લખાણ પર જાઓ

રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/નાગિલા

વિકિસ્રોતમાંથી
← રોહિણી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
નાગિલા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
શ્રીમતી →




१७–नागिला

ગધ પ્રાંતમાં સુગ્રામ નામના એક ગામમાં એક આ દંપતી વાસ કરતું હતું. સ્વામીનું નામ આર્યવાન્‌ રાષ્ટ્રકૂટ હતું અને તેની પત્નીનું નામ રેવતી હતું. તેમને ભવદત્ત અને ભવદેવ નામના બે પુત્ર હતા. ભવદત્ત યૌવનાવસ્થામાંજ જૈનાચાર્ય સુસ્થિતની પાસે દીક્ષા લઈને સંન્યસ્તવ્રત લીધું હતું અને એ વ્રતને તેણે એવી સરસ રીતે પાળ્યું હતું કે, થોડા સમયમાંજ તે આચાર્યનો અત્યંત પ્રિય શિષ્ય થઈ પડ્યો હતો.

એક દિવસ ભવદત્તવાળા “ગચ્છ” માંના એક સાધુએ આચાર્યને નિવેદન કર્યું કે, “આચાર્ય ! હું એક વાર મારાં સગાંઓની પાસે જવાની ઈચ્છા કરું છું. ત્યાં આગળ મારો એક નાનો ભાઈ છે, એને મારા ઉપર ઘણોજ સ્નેહ છે. હું જો તેની પાસે જઈશ, તો મને જોઈને એ પણ અવશ્ય સંન્યસ્તવ્રત લેશે, માટે આપ કૃપા કરીને મને જવાની રજા આપો.” જગતનો ઉદ્ધાર કરવાની ઈચ્છા ધરાવનાર આચાર્યે બીજા પણ કેટલાક શિષ્યોને સાથે મોકલીને તેને પોતાના ભાઈને મળવા જવાની રજા આપી.

શિષ્ય પોતાના પિતાને ઘેર ગયો. ત્યાં તેણે ભાઈના વિવાહની મહાસમારોહપૂર્વક તૈયારીઓ થતી જોઈ. વિવાહના પ્રસંગે ત્યાં જઈ પહોંચવા છતાં વિવાહના આનંદમાં નિમગ્ન થયેલા તેના નાના ભાઈએ તેની કાંઈ ખબરઅંતર પૂછી નહિ.

શિષ્ય ત્યાંથી પાછો પોતાના ગુરુ પાસે ગયો અને ગુરુને નાનાભાઈની વર્તણુંકના સમાચાર કહ્યા. શિષ્યને મોંએ એ વૃત્તાંત સાંભળીને ભવદત્તે ઘણું દિલગીર થઈને કહ્યું: “અહા ! તારો નાનો ભાઈ કેવો કઠોર છે ! એ પોતે ઘેર હોવા છતાં, તારા જેવા ઋષિવ્રતધારી મોટાભાઈનો તેણે ભાવ પણ ન પૂછ્યો. વિવાહનો આનંદ શું ગુરુભક્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે કે, તે વિવાહની ખુશાલીમાં તારો સત્કાર પણ ન કરી શક્યો ?”

આચાર્યદેવનાં એ વચનો સાંભળીને શિષ્યમંડળી માંથી એક જણ બોલી ઊઠ્યો: “ભવદત્ત ! તમે ઘણા વિદ્વાન પંડિત ગણાઓ છે, પણ તમે તમારા નાનાભાઈને સંન્યાસી બનાવી શકો તોજ અમે તમને ખરા પંડિત ગણીએ.” ભવદત્તે કહ્યું: “ગુરુદેવ જો મગધમાં પધારે તો હું તમને એ કૌતુક પણ બતાવીશ.”

