છોકરીને ભોળવીને ભ્રષ્ટ કરતા ફાંકડા રૂપાળા યુવાન ‘ડૉન જુઆન’ની સ્પૅનિશ લોકકથા યુરોપભરમાં વ્યાપક હતી. એના પરથી યુરોપ આખામાં સાહિત્યકારોએ કૃતિઓ રચેલી. ‘તીર્સો દે મોલીના’ તખલ્લુસ ધરાવતા સ્પૅનિશ સાધુએ નાટક ‘એલ બૂર્લેદોર દ સેવિલા, ઈ કોમ્બીદાદો દ પીયેત્રા’ લખેલું. મોલિયેરે નાટક ‘દોન જુઆન ઉ લે ફૅસ્તીન દ પિયેરે’ લખ્યું. એનો પ્રીમિયર શો પૅરિસમાં 1665માં થયો. 1665માં બ્રિટિશ સાહિત્યકાર થૉમસ શૅડવેલે નાટક ‘લિબર્ટાઈન’ લખ્યું. ગીલીબર્તી અને આન્દ્રેઆ સિગોનીએ પણ નાટકો લખ્યાં. આ જ વિષય ઉપરથી ગ્વેસેપે ગાત્ઝાનિગાએ 1787માં જિયોવાની બેર્તાતીના લિબ્રેતો ઉપર ઑપેરા ‘ઈલ કોન્વીતાતો દિ પિયેત્રા’ લખ્યો અને એ જ વર્ષે એ વેનિસમાં ભજવાયેલો. દિ પોન્તીએ આ ઑપેરા જોયેલો. રશિયન સંગીતકાર ડાર્ગોમિસ્કીએ પણ આ જ વિષય પર એક અધૂરો ઑપેરા લખેલો : ‘ધ સ્ટોન ગેસ્ટ’. અને એ બધા પરથી પોન્તીએ ‘ડૉન જિયોવાની’નો લિબ્રેતો લખેલો.

પ્રાહાની યુવાન ગાયિકા ડુશેક સાથે મોત્સાર્ટની મિત્રતા થઈ. ‘ડૉન જિયોવાની’ ઑપેરા લખવા માટે મોત્સાર્ટને સુંદર વાતાવરણ મળે તે માટે ડુશેકે તેને પ્રાહાથી થોડે આઘે જંગલથી વીંટળાયેલી પોતાની હવેલી વિલા બૅર્ટ્રામ્કા આપી. ડુશેક શ્રીમંત હતી અને કલાકારોને પ્રોત્સાહન આપવું એને ગમતું. ‘ડૉન જિયોવાની’નો પ્રીમિયર શો પ્રાહામાં થયો, 1787ના ઑક્ટોબરની ઓગણત્રીસમીએ મોત્સાર્ટે જ એને કન્ડક્ટ કરેલો. પ્રાહાવાસીઓએ આ ઑપેરા પણ વધાવી લીધો. આજે પણ એને મોત્સાર્ટનો માસ્ટરપીસ ઑપેરા ગણવામાં આવે છે.

એ પછી આવ્યો વિયેનાનો વારો. 1788ના મેની સાતમીએ ‘ડૉન જિયોવાની’ વિયેનામાં ભજવાયો. પણ વિયેનાના વાયડા ગાયકોએ બળજબરીપૂર્વક મોત્સાર્ટ પાસે એમાં કેટલાક ઉમેરા કરાવ્યા. (આધુનિક ભજવણીઓ મોત્સાર્ટના મૂળ સ્કૉરને વફાદાર રહે છે અને પ્રક્ષિપ્ત અંશોને કાઢી નાખવામાં આવે છે.) પંદર ભજવણી પછી વિયેનામાં એ ઑપેરા તદ્દન ફ્લૉપ થયો. એને બાજુ પર મૂકી દેવાનો હુકમ કરતાં સમ્રાટ જૉસેફ બીજાએ જાહેર કર્યું :

આ ઑપેરા દૈવી છે, હું તો કહું છું કે ફિગારો કરતાં પણ વધુ સુંદર છે. પણ આ ચાવણું મારા વિયેનાવાસીઓના દાંતને લાયક નથી.

મોત્સાર્ટે જવાબ આપ્યો :

એમને ચાવવા માટે સમય તો આપો !

આ જ સમ્રાટે અગાઉ ફિગારોને અશ્લીલ જાહેર કરેલો !

1787ના મે મહિનામાં સાલ્ઝબર્ગથી પિતા લિયોપોલ્ડના મૃત્યુના સમાચાર આવ્યા. વ્યથા અને દુઃખ મોત્સાર્ટે બે ક્વિન્ટેટ (k 515 અને k 516) સર્જીને ઠાલવ્યા. લિયોપોલ્ડની સંપત્તિ નૅનર્લ અને મોત્સાર્ટ વચ્ચે અડધી અડધી વહેંચાઈ. બંનેને એક એક હજાર ગલ્ડન મળ્યા. ‘મૅરેજ ઑફ ફિગારો’ના વિયેના પ્રીમિયરમાં સુસાનોનું પાત્ર ભજવનાર બ્રિટિશ સોપ્રાનો ગાયિકા નૅન્સી સ્ટોરેસ વિયેના છોડી ઇંગ્લૅન્ડ ચાલી ગઈ, વાયોલિનિસ્ટ ગાઢ મિત્ર કાઉન્ટ હૅટ્ઝફેલ્ડ અવસાન પામ્યો. એ પ્રસંગે મોત્સાર્ટ પોતાની બહેનને છેલ્લી વાર મળ્યો. એ પછી બહેન સાથે એને કોઈ પત્રવ્યવહાર પણ થયો નહિ. ઘનિષ્ઠ મિત્ર ડૉ. સિગ્મુડ બારિસાની માત્ર ઓગણત્રીસ વરસની ઉંમરે અવસાન પામ્યો. વળી મોત્સાર્ટે પાંજરે પાળેલું પંખી સ્ટર્લિન્ગ પણ અવસાન પામ્યું. મોત્સાર્ટે આ પંખીના અવસાન અંગે લખ્યું : “યુવાનીમાં જ તે મૃત્યુના કડવા દર્દનું સત્ય પામી ગયું !”

1787ના ડિસેમ્બરની સત્તાવીસમીએ કૉન્સ્ટાન્ઝેએ પુત્રી થેરેસિયાને જન્મ આપ્યો, જે થોડા જ સમયમાં મરણ પામી.

1788ના નવેમ્બરની પંદરમીએ સંગીતકાર ગ્લકનું વિયેનામાં મૃત્યુ થયું. એના ખાલી પડેલા સ્થાન ‘કમ્પોઝર ઑફ ધ ઈમ્પીરિયલ ચેમ્બર’ પર સમ્રાટે મોત્સાર્ટની નિમણૂક કરી. ગ્લકને વર્ષે 2000 ગલ્ડનનો પગાર મળતો હતો. મોત્સાર્ટની શરૂઆત વર્ષે 800 ગલ્ડનના પગારથી થઈ.

