રાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૨ જો

વિકિસ્રોતમાંથી
←  અંક ચોથો: પ્રવેશ ૧ રાઈનો પર્વત
અંક ચોથો: પ્રવેશ ૨
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક ચોથો: પ્રવેશ ૩ →


પ્રવેશ ૨ જો
સ્થળ : કનકપુરનો રાજમાર્ગ.
[રાઈ અને શીતલસિંહ પ્રવેશ કરે છે.]
 
રાઈ : શીતલસિંહ આપણે ક્યાં જઈએ છીએ ?
શીતલસિંહ : પ્રભાપુંજ મહેલમાં.
રાઈ : મહેલ કરતાં નગરમાં મને વધારે આનંદ થાય છે.
શીતલસિંહ : નગરના મુખ્ય મુખ્યભાગ આપે જોયા છે તે બસ છે, પણ મહેલના તો એકએક ખૂણાની આપને માહિતી મળવી જોઈયે.
રાઈ : મહેલમાં મારે શું જોવાનું બાકી છે ?
શીતલસિંહ : રાણીનો આવાસ.
રાઈ : રાણીનો ? કઈ રાણીનો?


શીતલસિંહ : લીલાવતીનો.
રાઈ : તેનો આવાસ જોવાની મારે શી જરૂર છે ?
શીતલસિંહ : આપ પર્વતરાય થશો અને પર્વતરાયની રાણીને નહિ ઓળખો?
રાઈ : શીતલસિંહ ! તમારાં વચન કંઈ મર્મવાળા લાગે છે. (અટકીને) મને કંઈ અમંગલ શંકાઓ જેવું થાય છે. તમને તેવું થાય છે?
શીતલસિંહ : મને તો એવું કાંઈ થતું નથી.
રાઈ : (પૂર્વ આકાશ તરફ જોઈને) પણે ચન્દ્ર હજી ઊગે છે તેટલામાં તેના તરફ કેવું વિકરાળ વાદળું ધસી આવે છે?

[ઈંદ્રવંશા]

કદ્રપિ કાળી અતિઘોર આકૃતિ,
બે શૃંગ ઉંચા, શિર નાનું કૂબડું;
બે હાથ વાંકા, પગ સ્થૂલ ટૂંકડા,
ગાંઠો ભરેલું સહુ અંગ એહનું. ૪૫

શીતલસિંહ : એ માત્ર આપની કલ્પના છે. વાદળા જેવું વાદળું છે. જુઓ, આપણે મહેલને પાછલે બારણે આવી પહોંચ્યા.
રાઈ : શીતલસિંહ ! મારો હાથ ઝાલો. મારા પગ ધ્રૂજે છે ?
શીતલસિંહ : આ શું ? મહેલમાં તો આપણે ઘણી વાર જઈ આવ્યા છીએ. આપની હિંમત ભરેલી બેદરકારી ક્યાં ગઈ ?
રાઈ : ગઈ રાતે મને ઊંઘ આવી નથી. તેથી મારું માથું ઘૂમે છે એ મારી અવસ્થાનું કારણ છે. રાણીનો આવાસ આપણે શી રીતે જોઈશું.
શીતલસિંહ : આવાસના શયન ગૃહમાં નજર પડે એવી રીતે ભીંતની ઊંચે છત પાસે પર્વતરાય મહારાજે એક નાની બારી મુકાવેલી છે. રાણીને તેની ખબર નથી. બારી બંધ હોય
છે ત્યારે ભીંત ઉપરના ચિત્રકામમાં તેના દ્વાર ભળી જાય છે. અને બારી આગળ મોટું ઝુમ્મર ટાંગેલું છે, તેથી બારી ઉઘાડી હોય છે ત્યારે પણ આવાસમાં ફરતાં માણસોથી તે દેખાતી નથી. તે બારીએ જઈ આપણે બેસીશું.
રાઈ : પર્વતરાયે એ બારી શા માટે મુકાવેલી ?
શીતલસિંહ : રાણી એકાંતમાં શું કરે છે તેની ગુપ્ત દેખરેખ રાખવા.
રાઈ : પર્વતરાયને રાણીનો અણભરોંસો હતો ?
શીતલસિંહ : ઘરડા વરને જુવાન વહુનો અણભરોંસો હોય જ.
રાઈ : એવી પ્રેમ વિનાની લજ્ઞગાંઠ પર્વતરાયે બાંધી શું કામ?
શીતલસિંહ : પાળેલું પંખી ઊડી ન જાય માટે આપણે તેને પાંજરામાં પૂરી રાખીએ છીએ, તેથી શું આપણને તેના પર પ્રેમ નથી હોતો?
રાઈ : (સ્વગત) ઓ પ્રેમ ! શી તારી નાલેશી !
શીતલસિંહ : ચાલો, હવે મહેલની અંદર જઈએ. પહેલાંની પેઠે આ મારું પોટલું લઈ આપ મારા નોકર તરીકે ચાલ્યા આવજો.

[બન્ને જાય છે.]