રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો/ધારિણી (પદ્માવતી)

વિકિસ્રોતમાંથી
← સતી અંજના રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
ધારિણી (પદ્માવતી)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ચંદનબાળા (વસુમતી) →


२–धारिणी (पद्मावती)

સન્નારી ચંપાપુરીના રાજા દધિવાહનની સ્ત્રી અને ચેટક રાજાની પુત્રી હતી. તેનું બીજું નામ પદ્માવતી હતું. એ ચિત્રવિદ્યા, શિલ્પકાર્ય અને ધર્મશાસ્ત્રનું સારૂં જ્ઞાન ધરાવતી હતી. તેનામાં હિંમતનો ગુણ પણ અધિક હતો. તે દુઃખથી કાયર થાય એવી નહોતી. સ્થિતિને અનુકૂળ થઈને સદા પ્રસન્ન રહેતી. તે ઠરેલ, પાકી અને સાવધ હતી. સંકટ સમયે નહિ ગભરાતાં, બને તેટલો ઉપકાર કરે તેવી ને વ્યવહારમાં કુશળ હતી. તેનામાં પુરુષના જેવું શૌર્ય હતું. તેના પિતા ચેટક રાજાએ તેને ઘણા સારા પ્રકારની કેળવણી આપી હતી. સતી ધારિણીનું ચારિત્ર્ય પણ ઘણું શુદ્ધ હતું.

સતી ધારિણી પોતાના પતિ દધિવાહન ઉપર પવિત્ર અને શુદ્ધ પ્રેમ રાખતી હતી અને પતિનો પણ તેના ઉપર એવો જ પ્રેમ હતો. દંપતી પરમ સુખમાં ગૃહસ્થાશ્રમ ચલાવતાં હતાં.

સતી ધારિણીને વસુમતી નામની એક પુત્રી થઈ હતી. કેળવાયલી માતાએ પુત્રીને પણ સારૂં શિક્ષણ આપીને ઉચ્ચ સંસ્કારવાળી બનાવી હતી.

પરંતુ સતી ધારિણીના સુખના દિવસ ઝાઝો વખત ટક્યા નહિ. તેના પતિ રાજા દધિવાહનને કૌશાંબી નગરના રાજા શતાનિક સાથે વૈર બંધાયું. રાજા શતાનિક દધિવાહનના ઉપર ચડી આવ્યો. બન્ને રાજાઓ વચ્ચે ભયાનક યુદ્ધ થયું. આ યુદ્ધમાં રાજા દધિવાહન પરાજિત થઈને નાસી ગયો. રાજા શતાનિકે નગરને લૂંટ્યું અને તેના એક સુભટે રાજાના મહેલમાં જઈને રાણી ધારિણી તથા રાજકન્યા વસુમતીને પકડ્યાં. સતી ધારિણીનું અનુપમ સૌંદર્ય જોઈને તે સુભટ મોહિત થઈ ગયો અને તેમને શરણ આપવાનું બહાનું બતાવીને એક જંગલમાં લઈ ગયો. ત્યાં જઈને તેણે સતી ધારિણીને કહ્યું: “સુંદરિ ! આ વખતે તારૂં આ સ્થળે કોઈ પણ નથી, જો તું કોઈપણ જાતની આનાકાની કરીશ તો ઘણી દુઃખી થઈશ. માટે તું મારી સ્ત્રી થા,” સુભટનાં આવાં વચન સાંભળીને ધારિણી કંપી ઊઠી; તથાપિ તેનામાં હિંમતનો ભારે ગુણ હોવાથી તે ગુસ્સો કરીને સુભટ પ્રત્યે બોલી: “ દષ્ટ દુરાચારિ ! આવાં કુવચન બોલનારી તારી જીભને છેદી નાખ. હું કોણ છું, તે તું જાણતો નથી ? હું શુદ્ધ ક્ષત્રિયાણી છું. મારાં ઉભય કુળ શુદ્ધ અને નિષ્કલંક છે. હું હંમેશાં પ્રભુની ભક્તિ કરનારી છું. હે દુષ્ટ ! તું અજ્ઞાની જણાય છે. તને હિંદુ સ્ત્રીઓના પાતિવ્રત્યધર્મના મહિમાનું જ્ઞાન નથી, નહિ તો તું આવાં દુર્વચન બોલત નહિ.” આ ઉપરાંત બીજી પણ અનેક રીતે ધર્મની વાતો કહીને સતી ધારિણીએ સુભટને ઉપદેશ આપ્યો; પણ એ તો એટલો બધો કામાંધ થઈ ગયો હતો કે સતીના સદુપદેશે તે પાષાણ હૃદયના સુભટ ઉપર જરા પણ અસર કરી નહિ. એ દુરાચારી સુભટ સતી ધારિણી ઉપર બળાત્કાર કરવા ગયો, એટલે ધારિણીએ પોતાનું શિયળ સાચવવા સારૂ પોતાની જીભને કરડીને પ્રાણનો ત્યાગ કર્યો. સતીત્વની ખાતર પ્રિય પ્રાણનો ત્યાગ કરનાર પતિવ્રતા સન્નારી ધારિણીને ધન્ય છે !