યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો,
ને આદરો તમે અભ્યાસ રે,
હરિ ભાળવા હોય તો હિંમત રાખો,
જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ રે ... યોગી.

રજોગુણી તમોગુણી આહાર ન કરવો,
ને સ્વપ્ને ન કરવી આશ રે,
સત્વગુણી આહાર કાયમ કરવો જેથી,
થાય બેઉ ગુણનો નાશ રે ... યોગી.

સત્વગુણમાં ભેદ છે મોટો,
એક શુદ્ધ, બીજો મલિન કે'વાય રે,
મલિન ગુણોનો ત્યાગ કરવો
જેથી પરિપૂર્ણ યોગી થવાય રે ... યોગી.

વિદેહદશા તેહની પ્રગટે,
જે ત્રણે ગુણથી થયો પાર રે;
ગંગાસતી એમ જ બોલિયાં રે,
જેનો લાગ્યો તૂરિયામાં તાર રે ... યોગી.