રસબિંદુ/પરાધીન પુરુષ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રસબિંદુ
પરાધીન પુરુષ
રમણલાલ દેસાઈ
૧૯૫૭
અવનવું ઘર →
પરાધીન પુરુષ


સ્ત્રીઓના સમાન હક્કની ચર્ચા જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે મને મારા એક મિત્ર યાદ આવે છે. તેમનું નામ જયંતકુમાર. તેમને અમે બધા The strong silent Man - લોખંડી પુરુષ કહેતા હતા. તેમનો ઊંચો મજબૂત દેહઘાટ જ્યાં તેઓ જાય ત્યાં માર્ગ મુકાવે એવો હતો. તેમને ચોખ્ખાઈ અને વ્યવસ્થા માટે અતિશય ચીવટ રહેતી. નિયમિતપણું તેમના દરેક કાર્યમાં દેખાઈ આવતું હતું. આજ્ઞાપાલનનો તેઓ ભારે આગ્રહ રાખતા. અને પોલીસ ખાતામાં તેઓ ઊંચી અમલદારી કરતા હોવાથી આજ્ઞા, નિયમિતપણું, બંદોબસ્ત, ચોખ્ખાઈ અને કડક દેખાવ એ તેમના નિત્યનાં સાથી બની ગયાં હતાં.

આનો અર્થ એમ કોઈ ભાગ્યે જ કરે કે તેમનું હૃદય પણ લોખંડી હતું. તેમનું હૃદય સોને મઢેલું, વિશુદ્ધ લાગણીભર્યું અને મુલાયમ હતું. પરંતુ પ્રથમ છાપમાં તો તેઓ કડક લાગતા હતા, અને સાચી સીધી વાત કહેવાને ટેવાયેલા હોવાથી તેઓ સહજ ભયપ્રદ પણ લાગતા હતા. નોકરો તેમનાથી થરથરતા, પાડોશીઓ તેમની સાથે છૂટ લેતાં અચકાતા, અને ગુનેગારો તેમનાથી છુપાયેલા જ રહેતા.

તેમણે એક મકાન બાંધવાનું નક્કી કર્યું. તેનો વિચાર આવતાં બરોબર તેમણે કેટલો ખર્ચ કરવો તે પણ નક્કી કરી નાખ્યું. ઘરનો નકશો અને યોજના પણ તેમણે અત્યંત કાળજીપૂર્વક નક્કી કરી દીધાં. બારીબારણા ક્યાં, કેવાં, કેવડાં મૂકવાં; કેટલા ઓરડા, કેટલા માપના રાખવા; પ્રત્યેક ઓરડામાં વધારેમાં વધારે સગવડ કે રીતે થાય; એ બધું જ તેમણે નક્કી કર્યું. વ્યવસ્થાના આગ્રહવાળા જયંતકુમારે મિત્રો ને સગાસંબંધીઓને અને પોતાની પત્નીને એ નકશા બતાવી તેમની પસંદગી મેળવી અને ભારેમાં ભારે ચોકસાઈ કરી લીધી. તેમણે સહુને કહી દીધું.

‘આમાં કાંઈ સૂચના કરવી હોય તે કરી દ્યો. પછીથી હું એક ખીંટીનો પણ ફેરફાર કરીશ નહિ.’

બધાંને ખાતરી હતી કે એક વખત યોજના નક્કી થયા પછી જયંતકુમાર કશો જ ફેરફાર કરવા દેશે નહિ. માત્ર તેમનાં પત્નીએ કહ્યું : ‘નકશાને ઘરના આકારમાં સહેજ ઊતરવા તેતો દો. કેટલોક ફેરફાર ઘર બંધાવતાં પણ કરવો પડે !’

આમાં જ તમારી ભૂલ થાય છે. પહેલેથી જે ફેરફાર કરવો હોય તે સમજીને કહી દો. હું પછીથી કાંઈ જ કરવા નહિ દઉં.’

તેમનાં પત્ની જ્યોત્સનાગૌરીએ કશો જવાબ આપ્યો નહિ; માત્ર એક સ્મિતથી તેમણે પોતાના પતિને સંમતિ આપી. જ્યોત્સનાગૌરી તેમના નામ પ્રમાણે ચમકતું સૌન્દર્ય અને ચમકતી બુદ્ધિ ધરાવતાં હતાં. તેમનું સ્મિત અજેય હતું.

