રસબિંદુ/સંગીત સમાધિ

વિકિસ્રોતમાંથી
← મહાન લેખક રસબિંદુ
સંગીત સમાધિ
રમણલાલ દેસાઈ
૧૯૫૭



સંગીતસમાધિ


માનવી વસવાટમાં પણ વર્ગો પાડે છે. કોમવાર વર્ગો હવે બદલાઈ ગયા છે અને ધનવાર વર્ગો પડતા જાય છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના મહોલ્લાની સરહદ ઉપર આવેલા એક ખડકીબંધ ધરની પાસે ઊભાં રહી છસાત માણસો કોઈને શોધતાં દેખાયાં.

‘કોનું કામ છે?’ ખડકીમાં આવેલા બીજા ઘરમાંથી કોઈ યુવાને પૂછ્યું.

‘ગુરુનું.’ ઘર શોધતાં માણસોમાંથી એકે કહ્યું.

‘ગુરુનું ! અહીં તો કોઈ...’

‘ઉસ્તાદનું.’

‘અહીં કોઈ મુસલમાન રહેતું નથી.’

‘પંડિતજીનું.’

‘ઘર ભૂલ્યા લાગો છો. પંડિતબંડિત કોઈ અહીં છે નહિ.’

‘કેમ? બારેક વર્ષ ઉપર એક ગવૈયા અહીં..’

‘હાં...હાં. સારંગધર ગવઈ ! એતો પથારીવશ છે. એમને એક ઓરડીમાં સુવાડ્યા છે.’

‘અમારે એમનાં દર્શન કરવાં છે.’

‘દર્શન? થોડા દિવસન પરોણા છે. એમને પડી રહેવા દો તો સારું.’

‘શું થયું છે?’

‘શું નથી થયું એમ પૂછો.’

‘એમને પગે પડ્યા વગર પાછા જવું નથી.’

જવાબ આપનાર મનુષ્યને બહુ નવાઈ લાગી. જે ગવૈયાએ પોતાનું ઘર વેચી નાખ્યું હતું, જીવતાં સુધી એકાદ ઓરડીમાં પડી રહેવા પૂરતો પોતાને હક્ક રાખ્યો હતો, પાંચેક વર્ષથી જેણે ગાયકી બાજુએ મૂકી દીધી હતી, બધાં જ વ્યસન જેણે વળગાડ્યાં હતાં, અને અનેક પ્રકારની માંદગી ભોગવતો પાડોશીઓની નિષ્ઠુર અને ન છૂટકાની ઉદારતા ઉપર જીવતો મૃત્યુને બિછાને જે પડ્યો હતો, તે ગવૈયાના દર્શન માટે કોઈ પણ માનવી આવે એ એને મહા આશ્ચર્ય હતું.

‘એમનું મગજ ખરાબ થઈ ગયું છે. પૂછીશું તો ય અવળો જવાબ આપશે.’

‘છતાં પૂછી જુઓ. એટલી તસ્દી અમારે ખાતર લો.’

‘કોનું નામ આપું?’

‘કહેજો કે બૈજનાથ આપનાં દર્શને આવ્યો છે.’

‘બૈજનાથ ? હિંદનો મશહૂર ગાયક ! સિનેમા અને ગ્રામોફોન કંપનીઓ જેના અવાજને લાખો રૂપિયા અર્પણ કરે છે, જેને સાંભળવા લાખો માણસ તલપી રહે છે, જેનું નામ દેતાં સંગીતશોખીનો થાકતા નથી, અને જેનું ઓળખાણ લખપતિઓ, ધનાઢવ્યો અને નેતાઓના હૃદયમાં પણ ગર્વની લાગણીઓ ઉપજાવે છે, બૈજનાથ આજ આ નાનકડી ખડકીમાં આવી ઊભો હતો ? યુવકે ધારી ધારીને બૈજનાથ સામે જોયું; એની પ્રખ્યાત થઈ ગયેલી છબી યાદ કરી અને ઘડી ક્ષણોમાં બૈજનાથનું સામ્ય છબી સાથે મળી ગયું.

‘ગભરાશો નહિ. કદાચ મારું નામ તેમને યાદ રહ્યું હશે. એક એમના દર્શન કરવા સિવાય બીજું કશું જ કામ મારે નથી.’ વિચારમાં પડેલા યુવકને સંગીતકાર બૈજનાથે કહ્યું.

યુવક અંદર ગયો, અને તત્કાળ પાછો ફર્યો. સારંગધર પંડિતે સહુને પોતાની ઓરડીમાં આવવાની રજા આપી હતી. અને એ ઓરડીમાં હતું શું? અડધું અંધારું. અંધારાથી આંખ ટેવાય એટલે ભીંત ઉપર સરસ્વતી, શંકર, કુષ્ણ, નારદ, રાવણ, હનુમાન જેવા સંગીતાચાર્યોનાં જૂની ઢબનાં ચિત્રો લટકતાં દેખાતાં હતાં. એક પથારી, એક ચટાઈ અને જૂના હીંચકા સિવાય બીજું કશું ફર્નિચર ત્યાં દેખાતું ન હતું. ખીંટીએ મેલી લાલ ઝોળીમાં ભરેલા તંબૂરો અને તબલાંની જોડ એક ખૂણામાં વિસરાયેલાં પડ્યાં હતાં. પથારીમાં સૂઈ રહેલા સારંગધર પગને રવ સાંભળી ધીમે ધીમે બેઠા થયા.

‘ઊઠશો નહિ. આપ સૂઈ રહો.’ બૈજનાથે કહ્યું.

‘જરા તાવ આવ્યો છે...’ બેસતાં બેસતાં સારંગધરે કહ્યું.

‘તો ઊતરી જશે....’

‘ઊતરે, ન ઊતરે, મને શી પરવા ? શરીર હવે મને મારું પોતાનું લાગતું જ નથી.’

બૈજનાથ અને તેના સાથીદારો જરા વિચારમાં પડ્યા. શરીરથી પર થઈ ચૂકેલો આ યોગી ? કે સહુએ ખસેડી મૂકેલો આ પાપી ગવૈયો? એક પણ પાપ એવું ન હતું, જેનું આળ સારંગધરને માથે મુકાયું ન હોય.

એ ગાયક પૂરો વ્યસની હતો. અફીણ, ભાંગ, ગાંજો, દારૂ એ સામાન્યતઃ જાણીતાં વ્યસનો સિવાય બીજા પણ વ્યસનો હોય તો તે સારંગધરથી અજાણ્યાં તો ન જ હોય. એના વ્યસનથી કંટાળી કંઈક શિષ્યો ચાલ્યા ગયા હતા અને કંઈક ગૃહસ્થોએ એના વગર પોતાના જલસા જમાવ્યા હતા.

પરંતુ વ્યસનથી સારંગધર અટક્યા ન હતા. એમની ચાલચલગત માટે અનેક પ્રકારની વાયો ચાલતી. તેઓ એક સમયે મશહૂર ગવૈયાની ખ્યાતિ પામ્યા હતા એટલે અનેક ગાયિકાઓ અને નર્તકીઓ તેમની શિષ્યા ગણાવવામાં માન સમજતી હતી. તેમના ગાઢ સંસર્ગમાં સારંગધર આવતા અને મહિનાઓના મહિના તેઓ ગાનારીઓના આવાસમાં પડી રહેતા એવી પણ છાપ તેમણે સમાજ ઉપર પાડી હતી. સારા ઘરની છોકરીઓએ સારંગધરનું શિક્ષણ લેવું એ પોતાની બદનામી પોતાની જાતે જ કરવા સરખુ હતું. સંગીતમાં રસ ધરાવતી ગૃહસ્થ સ્ત્રીઓ સારંગધરને પરિચય જરાય સેવતી નહિ, અને સારંગધરની આવડતનો લાભ રાખતી તે તેની કીર્તિ જરૂર ઝાંખી પડતી.

