યુગવંદના/બાળુડાંને

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રત્યેક વર્ષે યુગવંદના
બાળુડાંને
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
ટિપ્પણ →
બાળુડાંને
[છંદ : પૃથ્વી]


હતાં સમજણાં છતાં નવ હતું તમે પૂછિયું :
'ક્યહાં ગઈ, શું કામ માં ગઈ, રિસામણું શું થયું?'
અરે, જગતભેદતી કરુણ ચીસ પે ચીસનાં
તમેય પ્રતિઘોષ થૈ રગરગ્યાં; છતાં બાપનાં
વિનંતિવશ બાલ ! મોં નીરખવાય ના આવિયાં,
વિશુદ્ધ ઇતબારનાં હૃદય રાખી ચાલ્યાં ગયાં.

ઢળ્યો દિવસ, વેદના પણ ઢળી, ભભૂકી ચિતા :
થયું સકલ ખાક : હોંશ ભરિયાં ઘરે આવતાં
તમે ઉભય ખેલીને : 'જમણ બા હશે રાંધતી’
કહી ઘર ભમી વળ્યાં, શમશમ્યાં ઉરે : બા નથી !

હશે ઇસપતાલમાં ? દરદ કાંઈ ઓછું થયું ?
ચલો, મળીશું ? કેમ ના ઉચરતા? કહો, શું થયું?
કહ્યું શરમથી, હવે જગતમાં નથી બા રહી :
ગઈ, પણ વિદાયમાં કપટ ખેલતી બા ગઈ.

ગઈ ? સુણી જરીક રડિયાં : પિતા વીનવે,
ન કો દી કટુ બોલડા કહીશ, બા વિસારો હવે !
અઢી વરસથી તમે ચુપ જબાનનો કોલ એ
પળ્યાં પલપલે, પળ્યાં સ્વપનમાં – અને હાય, મેં?

પિતા શિશુ બન્યો : શિશુ ! બની રહ્યાં તમે તાત-શાં.
નથી ખબર, અંતરે અગન કેટલી પી હસ્યાં !
સભાન સહતાં, નથી મતિહીણાં, અહો બાળુડાં !
લહો નમન તાતનાં, પ્રિય મહેન્દ્ર, પ્રિય ઈન્દિરા !