લખાણ પર જાઓ

રસધાર ૩/પરિશિષ્ટ ૧ : સોરઠી ભાષાનો કોશ

વિકિસ્રોતમાંથી
← પિંજરાનાં પંખી સૌરાષ્ટ્રની રસધાર ૩
પરિશિષ્ટ ૧ : સોરઠી ભાષાનો કોશ
ઝવેરચંદ મેઘાણી
પરિશિષ્ટ ૨ : કાઠી અને ચારણી ભાષાની ખાસિયતો →


પરિશિષ્ટ ૧
સોરઠી ભાષાનો કોશ
[શબ્દો અને રૂઢિપ્રયેાગો]
શબ્દો

અખાજ : અખાદ્ય
અખિયાત : આખું, સુવાંગ
અટવાવું : ગૂંચવાઈ જવું
અડવું (અંગ) : ખાલી, અલં
કાર વગરનું
અડાબીડ : સંખ્યાબંધ, ભરપૂર
અણખંડી : અખંડિત
અધગાળે : વચ્ચે
અનરાધાર, અંદ્રાધાર, ઇંદ્રાધાર :
મેાટી ધારે વરસતો વરસાદ.
(ઇંદ્ર મહારાજ વરસાવે છે
એવી લોકકલ્પના છે.)
અનિયા : અન્યાય
અમલ : અફીણનો કેફ
અરધવું : ઓપવું, શેાભવું
અસમદનાં પગલાં, અસમેરનાં
પગલાં, આસમાનનાં પગલાં :
આસમાનમાં પગલાં, મૃત્યુકાળે
પગે ચાલીને સ્મશાનમાં જઈ
ચિતા પર ચડવાની વિધિ
અસરાણપત : અસુરો (યવનો)નો
પતિ

અંજળ : અન્નજળ, પરસ્પરની
લેણાદેણી
અંતરિયાળ : નિર્જન પ્રદેશમાં,
મુકામથી દૂર, નિરાધાર સ્થળે
અંબોડાળી(ભેંસ) : જેનાં શીંગડાં
આંટા લઈ ગયેલાં હોય છે તે
(સ્ત્રીના માથાના અંબોડાની
કલ્પના છે)
આઈ : કાઠી કોમમાં સ્ત્રીઓને બે
જ સંબોધન કરાય છે :
વડપણના સ્થાને બેઠેલી સ્ત્રીને
'આઈ,' અને યુવાન સ્ત્રી
અને સાસુ વગેરેને 'ફુઈ.'
આઉ : પશુઓનો સ્તનપ્રદેશ
આકોટા : કાનની બૂટમાં પહેરવાનું
ઘરેણું
આખાબોલો : ઉદ્ધત
આગેવાળ : ઘોડાના આગળના
ભાગનો સામાન
આગોણ : ચૂલાનો આગળનો
ભાગ.

આછટવું : પ્રહાર કરવા
આછો ડાબો : ધીરાં પગલાં
(ઘોડાનાં)
આડસર : મકાનના છાપરાની
વચ્ચોવચનું મોટું લાકડું
આડહથિયાર : દૂરથી ફેંકીને નહિ,
પણ હાથમાં રાખીને જ જેનો
ઉપયોગ થાય તેવાં, તલવાર
જેવાં, હથિયાર
આડું ભાંગવું : પ્રસવ થઈ જવો
આણાત : આણું વાળીને સાસરે
ગયેલી સ્ત્રી
આણું : લગ્ન પછી પહેલી વાર
પિયર આવેલી કન્યાને વિધિપૂર્વક
સાસરે વળાવાય એ
પ્રસંગ, ઓંજણું
આતો : કણબી અને ખાંટ કોમમાં
વડીલને 'આતો' કહેવાય
(મૂળ અર્થ : પિતા)
આથમણું : સૂર્યાસ્તની દિશામાં,
પશ્ચિમે
આથેય : ગમે તે
આદો : આવ્યો (ચારણી શબ્દ)
આફળવું : અફળાવું, લડવું
આભલાં : (૧) અરીસા (૨)
અરીસાના કાચનાં નાનાં
ચગદાં (અસલ સ્ત્રીઓના
ભરતકામમાં હતાં.)
આરદા : પ્રાર્થના


આરો : બચાવ (મૂળ અર્થ :
કિનારો)
આવડ : એ નામની દેવી
આસેં : આંહીં
આંબવું : પહોંચવું, પકડી પાડવું
ઉગમણું : સૂર્ય ઊગવાની દિશા
ઉચાળા : ઘરવખરી
ઉતાર (અફીણનો) : અફીણ
વખતસર ન ખાવાથી અંગમાં
આવેલું નિશ્ચૈતન્ય
ઉનત્ય : ઊલટી, વમન
ઉપરવાસ : નદીનું વહેણ આવતું
હોય તે દિશા
ઊગટો : (ઘોડાનો) તંગ ખેંચવાની
વાધરી
ઊજળે મોઢે : આબરૂભેર
ઊભા મોલ : તૈયાર પાક
ઊભે ગળે : સારી પેઠે
ઊંડવઢ : ઊંડો રસ્તો
એકલોયા : એક જ લોહીના,
દિલોજાન
એન : સારી પેઠે
ઓઘો : કડબનો ઢગલો
ઓડા : અંતરાય, આડશ
ઓણ સાલ : આ વરસ, આ
સાલ
ઓતરાદુ : ઉત્તર દિશાનું
એાથ : આશરો
ઓર : જન્મેલા બચ્ચાને શરીરે

બાઝેલું ચામડીનું પડ
ઓરમાયો : સાવકો
ઓરવું : નાખવું
ઓરીઓ : માટી
ઓલ્યા : પેલા
ઓસાણ (ઓહાણ): સ્મરણ
ઓળઘોળ : ન્યોચ્છાવર
ઓળીપો : ગારગોરમટી, લીંપણ
ઓંજણ : પિયરથી સાસરે આવતી
ગરાસણીનું વેલડું
કગરુ : હલકા દૂધ(વર્ણ)ના ગુરુ
કટક : સૈન્ય
કટાબ કોરેલ (કાપડું) જેના ઉપર
ઝીંકસતારાનું ભરતકામ થાય
છે તે કપડું
કડાકા : લાંઘણ, ઉપવાસ
કઢીચટ્ટા : એંઠ ખાનાર
ઓશિયાળા, દાસ
કણરો : કોનો (મારુ શબ્દ)
કણસવું : ખટકવું
કનેરીબંધ નવઘરું : લાલ મધરાશીઆને
લાંબુ સંકેલીને વચ્ચે
વચ્ચે કનેરી મોળિયું વીંટીને
પાઘડી બંધાય છે; રાજા કે
વરરાજા બાંધે; રાજા પાઘડી
ઉપર નવ ગ્રહથી ખચિત
શિરપેચ ગુચ્છો લગાવે છે.
આવી કનેરીબંધ (નવગ્રહના
ગુચ્છપેચવાળી) પાઘડી

કબંધ : ધડ
કમણ : કોણ (ચારણી શબ્દ)
કમોત : ખરાબ રીતે થયેલું મોત
કરડાકી : કડકપણું, સખતાઈ
ક૨માળી : તલવાર
કરલ : કરચલી
કરાફાત : અજબ બલવાન
કરિયાવર : દીકરીને પહેરામણી
કરો : ઘરની બાજુનો ભાગ
(પાછલી પછીત અને બાજુના
કરા કહેવાય)
કવળાસ : કૈલાસ
ક'વાય : કહેવાય
કસટાવું : કષ્ટ પામવું, 'અરરર !
અરરર !' કરવું
કસાયેલ : કસેલું, જોરાવર
કસુંબલ, કીડિયા ભાત : કાળા
પોતમાં ગોળ ઝીણી ઝીણી
ભાત, બોરિયું
કસૂંબો : અફીણના ગોટાને ખરલમાં
ઘૂંટી, તેમાં પાણી નાખી
પાતળું પ્રવાહી બનાવીને
બંધાણીઓ પીએ છે. તેનો
રંગ ઘેરો લાલ હોવાથી
'કસૂંબલ' પરથી 'કસૂંબો.'
કહેવાય છે.
કળવળથી : યુક્તિથી
કળશિયો : લોટો
કળશી : ૨૦ મણ (અનાજનું

વજન); કોઈક ૧૬ મણ
પણ ગણે છે.
કળાયું (સ્ત્રીના હાથની) :
કોણીથી કાંડા સુધીનો ભાગ
કાટકવું : હલ્લો કરવો
કાટલ : કટાયેલ
કાઠાની કદાવર : શરીરે પડછંદ
કાઠું : અસલના વખતમાં ઘોડા
ઉપર માંડવાની લાકડાની બેઠક
કાતરા (દાઢીના) : દાઢીની બેઉ
બાજુએ વધારેલ લાંબા વાળ
કામવું : રળવું
કામળો (ગાયનો): કંઠે ઝૂલતું
ચામડીનું પડ
કારસો : કળા, ઇલાજ
કાલી : ગાંડી
કાળકમો : કાળાં કામ કરનાર
કાળજ : કલેજું
કાળમીંઢ : કાળા કઠણ પથ્થરની
જાત
કાળમૂખી : અમંગળ
કાળો કામો : ખરાબ કૃત્ય, હલકું
કામ
કંકરી : સોગઠી (ચોપાટની)
કાંટ્ય : ઝાડી
કીડીએાનું કટક : હારબંધ એકી
સાથે કીડીઓની જેમ ચાલવું તે
કીરત : કીર્તિ
કીસથી : ક્યાંથી (ચારણી શબ્દ)

કુડલો : ઘાડવો
કુડલો : તેલ રાખવાનું ચામડાનું
વાસણ
કુખ : ગર્ભ, પેટ
કુંડળ્ય : કુંડળી, લાકડી જડવાની
ભૂંગળી
કુંભીપાક : નરક
કુંવરપછેડો : રાજાઓના પુત્રના
જન્મ વખતે થતી પહેરામણી
કૂડી કૂડી : વીસની સંખ્યાબંધ,
અનેક
કૂબા : (૧) ઢાલ ઉપરનાં ચાર
ટોપકાં (૨)માટીનાં નાનાં ઘર
કૂમચી : ચાબુક
કડે કરવું : અકુંશમાં લાવવું
કેની કોર : કઈ બાજુ
કોકરવાં : કાનની વચ્ચે પુરુષને
પહેરવાનાં ઘરેણાં
કોટિયું : મુખ્યત્વે પુરુષને પહેરવાનું
ઘરેણું, ચેારસી, કાંઠલી
કોઠો : (૧) કિલ્લાનો કોઠો
(૨) હૃદય
કોલુ : શેરડીનો રસ કાઢવાનો સંચો
કોળી : હાથના પંજામાં પકડી
શકાય તેટલું માપ
ક્યાડી : જે ઘોડીની કેશવાળી તથા
પૂંછડાનો રંગ કાળો ને શરીર
રાતું હોય, તેને ક્યાડી કહેવાય
ખડકીના ઠેલ: બારસાખની

અંદરના ભાગે બારણું
ટેકવવાનું લાકડું
ખડાં છોગાં : મોટાં, ઊભાં છોગાં
ખપેડા : દેશી ઘરના છાપરામાં
નળિયા નીચે વળીઓ ઉપર
વાંસની ચીપોને સીંદરીથી
બાંધી નળિયાં રહી શકે તેવો
માળખો તૈયાર થાય તે
ખમૈયા : ક્ષમા
ખરચી : પૈસો
ખવીસ : ભૂતપ્રેત
ખળાવા (જમીન) : પંદરેક ફૂટ
ત્રિજ્યાની જમીન (જેના પર
ખળું થઈ શકે)
ખળું : સીમમાં પાકેલાં ડૂંડાં લણીને
ગામને પાદર લાવી ગાર લીંપી
તેમાં ઢગલો કરી, તે પછી
બળદનું હાલરું કરી ડૂંડાંમાંથી
દાણા છૂટા પાડવાની જગ્યા
ખળું થઈ જવું : ઢગલો થઈ
જવો
ખળેળવું : મૂત્ર કરવું
ખંડાવું : ખંડિત થવું
ખંપાળી : ખેડૂતોનું લાકડાનું
દાંતાવાળું, પાવડાના આકારનું
ઓજાર
ખાજલી, લેરિયું અને સાંકળી
ભાત : ગોળગોળ જલેબીના
ગૂંચળા જેવી ભાત, દરિયાનાં