પૈસા તો સારંગધરને ખૂબ મળ્યા. ગવૈયાઓ સામાન્ય રીતે એકાદ વિગતને પોતાની બનાવી શકે. કોઈ ધ્રુપદમાં તો કોઈ ખ્યાલમાં, કોઈ ઠુમરીમાં તો કોઈ ગઝલ કવ્વાલીમાં પ્રાવિણ્ય મેળવે. વધારે આવડત હોય તો એકાદ વાદ્ય પણ હાથ કરે – બીન, સિતાર કે તબલાં. પરંતુ સારંગધરને તો ધ્રુપદિયા પણ શોધે અને ખ્યાલિયા પણ શોધે; ઠુમરી તો ગાનારીના જ ગળામાં શોભે, છતાં કોઈ પણ ગાનારી કે કોઈ પણ કવ્વાલ સારંગધરના દરબારમાં મુજરો કર્યા વગર ભાગ્યે જ રહે. સારંગધર એ સહુને મન ફાવે તેમ બક્ષિસ આપે, જરૂર છે એમ કહેનારને સહાય આપે, ખુશ થાય ત્યાં પૈસા વેરે, નાખુશ થાય ત્યારે વધારે આગળ વધવાની ટોકણી કરી વધારે પૈસા વેરે. હિસાબ- કિતાબ કશો જ રહેતો નહિ એટલે વર્ષે કે માસ આખરે સારંગધરને તો દેવું જ દેખાવાનું. તેમનું જૂનું શેરીનું ઘર બદલાયું નહિ. સંગીતનાં પુસ્તક રચવાની, સંગીતકારોની મૂર્તિઓ અને ચિત્રો તૈયાર કરાવવાની, સંગીતસૂચક સંગ્રહસ્થાનો ઊભાં કરવાની તેમની મહત્ત્વાકાંક્ષા ખર્ચનો બીજો ખાડો ઊભો કરતી – જોકે એમાંથી એકે ય વાત બની નહિ.

સારંગધર પરણ્યા તો હતા, પરંતુ તેમનાં પત્ની બહુ વર્ષો પહેલાં ગુજરી ગયાં હતાં. લોકોએ કહ્યું કે પત્ની છૂટી. પછી તો એમને કોઈ પણ સ્ત્રી પરણે એમ હતું જ નહિ. એમનાં વ્યસન, અવ્યવસ્થા, પૈસાની બેદરકારી અને ચાલચલગતની ખામી. સ્થિર જીવન માગતી કોઈ પણ સ્ત્રીને સારંગધર પાસે આવવા દે એમ ન હતું.

અને વધારામાં તેમનો ઉગ્ર અને વિશ્વાસ ન રાખી શકાય એ સ્વભાવ તેમના મિત્રો, વખાણનારાઓ અને શિષ્યોની સંખ્યાને ખૂબ ઘટાડી રહ્યો હતો. મોટે ભાગે તો તેઓ આનંદી, રમૂજી અને ટૉળી હતા; પરંતુ સંગીતની વાત આવતાં તેઓ ગંભીર બની જતા. સંગીતની મશ્કરી સહન કરી શકતા નહિ, અને તેમણે માનેલા સંગીતસિદ્ધાન્તો વિરુદ્ધ જરા સરખો પણ વાદવિવાદ ચલાવી લેતા નહિ. એટલે સહુ કોઈ સારંગધરને છોડતું ચાલ્યું. માત્ર જિજ્ઞાસા ? સંગીતવિષયક મુશ્કેલી સિવાય તેમની પાસે જવાનું સંગીતકારો અને સંગીતશોખીનોએ પણ માંડી વાળ્યું. છેલ્લાં આઠ દસ વર્ષમાં તો તેઓ એકલવાયા બની ગયા. હિંદભરમાં ઘણા ય સંગીતકારો એવા હતા કે જે સારંગધરના શિષ્ય કહેવરાવામાં માન સમજતા હતા. પરંતુ સારંગધરની પાસે આવવું કે સારંગધરને બોલાવવા એ સ્થિતિ હવે તદ્દન બદલાઈ ગઈ. વર્ષે એકબે માણસો ખબર કાઢવા આવતાં; તેમને કેટલી વાર તેઓ મળવાની ના પાડી દેતા. કોઈ જૂનો મિત્ર કે શિષ્ય મનીઓર્ડર મોકલે તે તે પાછો કાઢતા અને પત્રમાં બીડેલી નોટ આવતી તો તેઓ ફાડી નાખતા અને બોલી ઊઠતા : ‘મને ભિક્ષુક માન્યો, એમ?’

જૂના પાડોશીઓની કાળજી – મહેરબાની જરા પણ દેખાય નહિ એવી કાળજી – તેમને જીવતા રાખી શકી હતી. નવી ઊછરતી પ્રજા તેમને નિરુપયોગી ચક્રમ ડોસા તરીકે ગણી તેમની ઉપેક્ષા કરતી. એ ઉપેક્ષાની તેમને પરવા પણ ન હતી. રસ્તે ચાલતાં ગવાતાં સિનેમા- ગીત પ્રત્યે તેઓ તિરસ્કારની લાગણી વારંવાર વ્યક્ત કરતા, અને ઝડપમાં જ કૌશલ્ય માનતી આજની દુનિયાએ તેમની દીર્ઘસૂત્રી તૈયારી અને જમાવટના લંબાણથી કંટાળી તેમને ઝડપથી ભૂલવા માંડ્યા. સારંગધર એક સમયના હિંદવિખ્યાત સંગીતકાર હતા એ વાત વિસારે પડી, અને કદાચ આ સારંગધર એ જ પેલા જાણીતા સંગીતકાર એમ કોઈ કહે છે તે માનવા માટે પણ હવે બહુ ઓછા માણસોની તૈયારી હતી. આજના હિંદમાં સર્વોપરી સંગીતકાર તરીકે હવે બૈજનાથનું નામ વ્યાપક થઈ ગયું હતું. એ બૈજનાથ આજ ભુલાઈ જતા સારંગધર પાસે આવ્યા. સાંભળનારને નવાઈ લાગે એમ હતું.

‘એ જ શરીરનાં દર્શને હું આવ્યો છું.’ બૈજનાથે કહ્યું.

‘ઘેલો લાગે છે ! મને ઓળખે છે ખરો ?’ બેસતાં બેસતાં સહજ હસી સારંગધરે કહ્યું.

‘આપને ન ઓળખે એ સંગીતને જ ઓળખતા નથી.’ ‘પણ..... મને તો કહ્યું કે... કોઇ મશહુર ગાયક આવ્યો છે.’ તને તો જોયો છે. બરાબર દેખાતું નથી...’ તાવ, ઘસારો અને ઉગ્રતાથી ક્ષીણ બનેલા સારંગધરની આંખ ઠરતી નહિ અને માણસો ઓળખવાનું મુશ્કેલ થઈ પડ્યું હતું. તેમને વાળ ધોળા થઈ ગયા હતા. આંખ ઉપરની ભમર પણ ધોળી બની સારંગધરને કોઇ અન્ય દુનિયાના પ્રાણીનું સ્વરૂપ આપી રહી હતી.

‘હું બૈજુ...આપનો શિષ્ય...’

‘બૈજ્નાથ ! હાં...હાં ! સાંભળ્યું’તું કે તું તો ભારે નામ કાઢી રહ્યો. પાસે આવ...બેટા ! રીસ ઉતરી ?’ સારંગધરે હાથ લાંબો કરી પરમ વાત્સલ્યથી બૈજનાથનો હાથ પકડી પોતાની પાસે ખેંચી બેસાડ્યો, અને તેની સામે વારંવાર નિહાળી તેને વાંસે અને માથે હાથ ફેરવ્યો. સારંગધરની આંખમાં નવી ચમક દેખાઈ.

‘તાવ તો વધારે લાગે છે, પંડિતજી ! વૈદ્ય ડોકટરને બોલાવવા છે?’ સારંગધરના હાથની ઉનાશથી ચમકી બૈજેનાથે પૂછ્યું.

‘वैद्यो नारायणो हरि : । અને મારે તો નારાયણે સંગીત અને હરિ પણ સંગીત !’

‘આપ એક કૃપા ન કરો ?’

‘હું ? કૃપા ? મારું શરીર તો જો ! હું કોના ઉપર કૃપા...’