બીથોવન સાથે મુલાકાત

એ જ વર્ષે માદરે વતન બૉન છોડી વધુ અભ્યાસાર્થે વિયેના આવેલા સત્તર વરસના બીથોવને મોત્સાર્ટ પાસે થોડા દિવસો સંગીતના પાઠ ગ્રહણ કર્યા. બીથોવનની સંગીતકૃતિઓ અને પિયાનોવાદનથી પ્રભાવિત થઈ મોત્સાર્ટે એની ગેરહાજરીમાં પોતાના મિત્રો આગળ સાચી તારીફ કરેલી : “એક દિવસ આખી દુનિયાને મોઢે બીથોવનનું નામ રમતું હશે.” મોત્સાર્ટના પિયાનોવાદન વિશે બીથોવને અભિપ્રાય આપેલો : “એનો સ્પર્શ સુંદર છે, પણ જરા ખચકાતો છે; સુંવાળપ ગેરહાજર છે.” પણ બંને પરસ્પર કોઈ અસર કરી શક્યા નહિ.

1788ના ઉનાળામાં મોત્સાર્ટની સર્જકતાનો નવો ઉન્મેષ પ્રકટ્યો. ફ્રાંકફૂર્ટમાં નવા રાજા લિયોપોલ્ડ બીજાના રાજ્યાભિષેક સમારંભમાં એક મોત્સાર્ટ સિવાય વિયેનાના બધા જ સંગીતકારો આમંત્રિત હતા. છતાં, ગાંઠના પૈસા ખર્ચીને તે ફ્રાંકફૂર્ટ પહોંચ્યો. ત્યાં એણે પિયાનો કન્ચર્ટો નં. 26 (k 537, કોરોનેશન) તથા સાંભળતાં તરત જ ગ્લાનિ થાય એવો દર્દનાક એડાજિયો ઇન B માઈનોર (k 540) પિયાનો માટે લખ્યો. સાથે સાઢુભાઈ હોફર પણ હતો. અહીં ફ્રાન્કફૂર્ટમાં મોત્સાર્ટે પોતાના સંગીતનો એક જાહેર જલસો કર્યો જેમાં સાલ્ઝબર્ગના કાસ્ત્રાતી ચેચારેલીએ ગાયું. મોત્સાર્ટનો કોરોનેશન કન્ચર્ટો તેમાં વગાડવામાં આવેલો; ખુદ મોત્સાર્ટે જ પિયાનો વગાડેલો. બહારથી તો મોત્સાર્ટ હજી ખુશમિજાજ અને આનંદી હતો. એણે કૉન્સ્ટાન્ઝેને કાગળમાં લખ્યું : “મારે માટે તો બધું જ ઠંડુંગાર છે, બરફ જેવું જ ઠંડુંગાર ! તું મારી પાસે નથી માટે જ આમ છે. તને આ લખું છું ત્યારે અબી હાલ મારાં આંસુનાં ટીપાં આ કાગળને ભીંજવી રહ્યાં છે. તને બાથમાં જકડી લેવાની અદમ્ય વાસના જાગી છે.” મોત્સાર્ટના ઑપેરા ડોન જિયોવાનીની ભજવણી માટે રિહર્સલ્સની તજવીજ ફ્રાંકફૂર્ટમાં થઈ, પણ પછી એને પડતો મૂકી ડિટસ્‌ર્ડોર્ફનો કોઈ ઑપેરા ભજવાયો. ફ્રીમેસન સંપ્રદાયમાં ભળેલા શ્રીમંત વેપારી મિત્ર માઈકલ પુખ્બર્ગ માટે E મેજરમાં ટ્રાયો નં. 5 (k 542) લખ્યો. પણ ધીમે ધીમે મોત્સાર્ટ આર્થિક રીતે કંગાળ થઈ રહ્યો હતો અને દેવાના ભમ્મરિયા કૂવામાં વધુ ને વધુ ઊંડો ઊતરતો જતો હતો. ઉધાર પૈસા માંગવાની નછૂટકે આજીજી કરતા પત્રો એણે મિત્ર પુખ્બર્ગને લખ્યા; કોઈ પણ જાતનો રોફ બતાવ્યા વગર પુખ્બર્ગ પૈસા મોકલી આપતો. પોતે મોત્સાર્ટને આપેલા પૈસા પુખ્બર્ગ કદી પાછા માંગતો નહિ. એ જાણતો હતો કે પોતે આપેલી બધી જ લોન આખરે ભેટમાં પરિણમી શકે છે. એ પોતે વાઇનનો વેપારી હતો. મોત્સાર્ટના મૃત્યુ પછી પણ તેણે કદી પણ કૉન્સ્ટાન્ઝે પર લોન પરત કરવાનું દબાણ કરેલું નહિ. 1788ના ઉનાળામાં મોત્સાર્ટે પહેલી જ વાર પોતે ત્રાસરૂપ નિરાશા અનુભવી રહ્યો છે એ હકીકતનો સ્વીકાર પુખ્બર્ગને કાગળ લખીને કર્યો. એ નિરાશા માટે એક માત્ર જવાબદાર કારણ હતું – કારમી ગરીબી. પૈસાના બદલામાં મોત્સાર્ટે એને માટે ત્રણ ભવ્ય સિમ્ફનીઓ સર્જી : નં. 39 ઇન E ફૂલેટ (k 543), પછી દુઃખથી છલકાતી નં. 40 ઇન G માઇનોર (k 550) તથા ઉત્સાહથી છલકાતી નં. 41 ઇન C (k 551); અને સ્ટ્રિન્ગ ડાયવર્ટીમૅન્ટો (k 561). એવામાં જ કૉન્સ્ટાન્ઝેને એક પુત્રી જન્મી અને તરત મૃત્યુ પણ પામી.

મોત્સાર્ટનો મિત્ર બેરોન ફાન સ્વીટન સંગીતનો ખૂબ રસિયો હતો. ઓર્ગન માટે હૅન્ડલે લખેલું કેટલુંક સંગીત ફાન સ્વીટનની વિનંતીથી મોત્સાર્ટે ઓર્કેસ્ટ્રા માટે બેસાડી આપ્યું. મોત્સાર્ટના સંગીતના જલસામાં ફાન સ્વીટન સૌથી વધુ ટિકિટ ખરીદતો. 1789માં મોત્સાર્ટે હૅન્ડલનો ઓરેટોરિયો 'મસિહા’ સોલો કંઠ અને ઑર્કેસ્ટ્રા માટે બેસાડ્યો. એનો પ્રીમિયર શો મોત્સાર્ટે જ કન્ડક્ટ કરેલો અને સોલો ગાયિકા બીજી કોઈ નહિ પણ ખુદ આલોઇસિયા જ હતી ! કૉન્સ્ટાન્ઝેની માગણીને માન આપીને મોત્સાર્ટે થોડા ફ્યુગ લખ્યા. આ જ વર્ષે મોત્સાર્ટને એક નવો શિષ્ય પ્રિન્સ કાર્લ લિખ્નોવ્સ્કી મળ્યો. પ્રુશિયન લશ્કરમાં અફસરનો હોદ્દો ધરાવતો એ ખાનદાની શ્રીમંત નબીરો હતો અને સાથે ફ્રીમેસન સંપ્રદાયના સભ્ય પણ હતો.