મોજાં જેવી તરંગિત લીટીની
ભાત, સાંકળ જેવી ભાત
(રોટલા ઘડનારના હાથનાં
ઘરેણાંથી રોટલામાં પડતી
ભાત)
ખાડું : ભેંસોનું ટોળું
ખાબકવું : ઝંપલાવવું
ખાલ : ચામડી
ખાસદાર : ઘોડાનો રખેવાળ
ખાંપણ : કફન
ખુટામણ : વિશ્વાસઘાત
ખૂટલ : વિશ્વાસઘાતી
ખૂંટ : જમીનની સીમા દર્શાવતું
નિશાન
ખૂંદણ : (ઘોડાં) પગ પછાડે તે
ખેપટ : ધૂળ
ખોઈ : પછેડીના છેડા સામસામે
બાંધી બનાવેલી ઝોળી
ખેાખરધજ : ઘરડું, જબ્બર
શરીરવાળેા પુરુષ ('કુક્કુટધ્વજ'
પરથી ખોખડધજ)
ખેાટીલાં (ઘોડાં) : ખામીવાળાં
(આંખ નીચે, દાઢી ઉપર,
હૃદય ઉપર, ડોકના મૂળમાં,
કાન પાસે, ઢીંચણ ઉપર,
જમણે પગે વગેરે સ્થાને
ભમરી હોય એ ઘોડાં
ખેાટીલાં ગણાય.)
ખોભળ : કુંડલી, ભૂંગળી

ખોભળા : વઢિયારા બળદનાં
શોંગડાંને પહેરાવવાનો ભરત
ભરેલો શણગાર
ખોળાધરી : બાંયધરી, જામીન
ખોળો ભરવો : સ્ત્રીનું સીમંત
ઊજવવું
ગજાદર : ઊંચા કદનો
ગજાસંપત : યથાશક્તિ
ગડેડવું : ગર્જના કરવી
ગઢવો : ચારણ (અસલ ચારણને
ગઢની ચાવીઓ સોંપાતી તે
પરથી)
ગણ : ગુણ, ઉપકાર
ગદરવું : ગુજારો કરવો
ગબારો : આકાશ સુધી ઉછાળો
ગભરૂડાં : ગરીબડાં
ગભૂડાં : નાનાં નિર્દોષ બાળકો
ગરજાં : ગીધ
ગલઢેરો : કાઠી દરબાર
ગલઢો : ઘરડો
ગસ્ત : ગિસ્ત, ફોજ
ગહેકાટ : ટૌકાર
ગળ : ગોળ
ગળથૂથી : જન્મેલા બાળકને
ગોળનું પાણી પાવાની વિધિ
ગળહાથ : ગળાના સોગંદ, ગળાથ
ગળાત : ગળે હાથ, સોગંદ (જે
માણસના સોગંદ ખાવાના હોય
તેની ગરદને હાથ મુકાય છે.)

ગળામણ : મિષ્ટાન્ન
ગળા સુધી : ઠાંસીઠાંસીને
ગળ્યું : મીઠું
ગંગા-જમની તાર : હોકામાં
મઢેલા સોના-રૂપાના તાર
ગાડાખેડુ : ગાડું હાંકનાર
ગાડાના ગૂડિયા : પૈડાં પાછળ
રહીને, ગાડા નીચે રહીને
ગાડાંની હેડ્ય : ગાડાંની હાર
ગાભા જેવી : ઢીલી
ગાભો : લૂગડાંનો ડૂચો
ગામડી : ગામડું
ગામતરું : પ્રવાસ
ગામતરું થવું : મૃત્યુ થવું
ગામેાટ : ગામનો બ્રાહ્મણ, જે
સંદેશો લઈ જવા વગેરેનું
કામ કરે છે.
ગાળ બેસવી : કલંક લાગવું
ગાળી : ખીણ, નળ્ય
ગાંદળું : પિંડો
ગિસ્ત : ફોજ
ગીગી : દીકરી
ગૂડી : ભેંશના ગોઠણ
ગૂઢાં : ઘેરાં, કાળા ભૂખરા રંગનાં
ગોકીરો : બૂમાબૂમ
ગોઠ : ઉજાણી, ગોષ્ઠી, આનંદપ્રમોદ
ગોબો : ગઠ્ઠાવાળી લાકડી
ગોરમટી : લીંપણ કરવાની ધેાળી

માટી
ગોલકીનો : ગુલામડીનો (કાઠીઓમાં
પ્રચલિત ગાળ)
ગોલા : ગુલામ, રાજમહેલના
ચાકરો
ગોવાતી : ગોવાળી
ઘર કરવું : લગ્ન કરવું
ઘાણ્ય : ગંધ
ઘારણ : ગાઢ નિદ્રા
ઘારણ વળી જવું : ગાઢ નિદ્રામાં
પડવું
ઘાંસિયા : ઘોડાના પલાણ પર
નાખવાની ગાદી
ઘુઘવાટ : ગર્જના
ઘેઘૂર : મસ્ત
ઘેરો : ટોળું
ઘોંકારવું : ઘોંચવું
ચડભડવું : બોલાચાલી થવી
ચડિયાતી આંખો : આંખના
ગેાખલામાંથી બહાર નીકળતી,
મોટી આંખો
ચરણિયો : ઘાઘરો
ચસકાવવું : ત્વરાથી પીવું
ચંભા : તોપથી નાની બંદૂકના
મૂઠી જેવડા ગોળા
ચાડીકો : તપાસ રાખનાર
ચાડીલો : હઠીલો
ચાપડા ભરેલી (લાકડી) : ત્રાંબાપિત્તળના
તારથી ગૂંથીને

ચોરસ ભાત પાડેલી
ચાપવું : પુરુષના કાનની બૂટમાં
પહેરવાનું સોનાનું ઘરેણું
ચારજામો : ઘોડા પરનું પલાણ
ચાળો : વિચિત્ર હાવભાવ
ચાંદરાત : બીજની તિથિ
ચાંદુડિયાં : વાંદરાનકલ
(ઘેાડી) ચાંપવી : દોડાવી મૂકવી
ચિચોડો: શેરડીનો રસ કાઢવાનો
સંચો, કાલુ
ચૂડાકર્મ : વિધવા થતાં સ્ત્રીની
ચૂડી ભાંગવાની ક્રિયા
ચે : ચેહ, ચિતા
ચાકડુ : લગામ
ચોથિયું : ચેાથો ભાગ
ચોલટા : ચોર
ચોળિયું : પાણકોરું
ચોપ : ઝડપ, સાવચેતી
છાપવું : પ્રવાહી વસ્તુની અંજલિ
લેતાં હથેળીમાં પડે તે ખાડો
છાલકાં : ગધેડાં પર બેાજો ભરવાનું
સાધન
છૂટકો : નિકાલ
છોઈફાડ : લાકડામાંથી છોઈ ઊતરે
તેટલો, લગાર
જગનકુંડ : યજ્ઞકુંડ
જડધર : શંકર
જનોઈવઢ ઘા : જનોઈનો ત્રાગડો
પહેરાય તે રીતે, ડાબા ખભા

ઉપરથી ગળા નીચે થઈને
હૃદય સુધીનો ઘા
જબરાઈ : બલાત્કાર
જમણ : દિવસ
જરવું : પચવું
જવાસાની ટટ્ટી : સુગંધી વાળાનો
પડદો
જંજરી : હોકો
જંજાળ્ય : મેાટી બંદૂક
જીએરા : કચ્છના રાજાને લગાડવામાં
આવતું સંબોધન
(મૂળ અર્થ “જીવો રાજા")
જાંગી : સીંચોડાનું મુખ્ય લાકડું
જીમી : કાઠિયાણીને ઘાઘરાને
બદલે પહેરવાનું લુંગી જેવું
છૂટું વસ્ત્ર
જુગતિ : યુક્તિ, જોવા જેવું
જુંબેદાર : જામીન, ખેાળાધર
જેતાણું : જેતપુર
જોગટો : દંભી જોગી
જોગમાયા : દેવી
જોગાણ : ઘોડાને ખવરાવવાની
ચંદી
જોડીદાર : સાથી, સરખી જોડીનો
જોધારમલ : અલમસ્ત
ઝડ : લૂંટ
ઝડવઝડ (દિવસ) સૂર્યાસ્તનો
સમય
ઝંઝાળ : જુએા જ જંજાળ્ય

ઝંટિયાં : વાળનાં જુલફાં
ઝાઝી વાત : મોટી વાત
ઝાટકા : તલવારના ઘા
ઝાપટવું : ખંખેરવું
ઝાંતર : ગાડાની નીચેના ભાગમાં
ચીજો મૂકવાનું ખાનું
(ભંડારિયું)
ઝીંકવું : ઝંપલાવવું
ઝૂમણું : ડોકનો દાગીનો
ઝૂંપી : ચિતા
ઝોક : ઢોરને રાખવાનો વાડો
ઝોંટ : આંચકો
ટપારવું : પ્રશ્ન કરવો
ટપુડિયાં : નાનાં
ટશિયો : ટીપું (લોહીનું)
ટાટકવું : હલ્લો કરવો
ટંક : જમવાનું ટાણું
ટંટાળ : ઉપાધિ
ટાઢી છાશ : શિરામણ
ટાઢા : ઠંડા
ટાબરિયાં : છોકરાં
ટારડી : હલકી ઘોડી
ટીલડી : કપાળનું મધ્યબિંદુ
ટીંબી : ગામ ખંડિયેર થઈને
દટાયા પછી ઢોરો થઈ જાય
એ જમીન, ટીંબો
ટૂટજૂટ : તૂટેલી
ટૂંપાવો (જીવ) : મૃત્યુ વખતે
પ્રાણ દુ:ખી થાય, જીવ જલદી

ન નીકળે તે
ટેવવું : અનુમાન કરવું
ટોયલી : નાની લોટી
ટૌકો : અવાજ
ઠબવું : અડવું
ઠાણ : ઘોડાર
ઠામ : વાસણ
ઠુંગો : કસૂંબો લીધા પછી
ખાવામાં આવતો ગળ્યો
નાસ્તો
ઠેરવવું : નિશાન તાકવું
ઠોંઠ ઠાપલી : તમાચો
ડણક (સિંહની) : ગર્જના
ડમ્મર : વંટોળિયાની ડમરી
ડંકવું : વેદનાના સ્વરો કાઢવા
ડાટો : ઢાંકણુ (બૂચ)
ડાઢવું : કટાક્ષ વચન બોલવું
ડાબા : ડાબલા, ઘોડાના પગની
ખરી
ડાભોળિયું : ઘાસનો કાંટો
ડાલા : સૂંડલા
ડૂકવું : થાકી જવું
ડૂંઘો : હોકો
ડેરા : તંબૂ
ડોર : માળાનો મેર
ડોઢી : મકાનને દરવાજે બન્ને
બાજુ રાખેલી બેઠક
ડોરણું : બોરિયું, બટન
ડોંચવું : ખેંચવું

ઢાળું : ઢળેલું – તરફ
ઢાંકેલ-ઢૂંબેલ : સહીસલામત
ઢીબવું : મારવું
તમુંહી : તમને (કાઠી શબ્દ)
તરકટ : કાવતરું
તરઘાયો ઢોલ : યુદ્ધ વખતનો
ઘેરા અવાજે વાગતો ઢોલ
તરફાળ : ખભે રાખવાનું ઝીણા
પોતનું ફાળિયું, ઉપવસ્ત્ર
તરિયા : તરનાર માણસો
તરિંગ : (ઘોડાની) પીઠનો
પાછલો ભાગ
તળાજું : તળાજા ગામનું હુલામણું
નામ
તા : ઉશ્કેરાટ
તાજમ : અદબ વ્યકત કરતી
ચેષ્ટા
તાણ : આગ્રહ
તારવવું : માર્ગ બદલવો
તાશેરેા : બંદૂકોના સામટા ભડાકા
તાંત : કપાળે પહેરવાનું ઘરેણું
તાંસળી : કાંસાનો મોટો વાટકો
તેરમું : મૃત્યુ પછી તેરમા
દિવસનું જ્ઞાતિભેાજન
તરેલું : બળદની જોડી
તોરીંગ : ઘોડા
તોળવી (બરછી) : ઉગામવી