‘આપને હું મારી સાથે લઈ જવા આવ્યો છું...’

‘હું જંજાળરૂ૫ છું એનું ભાન તને રહ્યું છે ખરું ?’

‘જંજાળ ? જે ગુરુનું સ્મરણ કર્યા પછી જ હું દિવસ શરૂ કરું છું એ જંજાળ ?’

‘મારું સ્મરણ ? જગતને પૂછ... અરે મને જ પૂછ કે હું કેટલો પાપી છું !’

‘હું ન માનું. મારે જગતને પણ પૂછવું નથી અને આપને પણ પૂછવું નથી. નાદબ્રહ્મની ઉપાસનામાં પાપ પ્રવેશ જ ન પામે.’

સારંગધર બૈજનાથની સામે જોઈ ૨હ્યા. તેમનામાં સ્થિરતા આવતી દેખાઈ. તેમની આંખ તેમના હૃદયની વાત કહી રહી હતી. સારંગધરે પાપ કર્યું જ ન હતું એવો એ વાતનો મર્મ હતો. એમનાં કહેવાતાં પાપ નાદબ્રહ્મ સાથેની એકાગ્રતા સાધવાનાં ઉગ્ર સાધનો હતાં અથવા સંવાદ હલાવી નાખતી ક્લિષ્ટ આંધીમાંથી બહાર નીકળવાના હઠયોગ પ્રયત્નો હતા. સારંગધરને જગતમાં સંવાદસ્વર્ગ સર્જવું હતું: સૂર, લય અને તાલની ત્રિવેણી માનવજાત સન્મુખ વહેતી કરવી હતી; અને એ માટે પોતાની કલ્પનાસૃષ્ટિ પણ સંગીતની જ બનાવી હતી. આખી સૃષ્ટિ ને તેઓ સંગીતસ્પર્શથી જ ઓળખતા હતા એમ કહીએ તો ચાલે. સજીવ કે નિર્જીવ સૃષ્ટિનાં સર્વ હલન-ચલનમાં તેઓ સંગીત વાંચતા અને રાગ, રાગણી, તેમના મિશ્રણ, વિધવિધ લયમાં તેમનાં આયોજન, અને તાલની રમતમાં જ પોતાના જીવનને વ્યતીત કરતા હતા. દૂધવાળી દૂધ વેચતાં ‘દૂધ લો દૂ...ધ !’નો વિલંબિત ઉચ્ચાર કરતી સંભળાય તો સારંગધર બોલી ઊઠતા : ‘ક્યા ગાંધારમેં ચલી જાતી હય !’ કોઈ નવવધૂ નૂપુરના આછા ઝણકારસહ શેરીની એક કોરે ચાલી જતી હોય તો સારંગધર એ ઝણકારને ‘ગીડ ગીડ તામ છુમ છુમ’ ના તોડામાં બેસાડતા, અગર કોઈ ઘોડો ગીદ કે છારતકમાં જતો તો તરત સારંગધરને આખું જગત ઝપતાલ કે દાદરાના ઠેકા લેતું સંભળાતું.

પરંતુ એ બાહ્ય જગતમાં જ્યારે તાલભંગ કરતાં તત્વો તેમને દેખાતાં ત્યારે સારંગધરના ક્રોધનો પાર રહેતો નહિ. અને એ તાલભંગ ક્યાં અને ક્યારે થતો એ બાબતમાં સારંગધર અને માનવજાત વચ્ચે સતત મતભેદ ચાલતો હોવાથી તેમની આસપાસના જગતમાં સારંગધર અનેક ઘર્ષણો ઊભાં કરતા એમ જગત કહેતું. જો કે સારંગધરને જગતને દોષ કાઢવાની ફુરસદ મળતી નહિ. તાલભંગસ્થિતિ પર રોષ દર્શાવી તેઓ તત્કાળ નાદબ્રહ્મની ઉપાસનામાં જોડાઈ જતા. પરંતુ જગત સારંગધરના ક્રોધને ભૂલતું નહિ. પડોશમાં કોઈ મા પોતાની દીકરીને ચીસ પાડી બોલાવે તો સારંગધર બારીએ આવી બોલતા : ‘ઈશ્વરે આવું સારું ગળું આપ્યું છે. ટીપને બદલે એને ખરજમાં ગોઠવો ને, બહેન ?’ અને સારા ગળાંવાળી એ બહેન ટીપને પણ તતડાવતો સૂસર કાઢી સારંગધરની સૂરસૃષ્ટિમાં અસહ્ય ઊથલપાથલ કરતી.

‘આ પાછું મીઠું વેર્યું ! પરમેશ્વર પાંપણથી ઉપડાવશે. સમજી ?‘’ મીઠું વહુએ વેર્યું હોય કે ન હોય છતાં ઘરની પ્રત્યેક અવ્યવસ્થા માટે ઘરની વહુ જ જવાબદાર છે તે સિદ્ધાંત અનુસાર જીવન ઘડી ચૂકેલી સાસુને વહુ જવાબ આપતી :

‘પણ મેં ક્યાં વેર્યું છે ?

એટલે સાસુને પોતાના રાજ્યમાં બંડ ઊઠ્યાની થઈ ચૂકેલી ખાતરી વધારે દૃઢ થતી, અને દલીલને બદલે હિંદના વિલાયતી રાજ્ય માફક-કહો કે જગતનાં સર્વે રાજ્યની માફક સાસુનો કંઠ ઉચ્ચાર કરતો : ‘એમ ? સામું બોલે છે?’

એ ઉચ્ચાર સાથે હિંદરક્ષણધારા કરતાં પણ વધારે વ્યાપક સત્તા ધરાવતા કુટુંબશાયક નિયમ અનુસાર લેવાનાં પગલાંના ધબકાર સારંગધરને વ્યથિત કરી મૂકતા અને અંતે તેમનાથી બોલાઈ જતું :

‘અરે બાઈ ! હવે રાત પડી. જરા બોલતાં તો તે બંધ થાઓ ? વેરાયું હોય એના કરતાં બમણું મીઠું હું તમને આપું.’

‘મોટો મીઠું આપનાર ના જોયો હોય તો ! હું બોલું છું તેમાં તારા બાપનું શુ ગયું ?’

પડોશીની એક કર્કશ ચીસ આસપાસના રહીશોની સાત પેઢીના સૂરસંવાદને હલાવી નાખે છે એ સત્યસાસુને સમજાવવાના સારંગધરના પ્રયત્નો કર્કશ ચીસનાં અનેક અવર્તનો ઊભાં કરતાં.

હિંદમાં શૌર્યને સંસ્કાર નથી એમ કહેનારને કેટલાક પતિદેવોનાં રુદ્રરુપ બતાવવાની જરૂર છે. સારંગધરના પડોશમાં રહેતાં એક લાભશોધન પતિએ પોતાની પત્ની ઉપર હાથપ્રહારનો વંટોળિયો વેર્યો, અને આવા પ્રસંગે પત્નીનો જ દોષ હોવો જોઈએ એવી સામાન્ય માન્યતાનો વિરોધ કરી સારંગધર તેના ઘરમાં ધસી આવ્યા અને પતિના ‘બ્લિટ્ઝ’ હુમલાને રોકવા લાગ્યા :

‘આ સારું કહેવાય ? સ્ત્રી પર આમ હાથ.....’ સારંગધરે કહ્યું : તેમને બોલતા અટકાવી પ્રહારે ચંડેલા શૂર પતિએ કહ્યું :

‘સ્ત્રી તારી છે કે મારી ? તું કેમ વચ્ચે આવે છે ?’

‘એ સ્ત્રી તમારી છે એવો કહે તો દસ્તાવેજ હું લખી આપું. મારામારી પણ જરા શાંતિથી વ્યવસ્થાપૂર્વક થાય તો મને અડચણ નથી. સૈનિક પણ મરતાં મરતાં તાલ ચૂકતા નથી. આ તો...’