હિંદુ સંન્યાસીઓની પેઠે જૈન શ્રમણો પણ એક સ્થળે ઘણો સમય રહી શકતા નહિ. તેમને ધર્મોપદેશ કરવા સારૂ ઠેકાણે ઠેકાણે પર્યટન કરવું પડતું. એક દિવસ પર્યટન કરતાં કરતાં આચાર્ય સુસ્થિત પોતાના શિષ્યો સાથે મગધ દેશમાં જઈ પહોંચ્યા. આચાર્યના ચરણમાં દંડવત્ પ્રણામ કરીને ભવદત્તે કહ્યું: “ગુરુદેવ ! મારાં સગાંવહાલાંઓ અહીંથી ઘણાં પાસે રહે છે, માટે ગુરુદેવ રજા આપો તો હું તેમને એક વખત મળી આવું.” ભવદત્ત સંયતેદ્રિંય હતો એટલે આચાર્યે તેને એકલાજ ઘેર જવાની રજા આપી. તેની સાથે બીજા શિષ્યોને મોકલવાની જરૂર પડી નહિ. ગુરુની રજા લઈને ભવદત્ત નાનાભાઈને સંન્યાસી બનાવવાના સંકલ્પથી ઘર તરફ ચાલ્યો.

ત્યાં પણ ભવદત્તના પહોંચતા પહેલાં થોડીકજ વાર અગાઉ તેનો નાનોભાઈ ભગદેવ, નાગદત્તની કન્યા નાગિલા સાથે પરણ્યો હતો. વિવાહના ઉત્સવમાં આવેલા લોકોથી ઘર ભરચક હતું. પૂર્ણ ધામધૂમથી લગ્નનો ઉત્સવ થઈ રહ્યો હતો. ભવદત્તને ત્યાં અણધાર્યો આવી ચડેલો જોઈને બધાં સગાંસંબંધીઓ પ્રફુલ્લિત થઈ ગયાં; તેના આવ્યાથી એ લોકો ઘણાજ આનંદથી ઉત્સવ કરવા લાગ્યા. ભવદત્તનાં ચરણ પ્રક્ષાલન કરીને સર્વેએ તીર્થોદકની પેઠે તેનું પાન કર્યું; ચારે દિશામાંથી લોકો આવીને તેને પગે લાગવા લાગ્યા. મુનિ ભવદત્તે કહ્યું: “તમે લોકો અત્યારે વિવાહના ઉત્સવમાં નિમગ્ન છો, માટે હું હમણાં બીજી જગ્યાએ જઈશ. આપનું કલ્યાણ થાઓ.” પરંતુ સગાંવહાલાંઓએ તેને નાના પ્રકારનું ભોજન જમાડ્યા વગર છોડ્યો નહિ.

તેનો ભાઈ ભવદેવ એ વખતે કુળાચાર મુજબ નવોઢા પત્નીને ચંદનનો લેપ કરી રહ્યો હતો. અંબોડામાં સુગંધીદાર પુષ્પો ગૂંથીને તથા કપાળ ઉપર કસ્તુરીની પત્રપલ્લવીની રચના કરીને, તે બીજા અંગને લેપ કરવાની તૈયારીમાં હતો, એટલામાંજ તેના મોટાભાઈ મુનિ ભવદત્તના આગમનના સમાચાર તેની પાસે પહોંચ્યા. ભાઈને મળવાના હર્ષમાં એ અલંકૃત નવોઢા પત્નીને છોડી દઈને એકદમ ઊભો થયો. નાગિલાની સખીઓએ આ કુળાચારને અધૂરો મૂકીને અધવચમાં જતા રહેવાનો ઘણોએ નિષેધ કર્યો, પણ ભવદેવે તેમની વાત ઉપર જરા પણ ધ્યાન આપ્યું નહિ. તેણે કહ્યું: “મોટા ભાઈનાં દર્શન કરીને હું હમણાં પાછો આવીશ.”

