લખાણ પર જાઓ

રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો/ચંદનબાળા (વસુમતી)

વિકિસ્રોતમાંથી
← ધારિણી (પદ્માવતી) રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
ચંદનબાળા (વસુમતી)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
મદનરેખા →


३–चंदनबाला (वसुमती)

ગલા ચરિત્રમાં જે ધારિણીદેવીનો પરિચય અમે આપી ગયા છીએ, તેજ સતીના ગર્ભમાં તેનો જન્મ થયો હતો. એનું બાલ્યાથસ્થાનું નામ વસુમતી હતું.

શતાનિક રાજાની સાથેના યુદ્ધમાં વસુમતીનો પિતા નાસી ગયો. તેનું કુટુંબ શત્રુના એક સુભટના હાથમાં આવ્યું અને ધારિણીએ પોતાનું શિયળ સાચવવા ખાતર પ્રાણ તજ્યો એ આપણે આગલા ચરિત્રમાં જોઈ ગયા છીએ.

માતાના મૃત્યુથી વસુમતીને ઘણોજ શોક થયો અને તે હૃદયવિદારક વિલાપ કરવા લાગી. એના વિલાપથી પેલા સુભટને પણ દયા આવી. તેના મનમાંથી કામવિકાર જતો રહ્યો અને તેણે વસુમતીને પોતાની બહેન સમાન ગણીને ઘેર રાખવાનું વચન આપ્યું.

સુભટ તો તેને શુદ્ધ દાનતથી પોતાને ઘેર લઈ ગયો હતો, પણ એની પત્નીને શંકા થઈ કે આ સ્વરૂપવતી સ્ત્રીને મારો પતિ ઉપપત્ની તરીકે જ લાવ્યો છે. પોતાના ઉપર શોક્યનું સાલ આવ્યું એ એનાથી સહન થઈ શક્યું નહિ. એણે પતિને ઘણો ધમકાવ્યો અને નહિ માને તો રાજાને ખબર આપવાની બીક બતાવી. પોતાના ઉપર લંપટપણાનો નાહકમાં આરોપ આવશે, એ શંકાથી સુભટ વસુમતીને બજારમાં દાસી તરીકે વેચવા ગયો.

વસુમતી પરમ સ્વરૂપવતી હતી. એવી સૌંદર્યવતી યુવતીને ખરીદવા માટે ઘણા લોકો એકઠા થયા. એમાં અનેક વેશ્યાઓ પણ હતી. તેઓ વસુમતીને માટે ગમે તેટલું મૂલ્ય આપવા તૈયાર હતી. આખરે એક વેશ્યાએ સુભટને મોં માગ્યું મૂલ્ય આપીને વસુમતીને ખરીદી લીધી. વેશ્યાએ તેને પોતાની સાથે જવા કહ્યું ત્યારે રાજકન્યા વસુમતીએ પૂછ્યું: “બહેન ! તમે કોણ છો ?તમારૂં કુળ કેવું છે ? ન્યાતે કોણ છો ?” વેશ્યા વચમાંજ બોલી ઊઠી “તારે મારા કુળને જાણીને શું કરવું છે ? મેં તને ખરીદી લીધી છે. હવે હું તારી માલિક છું. અમારા કુળમાં ઉત્તમોત્તમ પટકુળ પહેરવાનાં મળશે, પાન ખાવાને મળશે, ભાત ભાતનાં સ્વાદિષ્ટ ભોજન આરોગવાને મળશે. અમારા જેવાં ભોજન તો રાજાના મહેલમાં પણ મળતાં નથી.” વસુમતીને હવે ખાતરી થઈ કે, આ તો પોતાના અને બીજી નારીઓના રૂપનોજ વેપાર કરનારી વેશ્યા છે. ગમે તે થાય તે પણ વેશ્યાની સાથે નહિ જવાનો એણે નિશ્ચય કર્યો. વેશ્યાએ તેના ઉપર જોરજુલમ કરવા માંડ્યો, ત્યારે વસુમતીએ એકાગ્રચિત્તે પ્રભુની પ્રાર્થના કરી અને તેની સહાયતા માગી. સત્ય હોય, શુદ્ધ એકાગ્રચિત્તે પ્રાર્થના થઈ હોય તો પ્રભુ જરૂર વહારે ધાય છે; જેતજોતામાં એક બાણ આવ્યું અને તેનાથી વેશ્યાનું નાક ઉડી ગયું. એની એ સ્થિતિ જોઈને બીજી વેશ્યાઓ પણ ડરી અને એ વેશ્યાને લઈ ત્યાંથી ચાલી ગઈ. સુભટ તેને બીજા બજારમાં લઈ ગયો, ત્યાં ધનાવહ શેઠે તેને દાસી તરીકે ખરીદવાની ઈચ્છા જણાવી. ધનાવહ શેઠને ત્યાં જે કામ કરવાનાં હતાં તે શુદ્ધ અને જૈનધર્મને અનુસરતાં હોવાથી વસુમતીએ તેને ઘેર જવાનું પસંદ કર્યું.

