રસબિંદુ/રૂપૈયાની આત્મકથા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સફળ ધંધો રસબિંદુ
રૂપૈયાની આત્મકથા
રમણલાલ દેસાઈ
૧૯૫૭
ટેલિફોનનું ભૂત →રૂપૈયાની આત્મકથા

પૂછો; મને જે પૂછવું હોય તે પૂછો. હું તમારી આંખમાં ઊપજેલા પ્રશ્નો વાંચી શકું છું. તમારા બધા પ્રશ્નોના ઉત્તર મારી પાસે છે. હું તમારા મનનો ટુકડો છું, અનુભવનો ટુકડો છું, તમારા આદર્શોનો પણ ટુકડો છું.

મને ચલણમાંથી કદી કાઢી નાખશે એનો તમને ભય છે? હું ખાતરી આપું છું કે જો મને હજાર, બે હજાર વર્ષ સુધી સંઘરી રાખશો તો હું તમને હજાર, બે હજાર રૂપિયા જેટલો કિંમતી થઈ પડીશ. જૂની વસ્તુઓ સદાય નિરુપયોગી હોતી નથી. જેટલાં વરસ એટલો વધારો. એ ધંધો છેક કાઢી નાખવા જેવો તો નથી જ !

તમને ભય છે કે તમે હજાર બે હજાર વર્ષ જીવવાના નથી, એટલે મને રાખી મૂકવામાં તમને કશો અંગત લાભ નથી. તમારો વંશ પણ હજાર બે હજાર વર્ષ ચાલે એવી તમને ખાતરી નથી, ખરું? માનવી હજાર બે હજાર વર્ષ જીવતો રહે તો કેટલી મુસીબતો ઊભી થાય તેનું હું વર્ણન કરવા માગતો નથી. મૃત પૂર્વજોની પાંચ- સાત પેઢીથી આગળની યાદી આપણે રાખતા નથી એ જ બતાવી આપે છે કે સઘળા પૂર્વજો જીવતા હોય તો ય આપણે હરગિજ તેમને યાદ ન રાખીએ. અને છતાં હું તમને આશ્વાસન આપું છું કે હજાર બે હજાર વર્ષ માનવજાત જીવતી હશે તો જરૂર એમાં તમારો પણ વંશ જાણ્યે-અજાણ્યે કેટલીક વ્યક્તિઓમાં ઊતર્યો જ હશે. તે વખતના પુરાતત્વવિદો મને હીરાને તોલે તોળશે. આ દલીલ તમને ન ગમી, ખરું? વારુ, હિંદવાસીઓ તો વફાદારીના અર્ક સરખા છે. મારા ઉપર તમારા શહેનશાહની પ્રતિમા છે. એ પ્રતિમાને પણ પૂજ્ય નહિ ગણો? એ શહેનશાહની આજ્ઞા કરોડો માનવીઓ એક વખત ઉઠાવતા હતા. આજ એ જીવંત નથી એ ખરું. પરંતુ રાજપ્રતિમાઓની પણ કેવી હાલત થાય છે તે સમજવા માટે તો મને સાચવો ! આજના શહેનશાહને એટલું કહેવા માટે તો મને રાખો કે એમની પ્રતિમા પણ અચલણી બની જવાનો સંભવ છે.

તમારી વફાદારી ઉપર સ્વદેશાભિમાનનો રંગ ચડ્યો છે, નહિ? અસ્તુ. એ અભિમાન આપને મુબારક હો. એ અભિમાન બહુ લાંબુ ચાલ્યું. કૉંગ્રેસ જેટલા તમારા સ્વદેશાભિમાનનાં વર્ષ ગણીએ તો ય અડધી સદી તો ક્યારની વીતી ગઈ. તમારા અભિમાને હવે વન- પ્રવેશ પણ કર્યો. એટલે તમારે એક વનમાળા ધારણ કરવી જોઈએ. તમારા મહાન કહેવાતા દેશે કેટકેટલા પરદેશી રાજાઓની ઘૂંસરી ખભે ઉપાડી એનો ખ્યાલ તમને સતત રહે એ માટે મને જરૂર એક હારમાં સાચવી રાખો. હું ઈતિહાસ છું એ ભૂલશો નહિ. રૂપૈયાના હાર પહેરવાની આપણા હિંદવાસીઓમાં રૂઢિ હતી. જે જે પરદેશીના ચરણની રજ તમે બન્યા હો તે તે પરદેશીની પરાધીનતા સંભારવા માટે નવેસર એ રૂઢિ દાખલ કરો. મારું એ હારમાં સ્થાન છે. તમે કોના તાબેદાર છો એ હકીક્ત તમારી નજર સામે રાખવામાં હું બહુ ઉપયોગી થઈ પડીશ. પ્રત્યેક હિંદવાસીએ આવાં પરાધીનતાનાં તાવીજ પહેરી રાખવાની જરૂર છે. હિંદના ચાળીસે કરોડ માનવીઓને આવા હાર આપી શકાય એમ નથી એ તમારું કથન મને સાચું લાગે છે. વાઈસરૉય ગવર્નરો ની ટોળી, એમના અધિકારીઓ અને ગોરા વ્યાપારીઓમાં ઊછળતી લક્ષ્મી ભોંય ઉપર પડે છે તેને આપણે રાજાઓ, કાળા અમલદારો, જમીનદારો અને કાળા વ્યાપારીઓ વીણી લે છે. પછી બહુ થોડી લક્ષ્મી બચે છે. એમાંથી બધાંયને હાર અપાય એમ નથી જ. વકીલો અને ડૉક્ટરોની ઝૂંટાઝૂંટમાંથી જે રહે તે ગામડે પહોંચે. અને ગામડે શું રહે છે તે આપણે જાણીએ છીએ. એટલે મને હારમાં મઢવાની અને દરેક હિંદવાસીએ એ હાર પહેરવાની વાત બાજુએ મૂકીએ.

