રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/આનંદમયી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ચૌબે લોકનાથજીનાં પત્ની રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
આનંદમયી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ગંગામણિ →


४८–आनंदमयी

નંદમયી દેવી બંગાળા પ્રાંતમાં ફરિદપુર જિલ્લામાં જપસા ગામના રહેવાસી પ્રસિદ્ધ કવિ અને સાધક લાલા રામગતિરાયની કન્યા તથા પયગ્રામના પંડિત કવીંદ્ર અયોધ્યારામની પત્ની હતી. તેનો જન્મ ઇ૦ સ૦ ૧૭૫૨ માં થયો હતો.

આનંદમયીએ પિતાની પાસે સંસ્કૃત અને બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો હતો અને ધર્મશાસ્ત્રમાં વિશેષ પ્રવીણતા મેળવી હતી. એક વિદુષી સ્ત્રી તરીકે તેણે ઘણી સારી ખ્યાતિ મેળવી હતી.

આનંદમયીની વિદ્વત્તા સંબંધી બેએક કથા પ્રચલિત છે. રાજનગરવાસી સુપ્રસિદ્ધ કૃષ્ણદેવ વિદ્યાવાગીશના પુત્ર હરિ વિદ્યાલંકારે આનંદમયીને એક શિવપૂજા પદ્ધતિ લખી આપી હતી. વિદ્યાલંકાર મહાશયની રચનામાં ભૂલ હતી. આનંદમયીએ બધી ભૂલો જોઈને વિદ્યાલંકારના પિતા વિદ્યાવાગીશ મહાશયને ઠપકા સાથે લખી મોકલ્યું કહ્યું કે, “પુત્રના વિદ્યાભ્યાસ ઉપર તમે બિલકુલ કાળજી રાખતા નથી.” સંસ્કૃત ભાષામાં વિશેષ પ્રવીણતા ન હોત, તો એવા વિદ્વાનની રચનામાં તે એ ભૂલો બતાવી શકત નહિ. એક સમયે રાજા રાજવલ્લભે પંડિત રામગતિ પાસે ‘અગ્નિષ્ટોમ’ યજ્ઞનું પ્રમાણ તથા એ યજ્ઞકુંડની આકૃતિનું વર્ણન પુછાવ્યું. રામગતિ (આનંદમયીના પિતા) એ વખતે પુરશ્ચરણ કરી રહ્યા હતા, એટલે એ નવા કામમાં હાથ ઘાલી શક્યા નહિ. કન્યાની પારદર્શિતા સંબંધે એમને પૂરી ખાતરી હતી, એટલે એમણે એ કામ એને સોંપ્યું. એ વખતે આનંદમયીએ યજ્ઞનું પ્રમાણ વગેરે લખી આપીને રાજાને મોકલી દીધું. રામગતિ એ વખતના ઘણા મોટા પંડિત હતા. તેમણે નિર્ણય કરેલું અગ્નિષ્ટોમ યજ્ઞનું પ્રમાણ વગેરે સૌથી શુદ્ધ હશે, એમ ધારીને તેની પાસે ખાસ માણસ મોકલ્યો હતો, પણ તેમણે તે એ કામ પોતે ન કરતાં પોતાની  કન્યા પાસે કરાવ્યું, પરંતુ એની ગણતરી એટલી ખરી હતી કે, રાજાની સભાના બધા પંડિતોએ, જરા પણ વાંધો કાઢ્યા વગર તેનો સ્વીકાર કર્યો. એ ઉપરથી જણાઈ આવે છે કે, આનંદમયીનું શાસ્ત્રજ્ઞાન તેના પિતા કરતાં કોઈ રીતે ઓછું નહોતું તથા એના જ્ઞાન વિષે રાજસભાના કોઈ પંડિતને પણ સંશય નહોતો.

આનંદમયી ફક્ત લખતાંવાંચતાં શીખીને બેસી રહી નહતી. એ નાના પ્રકારનાં ખંડકાવ્ય રચીને પોતાની માતૃભાષાને અલંકૃત કરી ગઈ છે. તેના એક પિતરાઈ કાકા લાલા જયનારાયણ કવિ હતા. એમ કહેવાય છે કે, એમણે રચેલા “હરિલીલા” ગ્રંથમાં આનંદમયીની ઘણી રચના સામેલ છે. આનંદમયીની રચનામાં ઠેકાણે ઠેકાણે ઘણું પાંડિત્ય અને આડંબર જણાઈ આવે છે. સંસ્કૃત ભાષામાં એ વિશેષ પ્રવીણ હતી, એ તેની રચનામાં કરેલી સંસ્કૃત શબ્દની પસંદગી ઉપરથી સારી પેઠે સમજી શકાય છે. “હરિલીલા” ઉપરાંત જયનારાયણ રચિત “ચંડીકાવ્ય”માં પણ આનંદમયીની રચનાને ઘણું સ્થાન મળ્યું છે. આનંદમયીએ કવિતામાં રચેલો “ઉમાનો વિવાહ” ઘણો પ્રસિદ્ધ છે. હજુ પણ ઘણી સ્ત્રીઓ તેને કંઠસ્થ કરી રાખે છે.

આનંદમયીના પિતા પચાસ વર્ષની વય પછી પ્રથમ કાલીઘાટ અને પાછળથી કાશીતીર્થમાં વાસ કરીને ઈશ્વરભજનમાં સમય ગાળતા હતા. નેવું વર્ષની વયે કાશી ધામમાં તેમનો સ્વર્ગવાસ થયો હતો. એ વખતે તેમની સ્ત્રી, આનંદમયીની માતા કાત્યાયની દેવી પતિની સાથે સતી થઈ ગઈ હતી.

ઈ૦ સ૦ ૧૭૯૧ માં અયોધ્યારામ નામના એક ગૃહસ્થ સાથે આનંદમયીનું લગ્ન થયું હતું. અયોધ્યારામ એક હોશિયાર વૈદ તથા ફારસી અને સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા.

આનંદમયી ઘણીજ વિનયશીલ અને ધર્મપરાયણ સ્ત્રી હતી. પતિ ઉપર તેની અચળ ભક્તિ હતી. પતિના મૃત્યુ સમયે એ પિયેરમાં હતી. ખબર મળતાં વા૨જ એ પતિની પાવડીઓ હૃદય ઉપર ધારણ કરી, સળગતી ચિતામાં પડીને સતી થઈ ગઈ.

આનંદમયીને ચાર પુત્ર અને એક કન્યા, એમ પાંચ સંતાન હતાં. તેના ત્રીજા પુત્ર ગિરીશચંદ્રસેનના દોહિત્ર શ્રી પંચાનન, રાય કવિચિંતામણિ હાલ ભવાનીપુરમાં વૈદનો ધંધો કરે છે.