1789ના એપ્રિલમાં મોત્સાર્ટે પોતાના યુવાન મિત્ર પ્રિન્સ લિખ્નોવ્સ્કી સાથે પ્રાહા ઉપરાંત ડ્રેસ્ડન, લિપ્ઝિક, પૉટ્સ્ડેમ અને બર્લિનની યાત્રા કરી. મોત્સાર્ટને આશ્ચર્ય થયું કે બધે જ એની ખ્યાતિ પ્રસરી ચૂકી છે ! પ્રુશિયાની રાણી આગળ મોત્સાર્ટે પિયાનો વગાડ્યો, પણ એક કાણી કોડી એ રાણીએ પરખાવી નહિ ! પછી પ્રાહા જઈ તેણે કોરોનેશન કન્ચર્ટો વગાડ્યો અને બોહેમિયા ખાતેના રશિયન એલચી સાથે જમણ લીધું. થોડા દિવસો પછી જે. એસ. બાખના માદરે વતન લિપ્સિકમાં મોત્સાર્ટ પહોંચ્યો. અહીં સેંટ થોમસ ચર્ચમાં જે ઓર્ગન પર મહાન બાખ સંગીત વગાડતો તે જ ઑર્ગન પર મોત્સાર્ટે બાખનું જ એક કોરલ વગાડ્યું. મોત્સાર્ટના એ વાદનમાં બાખના શિષ્યોને પોતાના મહાન ગુરુનો સ્પર્શ સાંભળવા મળ્યો ! આ સમયના મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝેના એકબીજાને લખેલા પત્રો કાં તો ખોવાઈ ગયા છે અથવા તો તેમને કૉન્સ્ટાન્ઝેએ ફાડી નાંખ્યા છે. વિયેના છોડ્યાને પાંચ અઠવાડિયાં વીત્યા પછી મોત્સાર્ટ બર્લિન પહોંચ્યો. ત્યાં મોત્સાર્ટના એક જલસામાં એક રસપ્રદ ઘટના બની. ઑડિટોરિયમમાં જલસો શરૂ થાય તે અગાઉ મ્યૂઝિક ડૅસ્ક્સ ઉપર ગ્રે રંગનો કોટ પહેરેલો એક માણસ નજર ફેરવી જતો સોળ વરસના ટીક નામના છોકરાને દેખાયો. ટીકે એ અજાણ્યા માણસને કહ્યું, "મોત્સાર્ટના ઑપેરાઓનો હું આશિક છું!” અજાણ્યા માણસના મોં ઉપર ખુશીની લહેર ફેલાઈ ગઈ. પછી તો જલસો શરૂ થતાં આ અજાણ્યો માણસ પણ ટીકની જેમ જ ઑડિયન્સમાં બેસી ગયો. પણ એ અજાણ્યો કોણ હતો તેની તપાસ ટીકે શરૂ કરી. ટીકને જ્યારે માલૂમ પડ્યું કે તે અજાણ્યો બીજો કોઈ નહિ પણ મહાન મોત્સાર્ટ ખુદ હતો ત્યારે તે આનંદથી ઝૂમી ઊઠ્યો. બર્લિનથી મેઈન્ઝ થઈ મોત્સાર્ટ મેન્હીમ ગયો. ત્યાં મોત્સાર્ટના સંગીતના જલસા માટેના એક રિહર્સલમાં એક સંગીતકારે મોત્સાર્ટને કોઈ ડાફોળિયાં મારતો ફાલતુ શ્રોતા સમજી બેસી રિહર્સલ સાંભળતો અટકાવી હડધૂત કરી તગેડી મૂકવા પ્રયત્ન કર્યો. મોત્સાર્ટે કહ્યું : “તમે મોત્સાર્ટને તો જરૂર સાંભળવા દેશો !” આ સાંભળી પેલા સંગીતકારે છોભીલા પડીને તરત જ માફી માંગી લીધી. પણ આ બધા જર્મન નગરોના પ્રવાસ અને ત્યાં કરેલા જલસાઓથી મોત્સાર્ટને કોઈ આર્થિક ફાયદો થયો નહિ ! એની હાજરી દરમ્યાન બર્લિનમાં એનો ઑપેરા ‘સેરાલિયો’ બે વાર ભજવાયો. યાત્રા પૂરી કરીને મોત્સાર્ટ ચોથી જૂને વિયેના પાછો આવ્યો. આવક વધારવા માટે મોત્સાર્ટે વધુ શિષ્યો સ્વીકાર્યા. 1789ના નવેમ્બરની સોળમીએ કૉન્સ્ટાન્ઝેએ બીજી પુત્રી આના મારિયાને જન્મ આપ્યો જે જન્મતાંવેત જ સ્વર્ગે સિધાવી.

નવા સમ્રાટ લિયોપોલ્ડ બીજાની યુવાન રાજકુમારીના સંગીતશિક્ષક થવા માટે મોત્સાર્ટે 1790માં અરજી કરી, પણ તેને તરત જ નામંજૂર કરવામાં આવી. એ પદ પ્રતિસ્પર્ધી બુઝુર્ગ સાલિયેરીને મળ્યું. આ પ્રકારની નિષ્ફળતા મોત્સાર્ટને મળે ત્યારે તેમ જ વિયેના સમ્રાટો મોત્સાર્ટના ઑપેરાની કદર ન કરે ત્યારે હિતેચ્છુ હાયડન ખિન્ન થઈ જતો. આ જ વર્ષે એસ્ટર્હેઝી પરિવારનો ઑર્કેસ્ટ્રા વિખેરાઈ જતાં હાયડન દસ વરસ સુધી એટલે કે 1790થી 1800 સુધી જવાબદારીમાંથી મુક્ત થયો. પણ તે પરિવારે એ દસ વરસ સુધી હાયડનને પૂરો પગાર ચૂકવવો ચાલુ રાખ્યો ! 1800માં હાયડન ફરી પાછો તે ઑર્કેસ્ટ્રાનો ડાયરેક્ટર બનેલો. મોત્સાર્ટે પ્રુશિયન ક્વાર્ટેટ્સ લખવા શરૂ કર્યા પણ તેણે ખૂબ જ માનસિક તણાવ અનુભવ્યો. તે માત્ર બે જ ક્વાર્ટેટ્સ લખીને અટકી ગયો. 1790માં જ મોત્સાર્ટને એક નવો શિષ્ય મળ્યો : સૂસ્માયર. મોત્સાર્ટે તેનું લાડકું નામ પાડ્યું : સ્નાઈ. એવામાં કૉન્સ્ટાન્ઝેના પગે જખમે થયેલો એ પાકી ગયો. ખનીજો ધરાવતા ગરમ પાણીના પ્રાકૃતિક ઝરામાં એ પગ ડુબાડી રાખવાની સારવાર લેવા બૅડન નગરે ગઈ. મોત્સાર્ટ એકલો પડ્યો. વધુ પડતા મળતાવડા સ્વભાવની પોતાની ભલી પત્ની કૉન્સ્ટાન્ઝેને મોત્સાર્ટે પત્રમાં લખ્યું: “તું પુરુષો જોડે છૂટ લેતી નહિ. તારી જાતને સસ્તી બનાવી મૂકીશ નહિ.” એ જ વરસે લંડનની ઓપેરા કંપનીના ડાયરેક્ટર રોબર્ટ ઓરેલીએ 300 પાઉન્ડમાં એક લેખે કુલ બે નવા ઑપેરા મોત્સાર્ટ પાસે માંગ્યા. પણ આ માટે રિહર્સલ્સ દરમિયાન છ મહિના લંડનમાં પોતાને ખર્ચે રહેવું પડે એમ હતું, અને પૈસા તો છ મહિનાને અંતે ભજવણી વખતે મળે એમ હતા. એટલે પૈસાને અભાવે આ તક મોત્સાર્ટે છોડવી પડી. પછી ઓરેલીએ હાયડન પાસે બે સિમ્ફની માંગી. એ તક હરીફ બુઝુર્ગ મિત્ર હાયડને ઝડપી લીધી. હાયડન લંડન પહોંચી ગયો ! મોત્સાર્ટ જોતો જ રહી ગયો. આ આઘાત મોત્સાર્ટ માટે જેવોતેવો નહોતો. પરસ્પરથી છૂટા પડતી વેળા હાયડન અને મોત્સાર્ટ બંનેએ ગમગીની અને ગ્લાનિ અનુભવી.

