રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/કળાવતી
← શ્રીમતી | રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો કળાવતી શિવપ્રસાદ દલપતરામ પંડિત |
શ્રીમતી (બીજી) → |
१९–कळावती
એ દેવશાળ નગરના રાજા વિજયસેનની પુત્રી હતી. એની માતાનું નામ શ્રીમતી હતું. તે વિદુષી નારી હતી. કળાવતી એની એકની એક કન્યા હોવાથી એના ઉપર એનો વિશેષ પ્રેમ હતો અને એ પ્રેમનો ઉપયોગ જૂઠાં લાડ લડાવવામાં ન કરતાં કન્યાને અનેક શાસ્ત્ર તથા કળાઓ અને નીતિનું ઉચ્ચ શિક્ષણ આપવામાં તેણે કર્યો હતો.
કળાવતી જ્યારે વિવાહ વયની થઈ ત્યારે સમજુ માતપિતાએ એ બાબતમાં તેનો અભિપ્રાય પૂછ્યો. તેણે જણાવ્યું કે, “જે પુરુષ મારા ચાર પ્રશ્નનો ઉત્તર આપશે તેને હું વરીશ.” પુત્રીનો એવો અભિલાષ જાણીને માતાપિતા પ્રસન્ન થયાં.
એ સમયમાં જબુદ્વીપના મંગળા દેશમાં શ્રીશંખરાજ નામનો એક પ્રજાવત્સલ રાજા રાજ્ય કરતો હતો. એક દિવસ તેના રાજ્યમાં એક દત્ત નામનો શાહુકાર જઈ પહોંચ્યો અને તેણે પોતાના પ્રવાસનું વર્ણન કરતાં, કળાવતીના રૂપ, ગુણ, તથા બુદ્ધિની પ્રશંસા કરી અને પોતાની પાસેથી તેનું એક ચિત્ર પણ બતાવ્યું. દેવાંગના સમ સૌન્દર્યમયી કળાવતીનું ચિત્ર જોતાંજ રાજા મોહ પામી ગયો અને તેના ગુણોનું વર્ણન સાંભળતાં તો એને વરવાની ઉત્કંઠા વધી પડી. કળાવતીએ પોતાના ચાર પ્રશ્નનો ઉત્તર આપનારને વરવાની પ્રતિજ્ઞા લીધી છે તે પણ એણે જાણી લીધું. એના પ્રશ્નોના ઉત્તર આપવાની યોગ્યતા મેળવવા એણે ઘણો સમય વિદ્વાનો અને સારા ગ્રંથોની સંગતમાં ગાળ્યો.
કળાવતીના પિતાએ તેના લગ્ન સારૂ સ્વયંવર રચ્યો હતો. અનેક રાજાઓ પરમ સુંદરી કળાવતીને વરવાની અભિલાષામાં ત્યાં આવ્યા હતા. એક પ્રતિહારીએ ઊંચે સ્વરે જણાવ્યું કે, “જે કોઈ રાજકન્યાના ચાર પ્રશ્નનો ઉત્તર આપશે તેને એ વરમાળ પહેરાવશે. એ ચાર પ્રશ્ન આ છે. ૧–દેવ કોણ ? ૨–ગુરુ કોણ ? ૩–તત્ત્વ શું અને ૪–સત્ત્વ કોને કહેવું ?”
અનેક રાજાઓએ ચારે પ્રશ્નોના ભિન્ન ભિન્નરૂપે ઉત્તર આપ્યા, પણ જૈનધર્મ ઉપર પ્રીતિ રાખનારી રાજબાળાને એ રુચ્યા નહિ. શંખરાજાએ ઉત્તર આપ્યો કે, “(૧) વીતરાગ એ પરમ દેવ છે, (૨) પંચમહાવ્રત ધારણ કરનાર પરમ ગુરુ છે, (૩) જીવમાત્ર ઉપર દયા રાખવી એજ તત્ત્વ છે અને (૪) ઇંદ્રિયો ઉપર નિગ્રહ રાખવો એનું નામ સત્ત્વ છે.” કળાવતી એ ઉત્તરથી પ્રસન્ન થઈ અને શંખરાજાના કંઠમાંજ તેણે વરમાળ આરોપી. ત્યાર પછી વિધિપૂર્વક લગ્નસંસ્કાર થયો. રાજાએ મોટી પહેરામણી આપીને શંખરાજાને કળાવતી સહિત વિદાય કર્યો.
રાજા શંખ અને કળાવતીનો એકબીજા ઉપર પુષ્કળ પ્રેમ હતા. તેમનો સંસાર સુખપૂર્વક વ્યતીત થવા લાગ્યો. થોડા સમય પછી કળાવતી ગર્ભવતી થઈ. આઠ માસ વીત્યા પછી એના પિયેરથી માણસો તેડવા આવ્યાં. એ માણસની સાથે એના ભાઈ જયસેને બહેનને ભેટ તરીકે કેટલાંક વસ્ત્ર તથા બે બેરખા મોકલ્યા હતા. રાજા શંખે કળાવતીને પિયેર મોકલવાની ના કહી એટલે જયસેનના સેવકો પેલી ભેટ બારોબાર કળાવતીને આપીને પાછા ગયા. કળાવતીએ ભાઈની એ ભેટને પ્રસન્નતાપૂર્વક ધારણ કરી અને એક દિવસ ઝરૂખામાં બેઠી બેઠી પોતાની એક સખીને કહેવા લાગી: “જોને, એનો મારા ઉપર કેવો પ્રેમ છે ? મારે સારૂ કેવા સારા બેરખા મોકલ્યા છે. એનાથી મારા હાથ કેવા શોભી રહ્યા છે. ?”