પરદેશમાં તો મને કોઈ પૂછતું નથી એમ તમે મને મેણું મારો છો? હું તો બ્રિટિશ સામ્રાજ્યના પાઉંડે ટીંગાયેલો છું. પરદેશમાં તો જેવો તમારો ભાવ પુછાય તેવો મારો. તમારા સરખી સહિષ્ણુ પ્રજાને માટે હું સર્જાયો, એટલે મારે પણ સહિષ્ણુ બનવું જોઈએ ને? બહુ ઉગ્ર બનીને કરવું શું? વિલાયતને યોગ્ય લાગે તે પ્રમાણે મારો ભાવ પડે. તમારો ભાવ પણ વિલાયતીઓની અનુકૂળતા પ્રમાણે જ પડે છે ને? પચાસ વરસથી તમે બોલ બોલ કરો છો. એનું પરિણામ? જરાસંધના દેહનાં તો બે ફાડિયાં થયાં. તમારા હિંદનાં ચાર થયાં: એક હિંદુ, બીજું મુસલમાન, ત્રીજુ દેશી રાજસમૂહ અને ચોથું લઘુમતી કોમ. વચ્ચે મને મૂકી દીધો કે એ ભાગલા કાયમના જ બન્યા જાણજો...

હું અર્થશાસ્ત્રી બની ગયો એમ તમે કહો છો? હું અર્થ તો છું; શાસ્ત્ર તમારે માટે રહેવા દઈએ-પરાધીનતાને અર્થશાસ્ત્ર સાથે કાંઈ પણ લાગતું વળગતું હોય તો. એ જ જાણે આપણે સામાન્ય જીવનમાં દાખલ ન કરીએ તો વધારે સુખી થઈશું; અને સામાન્ય જીવનમાં તો હું તમારો નિત્યનો મિત્ર!

કહો, હું તમને ખાતરી કરી આપું કે માનવજાત સાથે મેં કેટલી બધી મૈત્રી સાધી છે? લાંબી વાત જવા દઈએ. હું કેમ અને ક્યારે જન્મ્યો, અને જન્મ્યા પછી મેં માનવજાતની શી શી સેવા સાધી એની સઘળી વિગતો કદાચ તમે નહિ સાંભળો. હિંદુસ્તાનમાં એ બધું સાંભળવાનો સમય ન પણ મળે. કાંઈ પણ કામ વગર કામગરા બનતાં સહુને આવડવા માંડ્યું છે એ ઉન્નતિની નિશાની છે. સમયની કિંમત છે એમ તમે કહો છો એટલે એ માન્ય કરી હું તમને મારી સેવા ટૂંકામાં સમજાવું. હું એકાદ બે માસની જ મારી વાત કરીશ,

તમારી પાસે તો હું ગઈ કાલે જ આવ્યો. સિનેમામાંથી તમે મને લઈ આવ્યા, નહિ ? તમે અને તમારા પત્ની, તમારા મિત્ર અને મિત્રનાં પત્ની, એમ ચાર જણ માટેની ટિકિટોના તમારે ચાર રૂપિયા આપવાના હતા. કેવી છટાથી તમે પાંચ રૂપિયાની નોટ ટિકિટ આપનાર તરફ ફેંકી ? પણ સાચું કહો, કાગળમાં નાણાંનો તે રૂઆબ હોય ખરો ? એ તો નિર્માલ્ય લાગે છે. ટિકિટ આપતી વખતે મને તમારે સ્વાધીન કર્યો. પણ કેવા કવિત્વમય રણકાર સાથે હું આવ્યો છું ? ચામડાના કટકામાંથી નાણાંચલણ ઉપજાવનાર પેલા મહમદ તઘલખને ઇતિહાસકારોએ ગાંડો ઠરાવ્યો છે ! કમળના ટુકડામાં ધન બતાવનાર માટે કોઈ કાંઈ કહેશે ખરું ?

પણ જવા દો એ વાત. મારે નાણાશાસ્ત્રીની પદવી ન જોઈએ. હું તો ચોખ્ખું રણકારભર્યું નાણું છું. બહુ મહત્ત્વનું કાર્ય કરી હું સિનેમાગૃહમાં દાખલ થયો હતો. પત્તાં રમતા એક જુગારીએ હારનાર પાસેથી મને પડાવ્યો; પરંતુ એ જુગારીની ઉદારતાને હું ધન્યવાદ આપું છું. જીત્યા પછી એણે ત્રણે રમનારાઓને સાથે લીધા, ચાર ચાર આનાની ટિકિટ ચારે મિત્રો માટે ખરીદી, અને તમે જોયો એ જ ખેલ જીતનાર તથા હારનારે જોયો !