કોસી ફાના તુત્તી

પણ સાવ હતાશ થવાનું કારણ પણ નહોતું. મૃત્યુ પામતા પહેલાં સમ્રાટ જૉસેફ બીજાએ એને નવો ઇટાલિયન ઑપેરા લખવાનું કામ સોપેલું; અને એને સ્થાને નવા આવેલા સમ્રાટે એ માટે સંમતિ આપેલી. એ લખાઈ રહ્યો એટલે એનો પ્રીમિયર શો વિયનોમાં થયો. આ કૉમિક ઑપેરા હતો : ‘કોસી ફાન તુત્તી’ (બધી એવી જ હોય છે). સમ્રાટ જૉસેફ બીજાએ જાતે જ લોકકથાઓમાંથી એનો વિષય પસંદ કરીને લોરેન્ઝો દિ પોન્તી પાસે એનો લિબ્રેતો લખાવેલો. આ ઑપેરા એના પ્રીમિયર શો સુધી પણ પહોંચે નહિ એ માટે સાલિયેરીએ શક્ય તેટલાં વિઘ્નો ઊભાં કરેલાં; પણ છતાં એ તો ભજવાઈને જ રહ્યો. પણ પ્રીમિયર શોમાં જ ઑપેરા તદ્દન ફ્લૉપ ગયો. અને બીજા દસ શો પછી તો સાવ ઠપ્પ થઈ ગયો. વિવેચકોએ પોન્તીના સંવાદોને સાવ વખોડી કાઢ્યા પણ મોત્સાર્ટના સંગીતને ખૂબ વખાણ્યું. તટસ્થ આધુનિક વિવેચન આ અભિપ્રાયને સમર્થન આપે છે.

ક્લેરિનેટ વાદક એન્ટોન સ્ટેડ્‌લર માટે મોત્સાર્ટે ક્લેરિનેટ ક્વીન્ટેટ (k 581) અને ક્લેરિનેટ કન્ચર્ટો (k 622) લખી આપ્યા. ક્લેરિનેટ મોત્સાર્ટનું પ્રિય વાજિંત્ર હતું.

લા ક્લૅમેન્ઝા દિ તીતો

નવા સમ્રાટ લિયોપોલ્ડ બીજાના રાજ્યાભિષેક પ્રસંગ માટે સમ્રાટે મોત્સાર્ટ પાસે બીજો એક ઇટાલિયન ઑપેરા માંગ્યો. મેતાસ્તસિયો અને કાતેરિનો માત્ઝોલાએ લખેલા લિબ્રેતો ઉપરથી મોત્સાર્ટે માત્ર અઢાર જ દિવસમાં ઑપેરા રચી આપ્યો. બોહેમિયાના સિંહાસન પર સમ્રાટ આરૂઢ થવાના હોવાથી બધી જ ઉજવણીઓ પ્રાહા નગરમાં યોજાયેલી. અને એટલે એનો પ્રીમિયર શો પ્રાહામાં ગોઠવાયો. આ ઑપેરા હતો : ‘લા ક્લૅમેન્ઝા દિ તીતો’. (The Clemency of Titus) પ્રાહામાં ગાયિકા ડુશેકની વિલા બૅર્ટ્રામ્કા નામની કોઠીમાં મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝે મહેમાન બનીને ઊતર્યાં. છઠ્ઠી સપ્ટેમ્બરે એ ઑપેરા ભજવાયો પણ સામ્રાજ્ઞીને એ ગમ્યો નહિ, એણે તો એને ‘જર્મન ગંદવાડો’ કહી નવાજ્યો. જર્મન પૂર્વગ્રહથી મુક્ત એવા મોત્સાર્ટના શુભેચ્છકો અને ચાહકોએ પણ જાહેર કર્યું કે આ ઑપેરા નિષ્ફળ છે. એક માન્યતા એવી છે કે એ ઑપેરા લખવામાં મોત્સાર્ટનું ચિત્ત હતું જ નહિ અને એના શિષ્ય સુસ્માયરે એનો અડધાથી પણ વધુ ભાગ લખેલો ! ગમે તે હોય, પણ મોત્સાર્ટનું હૃદય સાવ જ બેસી ગયું !

રિક્વિયમ માસ

પણ એ જ વર્ષે બે મહિના પહેલાં જુલાઈમાં એક ઊંચો, પાતળો, મુડદાલ, અજાણ્યો માણસ મોત્સાર્ટને ઘેર અચાનક આવેલો. પોતાનું નામ અને બીજી માહિતી જણાવવાનો ધરાર ઇનકાર કરીને એણે મોત્સાર્ટ પાસે મૃતાત્માની શાંતિ માટે એક સમૂહગાન પ્રાર્થના રચી આપવાની દરખાસ્ત મૂકી. સાથે ખાસ્સું ઊંચું વળતર આપવાની ખાતરી આપી અને એમાંથી થોડું વળતર ઍડ્‌વાન્સ પેટે પણ એણે ચૂકવી દીધું. કામ કેવુંક આગળ ધપે છે તે જોવા માટે પછીથી એ થોડા થોડા વખતે આવતો રહેલો. આ રહસ્યમય મુલાકાતી કાઉન્ટ વૉલ્સેકનો નોકર હતો. સંગીતકારોને ધૂમ પૈસા આપીને કૃતિઓ લખાવી લઈ પોતાને નામે ચડાવીને ગવડાવવા-વગાડાવવાનું ઝોડ એને વળગેલું. તાજેતરમાં જ પોતાની પત્નીનું અવસાન થતાં એના આત્માની શાંતિ માટે સમૂહપ્રાર્થના રચાવી પોતાને નામે ચડાવી દેવાની મેલી મુરાદ એની હતી. જોકે આ રહસ્યસ્ફોટ તો ઘણો પાછળથી છેક મોત્સાર્ટના મૃત્યુ વખતે થયો. વૉલ્સેક નામનો કોઈ કાઉન્ટ વિયેનામાં રહે છે એની પણ મોત્સાર્ટને જાણ નહોતી. ઊલટાનું એને તો એ અનામી મુલાકાતીએ આપેલા કામમાં પોતાના મૃત્યુની આગાહી દેખાઈ !

