રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/શ્રીમતી

વિકિસ્રોતમાંથી
← નાગિલા રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
શ્રીમતી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
કળાવતી →


१८–श्रीमती

સન્નારી પેઢાળપુર નામના નગરના રાજા વિજયની પટરાણી હતી. એ સન્નારી અનેક સદ્‌ગુણોથી વિભૂષિત હતી. ધર્મમાં તેને પ્રીતિ હતી. પ્રજાની સેવા, દાનપુણ્ય, ભગવદ્‌પૂજન વગેરેમાં દંપતિનો સમય વ્યતીત થતો હતો. શ્રીમતીને એક પુત્ર થયો. તેનું નામ અતિમુક્ત પાડ્યું. માતાપિતાના સદ્‌ગુણો બાળકમાં હંમેશાં ઊતરી આવે છે. એક સમયે ગૌતમ સ્વામી એમને ઘેર ગોચરી કરવા પધાર્યા. તેને જોઈને બાળક કહેવા લાગ્યો: “હું આપના જેવો થઈશ” ગૌતમ સ્વામીએ સાધુનાં કર્તવ્યો ગણાવ્યાં અને જણાવ્યું કે, “એ તો ખાંડાની ધાર ઉપર ઊભા રહેવા સમાન છે, એ કાંઈ નાના બાળકની રમત નથી.” એમ છતાં બાળકે તો કહ્યું: “હું તો આપના જેવોજ થઈશ.”

ગૌતમ સ્વામી ભિક્ષા લઈને પાછા ફરવા લાગ્યા એટલે બાળકે  માતાપિતાને જણાવ્યું કે, “મને દીક્ષા અપાવો. હું પણ સ્વામી બનીશ.” પિતાએ તેને ઘણું સમજાવ્યો કે, “અમારી ભવિષ્યની બધી આશાઓ તારા ઉપર છે. તારે તો મોટા થઈને રાજ ચલાવવાનું છે. અત્યારથી તારે સાધુ બનવાની વાત કેવી હોય ?” માતા શ્રીમતીએ પણ પ્રેમપૂર્વક એને ઘણી શિખામણ દીધી. તેના ઉત્તરમાં પુત્રે જણાવ્યું કે, “માતા, તમેજ મારામાં ઊંચા પ્રકારના સંસ્કાર પાડ્યા છે. એ વિચારને અમલમાં મૂકવાનો આજે પ્રસંગ આવ્યો છે, ત્યારે સંસારનો અને રાજવૈભવનો મોહ બતાવીને તમે મને લલચાવો છો. તમે તથા પિતાજીએ વૃદ્ધાવસ્થાની વાત કહી એ પણ મને રુચતી નથી; કેમકે વૃદ્ધ કોણ અને જુવાન કોણ ? સંસારમાં બધી વસ્તુઓ અનિત્ય છે. કોણ કોનો પુત્ર ? સંસારચક્રમાં ભ્રમણ કરતાં એવા અનેક સંબંધ બંધાય છે અને તૂટે છે. સંસારની વસ્તુઓનું શરણ લીધાથી મનુષ્યને કદી સુખ મળતું નથી. ભગવાનનાં વચન એજ મનુષ્યને માટે સાચું શરણ છે.” પુત્રને મુખેથી જ્ઞાનની વાત સાંભળીને માતાપિતા સમજી ગયાં કે એના ચિત્તમાં ખરો વૈરાગ્ય ઉત્પન્ન થયેલ છે. તેમણે પ્રસન્નતાપૂર્વક પુત્રને દીક્ષા લેવાની રજા આપી.

મદાલસાની પેઠે બાળક પુત્રના ઉપર ધર્મના સંસ્કાર પાડે અને નાની વયમાં સંસારના પ્રલોભનમાંથી બચાવી મુક્તિના માર્ગમાં જવા દે એવી શ્રીમતી જેવી માતાઓને ધન્ય છે !

એકના એક પુત્રના સંન્યસ્ત લીધા પછી શ્રીમતીએ પોતાનું જીવન ધાર્મિક કાર્યોમાંજ ગાળ્યું હતું. પોતાના રાજ્યમાં દીનદુઃખી અને નિરાધાર લોકોને માટે તેણે સંસ્થાઓ સ્થાપી હતી. જૈનશાસ્ત્રોમાં અતિમુક્ત મુનિની માતા તરીકે એની ઘણી વિખ્યાતી છે.