‘હું ફરીથી કહું છું કે પાછળથી તલ જેટલો પણ ફેરફાર હું કરવા નહિ દઉં. તમે મારો સ્વભાવ જાણો છો.’ જયંતકુમારે છેલ્લી ચેતવણી આપી.

તેઓ જાહેરમાં પત્નીને બહુવચનમાં સંબોધતા. કારણ પારસીઓ કે અતિ નવીન હિંદુ યુવતીઓની માફક તેમનાં પત્ની જયંતકુમારને એક વચનમાં બોલાવતાં નહિ – જાહેરમાં તો નહિ જ. એટલે એ બાબતમાં બંનેના સમાન હક્ક સચવાઈ રહ્યા હતા.

‘સારું. હું કશો ફેરફાર સૂચવીશ નહિ. મને કાગળમાં–નકશામાં કશી સમજ પડતી નથી.’

‘ફરી સમજાવું. પણ ઘર શરૂ કર્યા પછી એક તસુનો પણ ફેર નહિ થાય.’ જયંતકુમારે કહ્યું.

‘એ તો હું જાણું છું જ ને ! તમને ગમશે તે મને કેમ નહિ ગમે ?’ નાગૌરીએ વાગ્‌બાણ કર્યું. જયંતકુમારને ખાતરી થઈ કે તેમની કહ્યાગરી પત્ની કશી અડચણ પછીથી નાખશે નહિ , અને તેમની વ્યવસ્થામાં કશો ફેરફાર કરવાની જરૂર રહેશે નહિ.

ઘર બાંધવાનું કામ શરૂ થઈ ગયું. જરેજરની વિગત કૉન્ટ્રાક્ટરે સમજી લીધી અને એક માળ પૂરો થવા આવ્યો. હું એક દિવસ તેમને ઘેર જઈ ચઢયો અને જોયું તો જયંતકુમાર મકાનનો નકશો લઈ ગુસ્સામાં બેઠા હતા.

‘કેમ જયંતભાઈ, આજે કાંઈ નિયમભંગ થયો શું?’ મેં પૂછ્યું. ઠરેલા નિયમ પ્રમાણે જ્યાં સુધી કાર્ય થાય ત્યાં સુધી મારા મિત્ર અત્યંત આનંદમાં રહેતા. આજે મને લાગ્યું કે કરેલા કામમાં કોઈ વિઘ્ન આવ્યું છે.

‘ચાલ, તું આવ્યો એ ઠીક થયું. તું જાણે જ છે કે આ ઘરની કેટલી ચર્ચા કર્યા પછી આપણે કામ શરૂ કર્યું હતું !’ તેમણે કહ્યું.

‘બરાબર છે. તમારો આગ્રહ જ હતો પછી કશો ફેરફાર ન થાય. કૉન્ટ્રાકટર બરાબર નકશા પ્રમાણે નથી કરતો ?’ મેં પૂછ્યું.

‘કૉન્ટ્રાકટરનો સવાલ જ નથી.’

‘તો પછી?’

‘ઘરમાં જ ઝઘડો ઊભો થયો છે.’ જયંતકુમારે કહ્યું. અને એટલામાં જ જ્યોત્સ્નાગૌરી આવ્યાં. તેમણે હસીને કહ્યું :

‘મારા ઘરમાં ઝઘડો હોઈ શકે નહિ.’

‘ઝઘડો નહિ તો બીજું શું ? હવે તમે ફેરફાર કરવા માગો એ કેમ બને?’ જયંતકુમારે કહ્યું.

‘હું કહેતી જ નથી કે તમે ફેરફાર કરો. હું તો ફક્ત સૂચના કરું છું !’ જ્યોત્સ્નાગૌરીએ કહ્યું. તેમના મુખ ઉપરથી સ્મિતની છાપ કદી ખસતી નહિ.

‘હવે આટલું કામ થયા પછી સૂચના? ભીંત પાડીશું એટલે ખર્ચના અંદાજમાં પાંચસો રૂપિયા વધી જશે...અને નકશા પ્રમાણે કામ નહિ થાય એ જુદું.’ જયંતકુમારે કહ્યું.

‘ભાભી ખુશ થતાં હોય તો એટલા પાંચસો રૂપિયા...’ બોલવા ગયો ત્યાં તો મને ગુસ્સામાં જયંતકુમારે અટકાવ્યો :

‘રૂપિયાનો સવાલ નથી. પણ આ આખી યોજના ફરી જાય છે એનું શું ?’