નાના ગરીબ માનવીઓ ધનિકો કરતાં વધારે ઉદાર હોય છે એની મને ખાતરી થઈ. મેં મહા જુગારીઓ પણ જોયા છે, અને તેમના હાથમાં પણ હું રમ્યો છું. કપાસ, અળશી, અનાજ, લોખંડ અને ઉદ્યોગના શૅર ઉપર શરતે ચડતા કૈંક શેઠિયાઓનો મને પરિચય છે. લોકનેતા તરીકે આગળ પડેલા દાનવીર તરીકે ઓળખાતા એક સટોડિયા મહાશયે ગાંધીજીને ભેટ આપવા તૈયાર કરેલી થેલીમાં હું પડતો પડતો રહી ગયો, અને તેને બદલે એક જોશી મહારાજના હાથમાં જઈ ચડ્યો. બંગલા, કાર અને લખલૂટ વૈભવ હોવા છતાં એ મહાશય નિત્ય જોશીને બોલાવી પોતાના ગ્રહ દેખાડ્યા કરતા હતા અને બની શકે એટલી પળવિપળનો નક્શો તૈયાર કરાવતા હતા.

‘ગાંધીજીના કાળમાં પાંચસોની રકમ આપીશ તો કેટલો ફાયદો મળશે ?’ એ પ્રશ્ન તેમણે જોશીને પૂછ્યો.

જોશીએ કહ્યું :

‘મીંડા ન જોઈએ. ચારસો નવાણું રૂપિયા આપો. સાત વાગ્યાં પહેલાં મોકલી દેશો તો એથી બમણા કાલે એક જ સોદામાં મળે એમ ગણિત કહે છે !’

‘પાંચસો એક આપું તો ?’

‘પાંચનો આંકડો આજ તમને હાનિકારક છે. પાંચનો ઉચ્ચાર પણ જેટલો ઓછો થાય એટલો કરજો.’ જોશીએ કહ્યું.

એટલે હું જોશીના હાથમાં ગપ મારવાના લવાજમ તરીકે પડ્યો. પાંચસોની રકમમાં છેલ્લે હું હતો.

એ ગૃહસ્થને બમણી રકમ મળી કે નહિ એ તમારે જાણવું છે ? તમને પણ ઇચ્છા થાય છે કે દેશસેવામાં ખર્ચેલાં નાણાં બમણાં થતાં હોય તો એ ધંધો કરવા જેવો છે, નહિ ?

હું એટલું જાણું છું કે એમની ઉદારતાનું ધાર્યું ફળ મળી શક્યું નહિ હોય. બીજે દિવસે જોશીની થયેલી મુલાકાત વખતે હું જોશીના ખિસ્સામાં જ હતો અને મેં એ બંનેની વાતચીત સાંભળી પણ ખરી.

‘જોશી મહારાજ ! તમારું કહેવું ખરું ન પડ્યું.’

‘તમને શું કહ્યું હતું ? પાંચનો આંકડો તમારે માટે અપશુકનિયાળ નીવડ્યો. અને... અને એ ઢેડ ભંગી સાથે આપણા જેવી ઉચ્ચ શુદ્ધ કોમોને એક કરનાર ભ્રષ્ટ યોજનામાં તમારા જેવા ધર્મનિષ્ઠ પુરુષ સામેલ થાય એનું ફળ ક્યાંથી સારું આવે ? હવેથી મને પૂછ્યા વગર દાન પણ ન કરશો. દાનની પાત્રતા ઉપર ફળનો બહુ મોટો આધાર છે.’ જોશી મહારાજે કહ્યું અને મને ન સાંભરે એવા એક સંસ્કૃત શ્લોકનું પ્રમાણ પણ તેમણે નોંધ્યું.

હું તો વાતના ટુકડા પાડી રહ્યો છું. મારે સિલસિલાબંધ વાત કરવી જોઈએ. ચાલો, હું જોશી મહારાજથી જ મારો ઇતિહાસ શરૂ કરું. બે માસ ઉપરની જ એ વાત છે. જોશીના ખિસ્સામાં હું એકલો જ ન હતો. બીજા પણ મારા સરખા નાણા સોબતીઓ હતા. એક સોબતી સારો વર શોધતી એક ભણેલી યુવતી તરફથી આવ્યો હતો. પરીક્ષામાં વગર વાંચ્યે પસાર થવાશે એવી ખતરી પામેલા એક વિદ્યાર્થી તરફથી મારો બીજો સોબતી આવ્યો હતો. ત્રણ અઠવાડિયાં પછી તબિયત પૂરી સુધરશે એવું આશ્વાસન પામેલા એક નાદુરસ્ત તબિયતવાળા ગૃહસ્થ તરફથી ત્રીજો સોબતી આવ્યો. પગારમાં વધારો જરૂર થશે એવા યોગની ખાતરી પામેલા સરકારી નોકર તરફથી ચોથો સોબતી આવ્યો. અમે પાંચે સોબતીઓએ પોતપોતાની વાતો કરી. બહુ રસભરી વાતો છે. પરંતુ એ બધાની વાતમાં હું તમને ન ઉતારું એ જ ઠીક છે. મને સાચવી રાખશો તો એમની અને એમના જેવા બીજા સોબતીઓની પણ હું વાત કરીશ. તમારી પાસે આવતા પ્રત્યેક રૂપિયાને તમે એનો ઇતિહાસ પૂછશો તો એરેબિયન નાઈટ્સ તથા કથાસરિતસાગર એની આગળ ઝાંખાં પડી જશે.