ઝુબેરફ્‌લોટ (મેજિક ફ્‌લૂટ)

1791ના જુલાઈની છવ્વીસમીએ મોત્સાર્ટના છઠ્ઠા સંતાન પુત્ર ફ્રાન્ઝ ઝેવરને કૉન્સ્ટાન્ઝેએ જન્મ આપ્યો. એ મોટો થઈને પિયાનિસ્ટ બનેલો. વિયેના ઑપેરા થિયેટરનો ડાયરેક્ટર શીકેનેડર ફ્રીમેસન સંપ્રદાયનો અનુયાયી હતો. એણે ફ્રીમેસન સંપ્રદાય સાથે સંલગ્ન એક પરીકથા ઉપર મોત્સાર્ટને જર્મન ઑપેરા લખી આપવાનું કામ આપ્યું.  1791ના સપ્ટેમ્બરની ત્રીસમીએ વિયેનામાં એનો પ્રીમિયર શો થયો. તાવ સાથે નાદુરસ્ત તબિયતે મોત્સાર્ટે જ એ કન્ડક્ટ કરેલો. વિયેનાવાસીઓ આ ઑપેરા પાછળ ઘેલા થયા. રોજેરોજ એના શો થવા માંડ્યા. સાલિયેરીએ પણ આ ઑપેરાનાં વખાણ કર્યાં. પણ હવે તબિયત વધુ ને વધુ કથળતી ગઈ. તાવ સતત ચાલુ રહ્યો. મોત્સાર્ટ વધુ ને વધુ અંતર્મુખ થતો ગયો. અત્યાર સુધી સંગાથમાં ખુશમિજાજ રહેતો મોત્સાર્ટ એકલતા ઝંખવા માંડ્યો. મરવાની વાતોનો એનો લવારો કૉન્સ્ટાન્ઝે બંધ કરાવી શકી નહિ. વળી ફરી પગનો જખમ વકરતાં ખનીજ પાણીના ઝરામાં એને ડુબાડવા એણે ફરી બૅડન જવું પડ્યું; મોત્સાર્ટ ફરી એકલો પડ્યો અને આ વખતે એકલતા એને સાલી. એ પથારીવશ બન્યો. એટલે નવેમ્બરની આખરમાં કૉન્સ્ટાન્ઝેને કાગળ લખીને વિયેનામાં તેડાવી લેવામાં આવી. મોત્સાર્ટે એ છેલ્લા કાગળમાં કૉન્સ્ટાન્ઝેને લખેલું : “એક ચોક્કસ ખાલીપો અનુભવું છું અને એથી હું વ્યથિત છું. જીવનમાં ખાસ આનંદ રહ્યો નથી. એક ચોક્કસ ઝંખના જાગી છે, જે કદી સંતોષાતી નથી અને તેથી તે કદી કેડો મૂકતી નથી – તે દિવસે દિવસે સતત વધતી જ જાય છે. આપણી જિંદગી ભલે ખાસ આનંદપ્રદ રહી નથી; છતાં ધીરજ રાખ. મને ખાતરી છે કે પરિસ્થિતિ સુધરશે જ. અને પછી તો હું તારો જ છું ! અત્યારે તો તું સંતોષથી હસતી રહે તેટલાથી જ મને આનંદ થશે. તને જે કાંઈ જોઈતું હોય તે બધું તને મળી જતું હોય તો મારા બધા જ પ્રયત્નો સાર્થક થશે. તું જો ખુશાલ અને તંદુરસ્ત હશે તો હાલ પૂરતું તો મારે બીજું કાંઈ પણ જોઈતું નથી. હું તને પ્રેમ કરું છું તેટલો જ પ્રેમ તું પણ મને હંમેશાં કરતી રહેજે. અલવિદા !”

1790 સુધીમાં તો મોત્સાર્ટ બરાબર જાણી ગયો હતો કે પોતાની તબિયત સાવ કથળી ગઈ છે. એણે એક મિત્રને લખ્યું :

મારી શક્તિ અને ટૅલેન્ટનાં ફળ ચાખ્યા વિના જ હું મારા અંત આગળ આવી પહોંચ્યો છું. મારું જીવન કેટલું સુંદર હતું ! મારી કારકિર્દી કેવા શુભ સંકેતો સાથે શરૂ થઈ હતી ! પણ નિયતિને કેવી રીતે બદલી શકાય ? કોઈ પણ માણસ પોતાનું જીવન કેવી રીતે માપી શકે ? આખરે તો ઝૂકવું જ પડે છે; ઈશ્વરની ઈચ્છાને આધીન થવું જ પડે છે. મારો રિક્વિયમ માસ અધૂરો પડતો મૂકવો મને નહિ પાલવે. (સપ્ટેમ્બર 1791)