ઝરૂખાની નીચે થઈને જતા રાજાએ બે સખીએાની વાત સાંભળી અને એના મનમાં એવી શંકા ગઈ કે, રાણી કોઇના ઉપર ગુપ્તપણે પ્રેમ રાખે છે. શંકા ઉત્પન્ન થતાંવારજ એના રોમ રોમમાં ક્રોધ વ્યાપી ગયેા. એણે બે ચંડાળોને આજ્ઞા આપી કે, “રાણીને વનમાં મૂકી આવો અને બેરખા સહિત એનાં બે કાંડા કાપીને મારી પાસે લાવો.”
ચંડાળોએ કલાવતીને વનમાં લઈ જઈ રાજાની આજ્ઞા જણાવી. આવું દુઃખ કર્મના દોષ વડેજ પોતાના ઉપર આવી પડ્યું છે એમ ધારી એણે શાંતિથી ચંડાળોને પોતાના હાથ કાપવા દીધા.
એ અરણ્યમાંજ કળાવતીને પુત્રપ્રસવ થયો. તેને ઘણું ઓછું આવ્યું અને કહેવા લાગી: “ભાઈ, તારો જન્મ પિતાને ઘેર થયો હોત તો આજે વાજાં વાગી રહ્યાં હોત અને ઘણા ઠાઠથી મહોત્સવ મનાવાતો હોત; પણ હાય ! આજ મારી એવી દશા છે કે શિયાળ આદિ જંગલી જાનવરોના શબ્દથીજ તારા જન્મનો ઉત્સવ થઈ રહ્યો છે.”
એવામાં નદીમાં પુષ્કળ પૂર આવ્યું. અનેક ઘર, વૃક્ષ તથા માણસો એમાં તણાવા લાગ્યાં. કળાવતી તો પરમેશ્વરનું સ્મરણ કરીને કહેવા લાગી: “જો મેં મારો પાતિવ્રત્ય ધર્મ મન, વચન અને કાયાથી પાળ્યો હોય અને શીલવ્રતનું પૂરેપૂરૂં પાલન કર્યું હોય તો મારા બન્ને હાથ સાજા થઈ જજો અને નદીનો પ્રવાહ અનુકૂળ થજો.” સતીત્વના પ્રભાવથી એના બન્ને હાથ નવા થઈ ગયા અને નદીનો પ્રવાહ પણ અનુકૂળ થયો. એવામાં એક તપસ્વી ત્યાં આવ્યો અને કળાવતીને તેના નવા જન્મેલા પુત્રસહિત પોતાના આશ્રમમાં લઈ ગયો. ત્યાં આગળ તપસ્વિની સાથે કળાવતી સુખપૂર્વક ધાર્મિક જીવન ગાળવા લાગી.
પેલી તરફ ચંડાળો કળાવતીના બે હાથ રાજા પાસે લઈ ગયા, રાજાએ બેરખા હાથમાં લઈને જોયા તો એના ઉપર પોતાના સાળા ‘જયસેન’નું નામ કોતરેલું હતું. તપાસ કરતાં ખબર પડી કે ભાઈએ બહેનને એ ભેટ મોકલી હતી અને પતિવ્રતા રાણી પોતાના ભાઈના શુદ્ધ પ્રેમનીજ વાત કરી રહી હતી. રાજાને બહુજ તીવ્ર પશ્ચાત્તાપ થયો અને ચિતા ખડકીને બળી મરવા તૈયાર થયો, પણ પ્રધાને બોધ આપીને એવું સાહસ કરતાં રોક્યો.
રાજાએ ભજન, પૂજન અને ધર્મચર્ચામાંજ સમય ગાળવા માંડ્યો. તેણે પોતાના વિશ્વાસુ મિત્ર દૂત્તને રાણીની શોધમાં મોકલ્યો હતો. દત્તને તપસ્વીઓના આશ્રમમાં કળાવતીનો પત્તો લાગ્યો. દૂતને કળાવતી ઓળખતી હતી. એને જોતાંવારજ એનો શોક તાજો થયો અને એ રુદન કરવા લાગી. દૂત્તે એને આશ્વાસન આપ્યું તથા પશ્ચાત્તાપથી રાજા અગ્નિપ્રવેશ કરવા તૈયાર થયો હતો, પણ બંધુઓએ તેને રોકી રાખ્યો વગેરે વૃત્તાંત કહી સંભળાવ્યું. કળાવતીને એથી પતિ ઉપર દયા ઉપજી અને એણે મુનિવરને નમસ્કાર કરી, તેમની રજા લઈ પતિની રાજનગરી તરફ પ્રયાણ કર્યું. રાજાએ વાજતેગાજતે એને નગરમાં પધરાવી અને કહ્યું કે, “હે દેવિ ! તું નિર્દોષ હોવા છતાં મેં તારી સાથે આવી ઘાતકી વર્તણુંક ચલાવી છે, માટે મારા અપરાધની ક્ષમા આપજે.” કળાવતીએ તો ક્યારનીએ પતિને ક્ષમા આપી દીધી હતી. કુલીન સ્ત્રીઓ સ્નેહાળ પતિના દોશને કદી હૃદયમાં સ્થાન આપતીજ નથી. ફરીથી એમનો સંસાર સુખમય થયો. પુત્રનું નામ એમણે પુષ્પકળશ પાડ્યું.
પુત્ર મોટો થયા પછી તેને રાજ્ય સોંપીને રાજારાણીએ દીક્ષા લીધી. લાંબા સમય સુધી ચારિત્ર્ય પાળીને તથા તત્ત્વચિંતન કરીને કળાવતી પતિસહિત સ્વર્ગે ગઈ.