લખાણ પર જાઓ

રસબિંદુ/હવા ખાવાનું સ્થળ

વિકિસ્રોતમાંથી
← ગાડીવાન રસબિંદુ
હવા ખાવાનું સ્થળ
રમણલાલ દેસાઈ
૧૯૫૭
એક જુલ્મકથા →



હવા ખાવાનું સ્થળ


ઉનાળામાં હું હવા ખાવાના સ્થળ ઉપર હતો મારા. એક ધનિક મિત્ર છે; તેમનું વજન લગભગ બસો રતલ હતું, તે ઘટીને ૧૯૦ રતલ થયું હતું. ધનિક કુટુંબો અઠવાડિયે અઠવાડિયે પોતાનાં વજન લેવરાવે છે. મારા મિત્રનું એક માસમાં દસ રતલ વજન ઘટવાથી તેમને અને તેમના કુટુંબીઓને ભારે ચિંતા થઈ. નિષ્ણાત ડૉક્ટરોની એક મહાસભા ભેગી મળી અને વજન વધારવાના ઇલાજ તરીકે તેમણે સારું લવાજમ લઈ દવા લખી આપી કે મારા મિત્રે એકબે માસ હવા ખાવાના સ્થળે જવું.

હું મારે ખર્ચે હવા ખાવાના સ્થળ ઉપર જવાની આર્થિક શક્તિ ધરાવતો નથી. એટલે મારા મિત્રે પોતાની કાર મોકલી, ઘેર બોલાવી જ્યારે મને પૂછયું : ‘તું હવા ખાવા જઈ શકે એમ છે?’ ત્યારે મને ખૂબ નવાઈ લાગી અને મેં સ્પષ્ટ જણાવી દીધું કે ‘ભાઈ! આ જન્મે ભાગ્યે હું હવા ખાવા જઈ શકીશ.’

તેમણે કહ્યું: ‘તારે મારી સાથે આવવાનું છે. રજાની ગોઠવણ કરી લે. તારે ખર્ચ થશે નહિ અને તારી તબિયત સારી થશે.’

તે વખતે મેં જાણ્યું કે મારા મિત્રનું વજન ઘટે છે અને તેને સારી હવા તથા આસાએશની જરૂર છે.

ધનિકોને નિર્ધનો સાથે ભાગ્યે જ મૈત્રી હોઈ શકે છે. પરંતુ મારી અને મારા મિત્રની મૈત્રી અમે બંને નિર્ધન હતા ત્યારથી શરૂ થઈ હતી. એક પ્રસંગે નાની સરખી રકમ તેમને મેં આપેલી. તેમાંથી તેમની સફળતાનાં બીજ રોપાયાં એમ તેમના મનમાં ખરી કે ખોટી રીત ઠસી ગયેલું હોવાથી તેઓ મારી સાથેની મૈત્રી નભાવી રહેલા હતા. એને જોકે હું નાનીસૂની નોકરીમાં પડ્યો હતો અને મારા મિત્ર અનેક ધંધાઓમાં ઊથલપાથલ કરી આગેવાન વેપારી બની ગયા હતા, છતાં જ્યારે જ્યારે તેમને ફુરસદ મળતી ત્યારે ત્યારે તેઓ મને બોલાવતા. એકાદ ટંક જમાડતા અને નવી જૂની વાતો કરી પોતે ક્યાં ક્યાં કેવી જાતની હોિશયારી અને ચાલાકી વાપરી ધન મેળવી રહ્યા હતા, તેનું મને ન સમજાય તેવું બ્યાન પણ કરતા હતા.

મેં રજા લીધી અને આકર્ષક મુસાફરી પછી અમે એક શીતળ ઊંચી પર્વતટેકરી પર પહોંચી ગયા. સુંદર બંગલામાં અમારો નિવાસ હતો. બંગલાની બાજુમાં એક ખેતર હતું અને ખેતરની ઝૂંપડીમાં આઠદસ માણસો રહેતાં હતાં. એ સઘળાં ખેતી કરતાં હોય એમ લાગતું હતું. સવારના ચારપાંચ વાગ્યાથી તે સાંજના સાત વાગતાં સુધી ખેતરમાં સતત કોસ ફરતો રહેતો હતો, અને બે બળદો પાસે કોસ ખેંચાવતા બેત્રણ પુરુષો કાંઈ ન સમજાય એવું એકતાનભર્યું ગીત ગાયા કરતા હતા.