‘થોડી ફરે પણ ખરી. એમાં બહુ હરક્ત છે?’ મેં કહ્યું.

‘તમને હિંદીઓને યોજનાની કિંમત જ નથી. એક પણ બાબતની ચોકસાઈ નહિ.’ તેમણે કહ્યું.

‘પણ એમને કહો તો ખરા કે સૂચના કઈ છે? તમારા મિત્ર છે. તમને અને મને સાચી સલાહ આપશે જ.’ જ્યોત્સ્નાગૌરીએ કહ્યું.

‘નકશા વિરુદ્ધ કાંઈ પણ કહેશે તે હું નહિ માનું:મિત્ર હોય તો પણ.’

‘મને ખોટું નથી લાગતું તો પછી મિત્રને તો ખોટું લાગે જ શાનું? છતાં આપણે જગા જોઈએ તો કેવું ?’ જ્યોત્સ્નાગૌરીએ દરખાસ્ત મૂકી.

‘મારો મિત્ર મૂર્ખ નહિ હોય તો મારા મતને મળતો જ થશે.’ જયંતકુમાર બોલી ઊઠ્યા.

‘જુઓ જયંતભાઈ, મૂર્ખાઈ પણ સાપેક્ષ ગુણ છે. હું મૂર્ખાઈમાંથી બિલકુલ બાતલ થવા માગતો નથી. કોઈ વાર મૂર્ખાઈ મને ગમે પણ ખરી...’ મેં કહ્યું.

‘તારે ઘર જોવું છે કે મૂર્ખાઈ ઉપર વ્યાખ્યાન આપવું છે?’ જયંતકુમાર ઊભા થઈ બોલ્યા. મને એક વિચાર આવ્યો. યોજનામાંથી તસુનો પણ ફેરફાર ન કરવાનો આગ્રહ પકડી બેઠેલા મારા મિત્ર શા માટે જ્યોત્સ્નાગૌરીની સૂચના માની મારો અભિપ્રાય માગતા હશે ? મેં જ્યોત્સ્નાગૌરી તરફ જોયું. તેમના મુખ ઉપરની મધુર સરળતા કોઈ દૃઢ નિશ્ચયને તો ઢાંકતી નહિ હોય? જયંતકુમાર અજાણપણામાં દોરવાતા તો ન હતા ?

નવું મકાન પાસે જ બંધાતું હતું. ત્યાં જતાં બહુ વાર ન લાગી. રસ્તામાં મેં જ્યોત્સ્નાગૌરીના મત પ્રમાણે ફેરફાર થવા દેવા સહજ સૂચન કર્યું એટલે જયંતકુમાર બોલી ઊઠ્યા :

‘તને મત બાંધતાં જ ક્યાં આવડે છે ? અત્યારથી તું પક્ષપાતી બની ગયો.’

‘એમ નહિ...’ મેં કહ્યું.

‘તારો એક જ મત : સ્ત્રીઓમાં માનીતા બની જવું ! +[૧]Back- bone જ નહિ !’ મારે માટે જયંતકુમારે અભિપ્રાય આપી દીધો.

મેં ફરીને આખું ઘર બનતું જોયું. પ્રથમથી જ ચોકસાઈ કરી મૂકેલા જયંતકુમારના મકાનમાં મને તો ખામી દેખાઈ નહિ. પતિ- પત્ની બંને ઘર બતાવવામાં એટલાં એકાગ્ર બની ગયાં હતાં કે લગભગ બે કલાક ઘર જોયા પછી પણ તેમના મતભેદનો ઉલ્લેખ તેમણે કર્યો નહિ. નવાઈ જેવી વાત એ હતી કે જયંતકુમાર પ્રત્યેક બતાવવા લાયક વસ્તુમાં પોતાની પત્નીનો જ નિર્દેશ કરતા હતા.