હું તો મારી જ વાત કહું. જોશી પાસેથી હું ઝડપથી છૂટ્યો. જોશી મહારાજ રસિક લાગ્યા. શાસ્ત્રીઓ અને જોશીઓ સંસ્કૃત બોલે માટે એમ ન ધારશો કે તેઓ રંગીલા હોતા નથી. તેમની પહેલી વારની પત્ની પાસે જોશી મહારાજ એવું કડક પતિવ્રત પળાવતા હતા કે એ વ્રતના તાપથી પત્ની બળી ભસ્મ થઈ ગઈ. બીજી પત્ની પ્રત્યે તેમણે માર્દવ ધારણ કરવા માંડ્યું. પરંતુ ઝડપી સુવાવડોમાં બીજી પત્ની પણ ઝપટાઈ ગઈ. લખ્યા લેખ મિથ્યા થતા નથી. જોશી મહારાજના ગ્રહ જ બોલતા હતા કે ત્રીજી પત્ની તેમને લલાટે લખાયેલી જ છે. શું કરે એ બિચારા ? પોતાનાથી ત્રીસ પાંત્રીસ વર્ષે નાની કિશોરી સાથે તેમણે પોતાનું લગ્ન થવા દીધું. લોકો હસતા હતા કે જોશી મહારાજ ત્રીજી પત્નીને વશ બની ગયા હતા. જીવતા રહેવું હોય તો પત્નીને તાબે થવું એ જ સાચો માર્ગ છે. અને અનુભવી જોશીએ નિત્યક્રમ રાખ્યો હતો કે રાત્રે ઘરે પાછા જતી વખતે એક સુંદર ગજરો વેચાતો લઈ પત્નીના પગ પાસે મૂકી જ દેવો.

સંધ્યાકાળે માળીની દુકાને જઈ તેમણે ખણણણ કરતો એક રૂપૈયો ફેંક્યો અને બે આનાનો ગજરો ઉપાડ્યો. એ રૂપૈયો તે હું જ છું.

માળીને ત્યાં એકલા જોશીઓ જ ઓછા આવે છે ? ફૂલ એટલે રસિકતા: ફૂલ એટલે શોખ; ફૂલ એટલે ભક્તિ : ફૂલ એટલે માન. કોઈ નેતાને ગાડીમાંથી ઊતરતાં હાર પહેરાવવાનો હોય; કોઈ વક્તાને ભાષણ પૂરું થયા પછી હારતોરા કરવાના હોય; અમલદારોની અવર, જવર તો ફૂલઢગલા માગે જ : લગ્નજનોઈમાં ફૂલ જોઈએ: અને સાધુસંન્યાસીઓને ફૂલમાળાની ભારે જરૂર; રસિકાઓને ફૂલવેણી વગર કેમ ચાલે ? અને શોખીનોથી તો ગજરા વગર ડગલું પણ ભરાય નહિ ! એટલે માળીને ત્યાં ભીડ તો ઘણી જ રહેવાની. માળીનું આખું કુટુંબ કામ કરતું તો ય લોકોને થોભવું પડતું. ઊભા રહેલા ટોળામાં બધા જ ગ્રાહકો ન હતા : કામ ન મળવાથી કે પોતાનું કાર્ય વધારે સફળ થઈ પડવાથી ભીડમાં લોકોનાં ખિસ્સાં ફંફોસી કે કાતરી પોતાનું ગુજરાન ચલાવનાર તમારા કેટલા ય માનવબંધુઓ આવાં ટોળામાં ફરતા રહે છે. જોશી મહારાજનો ફેંકેલો હું જરા દૂર પડ્યો. માળીએ ધાર્યું કે કલગી બનાવી લઈ તે મને ઊંચકી લેશે. પરંતુ જાદુગરની સિફતથી એક ખિસ્સાકાતરુએ મને ઊંચકી લીધો-અને એક શાહુકારની માફક ઉતાવળ કરી રૉફ મારી બે પૈસાનાં ગુલાબ પણ એણે વેચાતાં લીધાં.