હવા ખાવાનું સ્થળ શરૂઆતમાં ખૂબ ઉત્સાહ અર્પે છે. ગુજરાતી કુટુંબોની તબિયત સતત સારી હવા માગે છે; અને ધનિકોની તબિયત સારી હોવા છતાં તેને વધારે સારી બનાવવા તેઓ હવા ખાવાના સ્થળ ઉપર ઉનાળામાં સતત ઘેરો ઘાલ્યા કરે છે. એટલે આ ટેકરી ઉપર વસતિ પણ ખૂબ હતી. અને આવે સ્થળે સાધારણ ઓળખાણ પણ મૈત્રીનું સ્વરૂપ ધારણ કરી લે છે. મને એવા બેત્રણ મિત્રો પણ મળી ગયા.

મારા ધનિક મિત્રને તે ડૉકટરની આજ્ઞા પાળવાની હતી. ૧૯૦ રતલનું શરીર લઈ ફરવું એ સહજ મુશ્કેલ તો ખરું, અને ડૉક્ટરોએ "ચલાય એટલું ચાલવું” એ આજ્ઞા આપી દીધેલી હોવાથી તેઓ વધારેમાં વધારે દસ મિનિટ જેટલું ચાલવા ઉપરાંત વધારે પરિશ્રમ બંગલાના બગીચામાં જ સમાપ્ત થતો. એ મિત્રને સંભાળવાની અને તેને આનંદમાં રાખવાની મારી ફરજ કાળજીપૂર્વક હું અદા કરતો હતો.તે છતાં ઘણો સમય એમનો એમ ૫સાર થતો. એટલે ત્યાં નવા બનેલા મારા મિત્રોએ મને ચેતવણી આપી કે ‘જો અહીં લાંબે ચાલશો નહિ તો તમારી તબિયત સારી રહેશે નહિ.’

ચાલવાની મને જીવનભરની ટેવ હતી. મને ખબર નહિ કે તબિચત સુધારવા સારી હવાવાળા સ્થળે જઈને પણ પાછું લાંબે ચાલવાનું નિત્યકૃત્ય અહીં પણ કરવું પડશે. છતાં તબિયત બગાડવી મને જરાય પસાય એમ ન હોવાથી મારા નવા મિત્રોને મેં વિનંતી કરી કે તેઓ જ્યારે જ્યારે બહાર નીકળે ત્યારે ત્યારે તેમણે મને સાથે રાખવો.

વિનંતીને પરિણામે મારા ઓળખીતાઓએ મારો જીવ લેવાનો જ માત્ર બાકી રાખ્યો. મારા બીમાર મિત્રની સાથે સવારમાં ચા-નાસ્તો મેં પૂરો કર્યો ન હોય એટલામાં નવા મિત્રો મને ફરવા લઈ જવા માટે હાજર થઈ જ ગયા હોય. બપોરે જમી રહ્યો ન હોઉં, એટલામાં ‘ચાલો ફરવા’ એવી આજ્ઞા કરતો એકાદ ઓળખીતો તો આવે જ આવે. તેનું નિવારણ કરી રહ્યો ન હાઉં, એટલામાં ત્રણ સાડાત્રણ વાગ્યાની ચા આવે અને એ ચા સાથે જ તંદુરસ્તીનો ભંડાર ભરવા માટે આવેલા ઓળખીતાઓનું ટોળું ‘તમે બહુ આળસુ; નીકળો બહાર !’ એમ કહેતું કંપાઉન્ડમાં બેઠું જ હોય. શરમને ખાતર, તબિયત બગડવાની બીકથી, તેમ જ હવા ખાવાના સ્થળ ઉપર ચાલ્યા જ કરવું પડે એવા પ્રકારની રૂઢિનો ભંગ કરવાની હિંમત ન હોવાથી, મારે ઓળખીતાઓની સાથે ચાલવું જ પડતું. અને ચાલવાનું તે કેટલું ? એક માઈલ નહિ, બે માઈલ નહિ , ચાર માઈલ નહિ, પરંતુ દસદસ, બારબાર માઈલ, ધાર્મિક શ્રધ્ધાપૂર્વક ઠરેલા રસ્તાઓ ઉપર ફર્યે જ જવાનું ! મને લાગ્યું કે આટલું શહેરમાં ફરવાનું રાખ્યું હોય તો જરૂર કોઈ પણ માંદા માણસની તબિચત શહેરમાં પણ સારી થવી જ જોઈએ. હવા ખાવાના સ્થળ ઉપર તબિયત સુધારવાનું રહસ્ય સ્થળની હવામાં નહિ પરંતુ ચાલ્યા જ કરવાની રૂઢિમાં રહેલું લાગે છે !