ભવદેવ ભવદત્તની પાસે ગયો અને તેને દંડવત્ત પ્રણામ કરીને તેની સન્મુખ ઊભો રહ્યો. ભવદત્ત તેના હાથમાં ઘીનું પાત્ર આપીને ઘરમાંથી બહાર ચાલ્યો ગયો. ભવદેવ પણ એ પાત્રનો સ્વીકાર કરીને મોટાભાઈની પાછળ જવા તૈયાર થયો. બીજા પણ અનેક સ્ત્રીપુરુષો ભવદત્તની સાથે ચાલ્યાં. ભવદત્તે કોઈને પણ એમ કરવાને નિષેધ કર્યો નહિ; કારણકે એમ કરવું એ તેના કર્તવ્યથી વિરુદ્ધ હતું. ઘણે દૂર ગયા પછી બીજા બધા તો ભવદત્ત મુનિને વળાવીને પાછા ફર્યા, પણ તેના નાના ભાઈ ભવદેવે તેવું કર્યું નહિ. તેણે મનમાં વિચાર કર્યો: “આ લોકો તો પાછા જઈ શકે. એ લોકો કાંઇ એના સહોદર થોડાંજ છે ? હું મુનિ ભવદત્તનો સહોદર થઈને પાછો કેવી રીતે જઈ શકું ? વળી એમની સાથે રસ્તાના ભાથાનો બોજ ઘણો હોવાથી એ થાકી ગયા છે, એટલા માટેજ આ ઘીનું વાસણ મારા હાથમાં પકડાવ્યું છે, એટલે એમને ઠેઠ સુધી વળાવી આવ્યા વગર મારે પાછા જવું ન જોઈએ.” આ પ્રમાણે વિચાર કરીને નાના ભાઈએ મોટા ભાઈનું અનુગમન કર્યું.

રખે ભવદેવ તેની સાથે આવવાની ઈચ્છા ન કરે એમ ધારીને ભવદત્તે તેના સાથે ગૃહસ્થાશ્રમની વાત આરંભી. પહેલાં બચપણની બધી વાત સંભારીને બન્ને ભાઈઓએ ઘણો આનંદ મેળવ્યો. આ પ્રમાણે વાર્તાલાપ કરતાં કરતાં તેઓ એક ગામ આગળ આવી પહોંચ્યા. આચાર્ય સુસ્થિતનો મુકામ એ વખતે પોતાના શિષ્યો સાથે એજ ગામમાં હતો.

શુદ્ર વિચારના શિષ્યો વરરાજાના વેશમાં ભવદેવને તેના ભાઇની સાથે આવતો જોઈને પરસ્પર હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “પોતાનું વચન પાળવા ખાતર ભવદત્ત પોતાના ભાઈને સંન્યસ્ત ધર્મમાં દીક્ષિત કરવા તેડી લાવ્યો છે.” સુસ્થિતસૂરિ બોલી ઊઠ્યા: “ભવદત્ત ! આ યુવક કોણ છે ?” તેણે કહ્યું: “મહારાજ ! એ મારો નાનોભાઈ ભવદેવ છે, તે દીક્ષા લેવા આવ્યો છે.”

આચાર્યે ભવદેવને પૂછ્યું: “કેમ ભવદેવ ! તું સંન્યસ્તવ્રત ગ્રહણ કરવાની ઈચ્છા રાખે છે ?”

ભવદેવે ઉત્તર આપ્યો: “મારા ભાઈ મિથ્યાવાદી નથી.”

ત્યાર પછી જૈન આચાર્ય સુસ્થિતસૂરિએ તે જ દિવસે ભવદેવને સંન્યસ્તવ્રતની દીક્ષા આપી અને ભવદેવને એ દિવસે બે સાધુઓની સાથે ભિક્ષા માગવા જવાની આજ્ઞા થઈ.