‘અહીં હીંચકો ન હતો. તારાં ભાભીની ઈચ્છા થઈ કે અહીં એક હીંચકો તો હોવો જોઈએ; મેં બે બંધાવ્યા. પણ પ્લૅનમાં×[૨] ફેરફાર નહિ હો !... આ કબાટ જરા અંદર લીધું હતું; એમણે કહ્યું કે થોડું આગળ વધારો, એટલે વધાર્યું; નકશો બગડ્યો નથી... અહીં પહેલાં જાળી ધારેલી. આમને મન થયું કે જાળી સાથે કાચનાં બારણા હોય તો સારાં. એમાં શું ? પ્લેનમાં ફેરફાર ન થાય ત્યાં સુધી હરકત શી ? આ સીડી પહેલાં સીધી કરવા કોન્ટ્રાકટરે કહ્યું. તદ્દન અક્કલ વગરની વાત. એમણે કહ્યું કે ગોળ સીડીથી જગ્યા બચશે. વાત તદ્દન ખરી. કૉન્ટ્રાકટરને કેમ સૂઝયું નહિ એ હું સમજી શકતો નથી. કેટલી જગા બચી છે?... ભોંયરામાં થોડું ખર્ચ વધ્યું. વાત ખરી છે. ઉનાળાની ગરમીથી રક્ષણ તો મળે, એ પણ તારાં ભાભીની જ સૂચના. પરંતુ બધું પ્લેનની અંદર...’

આમ બે કલાક સુધી ઘર જોતાં જોતાં જયંતકુમારે સધળી વિગત મને સમજાવી દીધી. કવચિત્‌ હું અને જ્યોત્સ્નાગૌરી એકબીજાંની સામે જોઈ લેતાં હતાં, કારણ જયંતકુમારની આખી વાતમાં એક જ તત્ત્વ મને દેખાયું—જ્યોત્સ્નાગૌરીએ જે જે સૂચના કરી હતી તે બધી ઉપયોગી અને અક્કલથી ભરેલી હોવાનો સ્વીકાર જયંતકુમારે કર્યો હતો. એટલું જ નહિ, પણ સૂચનાઓનો અમલ પણ કર્યો હતો. જયંતકુમાર જોકે વારંવાર પોતાના નકશા અને પ્લૅનને આગળ કરતા હતા, છતાં મને લાગ્યું કે એ આખો નક્શો અને પ્લૅન બદલાઈ જઈ જ્યોત્સ્નાગૌરીના મનમાં રહેલાં નકશા પ્રમાણે મકાનનું ઘડતર ઘડાતું હતું.

‘પરંતુ આમાં તમારી તકરારની જગા કઈ ?’ મેં પૂછ્યું.

‘તકરાર ? હાં, હાં; જો હવે હું તને સમજાવું. આ બારી બિલકુલ સીધી રાખી હતી. આ કહે છે કે એમાંથી ઝરૂખો બનાવો. કેટલું બદસૂરત ઘર બની જાય ? તું જ કહે.’ જયંતકુમારે એક બારી બતાવી મારી સહાય લીધી.

‘એમાં બદસૂરત શું બની જાય ?’ મેં પૂછ્યું.

‘તને પ્રમાણનો-harmonyને ખ્યાલ છે ખરો ?’ જયંતકુમારે મને પૂછ્યું.

‘હું માનું છું કે એવો ખ્યાલ છે ખરો. એમાં કયું પ્રમાણ બગડે છે ?’

‘આખા ઘરની આગળ આ ભાગ આવી જશે એ તું સમજી શકે છે ?’

‘ઝરૂખો હોય તો આગળ આવે જ.’

‘મારા પ્લૅનમાં નથી. અને એ જ તકરારનો વિષય છે. હું કદી તે પ્રમાણે થવા દેવાનો નથી.’ જયંતકુમારે દૃઢતાપૂર્વક કહ્યું.

‘મેં ક્યાં કહ્યું કે તમે આમ જ કરો ? આ તો મને ઠીક લાગ્યું તે મેં સૂચવ્યું. તમને ન ગમતું હોય તો તે કદી થાય જ નહિ, હું મારી સૂચના પાછી ખેંચી લઉં છું.’ જ્યોત્સ્નાગૌરીએ કહ્યું. તેમના મુખ ઉપર જરા પણ ક્ષોભ ન હતો.

‘ત્યારે તમે સૂચના કરી કેમ ? તમારું મન...!’ જયંતકુમારે જવાબ આપ્યો.

‘તમારું મન એ જ મારું મન. તમે મારી ચિંતા મુકોને !’ જ્યોત્સનાગૌરી બોલ્યાં.