ત્રસકાં : ટીપાં
ત્રહકી રહી : નીતરી રહી
ત્રાટકવું : હલ્લો કરવો
ત્રાંબા જેવા : ત્રાંબાવરણી ભાત
ઊપસે એટલા શેકીને કડકડા
બનાવેલા (રોટલા )
થાનેલેથી : સ્તન પરથી
થાનેલું (–લો ) : સ્તન
થેપાડું : પ્રૌઢ વયની સ્ત્રીઓ
ચણિયાને સ્થાને પહેરે છે
તે લાલ રંગનું વસ્ત્ર, જેને
નાડી નથી હોતી પણ ગાંઠ
વાળવામાં આવે છે.
દખણાદુ : દક્ષિણ દિશામાં
દડેડા : ધારાઓ
દવલો : અપ્રિય (દુ + વહાલો)
દૃશ્ય : દિશા
દસ્તો : ભોગળ
દહાડી : રોજિંદી મજૂરી
દાખડો : મહેનત
દાગવું : પેટાવવું, સળગાવવું
દાણ : વેરો
દાણિયા : દાવ
દાણિગર : કરજ
દાળદર ભુક્કા : ગરીબીનો નાશ
દીમની : દિશામાં
દુડદમંગળ : મોટી
દુધમલિયું : દૂધ ખાઈ ખાઈને
જોરાવર ને કાંતિવાન થયેલું

દૂધિયું : ઠંડાઈ (બદામ, તરબૂચનાં
બી, ખસખસ, તીખાં ગુલાબની
સૂકી પાંખડી વગેરે
વાટી-પલાળીને ખાંડ ઉમેરીને
ઉનાળામાં પિવાતું દૂધનું
પીણું )
દેકારો : શૌર્યોત્તેજક હાકલા
દોઢી : દરવાજાની ડેલીના નીચેના
બંને ઓટલા
દોઢ્ય : વચ્ચેથી બેવડાવેલું
ધડકી : ગેાદડી
ધડૂકવું : વાદળમાં કડાકા ધડાકા
થવા
ધધડાવવું : ઠપકો દેવો
ધમાકા દેતી : વેગવંત ગતિથી
ધમેલ : ધગા વેલ
ધરપત : ધીરજ
ધરવવું : તૃપ્ત કરવું
ધરાવું : તૃપ્ત થવું
ધા : નિસાસો
ધા નાખવી : દુઃખ પડ્યાના
પોકાર કરવા, ધાપોકાર
કરવો
ધામોડા : અવાજ
ધાર : નાની ટેકરી
ધારોડા : ધારાઓ
ધીંગા : જાડા, મજબૂત
ધીંગાણું : લડાઈ

ધૂડિયું વરણ : ધૂળમાંથી અન્ન
પકવે એ વર્ગ, ખેડૂતો
ધૂંધળો : ધૂલિ-ધૂસર, ધૂળ ઊડવાને
લીધે ભૂખરો થયેલો
ધોબો : એક હાથનો ખોબો
ધોમચખ : ખૂંખાર
ધોમ તડકો : સખત તાપ
ધેાળી શેરડી : ભરૂચી દેશી
શેરડી
ધ્રાગડિયું : મજબૂત
ધ્રાસકો : ફાળ
ધ્રોપટ : વેગથી
ધ્રોપટ : સોંસરવઢ, આરપાર
નખ્ખેદ : તોફાની
નગરનો ફાળિયો : વીસ હાથનું
જામનગરમાં વણેલું
માથાબંધણું; તેના વણાટવાળા
કાળા છેડામાં સેાનેરી તાર
વણેલા હોય છે
નરપસાઈ : હરામખોરી
નવઘરું : પાઘડી
નવા દી : નવરાત્રિથી માંડી
દિવાળી સુધીના દિવસો
નળગોટાં : ગળાનો હરડિયો
નળો (હાડકાનો) : પગનું હાડકું
નળ્ય : ઊંડો ને સાંકડો રસ્તો
નંદવાય (ચૂડલી) : સધવા નારીની
ચૂડલી તૂટે તેને 'નંદવાય'

કહેવાય. ('તૂટવું' એ
અમંગળ શબ્દ હોઈ વૈધવ્ય
વખતના ચૂડીકર્મનું સૂચન
કરે છે).
નાડાછોડ : પેશાબ
નાતરું : પુનર્લગ્ન
નાનડિયા : નાની ઉંમરના
નામચા : નામના
નિવેડો : નિર્ણય
નેરું : નાની, ઊંડી નદી
નેવણ : ડામણ
નોખનોખા : જુદા
નોંધવું : તાકવું
પખતી : પહોળી
પખાળવું : પ્રક્ષાલવું, ધોવું
(કુળનાં) પખાં : (માતૃ-પિતૃ
બંને) પક્ષો
પઘડાં : સોગઠાં
પછીત : ભીંતનું પછવાડું
પટાધર : થોભાદાર, શૂરવીર
પડઘિયાવાળું : નીચે છાજલી-
વાળું
૫ડધારા : ડુંગરની ઢળતી બાજુ,
ઢોળાવ
પતીકાં : ટુકડા
(ત્રણ) પરજ : કાઠી કોમની ત્રણ
શાખા : ખાચર, ખુમાણ ને
વાળા
પરજેપરજા : ટુકડેટુકડા

પરડિયા : બાવળની શીંગો
પરનાળાં : પ્રણાલિકા, ધારાઓ
પરબોળિયા : વાડ પર ચડતી
જાંબલી ફૂલવાળી વેલ થાય
તેની શીંગેા
પરમાણ : સાર્થક
પરવાળા : ઘેરા ગુલાબી, પ્રવાલ
જેવા
પરિયાણ : પ્રયાણ, તૈયારી
પરિયાં : પૂર્વજો
પરોણાગત : મહેમાની
પરોણો : મહેમાન
પલાણ : ઘોડા ઉપરનો સામાન
પલાણવું : ઘોડે ચડવું
પહર : રાત્રિને પાછલે પ્રહરે
ભેંસને ચરવા લઈ જવી તે
પળી-બે-પળી : પાશેર, અધશેર
પંગત : પંક્તિ, હાર
પંચાતિયા : વિષ્ટિકારો
પંથક : પ્રદેશ
પંડ : પોતે
પાકટ (ઉંમર) : વૃદ્ધાવસ્થા
પાઘડું ( પેંગડું ) : ઘોડે ચડવાની
૨કાબ
પાટકવું : ભટકવું
પાટિયા : અનાજ રાંધવાનું
માટીનું વાસણ
પાટી : કાઠીઓમાં પૂત્રોને વારસામાં
જમીન વહેંચાય અને

જે ભાગ મળે તે
પાટી (માથાની ) : સેંથાની બન્ને
બાજુએ લમણા પર ચપટા
ઓળેલા સ્ત્રીના વાળ
(લોહીના) પાટડાં : ખાબોચિયાં
પાઠાં : ઘોડા પરના કાઠાની બે
બાજુનાં લાકડાં
પાણકોરું : ધોયા વગરનું જીન
નામનું કાપડ
પારખવું : એાળખવું
પારેવડાં : કબૂતર જેવાં ગરીબડાં
બચ્ચાં
પાલવડાં : વસ્ત્રો (“પલ્લવ” પરથી)
પાવો : વાંસળી જેવું વાદ્ય
પાસાબંધી કેડિયાં : લાંબી બાંય,
છાતી ઉપર કસો અને પેટ
ઉપર ઘેરવાળું દેશી પ્રજાનું
પુરુષ-વસ્ત્ર
પાળ : સૈન્ય
પાળ્ય : ગામના રક્ષણને બદલે
અપાતું મહેનતાણું
પાંખા : આછા, છૂટાછવાયા
પાંદડી : કાનના ઉપલા ભાગમાં
પહેરવાનું ઘરેણું
પાંભરી : 'ટાઈ ઍન્ડ ડાઈ,'
બાંધણથી બનાવેલો રેશમી
રૂમાલ, પુત્રજન્મ થતાં તેને
પાંભરી અને પુત્રીજન્મ થતાં
ચૂંદડી ઓઢાડાય

પાંસળ : પાસે
પીઆાલા (જેવી તલવાર) :
પ્રિયાલ (વીજળી) જેવી
ચમકતી અને ગતિમાં ત્વરિત
ફરતી તલવાર
પીંગલે : ઘોડિયે
પીંછી : (તલવારની) અણી,
પૂંછડાનો ભાગ
પુલકાવળ : રોમાંચ
પૂછ્યાનું ઠેકાણું : સલાહ લેવા
લાયક
પેટ : સંતાન
પેટ પીડ : પેટનો દુ:ખાવો
પેટ સારુ : આજીવિકા માટે
પેડાં : દહીં જમાવવાનાં માટીનાં
દોણાં
પેનીઢક : પગની પાની સુધી
ઢળકતો (પહેરવેશ)
પેપડી : પીપરના ઝાડનાં કૂણાં
ફળી
પો ફાટવાનો સમય : સૂર્યોદય
પહેલાંના સમય
પોગવું : પહોંચવું
પોટલીએ : કુદરતી હાજતે
પોડાં : પડ
પોતિયું : નાહવા માટેનું ધોળું
ઝીણું પનિયું, ધોતિયું
પોથી : એ નામની વનસ્પતિ જેનાં
બિયાંમાંથી દાંત રંગાય છે.

પોથીના લાલ રંગમાં રંગેલા દાંત :
લાલ મજીઠના – પોથીના
ગોળ રૂપિયા જેવડાં
પતીકાં આવે છે, તેનાથી
સ્ત્રીઓ દાંત રંગે છે, (રાત્રે
મોંમાં આંબલિયા વિનાની
આંબલી ઠાંસોઠાંસ ભરીને
ઓટલા પર બેસીને સ્ત્રીઓ
મોંમાંથી લાળ વહેતી મૂકે;
સવારે આંબલી કાઢી નાખે
ત્યારે દાંત અંબાઈને ખાટા
થઈ ગયા હોય, તેના પર
પોથીનાં પતીકાં મૂકી, મોઢું
બીડીને સ્ત્રી સૂઈ જાય, સાંજે
ઊઠે ત્યારે ખાટા દાંત પર
મજીઠનો લાલચોળ રંગ બેસી
ગયો હોય.)
પોરસ : ઉત્સાહ
પોરસ : હોંશ, ગર્વભર્યો આનંદ
પોરસીલો : ઉદાર
પોરો : વિસામો
પ્રજરાણ : ત્રણે પરજ (શાખા)ના
કાઠીનો શિરોમણિ
પ્રલેકાર : પ્રલય, જળબંબાકાર
પ્રાગડના દોરા : પ્રભાતનાં કિરણ
પ્રાગડ વાસી : પ્રભાત થયું
ફટકો : ધાસ્તી
ફટાયો : નાનો કુંવર (રાજાને
બે કુંવર હોય તેમાં મોટો

'યુવરાજ' ને નાનો 'ફટાયો'
કહેવાય. મેાટાને વારસામાં
ગાદી મળે, નાનાને ગરાસ
મળે.)
ફડકો : બીક
ફડશ : અરધોઅરધ
ફણું (ભાલા-બરછીનું) : ઉપરનો
લોઢાનો મુખ્ય ભાગ
ફસફસવું : ખદખદવું
ફાટ્ય : અભિમાન, ખુમારી
ફાટી પડવું : મરી જવું
ફળિયું : ખેસ, દુપટ્ટો
ફાંદ્ય : પેટ
ફાંફળ : લાંબો રસ્તો, જેમાં વચ્ચે
ગામડું ન આવે
ફુઇયારુ : ફોઈબાને આપવાની
ભેટ
ફુલેકો : વરઘોડો (અસલ શબ્દ
'ફુલેકું' )
ફૂટ્ય : જખમ
ફૂલ : પુરુષના કાનની ઉપલી
ફાટકમાં પહેરવાનું ગોળ
મોટું ઘરેણું
ફે૨માં (જવું) : ફરીને લાંબે
રસ્તે
ફે_: લૂંટ
ફેંટા : ઉભડક સાફા
બખોલ : ભોંયરું
બગબગું : મોંસૂઝણું

બટકાવવું : બુકડાવવું
બટકાં લેવરાવવાં : સામસામા
કોળિયા ભરાવી જમવું -
જમાડવું
બઘડાટી બોલાવવી : ત્રાસ
વર્તાવવો.
બડૂકો : ધોકો
બતક : પાણી ભરવાનો બતક
આકારનો કૂંજો
બથોડાં : તોફાનમસ્તી
બલોયાં : અસલી ચૂડલી (वलय
પરથી )
બંકો : બહાદુર
બાઉઝત : બાઉના અથવા બાઉ
કુળના પુત્ર
બાઘોલું : દિગ્મૂઢ
બાટકવું : લડવું
બાટાચૂટ : ઝપાઝપી
બધી : બધી
બાનડી : બાંદી, દાસી
બાવળો : જેના ચારે પગ અને
ગરદન સફેદ હોય, ને શરીરના
શ્વેત રંગ પર રાતી ભાત
હોય તે પ્રાણીનો રંગ
'બાવળો' કહેવાય
બાંઠિયો : ઠીંગણો
બીઠું : બેઠું
બુંબાડ : બુમરાણ, રીડિયારમણ
બૂડી : ભાલાનો નીચલો છેડો