‘પણ પારકી પંચાત તારે કરવાનું કોઈ કારણ?’ શૂરવીર પતિદેવે યુદ્ધની નીતિઘોષણ ઉચ્ચારી અને ભેગી થઈ ગયેલી જનતાએ એ ઘોષણા ઉપાડી લીધી. પત્નીને માર મારવો એ સારું કામ છે કે નહિ એ પ્રશ્ન બાજુએ મુકાયો. પરંતુ પતિ પત્નીની મારામારીમાં ત્રીજા માણસને પડવાનો અધિકાર નથી એ સિદ્ધાંત સર્વાનુમતે સ્વીકારાયો; અને સારંગધરે પાછાં પગલાં ભરી કોઈ બેસૂરું વાદ્ય સાંભળ્યાનો ભયંકર કચવાટ અનુભવ્યો. ઉપરથી એક નવી વાત ઉમેરાઈ તે જુદી ! સારંગધર અને ક્ષત્રિકુલશોભન પતિ વચ્ચે ઝઘડો થયાનું કારણ માર ખાનાર પત્ની પ્રત્યેની સારંગધરની મીઠી દૃષ્ટિ પણ હોય, એવી વાત શરૂ થઈ. હોયમાંથી જોતજોતામાં ‘છે’ અને ‘છે’ જની કક્ષાએ પણ વાત આવીને ઊભી !

‘પંડિતજી ! જરા ઠંડાઈ પી લો; શાંતિ વળશે.’ એક મળવા આવેલા ઉસ્તાદે અશાંત સારંગધરને સલાહ આપી. સારંગધરને જગતની અશાંતિમાંથી ઊગરવાનો માર્ગ મળ્યો. પવિત્ર પડોશીઓએ વાત કરવા માંડી : ‘સારંગધર ? અંહ ! એ તો ગંજેરીભંગેરી છે !’

સારંગધરે લોકોની વાતનો સામનો કરવા ભાંગ ઉપરાંત ગાંજો પણ શરૂ કર્યો. આસપાસનું ક્લિષ્ટ, મેળ વગરનું, બેસૂરું જીવન એથી ઓછું ખટક્વા લાગ્યું. સંગીતમાં એકાગ્રતા વધતી જણાઈ. સૂર ઉપર હતો એના કરતાં વધારે કાબૂ આવતો લાગ્યો, સંગીત સૃષ્ટિનાં સ્વપ્ન સાચાં બનતાં લાગ્યાં. છતાં આસપાસનું સંગીત રહિત જીવન ખટકતું ત્યારે ઘણા જોરમાં ખટકતું. પ્રભાતમાં ઊઠી સ્વર ભરતા સારંગધરને માટે કોઈ નિદ્રિત ભારતવાસીએ ફરિયાદ પણ કરી છે કે ‘આ કામકાજ વગરનો ગવૈયો અમારી સવારની ઊંધ બગાડે છે !’

પ્રભાતના પવિત્ર મનોહર રાગ કોઈને પણ વિક્ષેપ ૫માડે ખરા ? સારંગધરને આશ્ચર્ય ઊપજ્યું. એ પ્રશ્નનો જવાબ પણ મળ્યો કે:

‘ભાઈ ! આમ બોળાળવું હોય તો કોઈ એકાન્ત બંગલામાં રહો !’

અસ્વસ્થ સારંગધરને બંગલાની નવાઈ ન હતી. માત્ર જે સ્થળે એણે સ્વરસાધના કરી હતી તે સ્થળ છોડવાની તેમની તૈયારી ન હતી. છતાં રિસાઈને તેમણે થોડા દિવસ બંગલા સેવ્યા. બંગલાના માલિકો સારંગધરને પોતાના મકાનમાં રાખવાનું માન મેળવવા આતુર તો હતા જ. માલિકોને તો નહિ, જ પરંતુ માલિકોની સ્ત્રીઓ કે પુત્રીઓને સંગીતનો શૉખ કેળવવાની ફુરસદ મળે છે. એવી એક શિષ્યાએ તેમને પોતાના જ બંગલામાં રહેવાની સગવડ કરી આપી.

પરંતુ એ શિષ્યાના પતિનું દૃશ્ય સારંગધરને અતિશય સંગીત-વિરોધી લાગ્યું. એ ધનિક ગૃહસ્થે લાખો રૂપિયાના ખેલ રચ્યા હતા, શૂન્યમાંથી વિશ્વામિત્રની માફક પોતાની વ્યાપારદૃષ્ટિ તેમણે સરજી હતી, અને સફળ માનવી તરીકે – માનવી તરીકે નહિ પણ વ્યાપારી તરીકે – મોટું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સરકાર-દરબારમાં પણ પૈસાના પ્રભાવે તેમને સ્થાન હતું. માત્ર સફળ વેપારના એક ફળ રૂપે તેમનો દેહ બેડોળ બનતો જતો હતો, અને કુટુંબ તરફ નજર કરવાની તેમની ફુરસદ ઘટતી જતી હતી, પૈસો એ તેમનું સર્વસ્વ હતું અને તે પૈસો જરૂર પડ્યે પત્નીને પણ તેઓ આપતા. પરંતુ હૃદયની આસપાસ ધનના કોટકિલ્લા રચનાર એ ધનિકનું હૃદય પત્નીને મળ્યું નહિ. દેહસ્થૂલતા રૂપે ફૂટી નીકળતું ધન દેહને હાસ્યપાત્ર બનાવી રહ્યું અને હાસ્યની સીમા ઓળંગી ગયેલી પત્નીને પતિ માટે ઘૃણા ઉપજી. સારંગધર અને તેમની શિષ્યાનો ધનિક પતિ માટે એકમત થયો. પૈસા અને પ્રેમ બેની પસંદગી માનવ જાતે કરવાની હોય છે. એક જ વ્યક્તિમાં એ બંને મહાપ્રાપ્તિઓ ભાગ્યે જ ભેગી થાય છે, એટલે જનતાને એ જુદે જુદે સ્થળે શેાધવાં પડે છે. શિષ્ય પાસે ધન તો હતું જ – પતિનું, પરંતુ પ્રેમ ન હતો; તે તેણે સારંગધરમાં શોધ્યો. લગ્ન સિવાય સ્ત્રીપુરુષના જીવનમાં સંવાદ ન જ સધાય એવી માન્યતા સારંગધરની ન હોવાથી તેઓ શિષ્યાને અનુકૂળ થવા ગયા. શિષ્યાનો બેડોળ પતિ પ્રેમમાં શુષ્ક હતો, જાસૂસીમાં નહિ. એની આંખોએ સારંગધર અને પોતાની પત્નીના સંબંધમાં સંગીત કરતાં વધારે નિકટતા પ્રગટતી નિહાળી, અને પરિણામે પત્નીને તો તેમણે ન ત્યજી, પણ સારંગધર બંગલામાં – કોઈ પણ ગૃહસ્થ બંગલામાં – રહેવા માટે નાલાયક બનાવ્યા.