મેં કશો અભિપ્રાય આપ્યો જ નહિ. મને ખાતરી હતી કે આ ઘર ઝરૂખા વગર રહેવાનું નથી. જયંતકુમાર કરતાં જ્યોત્સનાગૌરીમાં મને વધારે શક્તિનું ભાન થયું.

ઘર તૈયાર થયા પછી મને આમંત્રણ ઉપર-આમંત્રણ આવવા લાગ્યાં. તેમને ત્યાં થોડા દિવસ રહ્યા વગર મારે છૂટકો ન હતો. એક સંધ્યાકાળે હું તેમના નવા ઘરમાં જવા માટે નીકળ્યો. ઘર પાસે આવ્યો ત્યારે સંધ્યાકાળનું અંધારું ઘરના થોડા ભાગને અસ્પષ્ટ બનાવતું હતું. એ અસ્પષ્ટ ભાગમાંથી એક ઝરૂખો આગળ નીકળી આવેલો મેં જોયો. બગીચાના આછા અંધકારમાં હતો એટલે મારા પ્રવેશનો ખ્યાલ નોકર સિવાય કોઈને આવ્યો નહિ. ઘરના અંદરના ભાગમાં પેસવા કરતાં હું પહેલો બહાર પાડતા ઝરૂખા તરફ વળ્યો. એ ઝરૂખામાં એક પુરુષ અને એક સ્ત્રી સાથે ઊભેલાં દેખાયાં.

આવી સ્થિતિમાં આપણી આંખ ચોર બની જાય છે. બીજે બધે દીવા થવા લાગ્યા, માત્ર ઝરૂખામાં અંધકાર રહ્યો. છતાં મેં જયંતકુમાર અને જ્યોત્સનાગૌરીને સાથે ઊભેલાં ઓળખી કાઢ્યાં. એટલું જ નહિ, જયંતકુમારના નિયમિત જીવનમાં કદી ન કલ્પી શકાય એવી અનિયમિતતા પણ મેં જોઈ. જયંતકુમાર પોતાના હાથમાં જ્યોત્સનાગૌરીનો હાથ પકડી રહ્યા હતા !

અમે માનતા હતા કે અમારા આ કડક મિત્રનો પ્રેમ–ઉપચાર પણ બહુ જ વ્યવસ્થિત, નિયમિત, ઠરેલા કાર્યક્રમ પ્રમાણે ઘડિયાળના ટકોરાથી દોરાતો હોવો જોઈએ. જયંતકુમાર જેવા યંત્ર સરખાં સ્વચ્છ અને નિયમિત પુરુષ પત્નીનો હાથ પકડતા પહેલાં સાબુ અને જંતુનાશક દવાઓથી પોતાના અને પત્નીના હાથને સ્નાન કરાવતા હોવા જોઈએ.

એ તો ઠીક પણ સંધ્યાકાળનો સમય પણ આવા પ્રેમકાર્ય માટે અનુકૂળ હતો કે નહિ તે અમે મિત્રોએ તેમને પૂછી જોયેલું નહિ. વળી ઝરૂખો એ અમર્યાદ યુવાનો કે લફંગાઓ માટે પ્રેમ કરવાનું સ્થાન ગણી શકાય; જયંતકુમાર જેવા પ્રતિષ્ઠિત ગૃહસ્થો માટે એ સ્થળ પ્રેમકુંજ બની શકે નહિ.

મેં મારી આંખોને ખોટી માની. કદાચ જ્યોત્સ્નાગૌરીના હાથે ઝણઝણી ચઢી હોય તો તે ઉતારવા માટે શસ્ત્રીય પ્રયોગ તેઓ ક૨તા હોય એ પણ સંભવિત હતું. હું ઘરમાં ગયો. નોકરો ઓળખતા હતા એટલે મારે વરદી આપવાની ન હતી. હું સીધો ઝરૂખા તરફ વળ્યો – અલબત્ત ચોરપગલે. અને ત્યાં પહોંચ્યો ત્યારે જે મેં દૃશ્ય જોયું તે હું કદી કલ્પી શકું એમ હતું જ નહિ.

કડક નિયમપાલક જયંતકુમાર અનિયમિત પ્રેમ કરતા હતા ! જ્યોત્સનાગૌરીને ગળે હાથ નાખી તેઓ તેમને પોતાની પાસે ખેંચતા હતા, અને જ્યોત્સનાગૌરી ખેંચતાં હતાં !

