રણયજ્ઞ/કડવું ૬
← કડવું ૫ | રણયજ્ઞ કડવું ૬ પ્રેમાનંદ |
કડવું ૭ → |
કડવું ૬ રાગ મેઘમલાર
પ્રહસ્ત પ્રત્યે રાવણ બોલ્યો, કરી મોટું મન, મંત્રી;
હું કહું તેને આપો વહેંચી, રથ હસ્તી વાહન, મંત્રી. ૧
વજ્ર થકી જે અશ્વ ઉપન્યા, ઈંદ્રે આપ્યા જેહ, મંત્રી;
પાંચશે ઘોડા લઈને આપો, ઈંદ્રજીતને તેહ, મંત્રી. ૨
મહિષ મુખા તુરી સાત સહસ્ત્ર, ભેટ કીધા જમરાય, મંત્રી;
તે ઘોડા અતિકાયને આપો, અકાળ મૃત્યુ ન થાય, મંત્રી. ૩
ગાંધર્વ જાતિના વિશ્વકર્માએ, આપ્યા સોળ હજાર, મંત્રી;
તે કુંભકર્ણ ઘેર મોકલો,વહે અયુત મણ ભાર, મંત્રી. ૪
બે કોટી ઘોડા બળિરાજાનાં, ચાલે માયાની ચાલ, મંત્રી;
અંતરધ્યાનની વિદ્યા જાણે, તે જમાઈઓને આલ, મંત્રી. ૫
પાંચ કોટી જે પાણી પંથા, વરૂણવાળા વીર, મંત્રી;
તે મોકલી દો દાસ સંગાથે, દોહીત્રને મંદિર, મંત્રી; ૬
આઠ કૈટી અગ્નિના આપ્યા, ન દાઝે પાવકમાંય, મંત્રી;
તે બાણુ લાખને વહેચી આપો, જુદ્ધે સંગ લૈ જાય, મંત્રી; ૭
નવ કોટી નવ નાગે આપ્યા, મૂકે વિષની જ્વાળ, મંત્રી;
તે ભાણેજોને વહેચી આપો, નર વાનરના કાળ, મંત્રી. ૮
સમુદ્રના આપ્યા સપ્ત કોટી, જોતાં જળરૂપ થાય, મંત્રી;
તે સૌ પુત્રના પુત્રને આપો, લાડવાયા યુદ્ધે જાય, મંત્રી. ૯
ત્રણ કોટી હીમાચળવાળા, મેરૂ વાળા કોટી તેર, મંત્રી;
એક કોટી ઝવેર ઝરેછે, કરી ગયા ભેટ કુબેર, મંત્રી. ૧૦
બાર કોટી મયદાનવ વાળા, જે માયાવી અપાર, મંત્રી;
ત્રિશ કોટી બ્રહ્માએ આપ્યા, જે કરે પવનનો આ'ર, મંત્રી. ૧૧
પંચાશ કોટિ સૂરજના આપ્યા, તેજ તણો ભંડાર, મંત્રી;
બેતાળીશ કોટિ મંત્રીને આપો, બે બે વે'ચી તુખાર, મંત્રી. ૧૨
ચૌદ સહસ્ત્ર અગ્નીના આપ્યા કરે અગ્નીમાંય પ્રવેશ, મંત્રી;
તે કુંભકર્ણના સુતને આપો, બોલ્યા રાય લંકેશ, મંત્રી. ૧૩
એક લક્ષ ગણપતિના આપ્યા, જેથી પહોંચે અભિલાખ, મંત્રી;
દીવીદાર આશા રાખે છે, વે'ચી આપો લાખ, મંત્રી. ૧૪
ચાર સહસ્ત્ર ચંદ્રાવળી વાજી, તાપ દીઠે જાય, મંત્રી;
મારા રથને તે જોડાવો, બોલ્યા રાવણરાય મંત્રી. ૧૫
મનુષ્યરાજા જે પૃથ્વીના, જીત્યા રાજકુમાર, મંત્રી;
સાત કોટી જે સપ્તદ્વીપના, આપો સેવકને તુખાર, મંત્રી. ૧૬
મહાદેવે પંચ લક્ષ મોકલ્યા, નંદી લાવ્યો, કાલ;
યોગીના મુને ઘટે નહીં ને, દદામીને આલ, મંત્રી. ૧૭
વાયુના આપ્યા વાયુ વેગી, ઉડી જાણે આકાશ, મંત્રી;
તે બ્રાહ્મણને સૌ વે'ચી આપો, છે સહસ્ત્ર પંચાશ, મંત્રી. ૧૮
ત્રણ લાખ સાંઢ પવન વેગી, ઘડીયે શત જોજન જાય, મંત્રી;
તે રાક્ષસીઓને વે'ચી આપૈ, જે જુદ્ધ કરે રણમાંય, મંત્રી. ૧૯
પ્રાગજોતિક દેશ તણા જે, સોળ સહસ્ત્ર માતંગ, મંત્રી;
મગધ દેશના એક લક્ષ છે, ગિરિવર સરખાં અંગ, મંત્રી. ૨૦
સિંગલ દીપના સાત લક્ષ છે, તેને સજાવો શણગાર, મંત્રી;
નેજાં નગારાં ઢોલ ચઢાવો, સુંઢે બાંધી હથિયાર, મંત્રી. ૨૧
ભદ્ર જાતિના ખાસ હસ્તી, ઐરાવત કુળના જેહ, મંત્રી;
વીશ સહસ્ત્ર હારમાં ચાલે છે, ઉજ્વળ જેની દેહ, મંત્રી. ૨૨
દશ લક્ષ રક્ષ વિશ્વકર્માના, અશ્વ જોતર્યા ચાર, મંત્રી;
અંગરખાં સેવકને આપો, આયુધ સહિત શૃંગાર, મંત્રી. ૨૩
બીજા રથ મહાવીરને આપો, અતિરથને માતંગ, મંત્રી;
ધ્વજા કળશ અંકુશ અંબાડી, ઘમકે ઘંટા ચંગ, મંત્રી. ૨૪
વલણ
ચંગ મૃદંગ વાજીત્ર વાગે, વિરાજે રાક્ષસ રાયરે;
ભટ પ્રેમાનંદ કહે કથા, કમ સેના યુદ્ધે જાયરે.