રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/ભદ્રા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← શીલવતી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
ભદ્રા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સરસ્વતી →


२५–भद्रा

દ્રા રાજનગરના સુપ્રસિદ્ધ શેઠ ગોભદ્રની પત્ની થતી હતી. ગોભદ્ર શેઠનું રાજ્યમાં ઘણું સારૂં માન હતું. ભદ્રા સુશિક્ષિત સન્નારી હતી. દંતકથા એવી છે કે એના જન્મ પૂર્વે જ એક જ્યોતિષીએ એની માતાના જન્માક્ષર જોઈને કહ્યું હતું જ કે, “આ સન્નારીના ગર્ભમાંથી અવતરનાર પુત્રી જેના ઘરમાં પરણીને જશે, તેના ઘરમાં ભદ્ર અર્થાત્ કલ્યાણજ થશે.” આ ઉપરથી એ બાલિકાનું નામ ભદ્રા પાડવામાં આવ્યું હતું.

ભદ્રા પરણીને સાસરે ગઈ. માતપિતાને ત્યાં મળેલી ઉચ્ચ કેળવણીને પ્રતાપે સાસરામાં તેણે સારી છાપ પાડી. એનું જીવન ધાર્મિક હતું, જૈન ધર્મનું આહિનક તે નિયમપૂર્વક કરતી.

યથાસમયે તેને ગર્ભ રહ્યો. ગર્ભાવસ્થામાં તેણે સ્વપ્નમાં શાળ અર્થાત્ ડાંગરનું ખેતર જોયું, ત્યાર પછી થોડા દિવસમાં એને પુત્ર અવતર્યો. ગોભદ્ર શેઠે તેનું નામ શાલિભદ્ર પાડ્યું. આઠ વર્ષની વયે તેને નિશાળે મૂક્યો. ત્યાં તે સકળ વિદ્યામાં પારંગત થયો, મોટા થતાં એનાં લગ્ન કરવામાં આવ્યાં. અનેક સ્ત્રીઓ પરણવાનો મોહ તો પ્રાચીનકાલમાં હિંદુ અને જૈનોમાં એકસરખોજ હોય એમ લાગે છે. નગરશેઠના પુત્રને એક સ્ત્રીએ ચાલે  ? બત્રીસ સુંદર સ્ત્રીઓ સાથે તેનાં લગ્ન કરવામાં આવ્યાં. ધનવૈભવની ખોટ તો હતી જ નહિ. તેમાં આ વનિતાવિલાસ ઉમેરાયો, એટલે શાળિભદ્ર શેઠ ભોગવૈભવમાં જીવન ગાળવા લાગ્યા.

પુત્ર મોટો થયો અને એણે ઘરનો તથા દુકાનનો વ્યવહાર સંભાળી લીધો, એટલે ગોભદ્ર શેઠે સંસારનો ત્યાગ કરીને દીક્ષા લીધી. સતી ભદ્રાએ પણ પતિની સાથેજ જવાનો અભિલાષ જણાવ્યો, પણ ગોભદ્ર શેઠે તેને પુત્રની સાથે રહેવા આગ્રહ કર્યો એટલે એ ઘરમાંજ રહી.