સહેલાઈથી પૈસા મેળવનાર સહેલાઈથી તેમને ખર્ચી પણ શકે છે. એણે મારા જોર ઉપર એક સારી હૉટેલમાં – ક્ષુધાશાન્તિગૃહમાં પ્રવેશ કર્યો અને ચહાચવેણુ મંગાવી તેને ઠીક ઠીક ન્યાય આપ્યો. આખા દિવસનો એ ભૂખ્યો હશે એમ મને લાગ્યું. છતાં માનવીનો ખોરાક કેટલો ? છ આના, આઠ આના એક ટંકના ખરચે તો પરમ વૈભવી ખાણું એને મળી શકે. પણ એટલું બધાને મળે છે ખરું ? ન મળતું હોય તો વધારે પૈસા સંઘરી રાખનાર પાસેથી ચોરવાનો, લૂંટવાનો કે ઝૂંટવવાનો હક ભૂખે મરનારને મળવો જોઈએ, નહિ ? એ ખિસ્સાકાતરુએ મને તો ગલ્લા ઉપર ફેંક્યો અને દસ કે આઠ આના પાછા લઈ એ સુધાશાન્તિગૃહની બહાર નીકળ્યો. ગલ્લામાં પડતાં પડતાં મેં જોઈ લીધું કે એ ખિસ્સાકાતરુએ ઉદારતાનો અભિનય કરી એક ભીખારી તરફ એક પૈસો પણ ફેંક્યો. પરાયા શ્રમ અને પરાઈ બુદ્ધિ વેચાતી લઈ લાખો રૂપિયા કમાઈ હજારોનાં દાન કરી પોતાની તખ્તીઓ, છબીઓ અને બાવલાં ઊભાં કરાવનાર આજના દાનવીરો કરતાં આ ખિસ્સાકાતરુની ઉદારતા મને વધારે ઊંચી લાગી !

પરંતુ હું તમારી માનવજાતની નીતિ કે ન્યાયભાવના ઉપર વિવેચન કરવા ઈચ્છતો નથી. હું જ તમારી નીતિઅનીતિનું પરિણામ છું એમ કહું તો ય શું ખોટું ? મારા પ્રત્યે તમને મમતા હોય છે એ હું જાણું છું પરંતુ મારો બદલો કરવામાં તમને જરા ય સંકોચ થતો નથી એ પણ હું જાણું છું. ફેંકી દેનાર મને આસાનીથી જરા ય શરમ રાખ્યા વગર ફેંકી દે છે. હૉટલવાળાએ મને દાણાવાળાને ત્યાં મોકલ્યો અને દાણાવાળાએ મને એના શરાફને સોંપ્યો. યુદ્ધમાં માનવીનું -લશ્કરીનું મહત્વ ખરું, પણ તે કપાવા માટે. આગળ ધસવાનો હુકમ આપનારને કપાતાં માનવી નિહાળી જરા ય અરેકારો થતો નથી. મારું પણ મહત્ત્વ ખરું – પણ તે એક હાથથી બીજે હાથ ઉછાળવા માટે. મને ફેંકતાં કોઈનો જીવ ચણચણતો લાગતો નથી. હશે ! હું મૂર્તિમાન ધન હોવા છતાં વિરાગી છું.

શરાફ મને ક્યાં લઈ ગયા તે કહું ? એમને ઘેર દેવસેવાનો ભારે ઠાઠ હતો. એ જાતે બચરવાળ ગૃહસ્થ છે. એમનાં પત્ની રેશમી કપડાં અને સોનેમઢ્યાં હીરાના ઘરેણાં ઘરમાં પણ પહેરીને ફરે છે. દેખાવ પણ ગમે એવો કહેવાય – શરાફનો નહિ, શરાફનાં પત્નીનો; પરંતુ એમને સંગીત આવડતું નથી. એટલે ગાનારીઓને ત્યાં શરાફ સંગીત સાંભળવા વારતહેવારે જાય છે અને શંકર તથા સરસ્વતીનાં નામ સાથે જોડાયલી સંગીતકલાનો આસ્વાદ લે છે. બીજા શા શા આસ્વાદ લે છે એ હું તમારા જેવા કોઈ ગૃહસ્થને નહિ કહું; તમે જાણતા જ હશો. તમે નહિ તો તમારા જેવા કોઈ ગૃહસ્થને મેં એક દિવસે કે રાત્રે – શરાફની સાથે બેઠેલા જોયા હતા એ હકીકત આપણે ખાનગી રાખીશું. હું અનેક ખાનગી વિગતો જાણું છું. છતાં મારી ગૃહસ્થાઈ મને એ વિગતો કહેતાં જરૂર અટકાવે જ. જેટલી ગૃહસ્થાઈ માનવીમાં એટલી જ ગૃહસ્થાઈ માનવીના રૂપિયામાં. પણ એ ગાયિકાગૃહમાંથી શરાફે બીજા રૂપિયા સાથે મને પણ ખિસ્સામાંથી કાઢી મદ્યગૃહમાં રવાના કરી દીધો એ કહેવામાં શા માટે શરમ આવવી જોઈએ ? મુસ્લિમ ધર્મ સિવાય કયા ધર્મે દારૂ નિષેધ પોકાર્યો છે? અને ધર્મે પોકારેલા કયા નિષેધને ધર્મીઓએ માન્ય કર્યો છે? સુધરેલાં રાજ્ય પણ એ વેચાણ માન્ય કરે છે એટલે મારે દારૂ વેચનારને ત્યાં જવામાં વાંધો શા માટે હોય ?

