મોરલી વાજે રે મીઠી મોરલી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
મોરલી વાજે રે મીઠી મોરલી
પ્રેમાનંદ સ્વામીમોરલી વાજે રે મીઠી મોરલી વાજે,
સાંભળને શામળિયાજીની મોરલી વાજે... ટેક

મીઠે સ્વરે મોહનજીની મોરલી ગાજે,
સાંભળતાને સૈયર મારું દિલડું દાઝે... ૧

આવે રે અલબેલો વીંટ્યા ગોવાળે ઝાઝે,
ગાતાં આવે ગિરિધર સુંદર સમાજે... ૨

મોરમુગટ કાને કુંડળ વરમાળા રાજે,
ધર્મકુંવર નીરખી કોટિ કંદર્પ લાજે... ૩

પીતાંબરની પલવટ વાળી છત્ર શિર છાજે,
પ્રેમાનંદનો વા'લો ચાલો જોવાને કાજે... ૪