યુગવંદના/વીર બંદો

વિકિસ્રોતમાંથી
← આખરી સંદેશ યુગવંદના
વીર બંદો
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
સૂના સમદરની પાળે →


વીર બંદો
[ચારણી છંદની ઢબે]


એક દિન પંચસિંધુને તીર
હાક સંભળાઈઃ જાગિયા વીર –
શીખ બેટડા બાંધીને કેશ
સળવળ્યા સુણી ગુરુ-આદેશ;
મેલી મમતા કુટુંબ ઘરબાર
ભૂલી ભય દીવ મૃત્યુને ડાર;

ડારી મૃત્યુભય 'જય ગુરુ’ શબ્દ હજાર કંઠ થકી ગુંજે,
નૂતન શીખની નયનમીટ મંડાય નવઅરુણપુંજે.
તે દિન પંચસિંધુને તીર
સળવળ્યા મુક્તકેશ શૂરવીર.

*

‘નિરંજન અલખ ! નિરંજન અલખ !'
ઊઠે એ ઘોષ ભવ્ય હર પલક :

કમર પર કસકસેલ તલવાર
ઉરઉર દેતી હર્ષ-થડકાર
રણઝણે : પંચસિંધુને ગગન
લાગી રહી ‘અલખ' નાદની લગન :

'અલખ નિરંજન : અલખ નિરંજન' વદે વ્યોમ દિગ્પાલ
નૂતન શીખના એહ નાદને ઝીલે કાલ કરાલ.

એક દિન પંચસિંધુને તીર
હૂકળ્યા શીખ-બેટડા ધીર.

*

આવિયો વિરલ એક એહી દિન
જે દિને લાખ હૃદય ભયહીન

બને બેફિકર તમન્ના ત્યજે,
કુશંકા કરી દૂર સત ભજે,
ચુકાવી ઋણ નીસરે બા'ર
પ્હોંચવા તલસ તલસ ઉર પારઃ

જીવનમૃત્યુ દ્વય હાથ જોડીને કે માનવી-પાય,
એક એહવા વિરલ દિવસનાં પુનિત વ્હાણલાં વાય.

એકદિન પંચસિંધુને તીર
ઝબકિયા સત્ અકાલના વીર.

*

દિલ્હીના મહલ તણે કાંગરે
જુવો રે જુવો ઝરૂખા પરે,
દિલ્લીપત તણી નીંદ ઊડી જાય
રાતભર હુકાર સંભળાય,
કોણ કંઠના કારમા ઘોષ
સાંભળી ગગન કરે આક્રોશ ?
અર્ધરાત્રિની તિમિર ઘનઘટા
ચીરતા કવણ તણા વાવટા?

ગહન ગગનના વિમલ ભાલ પર ભડકી ઊઠે કરાલ :
નજીક, હાય હા, નજીક આવી રહી લાખમલાખ મશાલ.

એક દિન પંચસિંધુને તીર
શૌર્યના લહેરી ઊઠ્યા સમીર.

*

જુદ્ધ મહીં મસ્ત શીખ ને મુગલ
ભેટિયા મરણબાથ ભરી જુગલ
એકએકની જોડ બંધાયઃ
બથોબથ ગળાં, આંટી દઈ પાય
લડે જ્યમ કાતિલ ગરુડ ભુજંગ
તોડતા અરસપરસ દોઈ અંગ.

'જય ગુરુ ! જય ગુરુ ! પડે ગંભીરા શીખ તનુજની ત્રાડ,
રક્તપિપાસુ મત્ત મુગલના 'દીન દીન’ જુદ્ધપુકાર.

એક દિન પંચસિંધુને તીર
મચી ગઈ શહીદ-શબોની ભીડ.

*

તહીં ગુરુદાસનગરને ગઢે
મુગલદળ મારમાર કર ચઢે,
શીખોનો શૂર બંદો પકડાય,
જકડી જંજીર દિલ્હી લઈ જાય;
સાત શત બંદીવાન કેસરી
ચાલિયા લટ મોકળી કરી,
કદમમાં ઝણણ જંજીરો બજે
મુખેથી 'જય ગુરુ ! જય ગુરુ !' ભજે.