બુંગણ : પાણકોરામાંથી સીવીને
તૈયાર કરેલું મોટું પાથરણું,
મેાદ
બેરખ : આરબની પલટન
બેરી, ફૂલમાળ, રેશમ, વાંદર્ય,
તાજણ : ગુણ-સ્વભાવ પ્રમાણે
કાઠીઓમાં ઘોડીને અપાતાં
કેટલાંક નામ
બેલડી : યુગલ
બોકાસાં : ચીસો
બોખ : ડોલ, બાલદી
બોઘરાં : પિત્તળનાં બનેલાં દૂધ
દોહવાનાં વાસણ
ભગદાળું : ખાડો
ભટકાવું : અફળાવું
ભરખ : ભક્ષ
ભરણ : આંખમાં આંજવાની
ચિમેડની દવા
ભલકારા : 'ભલે ! ભલે !' કહીને
શાબાશી દેવી
ભલકી : ભાલું
ભળકડું : વહેલી સવારનો થોડોક
ઉજાસ, મેાંસૂઝણું
ભળકડું (મોટું) : રાત્રિનો
છેલ્લો પ્રહર
ભંભલી : પાણી રાખવાનો માટીનો
મોટો ચંબુ
ભંભોલા : ફોલ્લા
ભાઠાળી : ભાઠાવાળી (ઘોડાની

પીઠ ઉપર પલાણ ઘસાવાથી
જખમ પડે છે, તેને
કહે છે.)
ભાઠો : પથ્થર
ભાણું : થાળી, વાસણ
ભાણું સાચવવું : કાળજીપૂર્વક
જમાડવું
ભાતભાતના પારા : રંગબેરંગી
મોટાં મોતી
ભાતલું : સવારનો નાસ્તો
ભાભી : ચારણ અને કાઠી કોમોમાં
ભાઈની પત્નીને ભાભી
ન કહે, નામથી બોલાવે.
ભાભી સંબોધન અપમાનકારક
ગણાય.
ભારથ : યુદ્ધ (મહાભારત પરથી)
ભાવેણું : ભાવનગરનું હુલામણું
નામ
ભીનલો વાન : સહેજ શ્યામરંગ
ભુજાની અંજલિ : હથેળી સંકોચીને
છાપવું કરી તેમાં ભરેલો
કસૂંબો
ભૂખલ્યાં : ક્ષુદ્ર
ભે : ભય
ભેડા : નદીના કાંઠા
ભેરવ : એ નામનું પંખી જેની
ડાબી દિશાની વાણી અમંગળ
મનાય છે
ભેળવું : ખાઈ જવું, ઢોર

ખેતરમાંથી છાનાંમાનાં ચરી
જાય, ત્યારે “ખેતર ભેળ્યું”
કહેવાય.
ભેળાવું : વધવું
ભેળું થવું : પહોંચવું
ભેંકાર : ભયંકર
ભોજપરા : કાળા કસબ ભરેલા
છેડાવાળાં ધોતિયાં, જે માથા
પર બંધાતાં
ભ્રૂકુટિ સામસામી ખેંચાઈ જવી:
ભ્રમર ચડી જવી, અત્યંત
આશ્ચર્ય થવું
મણીકું : એક મણ વજનનું તોલું
મમાઈનો મઢ : મહામાયાનું
સ્થાનક
મરકવું : સ્મિત કરવું
મરફો : યુદ્ધનું નગારું
મરશિયા : મૃત્યુનાં શોકગીત
મરેલા ઢોરની માટી : મરેલા
ઢોરનું માંસ
મલક : મુલક
મલીર : કાઠિયાણીનું ઓઢણું
મવાડું : માલઢોર અને ઘરવખરી
સાથે દુષ્કાળમાં હિજરત
કરી જતું માલધારીનું
કુટુંબ, પેડું, ઉચાળો, ગવાળો
મસાણ : સ્મશાન
મસાલ : ભેટ
માગતલ : માગના૨

માટી : માંસ
માટીવટ : પૌરુષ, સ્વામીભાવ
માડુ : મરદ (કચ્છી શબ્દ)
માઢ : મેડી
માઢમેડી : દરવાજા પરની મેડી
માતમ : માહાત્મ્ય, મોટાઈ
માતેલી : મદોન્મત્ત
માત્યમ : મહિમા
માથાના ચોટલા (પુરુષના) :
માતાજીના ભક્તો અને કાઠી
પુરુષો અર્ધા માથે ચોટલા
રાખે છે.
માથાની પાટી : સ્ત્રીઓ જ્યારે
માથાની વચ્ચોવચ સેંથો
પાડીને માથું ઓળી બંને
બાજુના વાળને હાથે દબાવી
ઓળે તે બંને બાજુની પાટી
માદળિયાં : શેરડીના સાંઠાની
છાલ ઉતાર્યા પછી પાડેલાં
પતીકાં
માનખ્યો : મનુષ્યાવતાર
માપી લેવું : શક્તિનું પારખું
કરી લેવું
માફો : રથ પરનો કાપડનો
ઘુમ્મટ
માયરું : લગ્નમાં પોંખણા પછી
વર-વહુને સામસામે બેસાડી
હસ્તમેળાપ કરાવાય, કન્યાદાન
અપાય એ પ્રસંગ

માયલીકોર : માંહેની બાજુ
મારતલ : મારનાર
મારું પેટ : મારું સંતાન
માલ : હેર
માલમી : વહાણનો સુકાની
માલધારી : ઢોર ઉપર નભનાર
ભરવાડ, કાઠી, ચારણ વ.
માળીડાં : મુકામ
મિયાણા : સૌરાષ્ટ્ર-કચ્છના સીમા
પ્રદેશમાં વસતી મુસ્લિમ
જાતિ
મીઠો મહેરામણ : મીઠા જળથી
ભરપૂર સમુદ્ર, મહેરામણ–
મહાર્ણવ
મીંડલા : માથાના વાળની બંને
બાજુ ગૂંથેલા વાળના ગુચ્છ
મૂઠ : તલવારનો હાથો
મૂલ : મજૂરીના પૈસા
મૂંડકી : ઘોડાનો કાઠાનો, મુગટ
આકારનો મુખ-ભાગ
મકર : સોનેરી પટ્ટીવાળું લાલ
રંગનું કાઠી પુરુષનું
માથાબંધણું
મેરનું ફૂમકું : મુખ્ય પારાનું
ફૂમતું
મેરાબ : મસ્જિદમાં નમાજની
જગ્યા સામેની ક.આ.બાની
આકૃતિ
મેલા (દેવતા): અમંગળ દેવ

મેલાં પેટ : કૂડકપટ
મેલીકાર : લૂંટારાની ટોળી
મેંગળ : હાથી
મોકળા : છૂટા
મોડબંધો : વરરાજા–જેને માથે
હજુ મોડિયો (લગ્નનોને મુગટ)
બાંધેલો હોય
મોટું ભળકડું : વહેલી પરોઢનો
સમય
મોટેરા : વડીલ
મોઢા આગળ : મેાખરે
મોતનાં પરિયાણ : મોત પ્રતિ
પ્રયાણ, મોતની તૈયારી
મોરડો : ઘોડાના મેાં પરનો
શણગાર
મોરાં : આકૃતિ, છબી
મોર્ય : આગળ
મોવડ : ઘોડાના મોઢા પરનું ઘરેણું
મોસરિયું : દાબી લપેટી માથા
પર બાંધી લેવાનું કપડું
મોસાળું : પરણનાર વર કે
કન્યાના માતાના પિયરથી
માતાને જે ભેટ આવે તે.
(માતાના મહિયરથી આવે
એ મામેરું)
મોળ૫ : ફિક્કાશ
મોંસૂઝણું : મોં સૂઝે તેટલો જ
પ્રકાશ હોય તેવો પ્રભાતનો

સમય
રખોલિયો : સીમનો રખેવાળ
રજકો : પશુને ખવરાવવાનું
વાડીમાં કરેલું ચારોલું
રજાઈ : ભાતીગળ ગોદડું
રણસગો : માણસ મૃત્યુ પામે એ
જગ્યાએ એક-એક પથ્થર
મૂકીને કરવામાં આવતો
ઢગલો, પાળિયાનો એક પ્રકાર
રવાજ : રાવળ લોકોનું વાદ્ય
રંગાડા : કડાંવાળા, પહોળા
મોંવાળા ચરુ (રંગેડા ઉપરથી)
રંડવાળ્ય : રાંડીરાંડ
રાચ : વસ્તુ, જણશ
રાજીપો : રાજીખુશી
રાઠોડી હાથ : જોરદાર ભુજાઓ
રાત રાખવો : અધવચ્ચે રખડાવવો
રાતબ : ઘોડાને ખવરાવવામાં
આવતાં ઘી-ગોળ
રાતવળા મોત : બીજા કોઈ ન
જોઈ શકે એવું પોતાનું મૃત્યુ
રાતીચોળ ચટકી : લાલ રંગની
ટશર. આંખના નાક પાસેના
ખૂણામાં જે રતાશ હોય. એ
નારીના સૌંદર્ય અને નરવાઈ
સૂચવે છે.
રાબ : જુવારને ભરડી, પાતળી
પાણી જેવી રાંધી, મીઠું

નાખી પિવાય છે.
રામપાતર : માટીનું નાનું પાત્ર,
શકોરું
રાશ : બળદની લગામ
(रश्मि પરથી)
રાશવા : બળદની લગામ જેટલે
દૂર
રાંગમાં : બે પગ વચ્ચે (ઘોડી
ઉપર બેઠેલ માણસને માટે
કહેવાય કે એની રાંગમાં
ઘોડી છે.)
રાંઢવું : દોરડું
રાંપી : ચામડાં કાપવાનું મોચીનું
ઓજાર
રીડિયારમણ : બૂમાબૂમ
રૂડપ : સુંદરતા
રૂપાના સરલ : પુરુષના હાથનું
ઘરેણું
રૂંવે રૂંવે : રોમે રોમે
રેગાડા : ધારાઓ
રેણાક : વસવાટ
રોગી સોપારી જેવો : ગોળ
સોપારી જેવો ઠીંગણો
રોંઢાટાણું : મધ્યાહ્ન પછીનો
સમય
લકૂંબઝકૂંબ : ફળથી લચી પડેલું
લખણું : છૂટાછેડાનું લખત
લખી : વાંદરી જેમ શરીર
વીંડોળીને ઠેકડે કૂદતી ઘોડીનું

નામ
લટૂરિયાં : વાળની લટો
લબાચા : સરસામાન
લંગર : બેડી
લાલ કીડિયાભાતની પછેડી :
લાલ ગવનની ચૂંદડી (કન્યા
માહ્યરામાં બેસે ત્યારે પાનેતરની
લાજ કઢાવી માથે
મોડિયા મૂકે, મોડિયા ઉપર
ગવનની ચૂંદડી ઓઢાડી તેની
લાજ કઢાવે – આમ બે
ધૂમટા થાય છે.)
લાંપડિયાળ : લાંપડા નામના
ઘાસવાળી
લીરો : કાપડનો ફાટેલો ટુકડો
લૂણહરામી : નિમકહરામી,
દગાબાજ
લેરે જાતું જેબન : ખીલતી જુવાની
લોઢ : મેાજાં
લોથ : મુડદું
લોંઠકા : બળવાન
વખાની મારી : દુ:ખની મારી
વગદ્યાં : વિલંબ કરવાનાં બહાનાં
વગાડવુ : ઈજા કરવી, મારવું
વગેાવવું : નિંદવું
વજ્રબાણ છોડવાં : મહેણાંટોણાં
મા૨વાં
વટાવવું : એાળંગવું
વડલા : વડ
વડારણ : દાસી