મૃત્યુસંધ્યા

મૃત્યુને આગલે જ દિવસે ચોથી ડિસેમ્બરે મોત્સાર્ટ પથારીમાં બેઠો થઈને રિક્વિયમ માસનો અધૂરો સ્કોર લઈ તેમાંથી ‘લૅક્રીમોસા’ ભાગમાંથી ઍલ્ટો ગાવા માંડ્યો. બાજુમાં બેઠેલો સાઢુ હોફર (જૉસેફાનો પતિ) ટેનર ગાવા માંડ્યો અને શેક સોપ્રાનો ગાવા માંડ્યો. પણ મોત્સાર્ટ થોડુંક જ ગાઈને થાકી ગયો એટલે અટકી ગયો. પછી અધૂરો રહેલો ‘રિક્વિયમ માસ’નો સ્કોર લઈને પૂરો કરવા બેઠો. પોતે બોલતો ગયો અને શિષ્ય સૂસ્માયર એ પ્રમાણે સ્કોરમાં નોટેશન લખતો ગયો. પણ કામ ખાસ આગળ ચાલ્યું નહિ. મરણપથારીએ મોત્સાર્ટે સૂસ્માયર પાસેથી એક વચન લીધું – પોતાનો અધૂરો રિક્વિયમ માસ પૂરો કરી આપવાનું. મોત્સાર્ટના મૃત્યુ પછી સૂસ્માયરે આ વચનનું પાલન કર્યું. એટલામાં સાળી સોફી ખબર કાઢવા આવી. એને મોત્સાર્ટે આજ રાત અહીં બહેન જોડે રોકાઈ જવા આગ્રહ કર્યો. સાસુ ફ્રાઉ વેબર જમાઈની તબિયતના સમાચાર મળતાં જ ગભરાઈ ગયેલી. પછી તરત જ બજારમાં ગયેલી કૉન્સ્ટાન્ઝે આવી, પણ ઘરમાં પેસતાં જ એણે મોત્સાર્ટને સ્કોર પર કામ કરતો જોયો એટલે ચોંકી ગઈ. તરત જ એણે સ્કોર અધૂરી હાલતમાં જ બાજુ પર મુકાવીને મોત્સાર્ટને આરામ કરવાનો આદેશ આપ્યો. થોડી જ વારમાં મોત્સાર્ટને શ્વાસ લેવાની મુશ્કેલી થઈ. નજીક આવેલો અંત પારખીને કૉન્સ્ટાન્ઝેએ ચર્ચમાંથી પાદરીઓને બોલાવ્યા. પણ મોત્સાર્ટે ફ્રીમેસનરી સંપ્રદાય અંગીકાર કર્યો હોવાથી પાદરીઓ આવ્યા જ નહિ. મધરાતે ધગધગતા કપાળ પર કૉન્સ્ટાન્ઝેએ બરફ મૂક્યો ને તરત જ મોત્સાર્ટ કોમામાં સરી ગયો. તરત મોત્સાર્ટના ડૉક્ટર કૉસેફને બોલાવ્યો. એ થિયેટરમાં ‘ઝુબેરફ્‌લોટ’ જોવા ગયેલો, ત્યાંથી એને પકડ્યો. પણ એ આવ્યો ત્યાં સુધીમાં તો ખેલ ખલાસ થઈ ગયો. લોહીમાં યૂરિયા જમા થવાનું કારણ મૃત્યુ માટે જવાબદાર હતું. એની કિડનીઓ ખલાસ થઈ ગયેલી. એનો રોગ હતો યુરેમિયા. મોત્સાર્ટના મૃત્યુ પછી સાળી સોફીએ નોંધેલું : “મોત્સાર્ટે કરેલું છેલ્લું કામ તે રિક્વિયમ માસમાં ઢોલ–(ટિમ્પની)ની ગોઠવણી માટેના મૌખિક અવાજો.”

મૃત્યુ

71791ના ડિસેમ્બરની પાંચમી તારીખે પરોઢે એક વાગ્યે મોત્સાર્ટનું મૃત્યુ થયેલું. એ વખતે એની પથારીની બાજુમાં જ કૉન્સ્ટાન્ઝે, સાઢુ હોફર, સાળી સોફી અને શિષ્યો શેક અને સૂસ્માયર બેઠેલાં. મીણની આકૃતિઓની ગૅલરીના માલિકને બોલાવ્યો. એણે મોત્સાર્ટના ચહેરાનું મોલ્ડ-બીબું લીધું; પણ એ જળવાયું નથી. કારણ કે થોડા સમય પછી આવેશમાં આવી જઈ કૉન્સ્ટાન્ઝેએ તે તોડી નાખેલું. તરત જ સમગ્ર વિયેનામાં મોત્સાર્ટના મૃત્યુના ખબર પ્રસરી ગયા. મોત્સાર્ટનો ડચ મિત્ર બેરોન તરત જ આવ્યો. એણે અંતિમ સંસ્કારવિધિ પાછળ ઓછામાં ઓછો ખર્ચ કરવાની કૉન્સ્ટાન્ઝેને સૂચના આપીને વિદાય લીધી. બે દિવસથી કાતિલ ઠંડી પડી જ રહી હતી. પણ હવે સુસવાટાભર્યા પવન સાથે જોરદાર બરફ વરસવો શરૂ થયો, જે કેમે કર્યો અટક્યો જ નહિ. એના અટકવાની બે દિવસ સુધી રાહ જોઈ જોઈને થાક્યા પછી આખરે એક સાદું કૉફિન ખરીદી મંગાવી છઠ્ઠીએ બપોરે ખભે કૉફિન ઊંચકીને વરસતા બરફ અને પવનની જોરદાર આંધીમાં સાડા ત્રણ ફૂટ ઊંચો બરફ ખૂંદતા ખૂંદતા પ્રતિસ્પર્ધી બુઝુર્ગ સાલિયેરી, શિષ્ય સુસ્માય૨, શીકેનેડ૨, જૉસેફાનો પતિ હોફર અને સ્વીટન મોત્સાર્ટના મૃતદેહને બે કલાકે સેંટ સ્ટીફન કથીડ્રલ લઈ ગયા. મૃતાત્માની શાંતિ માટે ટૂંકી પ્રાર્થના ફટાફટ પતાવીને પછી બીજો અડધો કલાક ફરી એનો બોજો ઊંચકીને ગરીબો માટેના સેંટ માર્ક્સ કબ્રસ્તાનમાં એક સામૂહિક ખાડામાં પધરાવી આવ્યા ! કૉન્સ્ટાન્ઝે ઘેર જ રહેલી, એ થાકેલી બિચારી આ બરફની ભયંકર આંધીમાં આવી શકેલી નહિ. (એ પછી સત્તર વરસે એણે 1808માં મૃત પતિનું કૉફિન શોધવાનો વ્યર્થ પ્રયત્ન કરેલો; એ આજે પણ શોધી શકાય એમ નથી.) એના શોકમાં ચર્ચમાં સમૂહપ્રાર્થના યોજવાનું વિયેનાવાસીઓને સૂઝ્યું નહિ. પણ એની ચાહક અને એની પાછળ પાગલ નગરી પ્રાહાના નગરજનોએ એ પ્રાર્થના યોજી. એમાં મોત્સાર્ટની ફૅન ડુશેકે ગાયું અને એ રડી પણ ખરી.

મૃત્યુ પશ્ચાત્

મૃત્યુ વખતે મોત્સાર્ટ વિયેના દરબારનો પગારદાર નોકરિયાત હતો. એના વાર્ષિક 800 ગલ્ડનના પગારમાંથી એક તૃતિયાંશ 266+23 ગલ્ડનની રકમ કોર્ટે કૉન્સ્ટાન્ઝેને વાર્ષિક પેન્શન તરીકે ચૂકવવા દરબારને હુકમ કર્યો. આ રકમમાંથી અને મોત્સાર્ટના સંગીતની રૉયલ્ટીમાંથી એ પોતાનો અને પોતાનાં બે બાળકોનો સુખરૂપ ગુજારો કરી શકી. 1790થી એની પોતાની માલિકીનું મકાન પણ એની પાસે હતું. (એ પિયરમાંથી ભેટ મળેલું.) ધીમે ધીમે પ્રકાશકો મોત્સાર્ટની કૃતિઓ પ્રગટ કરવા માટે માગણી કરવા માંડ્યા. યુરોપભરમાં મોત્સાર્ટ માટે આદર અને પ્રશસ્તિ પ્રગટ થવા શરૂ થયાં તથા 1799માં પ્રકાશક આન્દ્રેએ મોત્સાર્ટની અપ્રકટ કૃતિઓના પ્રકાશન માટે કૉન્સ્ટાન્ઝેને 16,000 ગલ્ડન ચૂકવ્યા; છેક ત્યારે એને થોડી આછીપાતળી ઝાંખી થઈ કે એ કોઈ મહાન અને ભવ્ય માણસને પરણેલી ! હવે જ યુરોપભરમાં ધીમે ધીમે મોત્સાર્ટના સંગીતની ભજવણીઓ તથા સંશોધનો શરૂ થયાં. ક્લેરિનેટ વાદક સ્ટેડલરે મિત્ર મોત્સાર્ટે પોતાને માટે લખેલી ક્લેરિનેટ કૃતિઓના વાદનના જાહેર જલસા કરી એની કમાણી કૉન્સ્ટાન્ઝેને આપી.