મારા મિત્ર ફરવાની ઘેલછામાં માનતા ન હોવાથી બંગલાના કંપાઉન્ડમાં જ ચલાય એટલું ચાલી, આખો પર્વત ઘૂમી વળ્યાનો સંતોષ મેળવતા. અલબત્ત, મારી અને મારા મિત્રની તબિયત અમારા બન્નેના વ્યક્તિગત પ્રયોગોથી ખરેખર સારી થઈ.

એક સંધ્યાકાળે એક સુંદર દૃશ્ય ખડું કરતા ‘પોઈન્ટ’ની મુલાકાત લઈ હું બંગલે આવ્યો. સૃષ્ટિસૌંદર્યની અદ્દભુત છાપ મારા મન ઉપર પડી હતી. ડુંગરોની નીચી ઊતરતી જતી ભૂરી ટેકરીઓની પાછળ સંતાતા સૂર્યે જે સોનેરી રંગ ક્ષિતિજ ઉપર છાંટ્યો હતો. એ દૃશ્ય હું કદી વિસારી શકું એમ નથી. મારા ઓળખીતામાંના એકે સટ્ટાની વાત કરી–આકાશ ખરેખર સોનું બની જાય એવી ઈચ્છા વ્યક્ત કરી મારા સૌંદર્યદર્શનને અપવિત્ર બનાવ્યું હતું અને તેથી એ સૌંદર્યદર્શનનો વિચાર આવતાં એ સટોડિયા ઓળખીતાની કલુષિત કલ્પના મનને ઉદ્વિગ્ન બનાવતી હતી. આમ ભવ્ય અને તુચ્છ ચીલાઓની વચ્ચે દોડી રહેલા મારા મનને સંયમમાં રાખી મંથન કરતો હું બંગલામાં આવ્યો અને મેં સંધ્યાકાળે પડોશમાં આવેલા ગેરુરંંગ્યા સુવર્ણસરખા ખેતરમાં બૂમાબૂમ થતી સાંભળી ! વૃદ્ધો વૃદ્ધાઓ, યુવકો યુવતીઓ તથા બાળકો અને બાલિકાઓ ટોળે થયાં હતાં. એ ટોળામાંથી ભૂંડી ગાળો આવતી સમજાતી હતી અને એના ઘોંઘાટ વચ્ચે બેચાર લાકડીના ફટકા પણ સંભળાયા. બંગલાની નજીક નાની સરખી ઝૂંપડી બાંધી રહેતો એક ફકીર–જે સાથે સાથે હકીમી પણ કરતો હતો અને ધૂપ તથા મોરપિચ્છની મદદથી વળગાડ કાઢવાનો અર્ધગુપ્ત ધંધો પણ કરતો હતો–તે ટોળામાં પહોંચી ગયો.

હું તથા મારા મિત્ર એક સાચા અને સારા ગુજરાતી ગૃહસ્થો તરીકે બંગલામાં જ બેસી રહ્યા. ઝગડો કરતાં ગુજરાતીઓએ શરમાવું જ જોઈએ, અને અજાણ્યા ઝઘડાથી જેમ બને તેમ દૂર ચાલ્યા જવું જોઈએ. એ પેઢી દર પેઢી ચાલતી આવેલી ગરવી કે ગરીબ ગુર્જર ભાવનાને અમે ચીવટાઈથી વળગી રહ્યા–જો કે એ ખેતરમાં આવેલા ઝૂંપડામાં રહેતી એક વૃદ્ધ બાઈ અમારું કામકાજ કરતી હતી. એટલે તે છેક અજાણી તો ન જ કહેવાય.