વડિયો : સમોવડિયો
વદાડ : કરા૨
વધારવું : વધેરવું, કાપવું
વધાવાના : ચાંદલાના,
હાથગરણાના
વરતાવું : જણાવું
વરૂડી : વરૂવડી દેવી (જુઓ “રા'નવઘણ", “રસધાર” ભાગ ૨)
વશેકાઈ : વિશિષ્ટતા
વસતીની વેલડી કોળાવી મૂકવી :
સ્થળનો પુનર્વસવાટ કરાવવો
વસ્તાર : ઓલાદ
વહરું : કદરૂપું, બિહામણું
વળોટવું : એાળંગવું
વાઈ (તલવાર) : મારી
વાગડના ધણી : આહીર જાતિ
અસલ કચ્છ વાગડમાંથી
આવેલી હોવાથી આહીરને
“વાગડના ધણી” કહી બિરદાવાય
છે.
વાગડિયા બળદ : ઉત્તર ગુજરાતના
વાગડ-વઢિયાર
પ્રદેશના બળદ; એ ઓલાદ
ઉત્તમ ગણાય છે.
વાઘ : ઘોડાની લગામ
વાઘિયા : લગામના બન્ને બાજુના
બે પટ્ટા
વાજ : વેગથી
વાજાં : (૧) ઘોડાં (૨) વાજિંત્રો

વાજોવાજ : વેગથી
વારણાં : મીઠડાં
વારવું : અટકાવવું
વાળાક : વાળા રાજપૂત અને
વાળા કાઠીઓનો પ્રદેશ
વાંઢ્યો : દુકાળમાં ઢોરઢાંખર-
ઘરવખરી સાથે સલામત
પ્રદેશમાં હિજરત કરે તે
વાંધાળુ: વાધાં-વચકાવાળું,
તકરારી
વાંસળી : રૂપિયા રાખવાની સાંકડી
થેલી કે જે કમરની આસપાસ
બંધાય છે
વાંભ : (૧) ગાયભેંસોને બોલાવવાની
ગોવાળેાની બૂમ (૨)
લંબાવેલા હાથ જેટલું
માપ
વીજળી : તલવાર
વીયા : સંતાન
વેકરો : રેતી
વેઢ : ફેરવીને નાનું-મોટું થાય
તેવું અાંગળીનું ઘરેણું, ફેરવો
(ભારતની તળપદ જાતિઓના
પુરુષો વિશેષ પહેરે છે)
વૈણ્ય : નાની નદી
વેધ વચકા : રિસામણાં, મનદુઃખ
વેન : હઠ
વેંતવા : વેંત જેટલું
વોડકું : પહેલી જ વખત વિંયાવાની

તૈયારી હોય તે ગાય
વોળાવિયા : મુસાફરીમાં રખવાળ
વેાંકળો : નહેર, નાની નદી
વ્યાળું : વાળું, રાત્રિનું ભોજન
વ્રહમંડ : બ્રહ્માંડ, આકાશ
શાદૂળો :સિંહ (શાર્દૂલ પરથી)
શામધર્મ : સ્વામી ધર્મ, નિમક.
હલાલી
શેલાયું (નેાંજણું) : દોહતી વખતે
ગાયના પાછલા પગ બાંધવાનું
ટૂંકું દોરડું. પગ છોલાય
નહીં માટે એ ગાયપુચ્છ કે
બકરીના વાળમાંથી બનાવે
( શેળાયું પરથી )
સગતળિયું : જોડાની અંદરનું
પાતળું અસ્તર
સનકારા : આંખેાના
ઇશારા
સફરી : (સફર કરનાર) વહાણ
સમ વરળક : ભાલાના ચમકારાનું
દશ્યાત્મક વર્ણન
સમણવું : વીંઝવું
સમસ્યા : સંકેત, યુક્તિ
સમો : સમય
સરગાપર : સ્વર્ગ
સંચોડા : કુલઝપટ
સંજળ : જળથી ભરપૂર
સાબદી: તૈયાર
સામધર્મ : સ્વામીભક્તિ

સાં : છાયા
સાંકળ : ડોક
સાંગ : ભાલાને મળતું શસ્ત્ર
સાંઢ્ય : સાંઢણી
સાંતી : એકસો વીઘાં જમીન,
(૨પ વીઘાં = એક એકર), એક
ખેડૂત એકલપંડ્યે, એક હળ
ખેડી, વાવી, લણી શકે તેટલી
જમીન
સિસકારો : દાંતમાંથી નીકળતો
વેદના-સ્વર
સીરખ : (૧) પરણતી વખતે
કાઠિયાણી પહેરે છે તે
પાનેતર (ર) બનાત
સીસાણો: સીંચાણો બાજ,
શકરો બાજ
સુખડી : ભાતું, ટીમણ
સુખડું : મીઠાઈ
સુગલો: આનંદ
સુરાપરી : સ્વર્ગાપુર
સુવાણ : અારામ
સૂરજ દેવળ : થાન પાસેનું સૂર્ય
દેવનું મંદિર, કાઠીઓના
ઈષ્ટદેવનું નામ
સૂરાપૂરાનું પતરું : કુળદેવતાઓની આકૃતિવાળું ચાંદીનું
પતરું જે સ્ત્રીઓ ડોકમાં
પહેરે છે
સેંસાટ : શરણાઈના સૂર

સેાજીર: સોલ્જરને કાઠિયાવાડીઓ
'સેાજીર' કહેતા, જેમ કે
વાઘેરોને વિષે 'દુહો' કહેવાય
છે :
માણેક સીચોડો માડિયો,
ધધકે લોહીની ધાર,
સેાજીરની કીધી શેરડી,
વાઘેર ભરડે વાડ.
સોટી જેવા ગૂડા : પાતળા પગ
સોણું : સ્વપ્ન
સેાતી : સહિત
સોપો : સુષુપ્તિ (તે પરથી રાત્રિએ
સર્વ ગામલોકો સૂઈ ગયા હોય
તે સમયને સોપો પડી ગયે।
કહેવાય છે.)
સોંડાવવું : સાથે તેડી જવું,
નિમંત્રવું (લગનમાં)
સોંધો : કાળો, ચીકણો અને
સુગંધી, હાથે બનાવેલો
'પોમેડ' જેવો વાળ માટેનો
કાળો લેપ
સોંયરું : સૂરમો
સોંસરી : આરપાર
હડી : દોટ
હથાળો : દૃઢ
હથેવાળો : હસ્તમેળાપ, લગ્ન
હનો : ધોડેસવારની ચીજો રાખવા
માટેનું ખાનું (ઘોડાના
પલાણમાં )

હરમત : હિંમત
હરામ : ત્યાજ્ય, અગરાજ
હરીસો : કાઠી લોકોનું એક
જાતનું પકવાન
હલક્યા : ઊમટ્યા
હાકલો: હાકલ
હાથગજણું : હાથગરણું, લગ્નપ્રસંગે
અપાતો ચાંદલો
હાથલા થોર: એક જાતનો થૂવર
જેને હાથના પંજા જેવડાં
પાંદડાં થાય છે.
હાવળ : ઘોડાનો હણહણાટ
હાંસડી : ડોકે પહેરવાનો, રૂપાનો
વાળો

 
હિલોળવું : ઝુલાવવું
હિંગતોળ : વાણિયો (તિરસ્કારમાં)
હીણું : નબળું, દૂબળું
હુલાવવું : ઘોંચવું
હેઠવાસ : નદી જે દિશામાં વહેતી
હોય તે દિશા, નીચો વાસ
હેઠળ : નીચે
હેડ્ય (ગાડાંની) : હાર્ય, સમૂહ
હેબતાવું : ચકિત બનીને
અચકાવું
હેમખેમ : ક્ષેમકુશળ
હેમવરણું : સુવર્ણરંગી
હેલ્ય : બેડું
હૈયાફૂટું : ભુલકણું

*

પાળિયા-ખાંભી : ગામડાંનાં પાદરોમાં પથ્થરમાં કોતરેલાં મૃત્યુ-સ્મારકો જોવા મળે છે. તેમાં ઘોડેસવાર, પગપાળો, ઊંટ સવાર, રથ-સવાર વગેરેનાં શિલ્પો કંડારેલાં હોય. કોઈમાં કાટખૂણા જેવો હાથનો પંજો કે કોઈ સ્ત્રી મૃત માનવીને બે હાથમાં ઉપાડીને લઈ જતી હોય. આ બધાને સામાન્ય રીતે પાળિયા કે ખાંભી કહીએ છીએ. પણ, આ મૃત્યુ-સ્મારકોમાં વિવિધ ભેદો છે, જેમ કે, ગામનું કે અબળાનું રક્ષણ કરતાં મૃત્યુ પામેલા શૂરવીરના સ્મારકને પાળિયો કહેવાય, યુવાન, સાજોસારો માણસ અકસ્માતથી, સર્પદંશથી કે આપઘાતથી મર્યો હોય તેના સ્મારકને સૂરધન કહે, કોઈ રાજા કે શ્રેષ્ઠી ગોચર માટે જમીન આપે કે બ્રાહ્મણને દાન આપે તેના માટેના લખાણવાળી ટિલા ખંભ કે ખાંભી કહેવાય. ગામ બચાવવા કોઈ વીરાંગના ખપી ગઈ હોય તેનો પાળિયો, પતિની પાછળ સતી થાય તેની ખાંભી. આપઘાતથી મરેલી સ્ત્રીની શિકોતરની ખાંભી, મૃત્યુ સ્મારકના અાવા બાવીસેક પ્રકારો છે: પાળિયા, ખાંભી, શૂરાપૂરા, કેશ, પાવળિયા, દેવલા વગેરે. ( ખોડીદાસ પરમાર. )

*
રૂઢિપ્રયેાગો

અઢારે આલમ ટાંપીને બેઠી હતી: સમગ્ર પ્રજા રાહ જોઈ રહી હતી
અથર્યા થયા સિવાય: જરાય અધીર થયા વિના
અર્ધે માથે કપાળ : ભાગ્યશાળી, આભકપાળો
અંગૂઠો દાબીને : સૂતેલ સ્ત્રી-પુરુષને જગાડવાં હોય તો તેને ઢંઢોળીને
નહિ પણ જમણા પગનો અંગૂઠો પકડીને જગાડાય છે.
અંતર ભાંગવું : અંતર એાછું કરવું, નજીક જવું
અંતરમાં અજવાસ થવો : એકાએક સૂઝી આવવું
અંતરમાં ટાઢો શેરડો પડી જવો : હૃદયમાં સંતોષ કે શાંતિની શીતળ
લાગણી થવી
'આ કાયા તારે કણે બંધાણી છે' : તારા દીધેલા અન્નથી શરીર
પોષાયું છે
આઉ મેલવું: પશુઓને જેમ જેમ સગર્ભાવસ્થાના મહિના વધે તેમ
તેમ આઉનો ભાગ પ્રગટ થતો જાય તે
આકડે મધ : સુલભ્ય કીમતી વસ્તુ (મધ હમેશાં ઝાડની ઊંચી ડાળે
હોઈ મુશ્કેલીથી મેળવી શકાય, પણ આકડાની ડાળે હોય તો તે
સુલભ્ય થઈ શકે, આકડાનું ઝાડ નાનું હોય છે)
આજના જેવી કાલ્ય નૈ ઊગે : ભવિષ્ય વધુ અનિષ્ટમય થશે.
આડી જીભ વાળવી : વિરુદ્ધ મત આપીને વિઘ્ન નાખવું – વાતને તોડી
નાખવી.
આડી હોવી : ટેક હોવી
આડું આવવું : સ્ત્રીને પ્રસવ થતી વખતે બાળક આડું આવે છે તે
આડો આંક આવવો : હદ થઈ જવી, પરાકાષ્ટા થવી