એક દિવસ કોઈ વેપારી રાજા શ્રેણિકના મહેલમાં રત્નકંબળ વેચવા ગયો અને સવા લાખ સોના મહોર એના મૂલ્યરૂપે માગી. રાજાનો જીવ ન ચાલ્યો એટલે વેપારી પાછો ફર્યો અને નગરમાં જઈને ભદ્રાદેવીને લાખ મહોરમાં વેચી આવ્યો. રાણી ચિલ્લણાને ખબર પડી કે રાજાએ વેપારીને પાછો કાઢ્યો છે. એને એવી રત્નકંબળનો અભિલાષ હતો, તેથી વેપારીને તેડાવી મંગાવ્યો. વેપારીએ કહ્યું કે, “મેં ભદ્રા શેઠાણીને એ વેચી દીધી છે.” રાણીએ પૂરેપૂરી કિંમત આપીને ભદ્રા પાસેથી એ રત્નકંબળ ખરીદી લાવવા નોકરને મોકલ્યો તો ભદ્રાએ જણાવ્યું કે, “મે એ સોળ કંબળના ૩૨ કકડા કરીને મારી ૩૨ વહુઓને આપી દીધા હતા અને વહુઓએ હાથપગ લૂછીને એ કકડા ફેંકી દીધા છે જરૂર હોય તો એ કકડા કંઈ પડ્યા હશે, ત્યાંથી ઉપાડી જાઓ.’ નોકરે એ વાત જઈને રાજા તથા રાણીને જણાવી. શેઠશાહુકારો આટલો બધો વૈભવ ભોગવે છે, પૈસો એમને માટે પાણીથી પણ તુચ્છ છે એ જાણીને રાજાને આશ્ચર્ય થયું અને શાળિભદ્રને જોવાની તેને ઈચ્છા થઈ. રાજાએ શાળિભદ્રને બોલાવવા માણસ મોકલ્યો; પણ ભદ્રાએ કહેવરાવ્યું કે, “મારો પુત્ર કોઈને ઘેર જતો નથી. મહારાજા સાહેબ જાતેજ મારા ઘેર પધરામણી કરીને મારૂં ઘર પવિત્ર કરે એવી મારી પ્રાર્થના છે.”

રાજાએ આમંત્રણ સ્વીકાર્યું અને ભદ્રાએ પ્રસંગને છાજે એવી રીતે રાજમાર્ગ તથા પોતાના મહેલને શણગાર્યો. ઘણી ધામધૂમપૂર્વક રાજાનો સત્કાર કરી ચોથે માળે એક મૂલ્યવાન સિંહાસન ઉપર રાજાને પધરાવ્યા.

શાળિભદ્ર એ સમયે પણ સાતમે માળે બેઠો હતો. માતાએ જઇને તેને બોલાવ્યો અને રાજાના આવ્યાની ખબર કહી. તેણે કહ્યું: “તેની પાસે જે કાંઈ વેચવાનું હોય તે ખરીદી લો.’ ભદ્રાએ કહ્યું: “ભાઈ એ વેપારી ન હોય, એ તો મગધ દેશના રાજા આપણા માલિક શ્રેણિકરાજ છે અને તને મળવા આવ્યા છે.” શાલિભદ્રને આજે ભાન થયું કે એને માથે પણ કોઈ ધણી છે. એ સ્વતંત્ર નથી. ઈંદ્રપુરી સમાન વૈભવનો સ્વામી હોવા છતાં પણ એ પરાધીન છે. એ ક્ષણેજ એના ચિત્તમાં વૈરાગ્ય ઉત્પન્ન  થયો અને દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો.

માતાની સલાહ માની રાજાને મળીને એ થોડી વારમાં ઉપર ગયો. ભદ્રાએ રાજાનો આદરસત્કાર બહુ સારી રીતે કર્યો. ભાતભાતનાં ભોજન જમાડ્યાં. ઊંચી જાતનાં વસ્ત્રાલંકાર નજરાણામાં ધર્યાં. રાજા પ્રસન્ન થતો અને પોતાના રાજ્યમાં આવા શેઠ તથા આવી વિદુષી અને કુશળ ગૃહિણીઓ વસે છે તે માટે અભિમાન ધરાવતો રાજમહેલમાં પાછા ગયો.

શાળિભદ્રે ઘરબાર ત્યજી દીક્ષા લીધી. પુત્રના હૃદયનો ઉગ્ર ભાવ સમજી જઈ ભદ્રાએ પુત્રને એ માર્ગે જવા રજા આપી. ભદ્રાના જમાઈએ પણ એજ સમયમાં દીક્ષા ગ્રહણ કરી.

પુત્ર તથા જમાઈના ગૃહત્યાગ પછી ભદ્રાએ ધર્મસાધના અને ચિંત્વન તથા ધ્યાનમાંજ આયુષ્ય ગાળ્યું. પાછળથી એણે પણ વૈરાગ્ય આણીને મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધી. સાધ્વીરૂપે અનેક નગરો તથા ગામમાં વિચરીને તેણે સ્ત્રીઓને ધાર્મિક જીવન ગાળવાનો બોધ આપ્યો હતો અને તપશ્ચર્યાપૂર્વક સંયમી જીવન ગાળી તે સ્વર્ગે સિધાવી હતી.