ત્યાં કોઈ મારે લાંબો વખત રહેવાનું હતું જ નહિ. સૂકા ગુલાબનાં ફૂલ વેચાતાં લેવા માટે સરૈયાની દુકાને કલાલે મને મોકલ્યો, અને એ જ રાતે સરૈયાને ઘેર સત્યનારાયણની કથા હતી ત્યાં પૂજનમાં મને સોપારી નીચે મૂકી ગંગાજળ છાંટી મંત્રોપચાર વડે કથાકાર બ્રાહ્મણે મને દેવ પણ બનાવી દીધો. એ દેવમાંથી હું દક્ષિણા બની કથા કહેનાર બ્રાહ્મણને ઘેર ચાલ્યો ગયો. કહો જોતજોતામાં ગાયિકાને ઘેરથી કલાલને ઘેર અને ત્યાંથી સરેેયાની કથામાં પૂજા પામી બ્રાહ્મણના મકાનમાં પહોંચી જવું એ અનુભવ કેટલો રોમાંચક લાગે છે? છતાં ગાયિકા, કલાલ,સરૈયો અને બ્રાહ્મણ એ તમારા જીવનનાં કેટલાં પાસે પાસે રહેતાં અંગો છે એની સચોટ સાબિતી મારા સિવાય બીજું કોણ આપી શકે એમ છે?

પરંતુ સત્યનારાયણની કથા કહેનાર બ્રાહ્મણ ઉપર સત્યનારાયણ ખાસ પ્રસન્ન હોય એમ દેખાયું નહિ. એના ઘરનું નાવ કથા પ્રમાણે લતાપત્રથી ભરેલું નીકળ્યું. એને બિચારાને પોતાની મોટી દીકરી પરણાવવાની હતી, અને ચાર પાંચ હજાર રૂપિયાનો હુંડો આપ્યા વગર કોઈ કુલીન બ્રાહ્મણનો છોકરો એને પરણે એમ ન હતું. અડધો ભૂખમરો વેઠી ગામેગામ ટહેલ નાખી કંઈક શેઠશાહુકારોની ખુશામત કરી એ બ્રાહ્મણે હજાર રૂપિયા ભેગા કરી એક કહેવાતા કુલીન બ્રાહ્મણને એ રકમ આપી અને એના દીકરાને જમાઈ તરીકે પસંદ કર્યો. હું એ પાંચ હજારની ગાંસડીમાં ભળ્યો અને એક બ્રાહ્મણ યુવક્યુવતીના લગ્નમાં આમ મહત્વનો ભાગ મેં ભજવ્યો. કન્યાવિક્રય પાપ છે, વરવિક્રયમાં કાંઈ પાપ નથી, એવી દલીલો પણ મેં સાંભળી. રૂપિયા ગણતી વખતે મને કહેવાનું તો મન થયું કે વરવિક્રય પાપ કરતાં પણ વધારે પાપ વસ્તુ છે. પૈસા લઈ પરણતા પુરુષોની નિર્માલ્યતા ઉપર મને તિરસ્કારભયું હસવું પણ આવ્યું.

વહોરાને ત્યાં વંશપરંપરાથી ગુમાસ્તી કરી ખાતા એ કુલીન બ્રાહ્મણે પોતાનું ગીરો મૂકેલું ઘર એ રૂપિયામાંથી છોડાવ્યું અને દસ્ત્તાવેજમાં કાંઈ શેરા કરવા માટે એણે ખુશબખ્તીમાં મને નોંધણી કામદારને સુપ્રત કર્યો. નોંધણી કામદારને પાંચ છોકરા ભણાવવાના હતા, તથા ત્રણ છોકરા અને બે છોકરીઓનાં લગ્ન કરવા બાકી હતાં એટલે ખુશબખ્તી લીધા વગર એનું કેમ પૂરું થાય? તમારી મોંઘી અને મહા લાડવાઈ સનદી નોકરીના ભારે પગારનો બચાવ જે ઢબે કરવામાં આવે છે તે ઢબ જોતાં નોંધણી કામદારની ખુશબખ્તી વધારે ટીકાને પાત્ર તો નથી જ. લાંચ લેવાનું મન થાય જ નહિ એટલો ભરપટ્ટે પગાર આપી લાલચથી દૂર રહેવાની સગવડ સનદી નોકરીના મહા નોકરોને કરી આપવાથી નોકરીની વિશુદ્ધિ જળવાઈ રહે છે એ દલીલ અન્વયે નોંધણી કામદારોને પણ ભરપટ્ટે પગાર મળશે તે દિવસે તેમની નોકરી પણ વિશુદ્ધ બની જશે એમાં મને શક નથી લાગતો. બાકી લાંચ ખાતા નોંધણી કામદારો કરતાં લાંચને બદલે રૈયતના કરમાંથી ભરપટ્ટે પગાર ખાનાર સિવિલિયનોએ દેશની કઈ સેવા વધારે કરી એ તો તમે શોધી કાઢો ત્યારે ખરું! ખુલ્લી રીતે અણઘટતો ભારે પગાર ખાનાર અને છૂપી રીતે ખુશબખ્તી લઈ પોતાનો વ્યવહાર ચલાવનાર એ બેમાં લાંચિયું કોણ વધારે તે પણ તમારે જ નક્કી કરવાનું.