થોડી વારે ઝધડો પતી ગયો. હકીમને હાકોટો ઝઘડો બંધ થવામાં ખૂબ કામ લાગ્યો હશે, એમ વિચારી મુસ્લિમ ઉગ્રતા ઉ૫૨ અમે અમારું ગુજરાતી હાસ્ય હસ્યા. મારા મિત્રે પૂછ્યું : ‘પેલો હકીમ શા માટે વચ્ચે પડ્યો હશે ?’

મેં જવાબ આપ્યો : ‘મિયાંભાઈ ખરા ને !’

અડધા કલાકે કામ કરનારી બાઈ આવી; તેને કપાળે રૂ લગાળેલું હતું, એટલે મને લાગ્યું કે મારામારીમાં એને પણ વાગ્યું હશે.

મેં પૂછ્યું : ‘બાઈ ! શાનો ઝઘડો કરતાં હતાં ?’

તેણે દુ:ખભર્યું હાસ્ય કરી મને કહ્યું : ‘કાંઈ નહિ સાહેબ! એ તો સહજ.’

‘શાનું સહજ ? તમારા માથામાંથી તો લેાહી નીકળે છે!’

તેણે સ્વાભાવિક રીતે પોતાનો હાથ ઘા ઉપર લગાડ્યો, અને કહ્યું : ‘સારું થયું કે પેલા સાંઈ વચ્ચે પડ્યા, નહિ તો આજ કાંઈનું કાંઈ થઈ જાત.’

‘કાંઈનું કાંઈ એટલે ?’ મેં પૂછ્યું.

‘મારામારીમાંથી ખૂન પણ થઈ જાય. તે વખતે ઓછું કોઈને ભાન રહે છે !’ બાઈએ કહ્યું.

‘પરંતુ ઝગડો શાનો હતો ?’ મેં પૂછ્યું.

‘ઝઘડો પૈસાનો. બીજો શાનો હોય ?’

‘કેટલા રૂપિયા માટે આ મારામારી થઈ ?’

‘ચાર રૂપિયાનો સવાલ હતો. બાર રૂપિયામાંથી આઠ તો આજે આપ્યા, અને પાંચ દિવસ પછી બાકીના આપીશ એમ કહ્યું. પરંતુ એને તો આજ જોઈતા હતા.’

‘માગનાર કોઈ પઠાણ હતો શું ?’ મેં પૂછ્યું.

‘ના રે ના ! માગનાર તો મારી બહેન હતી.’ હું ચમક્યો. બહેનો વચ્ચેના લેણદેણના વ્યવહારમાં શું આવા ઝધડા થઈ શકતા હશે ? સુંદર ખેતર, સુંદર પર્વત, સુંદર હવા અને સુંદર સૃષ્ટિમાં વસતી બહેનો આવું કંગાલ માનસ ધરાવતી હશે એ કેમ સંભવે ?

‘બહેન થઈને તમને મારે ?’ મેં પૂછ્યું.

‘શું કરીએ ? દેવું હોય એટલે દાસ થઈને રહેવું પડે... અને એનો યે શો વાંક કાઢવો ? છ છ મહિના થઈ ગયા; અમારાથી એને પૈસા અપાયા નહિ; એના વરને વ્યાજ ભરવું પડે ! મારે નહિ તો બીજું શું કરે ?’

બાર રૂપિયાનું દેવું ! આઠ તો તેમાંથી પાછા વાળ્યા! ચારને માટે બહેનો વચ્ચે ગાળાગાળી અને મારામારી ? અને તે આવા સૌન્દર્ય અને આરોગ્યભર્યા સ્થાનમાં ?

‘અરે, એ ચાર રૂપિયા અમારી પાસેથી લઈ જવા હતા ને ?’ મેં કહ્યું.