બીથોવને પણ એક વાર મોત્સાર્ટના થોડા પિયાનો કન્ચર્ટોનો એક જલસો કરેલો, એ જલસાની રૉયલ્ટીની રકમ તેણે કૉન્સ્ટાન્ઝેને મોકલેલી. હવે એક ઉત્તમ ચૅલીસ્ટ અને સંગીતના રસિયા એવા લિપ્ઝિકના રાજા ફ્રીડરિખ વિલિયમ બીજાએ જાહેર કર્યું કે 1789માં મોત્સાર્ટ લિપ્ઝિક આવેલો ત્યારે તેણે લિપ્ઝિક ઑર્કેસ્ટ્રાના ડાયરેક્ટરની પદવી મોત્સાર્ટને આપવાની દરખાસ્ત કરેલી; પણ મોત્સાર્ટે તે ઠુકરાવેલી. આવી દરખાસ્તનો ઉલ્લેખ મોત્સાર્ટે ક્યાંય પણ કર્યો નહિ હોવાથી તેની સત્યાસત્યતાની ખાતરી થઈ શકતી નથી. સાલ્ઝબર્ગમાં જ્યાં મોત્સાર્ટનો જન્મ થયેલો તે ગૅટ્રીડેગાસે શેરીનું નવ નંબરનું મકાન મોત્સાર્ટ મ્યુઝિયમમાં ફેરવાયું. મોત્સાર્ટની જિંદગી ભલે ટૂંકી હતી, માત્ર પાંત્રીસ વરસની; પણ તેની કારકિર્દી ટૂંકી નહોતી, તે અઠ્ઠાવીસ વરસ લાંબી હતી !

1797માં કૉન્સ્ટાન્ઝે વિયેના ખાતેના ડૅનિશ એલચી જ્યૉર્જ નિકોલસ નીસેનને મળેલી. એ બંને પ્રેમમાં પડ્યાં. એ વખતે નીસેન છત્રીસ વરસનો હતો. એની સાથે કૉન્સ્ટાન્ઝેએ લગ્ન વિના રહેવું શરૂ કરેલું, પણ 1809માં એ બંને કૉપનહેગનમાં પરણી ગયાં; અને ત્યાં જ એ બંને 1819 સુધી રહ્યાં. પણ એ વર્ષે નીસેન ત્યાંની નોકરીમાંથી નિવૃત્ત થતાં આ યુગલ 1820થી સાલ્ઝબર્ગ આવી સ્થિર થયું. 1826માં નીસેન અવસાન પામ્યો. સાલ્ઝબર્ગમાં એના જીવનનાં છેલ્લાં છ વરસ મોત્સાર્ટના જીવન અંગે સંશોધન કરવામાં વીતેલાં. એણે ભેગી કરેલી માહિતી એના અવસાન પછી બે વરસે 1828માં મોત્સાર્ટની પ્રથમ જીવનકથા તરીકે પ્રગટ થઈ. કૉન્સ્ટાન્ઝેએ નીસેનને સાલ્ઝબર્ગમાં લિયોપોલ્ડની કબરમાં દફનાવ્યો. પાંત્રીસ વરસ પહેલાં મોત્સાર્ટને એણે લિયોપોલ્ડની કબરમાં શા માટે ન દફનાવ્યો ?

મોત્સાર્ટનાં બચેલાં ત્રણ બાળકોમાંથી બાળપણ વળોટીને બે મોટાં થયાં. મોટો પુત્ર કાર્લ (સપ્ટેમ્બર 17, 1784 - ડિસેમ્બર 31, 1858) થોડા વખત માટે સંગીતમાં ફાંફાં મારીને સરકારી નોકરીમાં સ્થિર થયો. એણે આખી જિંદગી ઇટાલીમાં ગુજારી અને મિલાનમાં મૃત્યુ પામ્યો. નાનો પુત્ર ફ્રાન્ઝ ઝેવર વુલ્ફગૅન્ગ (જુલાઈ 26, 1791 જુલાઈ 29, 1844) બુઝુર્ગ હાયડન હેઠળ તાલીમ લઈને સારો પિયાનોવાદક બન્યો. બંને આજીવન અપરિણીત રહ્યા અને નિઃસંતાન મૃત્યુ પામ્યા. બાળકોના ઉછેરની ચિંતા પણ મોત્સાર્ટે કરેલી. પુત્ર કાર્લની રેઢિયાળ સ્કૂલથી મોત્સાર્ટ થાક્યો હતો. એ સ્કૂલમાંથી તેને ઉઠાડી લઈ બીજી કોઈ સારી સ્કૂલમાં એને બેસાડવાની એની ઇચ્છા હતી. કટાક્ષમાં મોત્સાર્ટે કહેલું : “દુનિયાને સારા ખેડૂતો પૂરા પાડવાની ચિંતા જ એ સ્કૂલને છે.”

મોત્સાર્ટના મૃત્યુ પછી કૉન્સ્ટાન્ઝે પચાસ વરસ સુધી – 1842 સુધી જીવી; છતાં 1829 સુધી – મોત્સાર્ટના મૃત્યુ પછી આડત્રીસ વરસ સુધી – જીવેલી મોત્સાર્ટની બહેન નૅનર્લ સાથે એને કોઈ સંપર્ક નહોતો. એ બંને મળ્યાં પણ નહિ. કૉન્સ્ટાન્ઝેએ જીવનના અંતિમ વર્ષમાં કહેલું : “મારા બંને પતિઓમાંથી વધુ પ્રેમાળ કોણ એ નક્કી કરવું મારે માટે મુશ્કેલ છે. મારું ચાલે તો હું બંને સાથે રહેવા ચાહું.”