છિન્ન શીખોનાં મુંડ ચડાવી ભાલા પર, નિજ ભોમ
ચલે મોખરે મુગલ-ફોજ: રજડમર ધૂંધળો વ્યોમ.

એક દિન ગુરુદાસપુર ગઢે
સાત સો વીર બત્રીસા ચઢે.

*

દિલ્લીના થર થર કારાગાર,
આદર્યા કેદી તણા સંહાર :
સાત શત મૃત્યુપ્રેમી જિદ ચઢે,
'પ્રથમ હું', ‘નહિ, પ્રથમ હું' વઢે.
રાતભર પ્રથમ મોતની ફિકર :
પ્રભાતે ચડી જાય બેફિકર :

ઘાતક દળનાં ખડગ હેઠ પર ઉદયકાળ ઝૂકનાર,
ધડથી જુદાં જપે માથડાં ગુરુના જયજયકાર.

એક દિન મચી ગઈ તકરાર
'પ્રથમ હું, પ્રથમ હું જ મરનાર.'

*

કતલનો દિવસ સાતમો થયો,
બાકીમાં એક બંદો રહ્યો.
દિલ્હીપત અજબ તમાશો રચે,
નીરખવા મુગલ-મેદની મચે;
લાડકો વીર બંદાનો બાળ
ચાર વર્ષનો સૌમ્ય સુકુમાર
કાજીએ પિતૃખોળલે દીધ;
મશ્કરી-બોલ લ્હેરસું કીધઃ

'ઊઠો ઊઠો ઓ ધર્મપુરુષ ! ઓ મૃત્યુજિત અણવર :
કરો કતલ નિજ હાથ પુત્રની : નિરખી થશું નિહાલ.'

એક દિન દિલ્હી તણે દરબાર
તમાશો રચે મુગલ સરદાર.

*

શીખવર વદ્યો ન એક વચન,
માત્ર મલકિયાં તેજભર નયન,
ખેંચી નિજ પાસ રુદે ચાંપિયો,
બાળને શિરે હાથ રાખિયો,
પલકભર ચૂખ્યું પુત્રનું ભાલ
સુંવાળું સુંદર લાલ ગુલાલ :
કમરથી પછી ખેંચિયો ધીરે
જમૈયોઃ ઝળહળ જ્યોતિ ઝરે.

લળી પુત્રને વદન, કાન મહીં વઘો આખરી વાત:
‘જય જય ગુરુનો જપો, બેટડા ! ભય નવ કરજે તાત !'



એક દિન બાપ છુરી લઈ કરે
પુત્રને હૃદય અભય-રસ ભરે.

*

પુત્રનું મુખ – ગુલાબ ફૂલકળી –
અભયને કિરણ ઊઠ્યું ઝળહળી.
બાપને નીરખી બાળુડો ગાય
– સભાસ્થળ સાંભળી થરથર થાય –
'પિતાજી ! ભય નહિ : જય ગુરુજીનો,
‘પિતા ! વિણ ભયે પુત્રને હણો,
‘પિતા નવ કરો પલક પણ વાર,
'પિતાજી ! જય ગુરુઃ જય શ્રી અકાલ !'

વામ બાહુની બાથ ભરી શિશુ ગૃહિયો ગોદની માંય,
કર જમણે લઈ છુરી હુલાવી, બાલ ધરણી પટકાય.

એક દિન મરતા શિશુને મુખે
બોલડા “જય ગુરુ ! જય ગુરુ !' ઊઠે.

*

સ્તબ્ધ મેદિની: શબ્દ નવ સરે :
બાલની લાશ પડી તરફડે :
ધગેલી લાલ ચટક સાંડસી
સાહી કર ઊઠ્યા ઘાતકો હસી.
ઊતરડ્યાં બંદા-તનથી માંસ
ગીધડાં જમે જેમ નિજ ગ્રાસ.
 
અડગ રહીને મર્યો વીર, નવ વદ્યો 'અરર' તલભાર,
શત્રુનયન આંસુડાં લૂછતાં રહ્યાં સ્તબ્ધ સૂનકાર.

એક દિન પંચસિંધુને તીર
'અભય'નાં ચઢ્યાં આભ લગ નીર.