બંગલામાંથી બહાર હડસેલાયેલા સારંગધરને એક પરિચિત નર્તકીનું આમંત્રણ મળ્યું, અને નર્તકીની આંખના તેજ સાથે મદ્યની પ્યાલીનો રંગ પણ એક થતાં સારંગધરે દારૂને નશામાં શાંતિ પ્રાપ્ત કરી. પછી તો સંગીતવિહોણી સૃષ્ટિને સૂરમાં લાવનાર મદિરા જ તેમની મિત્ર બની. ચીસ પાડતી માતા, પત્નીને માર મારતો પતિ, સંગીતશત્રુ પડોશી અને રૂપગુણ વગરના, તથા સ્ત્રીનો પ્રેમ ન જીતી શકતા ધનિક કરતાં શરાબની શાંતિ આપતી નર્તકી ઓછું પાપ કરે છે અને જીવનમાં ઓછા તાલભંગ કરે છે એમ માનતા સારંગધરે સમાજમાં કંઈક અસ્વીકૃત સંબંધોમાં જ સંગીતમયતાનો અનુભવ કરવા માંડ્યો. અને જોકે સંગીત શૉખીનો તો તેમને શોધતા જ રહેતા, છતાં પ્રતિષ્ઠ કહેવાતા સમાજે તેમનાથી અલગ રહેવા માંડ્યું; અગર તેમને અલગ – અસ્પૃશ્ય રાખ્યા. સેંકડો ગરીબોના લોહીમાંસ ઉપર મિલકત ઊભી કરનાર ધનિક છુટ્ટે હાથે પૈસા વેરતાં ભિખારી બનેલા એક કલાકાર કરતાં વધારે પ્રતિષ્ઠિત શા માટે ? જુઠ્ઠાણાં ઉપર જાહોજલાલી રચનાર કરતાં વકીલ સૂરગંગા રેલાવનાર એક નર્તકી કરતાં વધારે વિશુદ્ધ કેવી રીતે ગણાય ? વહુના હૃદયમાં અગ્ન્યસ્ત્ર ભોંકતી સાસુ કરતાં એ અગ્ન્યસ્ત્રથી બચવા ઘર છોડી ગમે ત્યાં આશ્રય શોધતી વ્યભિચારી મનાતી વહુ વધારે પાપી હોઈ શકે ખરી ? ખુશામત કરતા એક સફળ માનવી કરતાં દુઃખ દાટવા વ્યસન શોધતો માનવી વધારે વંઠેલ કેમ કહેવાય? આવા આવા પ્રશ્નોનાં ઉત્તર પ્રતિષ્ઠિત સમાજ પાસે છે જ નહિ. સારંગધરના હૃદયમાં એ પ્રશ્નો ઉઠ્યા અને એમણે અપ્રતિષ્ઠિત કહેવાતા જીવનની બાજુઓનો આશ્રય લઈ પ્રશ્નોના ઉત્તર મેળવ્યા. એમાં જ એમને સંગીત વધારે સાચું બનતું લાગ્યું. પુણ્યશાળી મદાંધ કરતાં પાપી મનાતી જનતામાં વધારે સાચી સંગીતભક્તિ તેમને દેખાઈ, અને સારંગધરે પાપીઓમાં પોતાનું નામ કોતરાવ્યું. એમને પુણ્ય કરતાં સંગીત વધારે વિશુદ્ધ લાગ્યું. પુણ્ય કે પ્રતિષ્ઠા સંગીતવિરોધી કે સંગીતવિહોણાં હોઈ શકે જ નહિ એવા આગ્રહને લીધે સારંગધર જલસાઓને બદલે જમાતોમાં, વિદ્વાનોને બદલે ખાખીઓમાં, ધનિકોને બદલે ફકીરોમાં અને મંદિર-મસ્જિદને બદલે મયખાનામાં વધારે સમય ગાળવા લાગ્યા.

અલબત્ત આ જીવનસરણીએ તેમના ગળાને જરા ખોખરું બનાવ્યું અને તેમના સ્વભાવને ઉગ્ર બનાવ્યો. સંગીતની વિશુદ્ધિ માટે, સંગીતના સ્વરૂપ માટે, સંગીતના સૌન્દર્ય માટે તેમણે રજપૂત જેવું તીવ્ર અભિમાન કેળવ્યું અને જરા જરામાં તલવાર ઉઠાવવા જેવું શૌર્ય વિકસાવવા માંડ્યું. સંગીતની જરા પણ ખામી, સંગીતની જરા પણ વિરૂપના સારંગધરને અસહ્ય થઈ પડતી અને તેને લીધે તેમના મિત્રો, શિષ્યો અને ભક્તો પણ જરા આઘા ખસવા લાગ્યા. દીપક રાગ જીવંત છે કે નહિ એની ચર્ચામાં તેમને આખી સંગીતશાળા સળગાવી દેવાનું મન થતું. કર્ણાટકી પૂર્વી અને હિંદુસ્તાની પૂર્વી વચ્ચે કેટલો ભેદ છે એનું દિગ્‌દર્શન કરાવવા તેઓ કાં તો આખા દક્ષિણ હિંદુસ્તાની સંગીતને કે આખા ઉત્તર હિંદુસ્તાની સંગીતને દાટી દેવા તત્પર થતા. કથકલી નૃત્ય અને જાવાબાલીનાં નૃત્યો વચ્ચે ઊભાં થયેલા વિરોધોનું સમાધાન સૂચવતાં તેઓ સઘળા નર્તન ઉપર શાપ વરસાવના – જોકે તેમનું જ્ઞાન અને તેમની સમજ તેમની પાસે આવા આવા પ્રશ્નોના ઉકેલ માટે અનેક સંગીતવિદોને આકર્ષ્યા કરતાં હતાં, સંગીતની સઘળી ચર્ચામાં તેમને રસ હતો. સહુ કોઈ તેમનો મત માંગતું, પરંતુ ધીમે ધીમે એ રસમાં કટુતા પ્રવેશ પામી અને તેમના મનમાં તલવારની ધારનાં દર્શન થવા લાગ્યાં. જે સંવાદ ઉપર ભાર મૂકી સારંગધર સમાજને હડસેલી રહ્યા હતા, એ સંવાદના આગ્રહમાં તેમણે સંગીતસૃષ્ટિને પણ ડામાડોળ બનાવી સંવાદને – જીવનસંવાદને હલાવી નાખવા માંડ્યો. શિષ્યો પણ ધીમે ધીમે તેમનાથી ખસતા થયા. તેની તેમને પરવા ન હતી. સંગીતની તેમની કક્ષા પળે પળે ઊંચી ચડતી હતી; એ કક્ષા સાચવવા તેઓ દુર્વાસા સરખી ઉગ્ર સાવધાનતા રાખતા અને જ્યાં જીવનસંવાદમાં ઘર્ષણ ઊભું થતું ત્યાં વ્યસનની ધૂનમાં તેને છુપાવી સંગીતસૃષ્ટિને તેઓ સજીવન રાખતા.

સંગીતમાં પારંગત બનેલો એક યુવાન સારંગધર પાસે આવ્યો. સારંગધરનો હાથ માથે મુકાય નહિ ત્યાં સુધી સંગીતમાં અંતિમ સફળતા ન મળે એવી સંગીતકારોમાં માન્યતા હતી. ઉત્તમ પ્રકારનું શિક્ષણ પામેલા સંગીતવિદોની છેલ્લી તાલીમ સારંગધરની. તેમની પાસે ગાળેલો સમય બહુ જ કિંમતી – સંગીતમુકુટની કલગીસરખો ગણાતો. એટલે સારંગધરના સ્વભાવની વિચિત્રતા સહન કરીને પણ વર્ષમાં એક બે સંગીતશિષ્યો તેમની પાસે શિક્ષણ લેતા જ રહેતા. અને એમના શિક્ષણની ખૂબી એવી હતી કે સંગીતકારોના સંગીતને સહજમાં ઓપ આપી દેતી. એ યુવાનની તૈયારીથી સારંગધર બહુ રાજી થયા અને તેને પોતાની સર્વ કલાસમૃદ્ધિ સમર્પી દેવાનો તેમણે નિશ્ચય કર્યો. શિષ્ય પણ અધિકારી હતો જ. સંગીતનું તેનું જ્ઞાન વિશિષ્ટ પ્રકારનું હતું, અને તેના ગળાની કેળવણી એટલી ઉમદા હતી કે કઠણમાં કઠણ તાન, મુરકી તથા ગમકને તે દેખાડતાં બરોબર સિદ્ધ કરી લેતો હતો. સારંગધરને લાગ્યું કે પોતાને નવું જીવન મળે છે. સંગીતના જ સ્વપ્નમાં રાચનાર એ કલાવિદને લાગ્યું કે એ શિષ્ય સંગીતસમૃદ્ધિ સાચવશે એટલું જ નહિ પણ તેને વધારશે.બહુ જ વાત્સલ્યથી સારંગધરે તેને સંગીતનું જ્ઞાન આપવું શરૂ કર્યું.