‘હજી મહિનો થયો નથી અને શાના અપાય !’ મારા મિત્રે વ્યવહારદર્શન કરાવ્યું. અમારું કામ કરતી, વૃદ્ધાવસ્થાને કિનારે આવેલી બાઈનું ખૂન થાય તો હરકત નહિ; પરંતુ એક માસ સુધી પૂરી નોકરી ન થાય તો ધનિકો કયા નિયમથી, કયા સિદ્ધાંતને આધારે કઈ અર્થશાસ્ત્રની સંભાવવાને આશ્રયે વહેલા રૂપિયા આપી શકે? સામાન્ય જીવનના અને ધનિક જીવનના અર્થશાસ્ત્રમાં ફેર હોય છે.

‘એની હરકત નથી. આવતી કાલ પેલા સાંઈ પાસેથી ચાર રૂપિયા લઈ લઈશ.’ બાઈએ કહ્યું.

‘સાંઈ આપશે ખરો?’ મેં પૂછ્યું.

‘શા માટે નહિ? એને વ્યાજ આપીશું. એની ઝૂંપડીવાળી જગા એના માગતા પેટે જ આપી છે.’

‘એમ?’ મને આશ્ચર્ય થયું. પર્વત ઉપરની મોંઘી જમીન આ બાઈએ કોણ જાણે કેટલાયે રૂપિયામાં આપી દીધી હશે ! એમાં મુદ્દલ કેટલું અને વ્યાજ કેટલું? કદાચ વ્યાજની જ રકમ મુદ્દલ કરતાં વધી ગઈ હશે.

‘આવા મોંધી જમીન ? તમે કેટલે આપી દીધી ?’ મેં પૂછ્યું

‘એ તો કાંઈ યાદ નથી. પણ એવી તો કેટલી ય જમીન અમે આપી દીધી છે. તમે રહો છો એ બંગલાવાળી જમીન પણ મારી જ હતી !’ બાઈએ કહ્યું અને હું ચમક્યો. અમે વાપરતા હતા એ વિશાળ બાગ અને બંગલાવાળી જમીનની માલિક બાઈ આજે ચાર રૂપિયા માટે લોહી રેડતી હતી !

‘જમીનના તો બહુ પૈસા મળ્યા હશે.’ મેં પૂછ્યું.

‘હા, સાહેબ.’

‘તે બધા ક્યાં નાખ્યા?’

‘થોડું દેવું હતું, બે દીકરીઓ પરણાવી; સાસુસસરા જીવતાં હતાં તેમને જાત્રાએ મોકલ્યાં; અને બાકીના છોકરાએ દુકાન કાઢી તેની ખોટમાં નાખ્યા.’

મેં આગળ કશી વાતચીત કરી નહિ. મળેલા પૈસામાંથી પોતાની જાત ઉપર એક પણ રૂપિયો ન ખર્ચનાર આ પરોપકારી ખેડૂત સ્ત્રીને પગે લાગવું કે તેની બેવકૂફી માટે તેને વાગ્યા ઉપરાંત ધોલ મારવી તેની સમજ મને પડી નહિ.

થોડી વારે મારા મિત્રે કહ્યું :‘જોયું ને? પેલા સમાજવાદીઓ મજુરોને વધારે પૈસા આપવાનું કહે છે તે ! આ બાઈએ મળેલા પૈસા વેડફી નાખ્યા ! એમના હાથમાં પૈસા રખાય જ નહિ.’

મારા હાથમાં પણ પૈસા ન હતા. પૈસા થાય એવો સંભવ પણ ન હતો. એટલે મેં મિત્રની દલીલ સ્વીકારી લીધી. વળી હું તેમને ખર્ચેે અહીં આવ્યો હતો, અને ઘેર પહોંચતા સુધી તેમના પૈસાની મારે જરૂર હતી, એટલે તેમના સિદ્ધાંતને મેં ટેકો આપ્યો.

મારા મિત્રનું ખૂટતું વજન આ સ્થળમાંથી એમણે ખેંચી લીધું, એટલું જ નહિ પણ એક સારા ધંધાદારી તરીકે બીજું વધારાનું દસ રતલ વજન સંગ્રહી અમે પાછા ફર્યા. આખું વર્ષ અમે અમારા કામકાજમાં ગાળ્યું. વચ્ચે વચ્ચે અમે મળતા ત્યારે હવા ખાવાના સ્થળ સંબંધી વાતો કરી અમારા સ્મરણ તાજાં કરતા હતા.