લાંચમાંથી હું પ્રેમના પ્રવાહમાં પડ્યો. નોંધણી કામદારનો કૉલેજમાં ભણતો યુવાન પુત્ર પરણેલો છતાં પ્રેમી હતો. એની પત્ની પાસે કાગળ લખવાના પૈસા ન હતા એટલે એ યુવાન પુત્રે વખત બેવખત કૉલેજમાં જતી વખતે મળતી રકમમાંથી થોડી રકમ બચાવવાની ટેવ પાડી હતી, અને તેમાંથી પોતાની પત્નીને પોસ્ટની ટિકિટો એ આપ્યા કરતો હતો. મારો પણ એ જ ઉપયોગ થયો. હું જરા રાજી થઈ મૉજમાં આવ્યો. એ યુવાનનો આત્મભોગ પણ મને ગમ્યો. ગાડી કે ટ્રામનું ભાડું ન ખરચી, ચા કે સિગરેટ પીવાની તક જતી કરી, એણે મને અખંડ રાખ્યો હતો અને એના પ્રેમમાં ઉપયોગી થઈ પડવા માટે હું પોસ્ટ ઓફિસમાં આવ્યો એનું મને જરા ય દુઃખ થયું નહિ.

અને પોસ્ટ ઑફિસના સિલક સાચવનાર કારકુને મારો જે ઉપયોગ કર્યો તે જોતાં મને લાગ્યું કે માનવજાતમાં માણસાઈના અંશ રહેલા છે ખરા. અલબત્ત, કાયદા પ્રમાણે તો એમાં ગુનો થતો હતો; પરંતુ મને લાગે છે કે ઘણા ગુનાની પાછળ માનવસ્વભાવની લીલોતરી સંતાયેલી હોય છે, શુષ્કતા કે કઠોરતા નહિ. કારકુન પાસે એક પૈસો પણ ન હતો. એની પત્ની માંદી પડી ગઈ હતી અને ડૉકટરોએ તેને લીલા મેવા સિવાય કાંઈ પણ ખાવાની મના કરી હતી. ડૉકટરોનાં લવાજમ, દવાની કિંમત અને તેમણે સૂચવેલા પથ્ય ખોરાકનું મૂલ્ય પણ તમારા દેશની દેવાદાર સ્થિતિ ઉપજાવવમાં કેટલો ભાગ ભજવે છે તેના આંકડા કાઢવાની બહુ જરૂર ઊભી થઈ છે. શાહુકારોનું નામ ધારણ કર્યા વગરના કેટલા ય શાહુકારો તમારા દેશને ચૂસી ખાય છે તેની યાદી કરવા જેવી છે. પરંતુ એ વાતને બાજુએ મૂકીએ. કારકુનને ડૉકટરે કહ્યું :

‘મોસંબીનો રસ, લીલી દ્રાક્ષ અને મસ્કતી દાડમ સિવાય તમારી પત્નીને કશો પણ ખોરાક આપશો તો દર્દ હાથમાં નહિ રહે.’

પત્નીનું દર્દ કારકુનના ખિસ્સાને ચોટ્યું. કારકુનને કેટલો પગાર મળતો હતો અને મોસંબી, દ્રાક્ષ તથા દાડમનો બજારમાં શો ભાવ હતો એ સંબંધી કાંઈ પણ ચિકિત્સા કરવાની ફરજ ડૉકટરના વૈદકશાસ્ત્રમાં આવતી ન હતી, એટલે આવી આજ્ઞા ફેંકવાની એક પણ તક ડૉકટર જતી કરતા નથી. તે દિવસે કારકુન પાસે કશું જ બચ્યું ન હતું. એનો પગાર આવવાને ચારેક દિવસની વાર હતી. ઉછીની રકમ લેવાનું એનું વર્તુલ હવે વધારે લંબાય એમ ન હતું. એણે સિલિકમાંથી એક રૂપિયો ઉપાડ્યો–અને એની દાનત તદ્દન શુદ્ધ હતી. લીધેલા રૂપિયાને સ્થાને પગારમાંથી આવનાર રૂપિયો મૂકવાનો દૃઢ સંકલ્પ એણે કર્યો હતો. અને આમ એ કારકુન દ્વારા હું મેવાવાળાને ઘેર પહોંચી ગયો. કારકુનનું શું થયું તે હું જાણતો નથી; પરંતુ મને લાગ્યું કે એણે પોતાની પત્નીનો જીવ બચાવવા જે કર્યું તે સારું જ કર્યું.

મેવાવાળો પત્તાંનો–પત્તાંના જુગારનો શોખીન હતો. તમારા મનમાં એમ તો અભિમાન નથી ને કે પત્તાંનો જુગાર તો એકલી પ્રતિષ્ઠિત ક્લબોમાં જ રમાય છે? એ અભિમાન હોય તો દૂર કરજો. હું સોગન ઉપર જુબાની આપવા તૈયાર છું કે કેટલી યે દુકાનો, કેટલી યે હોટલો, કેટલી યે વીશીઓ અને કેટલા યે એકલવાયા બાગ બગીચા ક્લબોની દ્યુતપ્રતિષ્ઠામાં ભાગ પડાવે એમ છે. સાધારણ ફેર એટલો જ કે ક્લબમાં દ્યુત ખેલનાર ન્યાયાધીશો, ધારાશાસ્ત્રીઓ, પોલીસ અમલદારો અને ફંડફાળામાં ઉપયોગી થઈ પડતા શેઠશાહુકાર હોવાથી તેના ઉપર કદી દરોડો પડતો નથી, જ્યારે દુકાનો અને વીશીઓમાં જુગાર રમનારાઓને પકડાવાનો ભય હોય ખરો – અને તે પણ જ્યારે કોઈ પોલીસ અમલદાર ખાસ નારાજ હોય ત્યારે તો ખરા જ.

