લખાણ પર જાઓ

રચનાત્મક કાર્યક્રમ/કોમી એકતા

વિકિસ્રોતમાંથી
← પ્રાસ્તાવિક‎ રચનાત્મક કાર્યક્રમ
કોમી એકતા
મોહનદાસ કરમચંદ ગાંધી
અસ્પૃશ્યતાનિવારણ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


૧. કોમી એકતા

કોમી એકતાની જરૂર સૌ કોઈ સ્વીકારે છે. પણ બધા લોકોને હજી એટલી સમજ નથી પડી કે એકતાનો અર્થ કેવળ રાજકીય એકતા નથી. રાજકીય એકતા બળજબરીથી પણ લાદી શકાય. એકતાનો સાચો અર્થ છે દિલની તોડી તૂટે નહીં તેવી દોસ્તી. એવી જાતની એકતા સિદ્ધ કરવાને માટે સૌથી પહેલી જરૂર એ છે કે મહાસભાવાદી ગમે તે ધર્મનો હોય પણ હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, યહૂદી વગેરે સૌને પોતાના પ્રતિનિધિ સમજે; એટલે કે ટૂંકમાં હિંદુ કે બિનહિંદુ સૌનો પોતે પ્રતિનિધિ છે એમ માને. હિંદુસ્તાનના કરોડો વતનીઓ પૈકીના એકેએકની સાથે તે આત્મીયતા અનુભવે; એટલેકે તેનાં સુખદુઃખનો હું ભાગીદાર છું એમ સમજે. આવી આત્મીયતા સિદ્ધ કરવાને સારુ એકેએક મહાસભાવાદી પોતાના ધર્મથી જુદો ધર્મ પાળનારા લોકો સાથે અસંગત દોસ્તી બાંધે . વળી તેને પોતાના ધર્મને માટે જેવો પ્રેમ હોય તેવો જ તે બીજા ધર્મો પર રાખે.

આ જાતની આપણી સુખદ સ્થિતી હશે ત્યારે રેલ્વેના સ્ટેશનો પર આજે આપણને શરમાવનારી ‘હિન્દુ ચા’ ને ‘મુસ્લીમ ચા’ તથા ‘હિંદુ પાણી’ ને ‘મુસલમાન પાણી’ જેવી બૂમો પડે છે તે સાંભળવાની નહીં હોય વળી તે સ્થિતીમાં આપણી નિશાળોમાં ને કૉલેજોમાં હિંદુની ને બિનહિંદુની પાણી પીવાની જુદી ઓરડી કે જુદાં વાસણો કોમી નિશાળો, કોમી કૉલેજો કે કોમી ઇસ્પિતાલો પણ નહીં હોય. આવી ક્રાંતિની શરૂઆત મહાસભાવાદીઓએ કરવી જોઇશે અને સાથે સાથે પોતાના યોગ્ય વર્તનથી તેમણે કોઈ રાજકીય ફાયદો મેળવી લેવાનો ખ્યાલ છોડી દેવો જોઈએ. રાજકીય એકતા તો તેમના સાચા વર્તનમાંથી કુદરતી રીતે આવીને ઊભી રહેશે.