શિષ્યને માત્ર એક કુટેવ પડી ગઈ હતી. એ કુટેવ પણ એણે એના અન્ય સંગીતગુરુઓ પાસેથી જ મેળવી હતી. સંગીત સરખી કંઠકળા મુખને સાધન બનાવે છે એટલે સંગીત કંઠ ઉપરાંત આખા મુખ ઉપર પણ ઘણું આધાર રાખે છે. કંઠને સંગીતમાં ઉતારવા માટે દંત, ઓષ્ઠ, ગાલ એ બધાંનો ઉપયોગ કરવો પડે છે અને આંખ, હાથ, અંગુલિ તથા પગ પણ એમાં સહાયભૂત બની શકે છે. નિયમબદ્ધ અને કલામય અંગઉપાંગની સહાય મળે ત્યારે તેમાંથી અભિનય અને નૃત્ય સરખી સંગીતની સહચરી કલાઓ ઊપજે છે. પરંતુ સંગીતકારો – ખાસ કરીને પુરુષ સંગીતકારો સૂરતાલની ઉપાસના સમયે આવા અંગની માત્ર સહાય લેવામાં એ અંગોનો એવો મરોડ આપે છે કે સંગીતની સૌંદર્ય મૂર્તિ બદસૂરત બની જાય છે. સંગીત એ મહાકલા છે. એમાં ઝીણામાં ઝીણી નક્શી અને પ્રૌઢમાં પ્રોઢ તરંગાવલિઓ રચી શકાય છે એ ખરું. છતાં પણ સંગીતકારોએ એક અજબ કાવતરું સંગીત વિરુદ્ધ કર્યું લાગે છે. સંગીતના પ્રત્યેક અંગ ઉપર પોતાનું પ્રભુત્વ છે એમ સાબિત કરવાના મોહમાં આવડતી હોય એટલી બધી જ સંગીતરીતિઓ એક જ ચીજ ઉપર તેઓ લાદે છે. અને એ લાદવાની ક્રિયામાં આંખ, માથું, ડોક, હોઠ, હાથ અને શરીરને એટલા ઝોક, કંપ, આંચકા અને ઉછાળા ખવરાવે છે કે એમની કૃતિ સંગીત છે કે ભૂત ઉતારવાની ક્રિયા છે એની સમજ પડતી નથી.

‘પિયા બિન નહિ આવત ચૈન’ની કુમળી મૃદ્રુતાભરી અને નાજુકીથી દર્શાવાતી ભાવનાને સંગીતમાં ઉતારતી વખતે અંગકૂદકા અને હનુમાનકૂદકા મારતી અનુભવીએ ત્યારે આપણને કોઈ સુંદરી જોકરના હુકમ અનુસાર, સરકસનાં ખેલ કરતી હોય એમ લાગે છે.

‘આંગનમેં મત સે મોરી સજની.’ એ વહાલભર્યા સંબોધન સમયે સંગીતકાર તાનપલટાના ભયાનક હોકારા કરી મૂકે ત્યારે કોઈ રસિક નાયક નહિ પરંતુ ‘બૂધે નાર પાધરી’ ના સિદ્ધાંત ધરાવતો કોઈ જડસુ પતિ પત્નીના કાન ઝાલી આંગણામાંથી ખેંચી જતો હોય એવો ભાસ થાય છે. અને તેમાં યે જ્યારે આંખ મને મુખને વક્ર, બહાવરાં ઉશ્કેરાયેલાં બનાવીને ગાવામાં આવે છે ત્યારે તો અમૃતને ઘાસલેટના ડબ્બામાં ભર્યા સરખું લાગે છે. ગાયક ગાતો હોય : ‘ મુખ મોર મોર મુસકરત જા.’ અને ઝેર પીધું હોય એમ મુખ બગાડે; અગર ભક્તિભાવપૂર્વક ‘મેરે જનમ મરણકે સાથી’નું ગીત ગાતાં ચમકના ઊભરા અને મુક્કાબાજી માટે ઊપડતા હાથનું ભયાનક દૃશ્ય ઊભું કરી સંગીતકાર ઈશ્વરને પણ ભગાડી મૂકે, ત્યારે સંગીત કલા નહિ પણ રોગ બની જાય છે.

સારંગધરને ચાળાની, મુખમચકોડની અંતિશય ચીડ હતી. શિષ્ય સુંદર રાગસ્વરૂપ ઊભાં કરતો, અને સારંગધરનાં સૂચન અનુસાર એ સ્વરૂપને જીવંત પણ બનાવતો. પરંતુ કવચિત્ તેનો હોઠ વાંકો થઈ જતો, એના હાથ કોઈ વખતે સનેપાત થયો હોય એમ ઊછળતા, અને સુરકંપની સાથે કદી તે દેહ અને મસ્તકને પણ કંપાવતો.

‘જો દીકરા ! ગાતી વખતે હાથ ન હલાવીશ. તારે ગાવાનું છે, અભિનય કરવાનો નથી.’ સારંગધરે એક વખત શિષ્યને કહ્યું.

શિષ્યે કાળજી રાખવા માંડી. છતાં તેનું ડોકું ગાતાં ગાતાં ઝૂકી જતું.

‘તારે આટલું બધું ધૂણવાની જરૂર નથી.’ સારંગધરે સૂચના આપી. શિષ્યે તે સૂચના માન્ય કરી, છતાં કદી તેનું મુખ ગાતાં ગાતાં વાંકું થઈ જતું.

‘ભાઈ ! સંગીતકારનો આ ભારે દોષ શાસ્ત્રે કહ્યો છે. આવું રૂપાળું મુખ ઈશ્વરે આપ્યું છે; ગાતે ગાતે એને કદરૂપું ન બનાવ.’ સારંગધર જરા ઉગ્ર બન્યા.

શિષ્યને તો સંગીત જાણવું હતું; એને આવી રીતે ચડાવાતી શિખામણોની જરૂર નહોતી. સંગીતે માનવીની મુખચર્ચા કે દેહચર્ચા સાથે આવો ચીડ ચડે એવો સંબંધ રાખવો ન જોઈએ એવી શિષ્યની માન્યતા હતી; અને પ્રત્યેક શિખામણ સાથે શિષ્યનું મન સામનો કરતું. પરંતુ સારંગધર તો સંગીતના આખા વાતાવરણને સૌંદર્યભર્યું જોવા તલસતા. સંગીતના પ્રદેશમાં સંગીતકારનું મુખ કે હલનચલન સહજ પણ કદરૂપાપણું ઉપજાવે એ એમને અસહ્ય બની જતું.

એક સવારે ભૈરવનું આખું સ્વરૂપ શિષ્યે ઊભું કર્યું. ગુરુએ આનંદાશ્ચર્યથી ‘વાહવાહ’ કહેતાં કહેતાં શિષ્યના મુખ સામે જોયું અને ગુરુના દેહમાં કોઈ આવેશ આવ્યો. તેમની સંગીતસૃષ્ટિ જાણે ભાગી ગઈ હોય તેમ એમને લાગ્યું. અને એ મહાપાપ કરનાર શિષ્યના મુખ ઉપર તેમણે એક સજ્જડ તમાચો લગાડી દીધો.

‘હજી ભાન નથી આવતું ? રાગનો આખો અવતાર બગાડી મૂકે છે ? મુખ વંકાવીને ગાવું હોય તો સામો ન આવીશ !’ સારંગધરે તમાચાની સ્પષ્ટતા કરી અને શિષ્ય એકાએક ગુરુને છોડી ચાલ્યો ગયો.

સારંગધરે તે દિવસથી સંગીત છોડ્યું કહીએ તો ચાલે. અલબત્ત, જીવન આખું સંગીતને સંમર્પણ કરનારથી સંગીત સાથે છૂટાછેડા તો ન જ થઈ શકે. પરંતુ તેમણે જલસા બંધ કર્ય, શિક્ષણ પણ બંધ કર્યું અને ગાવાનું પણ ઘણું ઓછું કરી નાખ્યું. શિષ્યના ગયા પછી સારંગધરને લાગ્યું કે તેમનું પોતાનું જ શિષ્ય પ્રત્યેનું વર્તન સંગીતસિદ્ધાન્તથી સેંકડો ગાઉ દુર હતું. જેમ મુખ બગાડીને સંગીત ગાનાર દૂષિત ગાયક બને છે, તેમ તમાચા મારી સંગીત સુધારનાર પણ દુષિત ગણાવો જોઈએ; વાણી, વર્તન અને વિચારની શુદ્ધિ ન ઉપજાવે એ સંગીત નહિ. સારંગધરને લાગ્યું કે તેઓ પોતે જ અપાત્ર હતા. તેમના હૃદયમાં અસંતોષની ઉગ્ર જ્વાળા પ્રગટી. સંગીતકાર તરીકેનું પોતાનું નામ લગભગ લુપ્ત બનાવી દીધું. વિશુદ્ધ રાગરાગણીઓની સૂરાવલિની કલ્પનામાં તેમણે જીવવા માંડ્યું. એ કલ્પના ઉગ્ર બનતી ત્યારે તેઓ ગાઈ ઊઠતા; પણ તે ઘણું થોડું.