એટલામાં ભવદેવનાં સગાંવહાલાંઓ ત્યાં આવીને ભવદત્તને પૂછવા લાગ્યાં કે, “નવી પરણેલી સ્ત્રીને અર્ધઅલંકૃત દશામાં મૂકી ચાલ્યો આવેલ ભવદેવ ક્યાં ગયો ? તેના ઓચિંતા ચાલ્યા આવ્યાથી ઘેર તો મોટી ગડબડ મચી રહી છે. એ કોઈને પણ પૂછ્યા વગર આમ ઓચિંતો ચાલ્યો આવશે એવી તો અમને સ્વપ્ને પણ આશા નહોતી. બોલો, એ ક્યાં ગયો છે ?”

ભવદત્તે નાના ભાઈના ભાવિ કલ્યાણને લક્ષમાં રાખીને જૂઠું કહ્યું કે, “એ અહીંયાં આવ્યો હતો ખરો, પણ પછી ક્યાં ચાલ્યા ગયો તે મને ખબર નથી.” તેમણે તેની ચારે તરફ શેાધ કરી, પણ પત્તો નહિ લાગવાથી તેઓ નિરાશવદને પાછા ફર્યા.

હવે ભવદેવની સ્થિતિ શી થઈ હશે તેનો વાચક વિચાર કરો. નવોઢા પ્રિય પત્ની નાગિલાનો વિચાર તેના હૃદયમાં આવ્યા કરતો હતો. કેવળ પ્રબળ ભ્રાતૃભક્તિને લીધે એણે સંન્યસ્તવ્રત લીધું હતું. એ વ્રત એને ઘણુંએ સાલતું હતું, પણ હવે તો એને કોઈ પણ પ્રકારે નિભાવ્યા વગર છૂટકોજ નહોતો.

કાળક્રમે તેનો મોટો ભાઈ ભવદત્ત અનશનવ્રત ગ્રહણ કરીને દેહત્યાગપૂર્વક સદ્‌ગતિને પામ્યો, એટલે ભવદેવ વિચારવા લાગ્યો: “મેં તો મોટા ભાઈના આગ્રહથી આ સંન્યસ્તવ્રત આટલા વરસ પાળ્યું છે એ તો હવે સ્વર્ગવાસી થયા છે, તો હવે મારે આ પરિશ્રમવાળા વ્રતની શી જરૂર છે ? નાગિલાને મારા વિરહથી જે વેદના થતી હશે તેની સરખામણીમાં મારૂં આ સંન્યસ્તનું દુઃખ કાંઈ પણ લેખામાં નથી. એ બિચારી અત્યંત દુઃખી અવસ્થામાં હશે. એ પ્રિયતમાને જીવતી જોઈ શકું તો આજેજ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરીને તેની સાથે આનંદમાં દિવસ નિર્ગમન કરૂં.”

આ ચિંતામાં ભવદેવનું ચિત્ત ઘણું વ્યાકુળ થઈ ગયું. એક દિવસ એ આચાર્યની આજ્ઞા લીધા વગરજ આશ્રમમાંથી ચાલ્યો ગયો અને પોતાના જન્મસ્થાન સુગ્રામમાં પહોંચ્યો. ત્યાં આગળ એક ઘરના બંધ કરેલા કમાડ આગળ તે બેઠો. થોડી વાર પછી એક સ્ત્રીએ એક બ્રાહ્મણીની સાથે આવીને મુનિવેશમાં બેઠેલા ભવદેવનાં દર્શન કરીને પુષ્પામાળા તેની પૂજા કરી. ભવદેવે એ સ્ત્રીઓને પોતાનાં માતપિતા, રાષ્ટ્રકૂટ અને રેવતી જીવે છે કે નહિ તે પૂછ્યું. તેમણે કહ્યું: “તે તો ક્યારનાંએ ગુજરી ગયાં.” તેમના મૃત્યુ સમાચાર સાંભળીને ભવદેવે પૂછ્યું: “એમનો પુત્ર ભવદેવ નવી પરણેલી સ્ત્રીનો ત્યાગ કરીને ચાલ્યો ગયો હતો, તે સ્ત્રી તો જીવે છેને ?” એ સ્ત્રી મનમાં ને મનમાં ભવદેવને ઓળખી ગઈ, પણ ખાતરી કરવા સારૂ પૂછવા લાગી: “કેમ મહારાજ ! આપજ ભવદેવ છો કે શું ? આપ અહીં શા સારૂ પધાર્યા છો ?”