વસુમતી શેઠની સાથે ઘેર ગઈ. શેઠે તેને પોતાની પત્નીને સોંપીને કહ્યું કે, “આનું કાળજીપૂર્વક પાલન કરજે.” શેઠની પત્ની મૂળા વહેમી સ્વભાવની હતી. એને શંકા થઇ કે હું વૃદ્ધ થવા આવી છું અને આ સુંદરી પરમ યુવતી છે. તે દહાડે શેઠની દાનત બગડશે અને એ એની સાથે વરશે તો મારી બહુ દુર્દશા થશે.

એક દિવસ મૂળા બહાર ગઈ હતી. ચંદનબાળા શેઠને પિતારૂપ ગણીને તેમના પગ ધોઈ રહી હતી. ધોતાં ધોતાં એની વેણી ભોંય પર પડી, તે શેઠે પોતાના હાથમાં લીધી. એવામાં મૂળા શેઠાણી ત્યાં આવી પહોચ્યાં, એની શંકા દૃઢ થઈ. આ વસુમતીરૂપ સાલને ઊગતાંજ છેદવું એ એણે નિશ્ચય કર્યો.

બીજે દિવસે શેઠની ગેરહાજરીમાં મૂળાએ હજામને બોલાવી વસુમતીનું મસ્તક બોડાવી નાખ્યું અને પગમાં બેડી નાખીને તેને ભોંયરામાં પૂરી દીધી. શેઠે બહારથી આવીને પૂછ્યું કે, “ચંદનબાળા ક્યાં ગઈ ?” તે જણાવ્યું કે, “એ રમતિયાળ છોકરી છે. ગમે ત્યાં ચાલી ગઈ છે. હશે, ચાલો, એ ગઈ તો બલા ગઈ; નહિ તો એવી સ્વરૂપવતી છોકરીને આપણે ઘેર રાખ્યાથી કોઈ દિવસ કલંક લાગત.”

 શેઠને ચંદનબાળા ઉપર ઘણી પ્રીતિ હતી એટલે એણે કહ્યું કે, “ચંદનબાળા નહિ મળે ત્યાંસુધી હું ભોજન નહિ કરૂં.”

પેલી તરફ ભોંયરામાં પડી પડી વસુમતી પોતાના ભાગ્યનેજ દોષ દેતી હતી: “મારા પૂર્વજન્મનાં કર્મ ખરાબ હશે, નહિ તો આમ એક પછી એક દુઃખ કેમ પડે ! ખેર ! પ્રભુ જે કરે છે તે સારા માટે કરે છે. મને આવું એકાંત સ્થાન મળ્યું છે તો હું નિર્વિઘ્ને ધર્મસાધના કરીશ. મારા દૂષિત આત્માને પ્રભુના ચરણમાં સમર્પી શુદ્ધ બનીશ. એમ કરતાં કરતાં આ દેહનો અંત પણ આવશે તો આવતે જન્મ મારો ઉદ્ધાર થશે.”

આ પ્રમાણે વિચારીને તેણે ‘પંચપરમેષ્ઠી નમસ્કાર’ રૂપે નવકાર મંત્રનો જપ કરવાનો આરંભ કર્યો. એ ભોંયરામાં અને ત્રણ ઉપવાસ થયા. મહામંત્રના જપ તથા ઉપવાસથી એના પૂર્વજન્મના પાપકર્મનો ક્ષય થયો.

હવે પુણ્યનો ઉદય થતાંવાર બધા અનુકુળ સંયોગો ઉપસ્થિત થયા. શ્રીમહાવીર પ્રભુ ગુપ્તવેશે વિચરતા, વદિ પડવાને દિવસે કૌશામ્બી નગરીની બહાર પધાર્યા. ત્યાં એમણે એવો અભિગ્રહ કર્યો કે, “જો કોઈ સ્ત્રી ઉંબરા ઉપર બેઠી હોય, એક પગ ઘરની અંદર અને એક બહાર હાય, રાજપુત્રી હોવા છતાં પણ દાસીપણું પામી હોય, પગમાં બેડી હોય, મસ્તક મુંડાવેલું હોય અને રુદન કરતી હોય, એવી સ્ત્રી મને આઠમને દિવસે સૂપડાના ખૂણામાંથી અડદના બાકળા વહોરાવે તોજ મારે પારણું કરવું.”