બ્રિટિશ સંગીતકારોએ મોત્સાર્ટના મૃત્યુ પછી મોત્સાર્ટના સંગીતનું ગાયનવાદનમંચન કરી રૉયલ્ટીની રકમો કૉન્સ્ટાન્ઝેને મોકલવા માંડી એ જોતાં એવું લાગે છે કે લંડનથી મળેલા આમંત્રણનો સ્વીકાર કરી મોત્સાર્ટે કોઈ પણ રીતે પૈસા ઉધાર લઈ લંડન પહોંચી જવા જેવું હતું. કદાચ બ્રિટનની સંગીતપ્રેમી પ્રજાએ મોત્સાર્ટને આટલા બધા ક્રૂર સંજોગોમાં મરવા દીધો હોત નહિ જ ! સાલિયેરીએ પોતાના મૃત્યુ અગાઉ કોઈ પાદરી સમક્ષ પોતાના મહાપાપનો એકરાર કર્યો. આ મહાપાપ તે મોત્સાર્ટના જીવનમાં પોતે ઓકેલું ઝેર. બનેલું એવું કે નૅનર્લ સોળ વરસની થઈ પછી પિતા લિયોપોલ્ડે તેની જાહેર જલસાની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધેલો; માત્ર મોત્સાર્ટ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરેલું, પછી લિયોપોલ્ડ નૅનર્લને કોઈ પણ સંગીતપ્રવાસે લઈ ગયેલો નહિ. નૅનર્લે માત્ર સંગીતનાં ટ્યૂશનો વડે જ સંતોષ માનેલો. મહાન ભાઈને ચોમેર મળતી વાહવાહ અને નામનાની એને કદી અદેખાઈ આવેલી નહિ. લિયોપોલ્ડે ભલે નૅનર્લની મૌલિક સંગીત રચનાઓમાં રસ લેવાનું બંધ કરેલું, પણ મોત્સાર્ટે એમાં રસ લેવાનો ચાલુ રાખેલો. નૅનર્લને તેના પતિથી પુત્ર જન્મેલો ખરો પણ તે બે મહિનામાં જ મરણ પામેલો. નૅનર્લનાં અંતિમ વર્ષોમાં તેની બીમારીને ધ્યાનમાં લઈને બ્રિટિશ સંગીતકારોએ નાણાકીય મદદ પણ મોકલેલી. મોત્સાર્ટના મૃત્યુ પછી બીજે જ વર્ષે નૅનર્લે કહેલું :

સંગીત સિવાયના જીવનનાં તમામ પાસાંઓમાં મોત્સાર્ટ મોટા થયા પછી પણ વત્તેઓછે અંશે બાળક જ રહેલો. આ જ તેના જીવનનું એક નકારાત્મક પાસું ગણી શકાય. માતા, પિતા કે બીજા બુઝુર્ગની જરૂર તેને હરહંમેશ રહેતી જ. એને પૈસાની તો ગતાગમ જ નહોતી. આવે તે પહેલાં જ પૈસા તેના હાથમાંથી સરકી જતા. પિતાની ઇચ્છા વિરુદ્ધ તેણે એક એવી છોકરી સાથે લગ્ન કર્યું જે તેને લાયક નહોતી.

ઓગણીસમી સદીના આરંભથી જ એક વિષય તરીકે મોત્સાર્ટે સાહિત્યકારો અને સંગીતકારોનું ધ્યાન ખેંચેલું. મહાન રોમૅન્ટિક કવિ પુશ્કિને ‘મોત્સાર્ટ ઍન્ડ સાલિયેરી’ નામનું રશિયન ભાષામાં પદ્યનાટક લખ્યું. મોત્સાર્ટને શક હતો કે પ્રતિસ્પર્ધી બુઝુર્ગ સાલિયેરી ઈર્ષ્યાના આવેશમાં આવી જઈ પોતાને ઝેર પણ પિવડાવે. આ શક્યતા આ નાટકનો તથા રિમ્સ્કી-કોર્સાકોવના એક ઑપેરાનો વિષય છે. વુલ્ફગૅન્ગ હિલ્ડેશીઝરે 1971માં મોત્સાર્ટની જીવનકથા લખી. તેના આધારે પીટર શેફરે 1979માં નાટક ‘એમેડિયસ’ ભજવ્યું. એમાં મોત્સાર્ટનું બાળસહજ નિર્દોષ માનસ પ્રગટ થાય છે. એના પરથી મિલોસ ફોર્મેને 1984માં ફિલ્મ ‘એમેડિયસ’ બનાવી, જેને પાંચ ઑસ્કાર ઍવૉર્ડ મળ્યા. એમાં મુખ્ય ત્રણ પાત્રો હતાં :

મોત્સાર્ટ – ટૉમ હુલ્સ; કૉન્સ્ટાન્ઝે – એલિઝાબેથ બૅરિજ; સાલિયેરી – મુરે એબ્રાહમ.

  1. * મોત્સાર્ટ કટુંબના સભ્યોએ લખેલા પત્રોના ઈ. એન્ડર્સને કરેલા સંપાદનની ત્રીજી આવૃત્તિ થઈ છે : ‘ધ લેટર્સ ઑફ મોત્સાર્ટ ઍન્ડ હિઝ ફૅમિલી’, 1985.
  2. * સૂરાવલિના સૂરો અવળા ગોઠવી મૂળ સૂરાવલિ સાથે તેનું સંયોજન કરી સર્જાતી શૈલી.
  3. * હાર્પીસ્કોર્ડ અને પિયાનોફોર્તે એ બંને વાજિંત્રો માટે ક્લેવિયર શબ્દ વપરાય છે. અઢારમી સદીના પૂર્વાર્ધમાં હાર્પીસ્કોર્ડનું ચલણ વ્યાપક હતું, પણ એ સદીના ઉત્તરાર્ધમાં એનું સ્થાન પિયાનોફોર્તેએ લીધું.
  4. * આખું નામ : મારિયા આના વાલ્બુર્ગા ઇગ્નાતિયા.
  5. *આ એન્તોનીતે મોટી થઈને ફ્રાંસની રાણી બનેલી ત્યારે ભૂખમરાથી થાકીને ફ્રાંસની ગરીબ પ્રજાએ આ રાણીને ફરિયાદ કરી કે તેમને ખાવા બ્રેડ પણ મળતી નથી. તેમને ‘બ્રેડ ના મળે તો કેક શા માટે ખાતા નથી ?’ એવી સલાહ આપનાર રાણી તે આ જ.
  6. * હકીકતમાં મોત્સાર્ટ એ વખતે સાત વરસ પૂરાં કરી ચૂકેલો.
  7. *કાસ્ટ્રાટી : અઢારમી સદીના અંત સુધી યુરોપમાં કાસ્ટ્રાટી સંગીતકારોની પરંપરા ટકી. કાસ્ટ્રાટી એટલે ‘ખસી કરેલ’. ઊંચાં સપ્તકોમાં તીણા અવાજે સુંદર ગાવામાં માહિર બાળકોને એ જમાનામાં બાર વરસની ઉંમર પહેલાં ખસી કરી નાંખવામાં આવતાં, જેથી કોઈ મર્દાના લક્ષણ પ્રકટે નહિ અને ફાટ્યા વિના આજીવન જ સ્ત્રૈણ તીણો અવાજ ટકે.
  8. *મૂળ કથા : કાર્લો ગોલ્દીની, લિબ્રેતો : માર્કો કોલ્તેની.
  9. ★ મૂળ કથા : ફ્રેંચ સાહિત્યકાર રોસોની ‘લે દેવીં દુ વિલાજ’. અહીં ગ્રામીણ છોકરા છોકરીની પ્રેમકથાનું આલેખન છે.
  10. * મૂળ નાટ્યકાર રેસિને. લિબ્રેતો : મેતાસ્તાસિયો (1698-1782).
  11. * લિબ્રેતો : મેતાસ્તાસિયો.
  12. + ફ્યુગ : એકથી વધુ કાઉન્ટરપૉઇન્ટ વડે રચાતી સંકુલ કૃતિ
  13. * લિબ્રતો: મેતાસ્તાસિયો.