આતમો વધવા માંડવો : ઈશ્વરપ્રતીતિ થવી
આદુ વાવવાં : સત્યાનાશ કાઢવું
આભ-જમીનનાં કડાં એક કરી નાખવાં : પૃથ્વી-આકાશને બળથી
માપી લેવાં, અશક્યને શક્ય બનાવવું
આંખ ઠેરાવી : આંખ સ્થિર થવી
આંખ પારખવી : દૃષ્ટિનો ભાવ પારખવો
આંખ રાતી કરવી : ક્રોધ કરવો
આંખો ઠોલવી : આંખો ખાવી (શિકારી પંખી શિકારની આંખો ઠોલી
નાખે જેથી શિકાર છટકી ન જાય. પણ લોકમાન્યતા પ્રમાણે
મરેલા યોદ્ધાની આંખો ખંડક હોય તો કાણા કે બાડાને સ્વર્ગની
અપ્સરા વરતી નથી. જૈન લધુચિત્રમાં એકચશ્મી મુખને પણ
બે આંખો ચીતરાય છે તેનું કારણ તેનું અખંડપણું જળવાય તે.)
આંખો ધરતી ખોતરે : લજજાથી આંખો નીચે ઢાળવી – આંખો નીચી
ઢળીને જાણે કેમ ભોંયને ખોદતી હોય, એટલી બધી લજજા પામવી.
આંખોનાં તોરણ બંધાવાં : રસ્તાની બેઉ બાજુ હારબંધ ગોઠવાયેલી
મેદની સ્થિર દૃષ્ટિથી નિહાળી રહે તે
આંધળો ભીંત : સારાનરસાનું ભાન ગુમાવી બેઠેલો
ઇન્દ્ર મહારાજ ગેડીદડે રમવા માંડ્યા : મેઘગર્જના થવા લાગી
ઉડામણી કરવી : ઉડાઉ જવાબ આપી છેતરવું
ઉત્તર દિશાનું ઓશીકું : માણસનું મૃત્યુ થાય, ત્યારે તેનું માથુ ઉત્તર
દિશામાં રાખી સુવરાવે છે કારણ કે યમનગર દખણાદું છે.
ઊભા મોલ ભેળવી દેવા : ખેતરમાં ઊગેલા મોલ ચારી દેવા
એક હાથ જીભ કઢાવવી : ત્રાસ આપવો
એકના બે થવું: હઠ છોડવી, નિશ્ચય ફેરવવો
'એકાદ પછેડી ફાડીશ' : એકાદ પછેડી ચાલે તેટલું (ત્રણેક વરસ) જીવીશ
(ઘોડાને) એડી મારવી: ચાલવાના સંકેતરૂપે ઘોડાને ભાલાની બૂડી
અથવા આર મારવી
એના છઠ્ઠીના લેખ લખનારી વિધાતા મોળો અક્ષર કાઢતાં કાંપી ઊઠી હશે:
જન્મથી જ પ્રારબ્ધમાં મહત્તા આલેખાઈ ગઈ હતી

એને માથે કોણ બેઠા છે?: એના સહાયક કોણ છે ?
એબ દેવી : કલંક ચોંટાડવું, અપશબ્દ કહેવો
એરુ આભડવો : સર્પદંશ થવા
ઓડા લગાવવા : મોરચા માંડવા
ઓઢણું (માથે) પડવું : …ની સ્ત્રી હોવું, (આ સ્ત્રીને માથે અમુક
પુરુષનું ઓઢણું પડેલું છે, એટલે એ પુરુષ એનો પતિ છે.)
ઓધાન રહેવું : ગર્ભ રહેવો
ઓરડા ચૂંથવા : ઘરની આબરૂ લેવી
કટકેય ન મૂકવો : પૂરેપૂરો ખતમ કરવો
કડે કરવું : પોતાના કાબૂમાં રાખવું, સાબૂત રાખવું
કઢારે લઈ જવું : ઉછીનું લઈ જવું (અનાજ)
કમળપૂજા ખાવી : શિવલિંગ પર પોતાનું મસ્તક તલવારથી કાપીને
ચઢાવવું
કવિતા અને બધા અલંકારો ઘરની નારી પર ઢોળી રહ્યો છે : સ્ત્રીના
રૂપગુણનાં વખાણ કરે છે
કસું તૂટવી : ઉમળકો આવવો (ઉમળકો આવે તે વખતે અંગરખો
પહેર્યો હોય તેની કસો છાતી ફૂલવાથી તૂટી જાય)
કળાઈ આવવું : જણાઈ આવવું
કાપડાની કોર માગવી : ભાઈ પાસેથી બહેન વચન માગી લે તે
કામ આવવું : ધીંગાણે મરાવું
કામ રહેવું : અધવચ્ચે મુશ્કેલીમાં મુકાવું, અંતરિયાળ રહી જવું
કાયા ઉપર ગલ ઊપડતા આવે : શરીર ઉપર તેજસ્વી ભાત ઊપડતી
આવે.
કાયાના કટકે કટકા કરી નાખવા : શરીરના પ્રત્યેક અવયવને અનેક
રીતે મરડી મરડીને કસરત કરવી
કાળ ઊતરી : દુષ્કાળ પાર કરી જવાય
કાળજુ ઠરીને હિમ થવું : હૃદયમાં ટાઢક થવી
કાળને અને હાથને એક વેંતનું છેટું : મૃત્યુ અત્યંત નજીક હોવું
કાળી આગ લાગવી : પેટમાં અસહ્ય બળતરા થવી

કાળી લાયનું કાપડું : કાળા રેશમી ગજકનું કાપડું
કાંડાં બાંધવાં : પ્રતિજ્ઞા લેવી
કાંધ મારવું : ગરદન કાપવી
કાંબી : સ્ત્રીના પગમાં પહેરવાનું રૂપાનું ઘરેણું
કીડી માથે કુંજરનાં કટક : નિર્બળ ઉપર બળવાનની ચડાઈ
કૂતરાના મોતે મરવું : રિબાઈને મૃત્યુ પામવું
કેટલી વીસે સો થાય : કેટલી મુશ્કેલી પડે
કોણીનો ગોળ : મુશ્કેલ કાર્ય (કોણી પર લાગેલો ગોળ જીભ વતી
લઈ શકાતો નથી તે પરથી)
કોરે કાગળે સહિયું કરી આપવી : બધી છૂટ આપવી
ખડિયામાં ખાંપણ અને મોઢામાં તુળસી : મૃત્યુ માટેની કાયમી તૈયારી.
પૂર્વે વીર નરો ચાહે ત્યારે મરણ પામવાની સંભવિતતાને લીધે
પોતાની થેલીમાં કફન અને મુખમાં તુલસીપત્ર લઈને જ નીકળતા.
ખાસડાં હોજો : ફિટકાર હજો
ખોરડું ઉજાળવા આવવું : વંશવેલો જાળવવા, કુળની આબરૂ સાચવવા
આવવું
ગળત કરી જવું : અનધિકાર રાખી લેવું
ગળે ઘૂંટડો ઉતરાવવો : ખાતરી કરાવવી, સમજ પાડવી
ગા' ખા : ગાયનું માંસ ખા (એક જાતના હિંદુ શપથ)
ગા'ના ગાળા છૂટવા દે : પ્રભાત થવા દે. (પ્રભાતે ગાયોનાં બંધન
છૂટે છે.)
ગા'વાળે ઈ અરજણ : ગાયોને છોડાવવાનો રાજપૂત ધર્મ બજાવવો
(તેરમા વરસના છૂપા વનવાસ દરમિયાન પાંડવોને પ્રગટ થઈ
જવાની ફરજ પાડવા કૌરવોએ ગાયોને બળજબરીથી લઈ જવાનું
ગોઠવ્યું હતું, જેથી અર્જુન પોતાનો ક્ષત્રિયધર્મ બજાવવા પ્રગટ
થઈ જાય : ગાયોને બચાવ્યા વિના ન રહી શકે તે અર્જુન જ
હોવાનો. એ યુક્તિ-પ્રસંગ પરથી.)
ગાડાં ઠાંસી દેવાં : ગાડાં આડશરૂપે ગોઠવી દેવાં
માતર ભીડવી : ઓઢણીને ગાંઠડી વાળવી, સાડલાના બંને છેડા ડોક

પાસે લાવી, ગાંઠ મારી દેવી તે (ચારણ સ્ત્રીઓ આ રીતે
ઓઢણું ઓઢે છે.)
ગૂડી નાખવું : હણી નાખવું
ગોટા વાળવા : બહાનાં કાઢવાં
ગોળા વાળવા : ગોળ ગોળ બોલવું
ગૌમેટ કરવું : ગૌમાંસની માફક હરામ ગણવું (અંગ્રેજી શબ્દ “કાઉ-
મીટ'નું અપભ્રંશ બની ગોમેટ કે ગોમેટ તરીકે સૌરાષ્ટ્રમાં વપરાય છે)
ઘરણ ટાણે સાપ કાઢવો : પ્રતિકૂળ સમયે અમુક કાર્ય કાઢવું (ગ્રહણ
સમયે આભડછેટ હોવાથી ઘરમાં કશી ચીજને અડકાય નહિ,
તેથી સાપ નીકળતાં તેને પકડવાની મૂંઝવણ થાય )
ઘરેણે મુકાઈ ગયું : ગીરે મૂકી દીધું
ઘેશનાં હાંડલાં ફોડીશ મા : ગરીબને રંજાડતો નહિ
ઘોડાં ખૂંદવાં : ઉતાવળ કરવી
ઘોડાં ઘેર્યાં : ઘોડાને પાણી પાયાં
ઘોડાં ફેરવવા : સેના ચલાવવી
ઘોડાં ભેડવવાં : ઘોડાંની શરત કરવી
“ચકલાંયે એના ઘરની ચણ નો'તાં ચાખતાં” : એ વાંઝિયો હતો.
ચડાઉ કરી : (ઘોડીને) પલોટીને સવારી માટે તૈયાર કરી
ચપટી ધૂળ નાખીને ધાન ખાવું : પાત્રમાં એક બાજુ ચપટી ધૂળ
પ્રતીકરૂપે નાખીને ભોજન લેવાની ટેક (દા. ત. ચિતોડ ન મળે
ત્યાં સુધી થાળીમાં ધૂળ નાખી ને ભોજન લેવાની ટેક રાણા
પ્રતાપે લીધેલી )
ચાડ કરીને : સામે ચાલીને, ચડસ કરીને
ચાર આંખો ન મળવી : રૂબરૂ ન મળી શકવું
ચાર પગ સંકેલીને : ચારે પગ ભેગા કરીને, શરીર બરાબર સમતેાલીને
(હરણ કૂદે ત્યારે છલાંગ મારતા પહેલાં ચાર પગ
ભેગા કરીને ઠેક મારે તેમ)
ચાર હત્યાનું પાપ : બ્રહ્મહત્યા, ગોહત્યા, નારીહત્યા, બાળહત્યાનું
પાપ

ચીંટિયો લઈએ તો ધાર થાય : લોહીથી ભરપૂર, તંદુરસ્ત
ચીંથરાં ફાડવાં : પોતાનો બચાવ કરવા વ્યર્થ યત્ન કરવા
ચૂડલી નંદવાવી : ચૂડલી તૂટવી
ચૂડલીની ઠેકડી ન હોય : સૌભાગ્ય પ્રતીકની મશ્કરી ન હોય
ચૂડા સામુ તો જુઓ ! : સૌભાગ્યની વાત તો વિચારો !
ચોકડું ડોંચવું : લગામ ખેંચીને માર્ગ ફેરવવો
ચોરાસી સિદ્ધની પંગતમાં રાહ જોવાવી : મચ્છેન્દ્રનાથ, ગોરખનાથ
વગેરે સિદ્ધોની સાથે બેસવા જેવું તપ કરવું
છાશ પીવાનું ટાણું : સવારે લગભગ અગિયારેક વાગ્યે થતો નાસ્તો,
શિરામણ (ખરેખર તો શિરામણમાં દૂધ-રોટલા હોય, પણ
લોકમાન્યતા પ્રમાણે “દૂધ” શબ્દ અપશુકનિયાળ હોવાથી એ
બોલાતો નથી. દૂધ પીરસનાર પણ 'છાશ આપું' બોલે છે.)
છૂટકો થઈ જવો : પ્રસવ થઈ જવો
છોડિયું છબે નહોતી રમી પણ મરદોએ કાંડાં બાંધ્યાં હતાં : ગમ્મત
રૂપે નહિ પણ બહુ વિચારપૂર્વક પ્રતિજ્ઞાઓ લીધી હતી.
જણ્યો પરમાણ : જન્મ આપ્યો તે સાર્થક
જમણ ભાંગી જવાં : દિવસો વીતી જવા
જમણું અંગ ફરકવું : સ્ત્રીનું જમણું અંગ ફરકે એ અપશુકન ગણાય છે
જમીન લીંપવી : સાથરો તૈયાર કરવો. થોડો થોડો જીવ હોય ત્યારે
મરતા માણસને ગાયનું છાણ, તુલસીપાન, જુવારદાણા લીંપીગૂંપીને
સાથરે સુવડાવે છે
જમૈયો વાડે કરૂ લે : જમૈયો મ્યાન કરી લે
જાગી જવું : ઉત્તેજિત થઈ જવું
જાડે માણસે હોવું : ઘણા માણસો સાથે હોવા
જાતવંત : ખાનદાન, કુલીન
જાતાં આભને ટેકો દેવો : મોટી આફતમાંથી બચાવ કરવો
જાત્રાનાં એંધાણ : જાત્રાની છાપ (દ્વારકાના જાત્રાળુને યાત્રાની યાદરૂપે
ગરમ છાપ બાવડે છાપે છે, તે હંમેશ રહી જાય છે.)