મેં પાછાં પગલાં કર્યાં, પરંતુ મારો પડછાયો તેમને દેખાયો હશે.

‘કોણ છે ?’ જયંતકુમારે તેમના મર્દાનગીભર્યા ભારે સ્વરથી પ્રશ્ન કર્યો.

હું જાણે પાછો ફર્યો જ ન હોઉં તેમ બોલ્યો : ‘અરે શું જયંતભાઈ. તમે તો આખા ઘરમાં દેખાયા નહિ ! તમારી ડ્રોઈંગ રૂમ સિવાય તમે બીજે સ્થળે હોઈ શકો જ નહિ એમ હું ધારતો હતો.’

‘પણ તને ગમે ત્યાં આવતાં કોણ રોકે છે ? સીધો અહીં કેમ ચાલ્યો ન આવ્યો ?’

‘સીધો ન આવ્યો એ જ સારું થયું. તમે બે જણ ઝરૂખામાં હો અને મારાથી અવાય ?’

‘જા,જા હવે, નાનો ન બન. તું પણ આવ ઝરૂખામાં. બહુ જ શાન્તિ મળે છે.’

મારો હાથ પકડી જયંતકુમાર મને ઝરૂખામાં ખેંચી ગયા. અલબત્ત જ્યોત્સ્નાગૌરીના અને મારા હાથમાં તેમને આસમાન જમીનનું અંતર લાગ્યું હશે જ. અને મારા આવવાથી ઝરૂખાની શાન્તિમાં ભંગ થયો હતો એમાં આજ સુધી મને શંકા આવી નથી.

ઝરૂખો ધાર્યા કરતાં પણ મોટો હતો. ખુરશીઓ મુકાય એવું છજું ત્યાં બની રહ્યું હતું.

‘હું ઘણુંખરું અહીં જ બેસું છું. આમની સૂચના બહુ જ વિચાર ભરેલી હતી. મને જોઈતાં એકાંત અને શાન્તિ આ સ્થળે જ મળે છે.’ જયંતકુમાર આરામથી બેસી બોલ્યા.

‘પણ એ ઝરૂખા ઉપર તો તમે ઝઘડો કરી ઊઠ્યા હતા !’ મારાથી રહેવાયું નહિ એટલે એ ઝઘડાની વાત મારે આગળ લાવવી પડી.

‘ઝઘડો ? કોણે કર્યો હતો ?’ જ્યોત્સ્નાગૌરી સ્થિરતાથી પૂછવા લાગ્યાં. તેમણે બટન દબાવી દીવો પ્રગટાવ્યો.

‘જયંતભાઈએ, વળી !’ મેં કહ્યું.

‘ના રે ના. એમને એકાંત તો જોઈતું જ હતું. મેં ઝરૂખો કરવા કહ્યું તે એમને ગમી ગયું. અને આ ઝરૂખો તૈયાર થયો એટલે શાન્તિ મળે છે !’ જ્યોત્સ્નાગૌરી બોલ્યાં.

શાન્તિનો સદુપયોગ થયો હતો એ તો મેં નજરે પણ જોયું હતું ! વધેલી ઉમરવાળાં કહેવાતાં પતિપત્ની પ્રેમી બની જાય તો ? જરા પણ હરકત નહિ. પ્રેમી બનતાં નથી માટે તેઓ વૃદ્ધ બની જતાં હશે !

‘વળી એ ઝરૂખામાં બહુ ઊંચી કલા અને પ્રમાણ રહેલાં છે.’ જયંતકુમારે કહ્યું અને મને ચમક થઈ આવી.

‘કેમ ચમક્યા ?’ જ્યોત્સ્નાગૌરીએ હસીને મને પૂછ્યું.

‘તમારા જેવી સ્ત્રી જરૂર મને ચમકાવે. અમારા જયંતભાઈને ઝરૂખામાં આજે કલાનો નમૂનો દેખાય છે; મને તે દિવસે મૂર્ખ ગણી કાઢ્યો હતો !’ મેં જવાબ આપ્યો.