ભવદેવે કહ્યું: “હા, હુંજ એ હતભાગી ભવદેવ છું. મારી પોતાની ઈચ્છા નહિ હોવા છતાં પણ મોટા ભાઈના આગ્રહથી મેં સંન્યસ્તવ્રત ગ્રહણ કર્યું હતું. હવે એ મોટા ભાઈ પરલોકવાસી થયા છે. હું હવે નિરંકુશ છું. મારી પ્રિયતમા નાગિલાની શી દશા થઈ છે, તે જોવાને આજે હું અહીં આવ્યો છું.”

વાચક બહેનો સમજી ગઈ હશે કે ભવદેવની સાથે વાર્તાલાપ કરનાર સ્ત્રી નાગિલાજ હતી. આટલાં વર્ષોમાં પતિવિયોગથી તેની મુખાકૃતિ એટલી બધી મંદ થઈ ગઈ હતી કે, ભવદેવ તેને ઓળખી શક્યો ન હતો. પતિને પોતાનો પરિચય આપવા સારૂ એ ધીમે સ્વરે બોલી: “હું જ એ નાગિલા છું, જેને નવવિવાહિત અવસ્થામાં તજીને આપ જતા રહ્યા છો. હે પુણ્યાત્મા ! જરા વિચાર કરીને જુઓ કે મારામાં હવે શું લાવણ્ય રહ્યું છે ? સ્વર્ગના સુખનો પરિત્યાગ કરીને હે સ્વામિ ! હવે તમે મને ગ્રહણ કરશો નહિ. અત્યંત ઘોર નરકમાં નાખનાર વિષયભોગ અને કામવાસનાઓને વશ થશો નહિ. આપના ભાઈએ પ્રપંચ રમીને આપને આ વ્રત ધારણ કરાવ્યું છે, એ વાત ખરી; પણ એમનો ઉદ્દેશ આપનો પરલોક સુધારવાનો હતો. પાપના ભંડારરૂપ મારા આ શરીર ઉપર અનુરક્ત થઈને તમે મૃત ભ્રાતા ઉપરનો પ્રેમ તજી દેતા નહિ. આપ ફરીથી સંસારમાં પડવાનો વિચાર માંડી વાળીને આજેજ પાછા ફરો અને ગુરુદેવના ચરણમાં જઈને તેમની પાસે આ અનુરાગજનિત પાપબુદ્ધિની ક્ષમા માગો.”

નાગિલા પોતાના પતિ ભવદેવને આ પ્રમાણે બોધ આપી રહી હતી એવામાં તેની પાસે ઊભેલી બ્રાહ્મણીનો છોકરો કોઈ યજમાનને ત્યાંથી પુષ્કળ દૂધપાક જમીને ત્યાં આવ્યો અને માને કહેવા લાગ્યો: “મા ! આજે મેં અમૃતના જેવો મીઠો દૂધપાક ખાધો છે. તમે નીચે એક વાસણ ધરો. હુ એમાં ઊલટી કરૂં; કારણકે બીજી જગ્યાએ મારે જમવાનું નિમંત્રણ છે અને વમન કર્યા વગર ફરીથી ભોજન કરી શકાશે નહિ અને ભોજન કર્યા વગર યુજમાન દક્ષિણા પણ નહિ આપે. દક્ષિણા લઈને પાછો આવીને આ દૂધપાક ખાઈ જઈશ. મેં પોતે વમન કર્યું છે અને હું પોતેજ તેને ફરીથી ખાઈશ. પોતાનું વમન પોતે ખાવામાં શરમ શાની ?”