પેલી તરફ ચંદનબાળાને નહિ દીઠાથી શેઠે ત્રણ દિવસ ઉપવાસ કર્યા, એટલે એક દાસીએ દયા આણીને તેને બધો વૃત્તાંત જણાવી દીધો. શેઠે ભોંયરૂં ઉઘડાવ્યું તો દેવી ચંદનબાળા એકાગ્રચિત્તે પ્રભુનું ધ્યાન ધરી રહી હતી. એનાં નેત્રમાંથી પ્રેમાશ્રુની ધારા વહી રહી હતી.

શેઠ તેને બહાર લાવ્યા અને શેઠાણી બારણે તાળાં વાસીને ગયેલાં હોવાથી તેને ઉંબરા ઉપર બેસાડી. દાસીને કાંઈ ભોજન આણવા આજ્ઞા કરી. દાસીની પાસે બીજો કાંઈ ખોરાક નહિ હોવાથી એ રાંધેલા અડદના બાકળા લઈ આવી. શેઠે સૂપડામાં નાખીને તેજ રાજકન્યાની આગળ ધર્યા.

પવિત્ર ચંદનબાળાએ વિચાર્યું કે, “આજ પર્વદિન છે. આટલા ઉપવાસ પછી મારે પારણાં કરવાનો પ્રસંગ આવ્યો છે તો કોઈ શદ્ધ ચિત્તના અતિથિને આ ભોજન આરોગાવીને પછી હું પારણું કરૂં તો ઠીક.” એના મનમાં એ સંકલ્પનો ઉદય થયો એવામાં જ શ્રીવીર પ્રભુ ત્યાં પહોંચ્યા. એમનાં દર્શનથી ચંદનબાળાનો હર્ષ માયો નહિ. તેણે તેમનો ઘણો આદરસત્કાર કર્યો અને ભોજન વહો૨વાને પ્રાર્થના કરી; પણ પોતે ધારી રાખેલા અભિગ્રહમાં એક રુદન બાકી રહેલું હોવાથી વીરપ્રભુ પાછા ફર્યા એટલે ભક્તહૃદયા ચંદનબાળાનાં નેત્રમાં આંસુ આવી ગયાં કે, “હાય, આવા યોગ્ય અતિથિ મારી પ્રાર્થનાનો અસ્વીકાર કરીને પાછા જાય છે !” વીરપ્રભુએ જોયું કે, પોતે ધારી રાખેલા બધા યોગ આ યુવતીમાં મળી ગયા છે, એટલે પ્રસન્ન થઈને તેમણે તેની પ્રાર્થના સ્વીકારીને પારણું કર્યું. તેમણે ચંદનબાળાની દૃઢતા અને ધર્મશ્રદ્ધાની ઘણી પ્રશંસા કરી. એમના આશીર્વાદથી એના પગની બેડી સોનાની થઈ ગઈ અને શિરમાં નવા કેશ આવી ગયા.

મહાવીર સ્વામીને પ્રથમ પારણું કરાવનાર આ સતીના જીવનને બધાં ધન્ય ગણવા લાગ્યાં. ચંદનબાળા પણ આ પ્રસંગથી પોતાના જીવનને સફળ થયેલું સમજવા લાગી. એ ઘણી ઉદાર હદયની સ્ત્રી હતી. પોતાને દુઃખ દેનારી શેઠાણી મૂળાને તેણે શાપ ન દીધો, પણ પોતાને આવી સેવા કરવાનો શુભ પ્રસંગ મળ્યો તેનું મૂળ કારણ મૂળાને ગણીને તેનો ઘણો ઉપકાર માન્યો.

ધનાવહ શેઠ તથા મૂળાદેવીની પ્રેમમયી છાયામાં કેટલોક સમય વ્યતીત કરીને ચંદનબાળાએ શ્રી મહાવીર સ્વામી પાસે ચારિત્ર્ય લીધું. એનું ઉદાહરણ જોઈને શતાનિક રાજાની રાણી મૃગાવતીએ પણ દીક્ષા લીધી.

ચંદનબાળાને પાછળથી કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું હતું અને એ મુક્તિને પામી હતી.

એ પવિત્ર સતીના પુણ્યનામનું આજ પણ જૈન લોકો શ્રદ્ધાપૂર્વક દરરોજ ધાર્મિક પ્રસંગે સ્મરણ કરે છે.