‘તારું સૂચન બહુ વિચિત્ર હતું. તે પ્રમાણે કર્યું હોત તો ઘરનો ઘાટ બગડી જાત.’ જયંતકુમારે મારી મૂર્ખાઈ કાયમ કરી. પણ તેઓ ભૂલી ગયા હતા કે મેં તો એકે ય સૂચન કર્યું ન હતું. હું તો માત્ર જયોત્સ્નાગૌરીની યોજનાને ટેકો આપી રહ્યો હતો. જયોત્સ્નાગૌરી મારી સ્થિતિ સમજી શકે એવાં હતાં; તેમણે અર્થ સૂચક સ્મિત કર્યું અને કહ્યું :

‘આ ઝરૂખા માટે તો શિલ્પી–Architectની પણ એમણે સલાહ લીધી હતી.’

‘એણે પણ કહ્યું કે ઝરૂખો કરવાથી બાંધણી કલાલય થશે !’ જયંતકુમારે સાક્ષી પૂરી.

ઝરૂખાના કટ્ટા શત્રુ જયંતકુમાર આજ ઝરૂખામાં કલા નિહાળી રહ્યા હતા. પૂર્વમાં ઊગતો સૂર્ય પશ્ચિમમાં ઊગે એ અમારે મન શક્ય હતું. પરંતુ કડક જયંતકુમાર પોતાનો આગ્રહ ભૂલી જઈ સામા અભિપ્રાયમાં ભળી જાય એ અમે કદી માની શકતા નહિ. આજે નેવાંનાં પાણી મોભે ચઢતાં હતાં-ચઢી ચૂકેલાં હતાં ! નિયમબદ્ધ જયંતકુમાર કલાનો શોખ ધરાવતા હતા એવું અમે જાણેલું નહિ.

‘તમે નવી કલા સમજતા ક્યારથી થયા ?’ મેં પૂછ્યું.

‘શું?’ જયંતકુમારે ઉગ્રતાથી પૂછ્યું.

‘અતિ નિયમબદ્ધ વસ્તુમાં એક અનિયમિતતા દાખલ થાય તો તે આખી કલાને દીપાવે છે. ચૉરસ ઘરમાં આ ઝરૂખો આગળ નીકળ્યો તું મુગટ જેવો દેખાય છે.’ જયોત્સ્નાગૌરી બોલ્યાં.

‘પરંતુ તે દિવસે આપની સમજ ક્યાં જઈ બેઠી હતી?’ મેં જયંતકુમારને પૂછ્યું.

‘તમે આનું કહેવું સાંભળશો નહિ. એને લડાવી મારવાની ટેવ છે.’ જયંતકુમારે મને પ્રમાણપત્ર આપ્યું.

‘પણ મારે લડવું હોય તો ને ? તમારી હા એ જ મારી હા; તમારી ના એ મારી ના. પછી ઝઘડો જ ક્યાં રહે ?’ જ્યોત્સ્ના ગૌરીએ પતિપરાયણતા દર્શાવી; અને બેભાન પતિએ તે સ્વીકારી લીધી. ઝરૂખાનો ઝઘડો બંને વચ્ચે કદી થયો જ નથી એમ જયંતકુમારની દઢ માન્યતા થઈ ગઈ હતી.

હું શૂન્ય બની ગયો. સ્ત્રી એ માયા છે, મોહિની છે, જાદુગર છે, એની મને ખાતરી થઈ ગઈ. જ્યોત્સ્નાગૌરીએ જયંતકુમારના ઘરને ઘડ્યું હતું. નકશો અને પ્લૅનનો ભારે વિચાર કરી ડગલું ભરનાર જયંતકુમારના ઘરની એકેએક ઈંટમાં મને જ્યોત્સ્નાગૌરી દેખાયાં. જયંતકુમારની યોજનાનો અંશ પણ એ મકાનમાં હું દેખી શક્યો નહિ. એકેએક વસ્તુ તેમનાં પત્નીની યોજનારૂપ હતી !

જ્યોત્સનાગૌરીએ ઘરને ઘડી પોતાની એક અદ્દભુત શક્તિનો પરચો મને કરાવ્યો. સ્ત્રી ઘરને જ ઘડે છે એમ નહિ, તે પુરુષને પણ ઘડે છે. નહિ તો જગતમાં આગ્રહી, જિદ્દી, ટેકી, એકવચની, ઉગ્ર ગણાતા સૂર્યચંદ્ર સરખા નિયમિત જયંતકુમાર આ જુદા સ્વરૂપમાં મને દેખાય? એ જુદું સ્વરૂપ નહિ, ખરું સ્વરૂપ–સ્ત્રીએ ઘડેલું સ્વરૂપ !

