રસિકવલ્લભ/પદ-૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પદ-૩૧ રસિકવલ્લભ
પદ-૩૨
દયારામ
પદ-૩૩ →


પદ ૩૨ મું

વળી સમજાવું દેઇ દૃષ્ટાંતજી, તારા મનની ટળવા ભ્રાંતજી;
જ્યમ કચ્છપ છે કર પદ મુખજી, તમે સજાતિ કહે સુખજી.
કોઈ વિજાતિ આવે જ્યારેજી, વર્તુલરૂપ થઈ જાય ત્યારેજી;
અંગ સકળ છે પણ સંતાડેજી, શૂન્ય સરીખી પિઠ્ય દેખાડેજી.

ઢાળ

દેખાય શૂન્ય સરીખડું, વપુ વિજાતીથી જ્યમ;
ત્યમ શૂન્યવાદી શૂન્ય સરખા, માને દેખે બ્રહ્મ.
જે જેહવા જાણીને ભજે, હરિ તેહને તેવા થાય;
શ્રી મુખે શ્રીગીતાજીમાં એમ કહ્યું વૈકુંઠરાય.
જ્યમ સૂર્યમંડળ જોઇ, જગ સહુ કહે ગોળાકાર,
છે દૂરના જોનાર દેખે, નહીં રૂપ લગાર.
પણ અરૂણાદિક અરિલોકે અંતર, રૂપ રહે રવિપાસ;
એમ મંડળ અક્ષર તેજોમય માંહે, સૂર્ય તમ અવિનાશ.
છે ધામી નટવર પુરુષોત્તમ કૂટાસ્થ અક્ષર ધામ;
તેની પ્રતીતિ થવા પ્રતિનિધિ પ્રકટ શાલિગ્રામ.

તે મધ્યથી રાધારમણ નિકળ્યા વૃંદામન;
જન દયા પ્રીતમ અદ્યાપિ સહ શિલા દે દરશન.