માતાએ પુત્રને મોંએથી આવી નિંદિત વાત સાંભળીને કહ્યું: “બેટા ! ઊલટી કરીને ખાધાથી લોકો ઘણી નિંદા કરશે. એવું કામ તે કદી થાય ?”

ભવદત્તે એ બ્રાહ્મણીના મતને પુષ્ટિ આપીને કહ્યું: “હે બાળક ! તું જો વમન કરેલું અન્ન ખાઈશ તો તું કુતરા કરતાં પણ નીચ ગણાઇશ.”

નાગિલાએ આવો સરસ લાગ મળેલો જોઈને કહ્યું: “હે તપોધન ! તમે આટલું બધું જ્ઞાન ધરાવો છો તો મને વમન કર્યા પછી, ફરીથી ગ્રહણ કરવાનો વિચાર શા માટે કરો છે ? હું ઘણીજ અધમ છું. માંસ, લોહી, હાડકાં વગેરે ઘણા નિકૃષ્ટ પદાર્થોની બનેલી છું અને વમન કરતાં પણ વધારે ગંદી છું, તો પછી મારી સાથે ફરીથી સંબંધ બાંધતાં આપને લજ્જા નહિ આવે ? પર્વત ઉપર આગ સળગે છે તે તો તમે જોઈ શકો છો, પણ તમારા પગની નીચે આગ સળગી રહી છે તે તે તમે જોતાજ નથી. આપ બીજાને ઉપદેશ આપો છો પણ પોતે ઉપદેશ પ્રમાણે ચાલતા નથી. જે આદમી બીજાને ઉપદેશ દેવામાંજ છે તેની ગણના પુરુષોમાંજ નથી. જે કોઇ પોતાની જાતને સલાહ અને ઉપદેશ આપવામાં પ્રવીણ છે, તેજ ખરેખરો પુરુષ છે.”

સતી નાગિલાનો ઉપદેશ સાંભળીને ભવદેવે કહ્યું: “દેવિ ! આજે તેં મને અમૂલ્ય ઉપદેશ આપ્યો છે. મોહાંધ થઈને હું આજ દિવસ સુધી ઊલટે માર્ગે જતો હતો. આજ તારા ઉપદેશથી ખરે રસ્તે ચડ્યો છું, માટે આજે હું સ્વજનવર્ગને એક વાર મળી લઈને ગુરુદેવની પાસે જઇશ અને તેમની પાસે મનોવિકારને માટે પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગીશ તથા તેમના ઉપદેશથી કઠિન તપસ્યાનો આરંભ કરીશ.”

ભવદેવે આચાર્ય સુસ્થિતની પાસે જઈને પુનઃ ધર્મસાધનાનો આરંભ કર્યો. સતી નાગિલા પણ યતિની પાસે દીક્ષા લઈને સંન્યાસિની થઈ ધર્મચર્યામાં નિમગ્ન થઈ.

સતી નાગિલાનું દૃષ્ટાંત પણ આર્યશાસ્ત્રમાં એક અનુપમ દૃષ્ટાંત છે.તેનેજ મળતું એક આખ્યાન ‘બોધિસત્વાવદાન કલ્પલતિકા’માં (૧૦ મા પલ્લવ)માં મળી આવે છે. એ આખ્યાનમાં નંદ પણ સુંદરીને માટે એટલો બધો અનુરક્ત થયો હતો. ભાઈના આગ્રહથી ભવદેવે સંન્યસ્તવ્રત લીધું હતું, તેવી રીતે ભગવાન બુદ્ધદેવના આગ્રહથી નંદે પણ સંન્યસ્તવ્રત લીધું હતું. નંદ પણ આખરે સુંદરીના વિરહથી વ્યાકુળ થયો હતો. ભગવાન બુદ્ધે છેવટે નંદનો ઉદ્ધાર કર્યો હતો.