અને પુરુષ માને છે કે તે સ્ત્રીનો સ્વામી છે, પતિ છે, માલિક છે ! મૂર્ખાઈની પરાકાષ્ટા ! જગતમાં પુરુષનું ધાર્યું કાંઈ જ થતું નથી. પુરુષ તો નિમિત્ત માત્ર છે. તેની ધારણા નિરર્થક છે, જો સ્ત્રીની ધારણાથી તે વિરુદ્ધ હોય તો.

‘શા વિચારમાં પડ્યા ?’ જયોત્સ્નાગૌરીએ મને પૂછ્યું.

‘કાંઈ નહિ. હું આજે સ્ત્રીપુરુષના સરખા હક્ક વિશે વ્યાખ્યાન સાંભળી આવ્યો; તેના વિચાર કરું છું.’

‘Bosh...તદન ખોટું!’ જયંતકુમારે કહ્યું.

તેમના અભિપ્રાયને પૂરું ઉચ્ચારણ મળે તે પહેલાં જ જ્યોત્સ્નાગૌરીએ તેમના મતને ટેકો આપ્યો :

‘સરખા હક્ક ? એ તે હોઈ શકે? પુરુષ તે પુરુષ અને સ્ત્રી તે સ્ત્રી ! પુરુષોનું માનસિક અને શારીરિક બળ તેમને જ વધારે હક્ક આપે ! ' જ્યોત્સ્નાગૌરી હસતાં હસતાં બોલ્યાં.

‘જો, સાંભળ.’ જયંતકુમારે અત્યંત રાજી થઈ મને કહ્યું, જ્યોત્સ્નાગૌરી જાણે દેવી હોય અને તેમના કથનમાં કોઈ પયગંબરી સંદેશ હોય એવા ભાવથી જયંતકુમાર બોલ્યા. એમાં ઉપરથી જોતાં પુરુષના હક્કની પ્રતિષ્ઠા હતી. પરંતુ જયંતકુમારની શ્રેષ્ઠતા પાછળ એક કુશળ, દક્ષ, પ્રેમાળ અને બાહોશ સ્ત્રીનું પૂરેપૂરું અવલંબન હતું એવું હું જોઈ શક્યો. તેમના રૉફમાં પરાધીનતા જ હતી.

અને આવી ચમકતી, હસતી, વાણીથી સર્વને વશ કરતી સ્ત્રીને પરાધીન થવામાં ખોટું પણ શું ? સ્ત્રીને હક્ક આપવાની જરૂર નથી; તેને જીવન સોંપી દેવાની જરૂર છે. આપણે ધમંડમાં ભલે માનીએ કે પુરુષ એ સ્વામી છે, અને સ્ત્રીએ તેને સર્વસ્વ સોંપવું જોઈએ.ખરું જોતાં તો પુરુષની માલિક સ્ત્રી છે.

એ દિવસથી મેં નક્કી કર્યું છે કે સ્ત્રીપુરુષની સમાનતાના ઝઘડામાં પડવું જ નહિ. સ્ત્રીપુરુષ સમાન નથી જ. પુરુષ કરતાં સ્ત્રીના હક્ક અવશ્ય વધારે છે–પુરુષ માનતો હોય કે ન માનતો હોય તોપણ. સ્ત્રીની જાળમાં સપડાયલો એ પરાધીન કેદી છે.

અને એ જાળ ! એ કેદ ! ગમે તે નામે એને ઓળખો. પુરુષને માટે એ જાળ અને એ કેદ સ્વર્ગ કરતાં વધારે સોહામણાં છે, નહિ ? તે સિવાય પથરીલો પુરુષ આવો મીણ સરખો મૃદુ કેમ બની જાય?

તમે નથી માનતા? આવો, હું આજ પણ એ ઝરૂખામાં કડક અને ચોક્કસ જયંતકુમાર સાથે બેઠેલાં સૌમ્યસ્મિતભર્યાં જયોત્સ્નાગૌરીને દેખાડું. અરે તેટલે પણ જવાની જરૂર નથી. તમે તમારી જાતને જ જુઓને ! કોની કેદમાં તમે પાડ્યા છો ? તમને કોણ ઘડી રહ્યું છે? ઘરમાં જ નજર નાખો.

  1. + ધડો.
  2. × નકશા