એટલે મેવાવાળાએ મને હોડમાં મૂક્યો અને હું દ્રૌપદીની માફક જિતાઈ પરહસ્તે પડ્યો. પરંતુ મેં જુગારીઓની ઉદારતા વિષે પ્રથમ કાંઈ કહ્યું હતું, નહિ ? એ પણ એક રોમાંચક લાગણી છે હો ! એકાએક હારવું, એકાએક જીતવું ! અમારી આસપાસ એ વાતાવરણ સારું છવાયેલું હોય છે. મને જીતનાર દિલાવર દિલનો હતો. એણે ત્રણે ભિલ્લુઓને સાથે લઈ સિનેમાની ટિકિટો ખરીદી મારો સરખો ઉપભોગ કર્યો ! એણે ધાર્યું હોત તો તમારી માફક એ એક રૂપિયાની બેઠકમાં આરામથી બેસી શક્યો હોત ! જેમ મિલકત ઓછી તેમ મિલકતનો મોહ ઓછો એ વાત ખરી છે, નહિ?

પરંતુ તમને ફિલસૂફી કે વિરાગનું જ્ઞાન આપવા હું માગતો નથી. મારું કહેવું એટલું જ છે કે હું તમારી રજેરજ જેટલી વિગતોનો ભોમિયો છું. હું દેવને પણ ચરણે મુકાઉં છું અને દેવદાસીને ચરણે પણ; હું તમારા જુગાર પણ જોઉં છું અને તમારી જાત્રાઓ પણ નિહાળું છું; હુ લાંચમાં પણ ખરો અને લગ્નમાં પણ ખરો. તમારું, લગભગ તમારી આખી પ્રજાનું, પ્રજાના જીવનનું હું પ્રતિબિંબ લઈને ફરું છું.

મને કાંઈ વધારે પૂછવું છે?

આજે મેં ઘણું કહ્યું. હવે તમને કંટાળો આવશે. પરંતુ કોઈ કોઈ વાર તમે મને પૂછતા રહેશો તો જાણવા જેવું ઘણું ઘણું હજી કહીશ.

માત્ર એ કહ્યાનું ખોટું ન લગાડશો !ટેલિફોનનું ભૂત

છાપાંનાં ભૂત વિષે તો સહુ એ ઘણું બધું સાંભળ્યું હશે. ‘વીરાંગના’ લખ્યું હોય તેનું એ ભૂત ‘વારાંગના’ કરી નાખે, અને તેમાંથી અનેક રમખાણો ઉપજાવે.

પરંતુ હવે ટેલિફેનનાં પણ ભૂત ઊભાં થયાં છે તેની ખબર મને પડી તેવી બીજાને ભાગ્યે જ પડી હશે.

હું સામાન્ય ભૂતની વાત કરતો નથી. સાધારણ ગાળગલીચથી રાજી થતાં ભૂત તો સર્વસામાન્ય છે. ભૂતમાં ગૃહસ્થાઈ ન જ હોય માટે આપણે તેમને ભૂત કહીએ. કમનસીબે આ ટેલિફેનના તાર છેક ખાનગી ઓરડાઓ સુધી ખેંચવામાં આવે છે એથી ભારે ભૂતાવળ ઊભી થાય છે. અણધારી જગાએ આપણો સાદ પહોંચી જાય અને આપણે ગાળ ખાવી પડે કે ધમકી સાંભળવી પડે. આમ બેત્રણ વાર થયું એટલે હું ફોનને અડકતાં જ ગભરાઉં છું. જેટલાં યંત્રો વધે છે એટલી ભૂતસૃષ્ટિ વધે છે એ મારો સિદ્ધાંત રેડિયોના નવા ઉત્પાતથી પુરવાર થાય છે. પરંતુ હું તો ટેલિફોનની વાત કરું છું.

મને સરકારી નોકરી ન મળી કારણ હું અત્યંજ કે મુસલમાન ન હતો. હિંદુઓએ અંત્યજોને ભારે દુઃખ આપ્યું છે એમ ડૉ. આંબેડકર કહે છે – જોકે તેઓ એક ગોબ્રાહ્મણ પ્રતિપાળ ગણાતા મહારાજને પૈસે ભણ્યા હતા; અને મુસ્લિમોને હિંદુઓએ બહુ અન્યાય કર્યો છે એમ ઝીણા કહે છે – શા કારણે તે સમજવા જેટલી ઝીણવટ હું મુસ્લિમ ન હોવાથી કેળવી શક્યો નથી; અને અંગ્રેજ સરકાર આ બંને આરોપો પોતાને ઠીક લાગે ત્યાં સુધી કબૂલ