સંગીતત્યાગે તેમને વૃદ્ધ બનાવી દીધા. અશક્ત, પરાધીન અને ગરીબ બની ગયેલો સંગીતકાર પોતાના જૂના મકાનના કેટકેટલાક ભાગ વેચીસારી પોતાનું ગુજરાન કરતો, એક બોરડીમાં પોતાનાં સંગીતસાધનો સામે રાખી જીવન ગુજારતો બની ગયો. તેનું એને બહુ દુ:ખ ન હતું. પરંતુ સંગીતની સઘળી આવડત વિકસાવે એવા શિષ્યને કાઢી મૂક્યો એ બેસૂરું અને બેતાલું કાર્ય તેના જીવનને - સુસંગીતને જીર્ણ બનાવતું ચાલ્યું. એ પડી જતા દેહને જરા ટટાર કરવાનો પ્રયત્ન વ્યસનો વધાતો હતો. પરંતુ એ વ્યસનો સંગીતની કલ્પનાને અતિ પવિત્ર કક્ષાની બનાવતાં ન હતાં. હૃદયમાં વ્યાકુળતા વધે, મુંઝવણ થાય, માર્ગ ન જડે ત્યારે સારંગધર સૂરસૃષ્ટિ રચતા; પરંતુ તે સાથે જ તેમને પોતાનો શિષ્ય યાદ આવતો.

એ જ શિષ્ય તે બૈજનાથ. બારેક વર્ષે તે પાછો આવ્યો જાણી સારંગધરને દેહમાં વીજળી જાગી. મૃત બનતું સંગીત સજીવન થતું લાગ્યું. સંગીતમાં – નાદબ્રહ્મની ઉપાસનામાં પાપ બળી જાય છે એ બૈજનાથનું વચન સત્ય હોય છતાં બૈજનાથનું અપમાન કરી સારંગધરે સંગીતદ્રોહ કર્યો હતો એ વાત તાજી થઈ.

‘હવે ઘર બહાર જવાની શક્તિ રહી જ નથી.’ સારંગધરે કહ્યું.

‘હું પાલખી મંગાવું. અગર આપ કહો તો હું જાતે ઊંચકી જાઉં.’ બૈજનાથે કહ્યું.

સારંગધર હસ્યા અને બોલ્યા : ‘તું ઊંચકી જાય એના કરતાં બીજું રૂડું શું? તારી ખાંધ મળે તો મને મુક્તિ મળી એમ જ માનું...હવે સમય પણ...’

‘હું એ માટે નથી આવ્યો. હું તો ગુરુને જીવંત રાખી બાકીનો અભ્યાસ પૂરો કરવા આવ્યો છું. અહીં ન બને તો મારે ઘેર...’

‘આટલાં વર્ષે હવે ? રીસ ઉતારતાં બાર વર્ષ લગાડ્યાં!’

‘બાર વર્ષ નહિ, પણ બે જ દિવસમાં રીસ તો ઊતરી પરંતુ આપની આપેલી શિક્ષાને જીવનમાં ઉતારતાં બાર વર્ષ વીતી ગયાં. મુખવિકૃતિની પહેલી ટેવ ટાળતાં બાર વર્ષનાં તપ કરવાં પડ્યાં.’

‘મારી પાસે રહ્યો હોત તો બહુ વહેલાં...’

‘પરંતુ વિકૃત મુખ મટે નહિ ત્યાં સુધી આપને મુખ ન જ દેખાડવું એવી મેં પ્રતિજ્ઞા લઈ લીધી.’

‘એમ ?’

‘આપને ખાતરી કરાવવા અને આપના આશીર્વાદ મેળવવા આવ્યો છું.’

‘शतं जीव शरद :...! ખાતરીની જરૂર શી ?’ મુશ્કેલીથી સારંગધર બોલ્યા.

‘આપની પાસે હજી થોડાં તાન અને થોડી ગમક શીખવાનું બાકી છે.’

‘તારા ગયા પછી મેં ગાવું જ લગભગ છોડ્યું છે.’

‘મારા આવ્યા પછી એ હવે શરૂ થશે.’

અને ખરેખર માંદગી ભોગવતા સારંગધરમાં સંજીવની પુરાતી હોય એમ લાગ્યું. થોડી વાતચીત પછી તેમણે ગાવાનું તો નહિ પણ બૈજનાથનું ગીત સાંભળવાની હા પાડી અને પોતાના જૂના તંબૂરા અને તબલાંને પાસે લાવવા તેમણે સૂચન કર્યું. ધૂળ ખંખેરી બૈજનાથે વાદ્યોને ભાવભર્યું નમન કર્યું અને ઊંચકી લાવી તેમને સારંગધરના પગ પાસે મૂકી દીધાં.

‘મેળવ તો ખરો!’ સારંગધરે કહ્યું.

બૈજનાથે તંબૂરાના તાર મેળવ્યા, અને હથોડીના ખટકારા વડે તબલાંનો પણ મેળ પાડ્યો.

સારંગધરના દેહમાંથી તાવ ભાગી ગયો લાગ્યો. પોતે કરેલી મેળવણી બરાબર છે કે નહિ તેની ખાતરી કરવા બૈજનાથે તંબૂરો સારંગધરને આપ્યો. તેમણે આંગળીઓ ફેરવી સૂર મળ્યાની ખાતરી કરી તંબૂરો બાજુએ મૂકી તબલાં લીધાં. પ્યાંઉં પ્યાઉં અને કડિંગ કડિંગ બોલતા નરઘાની એક બાજુએ સૂરની કચાશ લાગતાં સારંગધરે સહજ હથોડી ખટકારી અને એ ચર્મવાઘ એવું ગુંજી ઊઠ્યું કે બૈજનાથની આંખમાં આશ્ચર્ય ચમક્યું. મેળવેલું નરઘું સારંગધરે બૈજનાથના સાથીદારને આપ્યું.

અને બૈજનાથે સૂર શરૂ કર્યા. એમાંથી રાગ જન્મ્યો, રાગનો આકાર બંધાયો અને રાગનું સ્વરૂપ પ્રફુલ્લિત રીતે વિકસવા લાગ્યું. એ સ્વરૂપ ઘટ્ટ બન્યું અને જીર્ણ ઓરડીના વાતાવરણમાં સૂરસૌંદર્યની ભાત ઉપસી આવી. સારંગધર પ્રથમ તો શાંત રહ્યા, પરંતુ જેમ સૂરસરિતાનો પ્રવાહ વધતો ગયો તેમ તેમ સારંગધરની શાંતિમાં ઉત્સાહ પ્રવેશ્યો, અને જોતજોતામાં તેઓ સંગીતની ઊર્મિ ઉપર ઉછળવા લાગ્યા.

રાગ પૂરો થતાં ‘વાહ !’ નો ઉદ્‌ગાર સારંગધરના કંઠમાંથી નીકળ્યો. સારંગધરનું વાર્ધક્ય અને જીર્ણતા અદૃશ્ય થતાં લાગ્યાં અને ધોળા વાળ છતાં યૌવનની તાજગીભરી રેખાઓ તેમના મુખ ઉપર દેખાવા લાગી. બૈજનાથને લાગ્યું કે સારંગધરને જિવાડવા હોય તો તેમને સંગીતના શુદ્ધ વાતાવરણમાં જ સાચવી રાખવા જોઈએ. અને ખરેખર હજી કેટલીક સંગીતવિશિષ્ટતાઓ સારંગધર પાસે એવી હતી જે બીજા કોઈ પાસે મળે એમ ન હતું.

