રમીએ તો રંગમાં રમીએ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ,
મેલી દઈ લોકની મરજાદ રે,
હરિના દેશમાં ત્રિગુણ નવ મળે,
ન હોય ત્યાં વાદવિવાદ રે ... રમીએ

કર્તાપણું કોરે મૂકીને રમતાં
આવશે પરપંચનો અંત રે,
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
એમ કહે છે વેદ ને સંત રે ... રમીએ

સાંગોપાંગ એકરંગ થઈને રમો
લાગે નવ બીજો રંગ રે,
સાચાની સંગે કાયમ રમતાં
કરવી ભક્તિ અભંગ રે ... રમીએ

ત્રિગુણરહિત થઈ કરે નિત કરમ
એને લાગે નહીં કર્તાપણાનો ડાઘ રે,
ગંગા સતી એમ બોલિયાં પાનબાઈ
તેને નડે નહીં કરમનો ભાગ રે ... રમીએ