લખાણ પર જાઓ

યુગવંદના/ઈજન

વિકિસ્રોતમાંથી
← યાચના યુગવંદના
ઈજન
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
એકલો →


ઈજન


આવો વ્હાલભરી વેદનાઓ આવો,
– કે બહુ દિનથી વાટો જોઈએ, વાટો જોઈએ.
આવો, લોડભરી યાતનાઓ આવો,
– કે બાથ ભરી ભેટી લઈએ, ભેટી લઈએ.

આવો નવ નવ નિષ્ફળતાને ચાંદલે,
આવો નેન ભરી નિન્દાને કાજળે,
આવો વૈર તણે ઘાટે અંબોડલે,
– કે હેરી હેરી નીરખી લઈએ, નીરખી લઈએ. — આવો૦

આવો હાંસી-અપમાનોની કુંજમાં,
આવો બદનામી કેરા ફૂલપુંજમાં,
આવો પથભૂલ્યા જીવનની મોજમાં,
– કે કાળી રાત સાથે રહીએ, સાથે રહીએ. — આવો૦

આવો મૃત્યુને કલ્લોલિત કાંઠડે,
ઘોર આકાંક્ષાની જ્યાં ભરતી ચડે,
આવો ફૂટ્યા ઉલ્લાસ તણે નાવડે,
– કે સામે તટ ચાલ્યાં જઈએ, ચાલ્યાં જઈએ. — આવો૦

આવો, અંધારી યાતનાઓ આવો,
– કે બાથ ભરી ભેટી લઈએ, ભેટી લઈએ.
ઘેલી, એક પછી એક શાને આવો !
– કે જુગજુગથી વાટો જોઈએ, વાટો જોઈએ.
ભલે લાખ લાખ વૃંદ વળી આવો,
– કે બાથ ભરી ભેટી લઈએ, ભેટી લઈએ.
આવો, વ્હાલભરી વેદનાઓ આવો,
– કે ક્યાંક સુધી વાટો જોઈએ, વાટો જોઈએ !