જામગરી : અસલની બંદૂકોને આગ ચાંપવાની સળગતી દોરી, જે
અત્યારના બંદૂકના ઘોડાની ગરજ સારતી
જીભ કચરવી : વચન આપવું, નિર્ણય કરવો
જીભ ખિલાઈ જવી : લાચાર બનીને ચૂપ થઈ જવું. જાણે કે જીભને
સાંધી લીધી હોય
જીવ ઓળે ગરવો : જીવવાનો લોભ રહી જવો
જીવ ટૂંપાવો : દુ:ખી થવું
જીવ નીકળવો : મૃત્યુની વેદના થવી
જીવ બગાડવો : લલચાવું
જીવતરની પોટલી બાંધવી : મૃત્યુને માટે તૈયાર થવું
જુવાની આંટા લઈ જાય : ફાટતી જુવાની
જેના વાંસામાં જોગમાયાનો થાપો પડ્યો છે : જે દેવીના આશીર્વાદ
પામ્યો છે
જોતર છોડવાં : બળદ છોડી નાખવા
ઝડાફા દેતી ઝાળ ઊઠતી હતી : ભડકા નાખતી જુવાળ ઊઠતી હતી
ઝપટ કરવી : હુમલો કરવો
ઝરખિયાના ઝાંપા જેવી દાઢી : ગામડા ગામના દરવાજા કાંટાના બનાવેલા
અને દાઢીના આકારના હોવાથી બરાબર દાઢીને ઉપમા દેવા
લાયક દેખાતા
ઝોળી ક્યાંય તરતી નથી : બધાં વર્ણોમાંથી ભિક્ષા લે છે
ટલ્લા દેતી : ઘીં ઘીં વળતી, અથડાતી જતી
ટીલડીમાં નેાંધીને : કપાળની મધ્યમાં નિશાન તાકીને
ટીંબો બનવું : ઉજ્જડ થવું
ઠાણ દેવું : વિયાવું, પ્રસવ થવો (ઘોડીને માટે વપરાય છે)
ડાગળી ખસી જવી : ભેજું ચસકી જવું
ડાબલા ગાજવા : ઘોડા ઝડપથી દોડતાં આવે તેનો અવાજ સંભળાવો
ડૂધાની ઘૂંટ લેવી : હોકાની ફૂંક લેવી
તડકા ગાભવા : તાપનો સમય વિતાવવો
તણાઈ જવું : પગમાં ભંભોલા પડવા

તમારી ઉપર અમારો હાથ ન હોય : અમે તમારી ઉપર પ્રહાર ન
કરીએ
તમારે મારે છેટું પડી જાશે : આપણા બંનેમાં ભેદ જણાશે
તરવાર આછટી : તરવાર ફેરવી
તરવાર પેટ નાખીને મરવું : તરવારથી આત્મહત્યા કરવી
'તારા હેતુને કોને સંભારી રહી છે ?' : તારા કયા પ્રેમીને સંભારી
રહી છો ?
તૂરી-ભેરી વગડી : રણશિંગાં વગડ્યાં
તેલમાં માખી બૂડવી : નિરુપાય બનવું
તોળાઈ રહે (આફત) : માથે પડવાની તૈયારી
તોળી લેવા : ઉપાડી લેવા
ત્રણ તસુ ભરીને નાક કાપી લેવું: આબરૂ લઈ લેવી
ત્રણસો પાદરનો વાવટોઃ ત્રણસો ગામનું ધણીપદું
ત્રણે પરજુ : ખાચર, ખુમાણ અને વાળા એ કાઠી કોમની ત્રણ મુખ્ય
પરજ ( શાખા )
ત્રસકાં ટપકવાં : (લોહીનાં ) છાંટણાં ઊડવાં
ત્રીજી પાંસળીએ તલવાર પહેરવી : તલવાર કેડે બાંધવાને બદલે ઊંચી
બાંધીને આપવડાઈ બતાવવી
'થઈ જા માટી !': લડવા માટે તૈયાર થઈ જા ! (માટી : ૧૭ થી ૧૯
વરસનો યુવાન )
થાલમાં માંડી દેવું : ગીરે મૂકી આપવું
દક્ષિણ તરફ પ્રયાણ : યમની નગરી તરફ પ્રયાણ, ( મૃત્યુ પછી શબના
પગ દક્ષિણ તરફ રાખવાનો રિવાજ છે. )
દડી ફેંકવી : જન્માક્ષર માંડવા માટે જોષી સૂતિકાગૃહની બહાર બેસે,
દાસી જન્મેલ બાળકના હાથે કાચા સૂતરનો તાંતણો બાંધીને
દોરાની દડી બહાર ફેંકે, તેના પરથી ઘડી-પળની જાણ થાય
અને જોષી સૂત્રવિદ્યાથી જન્મનારની નાડીના ધબકારા પણ
પારખે, અને તેના જન્માક્ષર માંડે એવી લોકમાન્યતા.

દાળોવાટો નીકળી જવો : સત્યાનાશ નીકળી જવું
દાંતોમાં દઈને ગયો : ઘણા શત્રુની વચ્ચેથી થાપ દઈને ગયો
દિલનો દાતાર : ઉદાર દિલનો
દીવાની વાટ્યે ફૂલ ચડવાં : અધરાતનો સમય થવો
દેન દેવા : અગ્નિદાહ દેવા
દેવના ચક્કર જેવા : સમર્થ
દેવળવાળાની દુહાઈ: સૂર્ય મહારાજની આણ, કાઠીઓ સૂર્યપૂજક
છે, અને તેમનું દેવધામ થાન પાસે સૂરજદેવળ નામે એાળખાય છે
દેહનાં ભાડાં દેવાં : શરીરને ટકાવવાની ખાતર ખોરાક લેવો
ધરતીઢાળું જોવું : ક્ષોભ અનુભવવો
ધૂધવા જેવો ખારો : અત્યંત ખારો
ધોળમંગળ ગાવાનો દિવસ : મંગલ પ્રસંગ
ધોળામાં ધૂળ ઘાલવી: (ધોળા તાળ પરથી) વૃદ્ધાવસ્થામાં અપકીર્તિ
આવે તેવું કૃત્ય કરી નાખવું
નવ લાખ લોબડિયાળી : નવ જોગમાયાઓનો ઉલ્લેખ ચારણો આ
રીતે કરે છે
નાડા-વા સૂરજ ચડે ત્યારે : સવારે નવેક વાગ્યે
નાડી ધોયે આડાં ભાંગે : બહુ ચારિત્રયવાન પુરુષને અપાતી ઉપમા.
પૂર્વે જ્યારે કોઈ સ્ત્રીને પ્રસૂતિમાં બાળક અટવાઈ જતું ત્યારે
શિયળવંત પુરુષની નાડી ધોઈને એ પાણી પાવાથી પ્રસૂતિનો
છુટકારો થઈ જતો એવી માન્યતા છે.
નાડીમાં જીવ આવવો : નાડીના ધબકારા ચાલુ થવા, ચેતન આવવું
નામ મંડાવવાં : વહીવંચાના ચોપડામાં પોતાનાં નવાં જન્મેલ
બાળકોનાં નામ લખાવીને બારોટને શીખ આપવી
નેજા ચડવા : યુદ્ધની ધજા ફરકવી
પગ તૂટી જવા: પગની શક્તિ હણાઈ જવી
પગ નીચે લા બળવી: ધરતી પર આગ લાગી હોય અને તેના પર
ચાલવું પડે ત્યારે જેટલી ઉતાવળ થાય તેવી
પચીસનો પીર : અનેકનો આધાર

પડદે નાખવું : જખમી થયેલાને પરદેનશીન કરી દવા કરવી (કોઈનો
પડછાયો પડે તો દર્દીનું અનિષ્ટ થાય માટે પરદો )
પડો, વજડાવવો : ઢંઢેરો પિટાવવો, જાહેરાત કરવી
પલા ઝાટકવા : દાઢીના વાળના કાતરાને ગર્વથી ખંખેરવા (મૂછો
આમળવાની માફક આ ક્રિયા પણ મરદાનગીની સૂચક છે)
પાકી અવસ્થાએ નવું ઘર : વૃદ્ધ વયે નવું લગ્ન
પાછો થયો : મૃત્યુ પામ્યો
પાટિયું ને મૂછો આવવી : ભેંસો નિર્ભય ચરી ખાય તેવી તેના માલિકની
શક્તિ બનવી
પાટીએ ચડેલી (ઘોડી) : પૂરપાટ દોડતી
પાડાની કાંધ જેવો ગરાસ : અત્યંત કાળી અને ફળદ્રુપ જમીન.
પાડાની કાળી અને હૃષ્ટપુષ્ટ ગરદન એ ફળદ્રુપતાનો સચોટ
ખ્યાલ આપે છે.
પાણી ઘેરવું : ઘોડાને પાણી પાવું
પાણી જોવું : જોમની પરખ કરવી
પાણીનો કળશિયો લઈ ઊભા રહેવું : દુશ્મનોથી ગામનું રક્ષણ કરવા
યથાશક્તિ યુદ્ધ કરવું
પારણું કરવુંઃ ઉપવાસ પછી આહાર કરવો
પારોઠનાં પગલાં : પીઠ બતાવીને ભાગવું
પાવલી પાવલી આપી વહેવાર કરવાઃ જેમ લગ્ન પ્રસંગે ચાંદલો
અપાય તેમ ઉત્તરક્રિયા વખતે પાવલી આપવાનો રિવાજ, મેલણું
પાંજરામાં પોપટ પુરાયા જેવું: સાસરિયામાં સોનાને પાંજરે કેદ
થયા જેવું
પેટ (તલવાર) નાખવી : પેટમાં ઘોંચીને મરવું
પેટમાં ટાઢો શેરડો પડવો : પેટમાં ઠારપ થવી, ગર્ભ રહેવો, ઓધાન
રહેવું
પોણાસોળ આના ને બે પાઈ : લગાર પણ ઊણપ (એક રૂપિયામાં
એક પાઈ એાછી )
પોત પ્રકાશવું : સાચું સ્વરૂપ છતું કરવું

પોતાની થાળીમાંથી કોળિયા લેનારા : સગા ભાઈ જેવા, ગ્રાસિયા
[એક થાળીમાંથી 'ગ્રાસ'(કોળિયા) લેનારા, તેના પરથી ગરાસિયો]
પ્રાસવો મેલવો : દુધાળું ઢોર પોતાના આઉમાંથી દૂધને છૂટું મૂકે
અને દોહવા આપે તે
ફટકી જવું : ચસકી જવું
ફાટીને ધૂંવાડે ગયેલ : બહેકી ગયેલ
(સ્ત્રીએ) ફૂલ સૂંઘવું : ફૂલનો પરિમલ લેવો, ગર્ભ ધારણ કરવો.
(લોકજીવનમાં ફૂલ સૂંઘવાની ક્રિયા એ જાતીય સમાગમની
ક્રિયાનું પ્રતીક છે.)
ફેર ભાંગવો : અંતર કાપી નાખવું; આગળ નીકળી ગયેલા હરીફને
પકડી પાડવો
બથમાં ઘાલીને : બે હાથે બાથ ભીડીને
બબ્બે કટકા ગાળો કાઢવી: ઘણા જ ખરાબ અપશબ્દો કહેવા.
બહુ નો દાઢીએ: મરમનાં વેણ ન બોલીએ, દાઢમાંથી ન બોલીએ
બાન પકડવું : બંદી બનાવી તેના સાટે બદલો માગવો
બાળો એનું મોઢું : એને બોલતો બંધ કરો
બાંધે એની તરવાર, અને ગા વાળે ઈ અરજણ : લડાઈ કરે કે
ગૌરક્ષા કરે – બધાય ક્ષત્રિય સરખા
બાંયોની કરલ ચડાવવી : કેડિયાની બાંયોને પહોંચા પાસે વળ ચડાવી
ચડાવીને હાથની સાથે ચપોચપ ગોઠવી દેવી,
બેઠાની ડાળ ભાંગે : જીવનનો આધાર તૂટે
બેલાડયે બેસાડવો : (ઘોડા પર ) પાછળ જોડાજોડ બેસાડવો
ભાણે ખપતી વાત : ગરાસિયા, રજપૂત, આહીર વગેરે તેર વર્ણો
કાંસાની એક જ તાંસળીમાં રોટી–વ્યવહાર કરી શકે તે.
ભાલાને માથે દેવચકલી અાંટા મારે : યુદ્ધમાં જો શૂરવીરનો વિજય
થવાનો હોય તો તેની મંગળ સાક્ષીરૂપે એ વીરના ભાલાની
અણી પર એ વીરની કુળદેવી કાળીદેવ (દેવચકલી ) પંખીના
રૂપમાં આવીને બેસતી એવી લોકમાન્યતા છે.
ભાંગ્યા દળના ભેળવણ : હારેલા લશ્કરને સારી લડાઈ માટે પ્રેરનાર