આપણે લાંબા વખતથી એમ માનવાને ટેવાયા છીએ કે પ્રજાને સત્તા કેવળ ધારાસભાઓ મારફતે મળે છે. આ માન્યતાને હું આપણી એક ગંભીર ભૂલ માનતો આવ્યો છું. એ ભ્રમનું કારણ કાં તો આપણી જડતા છે, કાંતો અંગ્રેજોના રીતરિવાજોએ આપણા પર જે ભૂરકી નાખી છે તે છે. બ્રિટિશ લોકોના ઈતિહાસના ઉપરચોટિયા અભ્યાસ પરથી આપણે એવું સમજ્યા છીએ કે, રાજ્યતંત્રની ટોચે આવેલી પાર્લમેન્ટોમાંથી સત્તા ઝમીને પ્રજાની અંદર ઊતરે છે. સાચી વાત એ છે કે, સત્તા લોકોમાં વસે છે, લોકોની હોય છે, અને લોકો પોતાના પ્રતિનિધિઓ તરીકે વખતો વખત જેમને પસંદ કરે છે તેમને તેટલા વખત પૂરતી તેની સોંપણ કરે છે. અરે, લોકોથી સ્વતંત્ર એવી પાર્લમેંન્ટોની સત્તા તો શું, હસ્તીયે હોતી નથી. છેલ્લાં એકવીસથીયે વધારે વર્ષોથી આટલી સીધીસાદી વાત લોકોને ગળે ઉતારવાને હું મથ્યા કરું છું. સત્તાનો અસલ ભંડાર તો સત્યાગ્રહ અથવા સવિનય ભંગની તાકાત છે. એક આખી પ્રજા પોતાની ધારાસભાના કાયદાઓ પ્રમાણે ચાલવાનો ઈનકાર કરે, અને એવા સવિનયભંગના પરિણામો વેઠવાને તૈયાર થાય તો શું થાય તેની કલ્પના કરો! એવી પ્રજા સરકારના ધારાસભાના ને વહીવટી તંત્રને આખું ને આખું થંભાવી દેશે. સરકારનું , પોલીસનું ને લશ્કરનું બળ, ગમે તેવી જબરી હોય તો પણ લઘુમતીને દબાવવા પુરતું જ કામ આવે છે. પણ આવી પડે તે બધું સહન કરવાને જે આખી પ્રજા તૈયાર હોય તેના દૃઢ સંકલ્પને નમાવવા કોઈ પોલીસની કે કોઈ લશ્કરની જબરદસ્તી કામ આવતી નથી.

વળી પાર્લમેન્ટની પદ્ધતિનો રાજવહીવટ પાર્લમેન્ટના બધા સભ્યો વધુમતીથી થયેલા નિર્ણયોને તાબે થવાને ખુશી હોય તો જ ઉપયોગી થાય છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે પાર્લમેન્ટની રાજ્યપદ્ધતિનો વહીવટ પરસ્પર અનુકૂળ સમૂહોમાં જ ઠીક ઠીક કામ આપે છે.

હવે અહીં હિંદુસ્તાનમાં બ્રિટિશ સરકારે કોમી ધોરણે અલગ અલગ મતદારમંડળો ઊભાં કર્યાં છે ને તેને લીધે જેમનો પરસ્પર મેળ ન ખાય એવા આપણા કૃત્રિમવાડાઓ બંધાઈ ગયાં છે; અને તે વ્યવસ્થામાં આપણે પાર્લમેન્ટની પદ્ધતિના રાજવહીવટનો ડોળ કરવા આવ્યા છીએ. આવા પરસ્પર મેળ વગરના જુદા જુદા કૃત્રિમ ઘટાકોને એક જ તખ્તા પર સમાન કાર્ય ને માટે ભેગા કરવાથી જીવન્ત એકતા કદી સિદ્ધ થવાની નથી. આ જાતની ધારાસભાઓ મારફતે રાજવહીવટનું કામ ગમે તેવું પણ ગબડતું રહે છે એ ખરું ; પણ તેમના તખ્તાઓ પર ભેગા થઈને આપણે અંદર અંદર ઝગડ્યાં કરવાના ને જે કોઈ આપણા પર હકૂમત ચલાવતા હોય તેમની પાસેથી વખતો વખત મળતા સત્તાના ટુકડાઓ વહેંચી ખાવાને તલપ્યા કરવાના . પેલા હકૂમત ચલાવનારાઓ આપણને સખત હાથે કાબૂમાં રાખે છે ને પરસ્પર વિરોધી તત્ત્વોને બાઝી પડતાં રોકે છે. આવી નામોશીમાંથી પૂર્ણ સ્વરાજ પ્રગટ થાય એ વાત હું અસંભવીત માનું છું.

ધારાસભાઓ અને તેમનાં કાર્યો વિશે મારા આવા કડક વિચારો છે; છતાં હું એવા નિર્ણય પર આવ્યો છું કે, જ્યાં સુધી ચૂંટણીથી રચાતી પ્રતિનિધિ સંસ્થાઓને માટે ખોટા ઉમેદવારો ઊભા રહે છે ત્યાં સુધી તે સંસ્થાઓમાં પ્રગતિવિરોધી લોકોને ઘૂસી જતા અટકાવવાઅને કૉંગ્રેસે પોતાના ઉમેદવારો ઊભા રાખવા જોઈશે.