બીજે વર્ષે પણ મારા મિત્રે મને હવા ખાવાના સ્થળે જવા નિમંત્રણ આપ્યું. મેં કહ્યું : ‘તમારું વજન ઘટ્યું લાગતું નથી.’

‘ડૉકટરો કહે છે કે વર્ષોવર્ષ નહિ જાઓ તો વજન ઘટી જશે.’ મિત્રે જવાબ આપ્યો.

વજનપૂજાનું મહત્વ આટલું બધું હશે એની મને ખબર નહિ. પરંતુ મારે એ વજન વધારવું જરૂરી ન હતું. મેં કહ્યું : પણ મારાથી કેમ છૂટા થવાય ? હું નોકરિયાત માણસ રહ્યો.’

‘અરે, એમાં શું ? તબિયતને માટે બધું કરવું પડે. આ તો તારું યે શરીર સારું થાય અને મને સાથ મળે.’

ધનિકોની પરોપકારી વૃત્તિ માટે મને માન વધી ગયું. મારી તબિયત સુધારવા માટે એ ધનિક મિત્રની કેટલી બધી કાળજી ? ઉપરીઓના છણકા, કડવાં મોં, મારી આગળ વધવાની લાયકી વિષે પ્રત્યક્ષપરોક્ષ ટીકાઓ જોઈ–સાંભળીને પણ મેં રજા મેળવી અને હું મારા મિત્રની સાથે પાછો હવા ખાવાના સ્થળે પહોંચી ગયો. મારી નોકરી છોડાવી મને સ્વતંત્ર ધંધે લગાડવાની મારા ધનિક મિત્રની ઇંતેજારી લાંબા વખતથી ચાલતી હતી એ મારે સાભાર કબૂલ કરવું જોઈએ. પરંતુ મિત્રોના આભાર નીચે ન આવવાની મારી પ્રતિજ્ઞા મને નિર્ધન અને નોકરિયાત રાખ્યા કરતી હતી.

એના એ જ બંગલામાં અમે રહ્યા અને એને એ જ ક્રમ અમે શરૂ કરી દીધો. સાંઈની ઝૂંપડીને સ્થાને એક પાકું મકાન થયેલું જોયેલું એટલો જ માત્ર ફેરફાર મેં પ્રથમ દર્શને નિહાળ્યો. પરંતુ એક બીજો ફેરફાર થોડે દિવસે મારા ધ્યાનમાં આવ્યો. પેલી જૂની કામ કરનાર બાઈ આ વખતે દેખાતી ન હતી, અને પાસેના ખેતરમાં કોસફેરણી સાથે ગવાતાં ગીતો સંભળાતાં નહોતાં ! એ કાંઈ મહત્ત્વનો બનાવ ન કહેવાય. નોકરો આવે અને જાય છતાં કોણ જાણે કેમ, જો જૂની નોકરડીની ગેરહાજરી મને દિવસે દિવસે વધારે પડતી લાગવા માંડી.

‘હમણાં કાંઈ પેલા કોસ ફેરવનાર સંભળાતા નથી.’ મેં ચા પીતાં પીતાં મારા મિત્રને કહ્યું.

‘ના.’ માખણ ભરેલી બ્રેડ ખાતાં ખાતાં મિત્રે સંમતિ દર્શાવી.

‘પેલી બાઈ યાદ છે?’

‘કઈ ?’

‘ચાર રૂપિયા માટે લોહીલોહાણ થઈ હતી...’

‘નોકરડી ?’

‘હા.’ મને નોકર અને નોકરડી શબ્દ ગમતા નહિ, કારણ હું પોતે પણ નોકર હતો.પરંતુ ધનિકો કાઈના નોકર ન હોવાથી તેમને એ શબ્દોના વપરાશમાં સંકોચનું જરા ય કારણ ન હતું.

‘એ તો અહીંથી ચાલી ગઈ !’