ભીંત ભૂલવી: મોટી ભૂલ કરી નાખવી
ભીંસ કરવી : દબાણ કરવું
ભુક્કા નીકળવા : ચૂરા થવા
ભૂતનાથના ભેરવ જેવો : શંકરના ગણ જેવો
ભૂંડી થઈ : આફત આવી
ભેળવી દેવું : ચોરીથી ખેતરનો પાક ઢોરને ચરાવી દેવો
ભેંસ્યું જે ઘડીએ માંદણામાં પડે તે ઘડી ડેડકાં બિચારાં ઓવાળે ચડે :
મોટા લડે એની હડફેટે નાના નિર્દોષ ફેંકાઈ જાય (ભેંસ
પાણીમાં પડે ત્યારે દેડકાં કાંઠે ફેંકાઈ જાય એ રીતે )
મલક છતરાયો : દુનિયા જાણે તેમ, ખુલ્લંખુલ્લાં
મસાણમાં સોડ તાણવી : મૃત્યુ પામવું
મહારાજ મેર બેસે : સૂર્યાસ્ત (સૂર્ય મહારાજ અસ્ત થાય છે ત્યારે
મેરુ પર્વતની પાછળ બેસી જાય છે, એવી લોકકલ્પના પરથી)
માણસ જાડું હોવું : ઘણા માણસ સાથે હોવા
માણું માણું મૂલ મળશે : લાણી કરનારને મજૂરીમાં જે પાકની
લાણી થતી હોય તેના એક માણું ( નવ શેર)ના માપે દાણા
મળે છે, એના ઉપરથી.
માથા વગરનો ખવીસ : લોકમાન્યતા પ્રમાણે ખવીસ ખૂંધો હોય,
ડાકણને વાંસો ન હોય, ભૂતને પડછાયો ન હોય
માથાબોળ નાહવું : માથું ભીંજવીને નાહવું
માથામાં ખુમારી રાખીને : મગજમાં ગુમાન રાખીને
માથું દેહ પર ડગમગવું : મૃત્યુ નજીક હોવું
માથે પાણી નાખવું : ધીંગાણે ઘવાયેલ કે ભયંકર માંદગીમાંથી માણસ
સાજો થાય ત્યારે અપાતું હર્ષનું જમણ
માથે માથું ન રહેવું : ધડ-માથું જુદાં થવાં, જીવતા ન રહેવું.
મારા હાથ ક્યાં અમથા અમથા ખાજવે છે ? : મારે ક્યાં નકામી
લડાઈ વહોરી લેવાનું મન છે ?
મારે ને જમને વાદ થાય છે : નજીક આવેલા મૃત્યુને ઠેલી રહ્યો છું
માલ વાળવો : ઢોર લૂંટી જવાં

માવતરમાં કાંઈક ફેર પડ્યો હશે : માબાપના ચારિત્ર્યમાં કંઈક
ખામી હશે
માંડી દેવી : (જમીન) થાલમાં મૂકવી
મીઠાં વાવવાં : ખેદાનમેદાન કરવું
મૂછે તાવ દઈ : મૂછ મરડીને, પોતે બહાદુર છે એવી જાહેરાત કરવી.
મોજના તોરા છૂટવા : હર્ષાવેશમાં બક્ષિસો કરવાની ઇચ્છા થવી
મોઢા પર મશ ઢળવી : શરમિંદા બનવું
મોઢું કાઢવું : અણી બહાર નીકળવી, કુંભસ્થળ ભેદાઈ જવું
મોઢે થવું : રૂબરૂ મળવું
મોઢે લોટ ઊડતો આવવો : (અત્યંત જોશભેર દોડ્યા જતા માણસને
મોંએથી જે ધસારાબંધ શ્વાસ નીકળે છે, તે જાણે કે લોટ
ઊડતો હોય, એ પરથી) જોશભેર દોડ્યા જવું
મોણ ઘાલવું : અતિશયોક્તિના રંગ પૂરવા
મોળપ કહેવાવા ન દેવી : હીણું દેખાવા ન દેવું
મોં ભરાઈ જવું : સંતોષ થઈ જવો
મેાં વાળવું : મોઢું ઢાંકીને રડવું
રજપૂતી આંટો લઈ ગઈ છે : રજપૂતાઈનો ધર્મ બરાબર પાળે છે
'રા' રખતી વાત કરજે': જે કર તે, પણ રા'
નવઘણને રાખીને કરજે (રખતી : રાખીને)
રાત ભાંગવી : અરધી રાત પછીનો સમય
રાતે પાણીએ રોવા લાગી : અંતર વલોવતી વેદનાપૂર્વક રડવા લાગી
રાબછાશે ડાહી : રસોઈ કરવામાં નિપુણ
રાંગ વાળવી : ઘોડા ઉપર ચડવું
રુઝ્યું રડ્યે : સાંજે અંધકારની શરૂઆતની વેળા, ઝાલરટાણું
રૂંવાડું ધગવું : ઉશ્કેરાવું, ચાનક ચડવી
રૂંવાડું પારખવું : સ્પર્શમાત્રથી ઇચ્છા સમજી જવી
રૂંવાડે રૂંવાડે કુળનું નામ લખાઈ જવું : રોમરોમમાં કુળનું લોહી
ફરકવું
રૂંવાડે રૂંવાડે જુવાની : રોમરોમમાં યુવાનીનો તરવરાટ

રોળાઈ-ટોળાઈ જવું : વાતની ગંભીરતા ઉડાડી નાખવી
લબાચા વીંખવા : માલસામાન વેરવિખેર કરીને આબરૂ લેવી
લાખ વાતેય : ગમે તેટલે ભાગે
લાડ ઉતારવાં : ખુવાર કરવા
લાપસીનાં આંધણ મુકાવાં : શુભ પ્રસંગની ઉજવણી થવી. (આણું,
વેવિશાળ કે લગ્નના જમણમાં લાપસીનું ખરચ-જમણ થાય
ત્યારે આ પ્રસંગમાં આવેલા મહેમાનોએ સમજી જવાનું કે
હવે “શીખ” મળી ગઈ : “શીખ” એ વિદાયનું પ્રતીક છે. )
લાંબે ગામતરે : લાંબા સમય માટે બહારગામ જવું તે
લીલો કંચન જેવો : અત્યંત લીલો એટલે ઊંચી જાતનો (બાજરો)
લૂગડે બાંધી બાંધીને પાણી લાવવું : કપડું પાણીમાં બેાળી નિચોવી
લઈને પાણી ભેગુ કરવું
લોઢે મોત : લડતાં લડતાં તલવારથી મૃત્યુ, સામે મોઢે મૃત્યુ
લોહી છાંટવું : પોતાનાં અંગ કાપી આપવાં, ત્રાગાં કરવાં
લોહી-માંસ વસૂલ કરત : પૂરેપૂરો બદલે લેત
લાંચ ખવરાવવી : ઘોડાને બાજુ ઉપર વાળવો
વટક વળવું : બદલો લેવાઈ જવો, હિસાબ પતી જવો
વડ્યે વાદ : સરખી શક્તિવાળા માણસની સાથે જ વિવાદ શોભે
વડાને વકાર ન શોભે : મોટાને અભિમાન ન શોભે
વહાલમાં વેર કરાવવું : સ્નેહીઓમાં વિખવાદ કરાવવા
વહેતી મૂકવી : દોડાવવી
વહી રિયાં : ફરી રહ્યાં
વાટકીનું શિરામણ : ગજા પ્રમાણેની સંપત્તિ
વાડે કરવું (હથિયાર) : મ્યાન કરવું
વાઢે તોય લોહી ન નીકળે : ભય કે શરમથી માણસના અંગમાંથી
જાણે લોહી ઊડી જાય અને કાપવાથી લોહી ન નીકળે તેવું
વાતને પી ગયા : વાતને મનમાં જ રાખી
વિલાયતનાં ઝાડવાં છેટાં થઈ પડશે : વતન નહીં પહોંચે
વીંધાઈને નવરાતના ગરબા બની જવું : એટલી બધી ગોળીઓ વાગવી

કે ગરબામાં જેટલાં છિદ્ર હોય છે, તેટલાં દેહમાં પડી જાય
(ઘામાં ) વેતરાઈ જવું : ખૂબ જખમી થવું
શિખામણ ન માગે : જીવતો ન રહે
શેાક્યપણું ન પાલવે : અંતરાય ન જોઈએ
સત સરાણે ચડ્યાં : સત્ય કસોટીએ ચડ્યું
(સુદામડા તો ) સમે માથે : સહુને સરખે ભાગે
સરખાં વદે : સમેાવડિયા ગણાય
સવા ગજ પનાના કાંસાના થાળ : લગભગ બે ફૂટ વ્યાસના પાંચધાતુના
અને કાંઠાને અંદરના ભાગે વાળેલા ખૂમચા
સવાશેર માટી : સંતાન (ગર્ભનું માંસ અલ્પ હોવાથી “સવાશેર ”
શબ્દ વપરાયો છે.)
સળાવા કરવા : ઝબકારા કરી અહીંથી ત્યાં નીકળવું
સંસાર વાસવો : ઘર માંડવું
સાવજને સાંકળીને પાંજરે નાખવો : બહાદુર પુરુષને બંધનમાં રાખવો
સાંકળના ત્રણ-ત્રણ કટકા : મોર ટહુકે ત્યારે તેની ડોકના ત્રણ વળાંક
થાય તે.
સાંઠિયું સડે : કપાસ પાકી જતાં સુકાઈ ગયેલા છોડ – સાંઠોને
ખેાદવી તે
સૂડ કાઢવું : જડમૂળથી ખોદી કાઢવું
સૂડવું : જડમૂળથી ખોદી કાઢવું
સો સો ઘમસાણોમાં ઘૂમેલી : અનેક લડાઈઓમાં ગયેલી
સોગ ભાંગવો : મરેલા સ્વજનનો શોક ત્યજવાની ક્રિયા. એ થયા
બાદ સારાં વસ્ત્ર-મિષ્ટાન્નોને પ્રતિબંધ પૂરો થાય.
સોનાની કુંડાળ્યે ભાલો : ધાર નીચેની લાકડીયાં સોનાની ગોળ
કુંડળીઓ જડેલી હોય તેવો ભાલો
સોનાની વીંટી જેવા : નાના પણ કીમતી
સેામલ ઘોળવું : ઝેર વાટીને પીવું, આત્મઘાત કરવો
હમચી ખૂંદવી : (ઘોડાં) ડાબલા પછાડે એ
હલાલ કરવું : માંસ ખાવા માટે જીવતા પ્રાણીને મારવું

હાથ તો જોયા ને? : હાથની શક્તિ જોઈ ને?
હાથની કળાયું : હાથના પહોંચાથી કોણી સુધીનો ભાગ
હાથમાંથી તીર છૂટી જવું : બાજી હાથથી જવી
હાથેપગે નાગફણિયું જડવી : ખીલાથી હાથપગ જડવા
હિસાબ ચોખ્ખો કરવો : લેણદેણ પૂરી કરવી
હે તોહેં ઘોડા લઉ જાય : તને ઘોડો ઉપાડી જાય (જાતવાનને ગાળ)
હેતનો કટકો : જેના પ્રત્યે અત્યંત પ્રેમ હોય તે
હેમાળો ગાળવો : આવતે જન્મે મનવાંછિત ફળ ફળે એવી પ્રાચીન
માન્યતાથી હિમાલયના બરફમાં જઈ દેહને પિગાળી નાખવો.
હૈયામાં લખી લેવું : યાદ રાખી લેવું
હૈયું જોવું : હૃદયની ઉદારતા જોવી