બૈજનાથે નમન કર્યું અને કહ્યું : ‘મારી બાર વર્ષની તપશ્ચર્યા ફળી. ગુરુ પાસેથી 'વાહ' સાંભળી ! એની કિંમત મને મળેલા લાખો રૂપિયા કરતાં વધારે છે.’

‘વધારે તો શાબાશી એ માટે આપું છું કે ગાતી વખતે તું જ રાગની મૂર્તિ બની જાય છે ; જે તારે માટે હું માગતો તે તને મળ્યું.’

‘ના જી. હજી બે ત્રણ બાબતો એવી છે કે જે મારે આપની પાસેથી મેળવવાની છે.’

‘હં ! મારું ગળું હવે જીવે છે જ ક્યાં ?’

‘મૃત ગળામાંથી પણ અમને સજીવન કરતું સંગીત મળી શકશે.’

‘ગીત શરૂ કર. ગળું જવાબ આપશે તો વળી જોઈશ.’

અને બૈજનાથે બીજો રાગ શરૂ કર્યો. એ રાત્રે સારંગધરને વધારે સજીવ અને સચેત બનાવ્યા. જીવંત રાગ ઓરડીમાં ફરવા લાગ્યો અને સંગીતે ઓરડીની જીર્ણતા ભુલાવી. ઓરડીમાં શાલેમારબાગની શોભા, પારિજાતની સૌરભ અને મેઘધનુષ્યના રંગની મેળવણી વિસ્તારી.

ગાતાં ગાતાં આંખની ઇશારતથી બૈજનાથે દર્શાવ્યું કે આની આગળની વિશિષ્ટતા સારંગધર કૃપા કરી તેને બતાવે.

‘જો હવે આમ પલટો લે.’ કહી સારંગધરે ગળાની આછી રમત કરી બતાવી.

બૈજનાથે એ રમત ગ્રહણ કરી તેનું તત્કાળ અનુકરણ કર્યું.

‘વાહ વાહ ! હજી બે વખત ઘૂંટ. કાયમ બેસી જશે.’ કહી સારંગધરે શિષ્યને ઉત્તેજન આપી રહ્યા, અને થોડી વારમાં તો ગુરુ અને શિષ્ય વચ્ચે સંગીતની વિલંબિત આપ-લે શરૂ થઈ ગઈ. વર્ષોથી સંતાઇ રહેલી સઘળી સંગીતસમૃદ્ધિ સારંગધરે બૈજનાથ પાસે ખુલી મૂકી દીધી. બૈજનાથે એ તત્કાળ હસ્તગત કરી લીધી.

‘હવે તું સંગીતનો દેવતા લાગે છે. તને લોકો કેમ માને છે એનું રહસ્ય સમજ્યો ?’ સારંગધરે ચાલતા સંગીતે કહ્યું. બૈજનાથ એ રહસ્ય બરાબર જાણતો હતો. એણે પોતાના મુખસૌંદર્યને સંગીતની જ ઉચ્ચ કક્ષાએ રાખ્યું હતું. મુખ જરા ય વિકૃત બનતું નહિ ઊલટું સંગીતની અસર ઘેરી બનતી જાય તેમ તેમ બૈજનાથનાં મુખનું સૌંદર્ય વધતું જતું હતું.

સારંગધર તો ઉલ્લાસમાં ઝૂલતા હતા. વર્ષોથી મૂકેલું સંગીત આજ વિશુદ્ધ કલાસ્વરૂપમાં પાછું દર્શન દેતું હતું.

તબલું વગાડનાર એક તાલ સહજ ચૂક્યો અને સારંગધરે લાલ આંખ કરી તેના હાથમાંથી વાદ્ય લઈ લીધું. સારંગધરની આંગળી અને થાપ પડતાં એ જડ વાદ્ય સંગીતને કોઈ અનેરું સ્વરૂપ આપી રહ્યું. રંગબેરંગી વાદળમાં ચંદ્ર ફરતો હોય એમ તાલની વચ્ચે બૈજનાથનો રાગ ફરવા લાગ્યો. સંગીતકારને બિરદાવતો વાદ્યકાર ગુરુ પોતાની કલા વડે સંગીતને સ્વર્ગ પાતાળનાં અનુપમ ઝોલાં ખવરાવતો હતો એનું ભાન શિષ્યને થયું. અને રીસમાં ભાગી જઈ બાર વર્ષના ગાળામાં એણે ખરેખર કેટલું ગુમાવ્યું તેનો વિચાર બૈજનાથને આવ્યો.

‘હાં. એકચિત્ત બન. સંગીત તો આરાધના છે. વાહ !’ સંગીતમાં એકાગ્રતાનો થતો ભંગ સારંગધર જેવા સંગીતકારને ખૂંચે જ, સંગીત દ્વારા જ જગતના સર્વ વ્યવહારને ઓળખનાર એ સંગીતયોગીએ બૈજનાથના ગીતોને હજી ઊંચી કક્ષાએ ચડાવ્યું. સંસારનું, જગતનું, સ્થળકાળનું ભાન ભૂલી ગયેલા બંને ગુરુશિષ્ય સંગીતસ્વર્ગમાં મહાલી રહ્યા. બન્નેના હૃદય તથા દેહ રાગતાલના આસ્વાદમાં, અમૃતની મીઠાશ અનુભવી રહ્યાં. સુરતાલની સૃષ્ટિ કલા કે કવિતાનાં મહાસર્જનો કરતાં પણ ઉત્કૃષ્ટ છે. ગીત પરાકાષ્ટાએ પહોંચ્યું. નાદબ્રહ્મનો સાક્ષાત્કાર જાણે થતો લાગ્યો. આસપાસથી આવા સંગીત સાંભળવા બેસનાર સામાન્યત : ઉદાસીન શ્રોતાઓ પણ મહાકલાનાં દર્શન કરી રહ્યાં.

સમયની થાપ વાગી અને સંગીત અટક્યું.

‘વાહ વાહ !’ સારંગધરના ઉદ્‌ગાર સંભળાયા અને મસ્ત પ્રસન્નતા અનુભવી રહેલું તેમનું શિર ભીંતે ટેકો લેવા ઢળ્યું. તેમના મુખ ઉપર પરમ સંતોષ અને પરમ આનંદની રેખાઓ ઊઘડી આવી.

‘અરે, અરે ! સારંગધર તો હાલતા નથી.’ એક શ્રોતાએ કહ્યું. બૈજનાથે હાથ લાંબો કરી સારંગધરનો શ્વાસ પારખ્યો. શ્વાસ ચાલતો જ ન હતો !

શ્રોતાઓમાં એક ડોક્ટર પણ આવી ચડ્યા હતા. તેમણે સારંગધરની નાડ પકડી. સારંગધરનો પ્રાણ ઊડી ગયો હતો. સારંગધરને પથારીમાં સુવાડી ડૉક્ટરે હૃદય તપાસ્યું; હૃદય ધડકતું ન હતું. એટલું જ નહિ, ડૉકટરને લાગ્યું કે પાંચેક મિનિટથી તેમનું હૃદય બંધ પડી ગયેલું હોવું જોઈએ.

હૃદય બંધ પડ્યા છતાં તેમનો દેહ વાદ્ય વગાડી શક્યો અને સંગીતની થતી અસર અનુભવી શક્યો એ કેમ બને? ડૉકટરને પણ એ ચમત્કારની સમજ ન પડી.

માત્ર બૈજનાથ સમજ્યો. સારંગધર સામાન્ય માનવી ન હતો. એ સંગીતયોગી–સૂરયોગી હતો.

એણે સંગીતસમાધિ લીધી હતી. મૃત્યુને પણ થોડી ક્ષણ રોકી એણે મહાસંગીતની પરાકાષ્ટા અનુભવી. જેને માટે એ ઝંખતો હતો તે સંપૂર્ણ-સૌદર્યસંપન્ન સંગીત મળતાં એણે મૃત્યુને પણ ક્ષણો સુધી થોભાવ્યું.

બૈજનાથે એ જ સ્થળે ગુરુને નામે એક સંગીત મહાવિદ્યાલય સ્થાપ્યું.