‘તું જાણતો નથી ?’

‘ના ભાઈ! શું થયું એને, જે આ ખેતર મૂકી ચાલી ગઈ?’

‘થયું કાંઈ નથી; મેં એની જમીન વેચાતી લઈ લીધી. પૈસાની એને તંગી હતી. આપણે વર્ષોવર્ષ હવે અહીં આવવાનું, એટલે બંગલો તો આપણે આપણો જોઈએ ને? આવતી સાલ પહેલાં એ જમીનમાં બંગલો ચણાવી દઈશું.’

કાંઈ પણ કારણ ન હતું છતાં મારા હૃદયમાં એક ન રુઝાય એવો ચીરો પડ્યો.

‘કેમ બોલ્યો નહિ?’ મારા મિત્રે પૂછ્યું.

‘સારી વાત છે. તમારી મિલકત થાય અને હવા ખાવા માટે આવી શકાય, એના કરતાં બીજું રૂડું શું ?’

‘બે બંગલા કરીશું; એક ભાડે આપીશું અને બીજો આપણે માટે રહેશે.’

‘બહુ સરસ યોજના!’

‘તારે નોકરી મૂકવી હોય તો કોન્ટ્રાકટ અપાવું. એમાં કમાણી છે...’ ‘આપણને ધંધામાં સમજ ન જ પડે ને ! આપણે તો નોકરી જ સારી.’ મેં જવાબ આપ્યો.

‘હં!’ મારા મિત્ર તિરસ્કારપૂર્વક હસ્યા. એ હાસ્યમાં જ તેમનું એક રતલ વજન વધી ગયું હોવું જોઈએ.

રાત પડી અને હું બારીએ ઊભો રહી ખેતી વગરના ખેતર ભણી જોઈ રહ્યો હતો. પેલી નોકરડીનો પડછાયો મેં નિહાળ્યો શું ? મને લાગ્યું કે એ બાઈ ત્યાં પાછી ઝૂંપડી બાંધતી હતી અને તેના પુત્રો કોસ હાંકતા ગાતા હતા!

ભૂત હશે? પ્રેત હશે?

જમીનને છોડી જનારનાં હૃદય જો આકાર ધરી શકતાં હોય તો જરૂર આ છોડેલી જમીન ઉપર એ આવ્યા વગર રહે નહિ !

ભ્રમણામાં ન પડવા ખાતર મેં એ બાજુએ જોવું બંધ કર્યું. તો ય સવારમાં તે બાજુએ નજર પડી ગઈ.

ખેડૂત બાઈની જમીન એના સરખી જ ભૂખી, લૂખી, સૂકી -લોહીલુહાણ લાગતી હતી!

ધનિકો હવા ખાવાના સ્થળે આવી હવા ભલે ખાય; પરંતુ તેઓ ગરીબોની જમીન પણ ખાઈ જતા હશે એની કોને ખબર પડે ?

ત્રીજે વર્ષે મારા મિત્રનો બંગલો બંધાયો અને વાસ્તુ માટે મને આમન્ત્રણ મળ્યું;

મારા ઉપરીએ મને રજા આપી.

હવા ખાવાનું સ્થળ ખરેખર સરસ હતું. મારા ધનિક મિત્રનો બંગલો કેટલો સુંદર બન્યો હતો ! મેં તેને મુબારકબાદી આપી.

માત્ર પેલી નોકરડીનો પડછાયો એ બંગલાના પાયામાં પુરાયેલો મને દેખાયા કરતાો હતો. કલ્પનામાં જ ! ભ્રમણા ! અને તે મારી ગરીબીની જ ભ્રમણા.

પરંતુ કોણ જાણે કેમ, મારા ઉપરીએ રજા રદ્દ કરી મને તત્કાળ કામ ઉપર પાછો બોલાવ્યો.

મને પાછા ફરવામાં કેમ આનંદ થયો ?

હવા ખાવાનું સ્થળ ઘણું જ સુંદર અને આરોગ્યભર્યું હતું !

પણ ત્યાં હું ફરી આજ સુધી ગયો નથી – મિત્રનો આગ્રહ ચાલુ છે છતાં.