રસધાર ૪/ખોળામાં ખાંભી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વોળાવિયા સૌરાષ્ટ્રની રસધાર ૪
ખોળામાં ખાંભી
ઝવેરચંદ મેઘાણી
માણસિયો વાળો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


૧૭
ખેાળામાં ખાંભી

રાંડીરાંડ રજપૂતાણીનો સાત ખોટનો એક જ દીકરો હતો. ધણી મરતાં ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ.

“બાપુ !” લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઊભી રહી. “બાપુ, આજ અમારે બેઠાની ડાળ્ય ભાંગે છે; અને, દરબાર, આ મારો અભલો કોક ટાણે પાણીનો કળશિયો લઈને ઊભો રહેશે હો !”

દરબારને અનુકંપા આવી. ગામને દખણાદે પડખે કંટાળુંમાં અભલાને જમીનનો એક કટકો આપ્યો.

એક ખંભે તલવાર અને બીજે ખંભે પાણીની ભંભલી : એમ જુવાન અભલો હમેશાં સાંતી હાંકે છે.

એક દિવસ ચૂડા ઉપર ધીંગાણાની વાદળી ચડી. પાળિયાદથી સોમલ ખાચર ચડ્યા છે. સામે દરબાર રાયસંગજીની ગિસ્ત મંડાઈ. વેળાવદર, કુંડલા અને ચૂડા વચ્ચે બગથળાની પાટીમાં ધીંગાણું મંડાણું.

સાંતીડું હાંકતાં હાંકતાં અભલે તરઘાયો સાંભળ્યો. સાંભળતાં જ એણે ગડગડતી દોટ મેલી. મોખરે રાયસંગજીનું કટક દોડે છે, અને એને આંબી લેવા અભલો વંટોળિયાને વેગે જાય છે.

ચૂડા અને ધીંગાણાની જગ્યા વચ્ચે માર્ગે નાની વેણ્ય આવે છે. રાયસંગજી વેણ્યને બરાબર વળોટી ગયા તે જ ઘડીએ ત્યાં અભો પહોંચ્યો. સામે ઊભાં ઊભાં કાઠીનાં ઘોડા ખોંખારી રહ્યાં છે.

“બાપુ” એણે બૂમ પાડી. “બાપુ, થોડીક વાર વેણ્યમાં ઊભા રહો અને મારું ધીંગાણું જોઈ લ્યો.”

“અભા, બેટા વેણ્ય તો રાશવા વાંસે રહી ગઈ. હવે હું પાછાં ડગલાં શી રીતે દઉં ? મારું મોત બગડે, દીકરા !”

“બહુ સારું, બાપુ, તો મારે તમારા ખોળામાં મરવું છે.”

એટલું બોલીને અભો રાયસંગને મોખરે ગયો. સંગ્રામ મચ્યો. કાઠીઓ જાડા જણ હતા. રજપૂતો થોડા હતા. રાયસંગજી ને અભો બેઉ ઘામાં વેતરાઈ ગયા.

મરતો મરતો અભો ઊઠ્યો. પૂંઠ ઘસતો ભંભલી લઈને રાયસંગજીની લાશ આગળ પહોંચ્યો. દરબારનો પ્રાણ હજી ગયો નહોતો. દરબારના મોંમાં અંજલિ આપીને અભે યાદ દીધું :

“બાપુ, આ પાણી; માનું વેણ. . .”

"અભલા ! બેટા ! તારી ખાંભી મારા ખોળામાં...” રાયસંગજી ફક્ત એટલું જ બોલી શક્યા.

બેઉના પ્રાણ છૂટી ગયા.

આજ ત્યાં ઘણી ખાંભીઓ છે. એક ઠેકાણે બે જુદી જાદી ખાંભીઓ ઊભી છે. એ ખાંભીઓ અભલાની અને એના ધણીની છે. મોખરે અભલાની અને પાછળ રાયસંગની. આજ પણ ‘અભલાની ખાંભી દરબારના ખોળામાં’ એમ બોલાય છે.